ajanyo shatru - 20 in Gujarati Fiction Stories by Divyesh Koriya books and stories PDF | અજાણ્યો શત્રુ - 20

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

અજાણ્યો શત્રુ - 20

છેલ્લે આપણે જોયું કે રાઘવ અને મેરી વચ્ચે યોજના માટે વાતચીત થાય છે અને તે બન્ને સાથે કામ કરવા માટે સંમત થાય છે. મેરી મિલીને પણ પોતાની સાથે કરી લેવાની રાઘવને ખાતરી આપે છે.

હવે આગળ........

******

દિવસ હજુ ઉગ્યો નહતો, પણ પૂર્વ દિશામાં સૂર્યદેવનાં આગમનની છડી પોકારાતી હોય એમ લાલાશ પડતો કેસરી અજવાસ ફેલાઈ ગયો હતો. રાતની અંધકાર ભરી ઉંઘમાંથી શહેર હવે ધીરે ધીરે જાગી રહ્યું હતું. રાઘવ છેલ્લા કલાકથી હર્બિનનાં મુખ્ય બજાર પાસે કોઈની વાટ જોતા ઉભો હતો. રાઘવ એ વ્યક્તિને ઓળખતો તો નહતો, વાઈટ શર્ટ અને જમણા હાથમાં કાંડાથી કોણી સુધી ૐ નું ડિઝાઇનનર ટેટૂ. એટલી જ ઓળખાણ હતી રાઘવ પાસે એ વ્યક્તિની.

ઘડિયાળમાં જોતા જ તેના કપાળે વહેલી સવારની ઠંડકમાં પણ પરસેવો આવી ગયો. તેની આંખો એક અંજાન ભય ડોકાતો હતો, જેને છુપાવવા તે વારેઘડીએ આમથી તેમ જોઈ રહી હતી. દિવસ હવે માથે ચડતો જતો હતો, લોકોની આવાજાહી પણ વધી રહી હતી અને ટ્રાફિક પણ. એવું નથી કે ટ્રાફિકની સમસ્યા ખાલી ભારતમાં જ છે, આખી દુનિયાના આજ હાલ છે. તેને હજુ ત્રણ કિલોમીટરનું અંતર કાપવાનું હતું, પણ તેની કાર ગોકળગાય કરતાં પણ ધીમી ગતિએ આગળ વધી રહી હતી. કદાચ આગળ કોઈ એક્સિડન્ટ થયો હતો. જેના કારણે એક તરફનો સંપૂર્ણ રોડ બ્લોક થઈ ગયો હતો.

બાજુમાં પડેલી બેગ પર નજર પડતાં જ તેના શરીરમાંથી ધ્રુજારી પસાર થઈ ગઈ. એક તો તે પહેલાંથી જ સમય કરતાં અડધો કલાક મોડી હતી અને તેમાં પણ આ ટ્રાફિક. પણ કદાચ નસીબ હજુ તેની સાથે હતું. થોડા આગળ જવા પર તેને એક કાચો રસ્તો દેખાયો, જે નજીકના ગામડામાં થઈ સીધો તેની મંજિલ તરફ જતો હતો.

રાઘવ હવે કંટાળ્યો હતો. તેના અહીં આવ્યાને ખાસ્સી વાર થઈ હતી. હવે બજાર પણ ખુલવા માંડી હતી અને લોકોની અવરજવર પણ વધી હતી. હવે વધારે વાર અહીં રોકાવામાં ભલાઈ નહતી. પણ તે જે કામ માટે આવ્યો હતો, તે પૂરુ કરવું પણ જરૂરી હતું. રાઘવે વધુ દસ-પંદર મિનિટ વાટ જોવાનું નક્કી કર્યું. જો એટલી વારમાં પણ કોઈ ન આવે તો પોતે અહીંથી ચાલ્યો જશે એમ રાઘવે મનોમન નક્કી કર્યું.

તેણે કાર બજારથી થોડા દૂર ઉભી રાખી. કારની પાછલી સીટ પર પડેલા પર્સમાંથી ૐ નું ટેમ્પરરી ટેટૂ કાઢી જમણા હાથ પર ચોંટાડી દીધુ. કારના અરીસામાં પોતાની પાછળ કોઈ નથી, એવી ખાતરી કરી લીધા પછી કારની ચાવી કારમાં જ રહેવા દઈ તે નીચે ઉતરી. ચેહરા પરનો પરસેવો છેલ્લી વાર લૂઈ કાળા મોટા ગોગલ્સ ચડાવી તે ઝડપથી ચાલતી થઈ.

તેને કોને મળવાનું છે? એ તો ખબર નહતી. પરંતુ ભીડમાં તે અલગ તરી આવશે. એટલું જ કહેવાયું હતું. તેને દુરથી રાઘવને જોયો. આટલા લોકોની ભીડમાં પણ તે અલગ તરી આવતો હતો. તે ઝડપથી રાઘવ તરફ ચાલવા લાગી.

રાઘવ ઉભો હતો એ જગ્યાએ લોકોની અવરજવર વધી હતી, પણ ભીડ કહી શકાય એટલી નહતી. રાઘવની નજર પણ તેના પર પડી. વાઈટ શર્ટ અને જમણા હાથ પર કાંડાથી કોણી સુધીનું ડિઝાઇનર ૐ નું ટેટૂ. રાઘવના મનમાં હાશ! થઈ. મોડા તો મોડા તે વ્યક્તિ આવી ખરી. રાઘવ પણ તેની દિશામાં ચાલતો થયો.

બન્ને સામસામે આવી નજીકથી પસાર થયા અને એજ ક્ષણવારમાં રાઘવને પેલી વ્યક્તિને બેગ સોંપી દીધું. તેમને હવે જીંદગીમાં ક્યારેય મળવાનું નહતું. ફ્કત રાઘવ કે પેલી વ્યક્તિ નહીં, પણ તેમના જેમ કામ કરનારા બધા લોકોની જીંદગી આવી જ હતી. કોઈ પોતાનું નહીં, કોઈ પરાયું નહીં. સાથે હોય ત્યાં સુધી જ સાથ. પછી ક્યારેય પાછુ વળી જોવાનું નહીં.

પરંતુ નસીબના ખેલ નિરાલા છે. એને કોણ જાણી શક્યું છે. રાઘવને પણ એ વ્યક્તિ વિશે વધારે જાણવું હતું. પણ એ શક્ય નહતું. પણ ભગવાનને તેના મનની વાત સાંભળી લીધી હોય એમ આગળ રસ્તા પર ઢોળાયેલા પાણીમાં પેલી વ્યક્તિનો પગ અચાનક સ્લીપ થયો. તે લપસી પડી. કદાચ પગમાં થોડું ઘણું વાગ્યુ પણ હતું.

તેની ચીસથી રાઘવે પણ પાછળ વળી જોયું. આજુબાજુના લોકો આવી ગયા હતા. પોતાનું કંઈ કામ નહતું, છતાં રાઘવ રોકાઈ ગયો. પેલા ટોળામાં શામેલ થયો. રાઘવે એ વ્યક્તિને ઉભા થવા માટે હાથ લંબાવ્યો. તેના પગમાં મૂંડ ઘા લાગ્યો હતો, તેથી બરાબર ચલાતું નહતું.

"એને અહીં લઈ આવવાની શું જરૂર છે ?" વિલાના બગીચામાં વિરાજ કોઈ સાથે ફોન પર વાત કરતો હતો. આટલા દિવસોમાં પહેલી વાર તેણે આટલા ઉંચા અવાજે કોઈ સાથે વાત કરી હતી. વિરાજનો ઉંચો થયેલો અવાજ સાંભળી જેક અને ત્રિષા પણ અંદરથી દોડી આવ્યા.

"શું થયું? "જેકે આવત વેત પ્રશ્ન કર્યો.
" કંઈ નહીં...! "વિરાજે વ્યગ્ર મને સ્વગત બબડતો હોય તેમ જવાબ આપ્યો.

જેક અને ત્રિષા બન્ને પારખી ગયા કે નક્કી કંઈ બનવાનું બની ગયું હતું અથવા બનવા જઈ રહ્યું હતું. જેને રોકવામાં વિરાજ અસમર્થ હતો. ત્રિષાને એકવાર તો વિચાર આવી ગયો કે રાઘવને તો કંઈ થયું નહીં હોય ને? કદાચ તે પકડાઈ ગયો હોય અથવા મૃત્યુ.....
ના, મનમાં જ એની ચીસ નીકળી ગઈ.. આવું ના થઈ શકે. તેને બીજી જ ક્ષણે વિચાર આવ્યો કે વિરાજ કોઈને અહીં લાવવાની વાત કરતો હતો, માટે રાઘવને કંઈ થયું હોય નહીં.

સામે તેના દિમાગે દલીલ કરી, જેને લઈ આવનાર છે, એ રાઘવ પણ હોય શકે? તેમનો બીજો કોઈ માણસ ઘાયલ રાઘવ અથવા તેના મૃત શરીરને લઈ અહીં આવતો હોય અને પકડાઈ જવાની બીકે વિરાજે તેને અહીં લઈ આવવાની મનાઈ કરી હશે? આમ પણ ટ્રેનિંગ દરમિયાન રાઘવના મુખે ઘણીવાર સાંભળ્યું હતું કે, એ લોકો માટે મિશન જ બધું હોય છે. આ કોઈ આર્મી કે સેના નહતી, જેના શહીદ જવાનને મૃત્યુ પછી સમ્માન મળે. દેશ તેમના માટે આંસુ સારે. ઘણીવાર તો મૃત્યુ પામ્યા પછી સાથીઓ જ દેહને ઓળખાય નહીં એવો કરી નાંખે. કદાચ મજબૂરી હતી તેમની પણ....

ત્રિષા વધારે વિચારી નહતી શકતી, તે ઉભી હતી ત્યાં જ મકાનમાં દાખલ થવાના પગથિયા પર બેસી ગઈ. જેક પણ મુંઝવણમાં હતો. શું થયું? એ તેને ખબર નહતી,માટે આગળ શું કરવું? એ પણ સમજાતું નહતું.

એ લોકો એમજ એની એ પરિસ્થિતિમાં પાંચ - સાત મિનિટ રહ્યા હશે, ત્યાં વિલાના ગેટમાંથી એક કાર અંદર દાખલ થઈ ત્રિષા બેઠી હતી ત્યાં આવી ઉભી રહી. ત્રિષાએ જોયું તો રાઘવ તેમાંથી ઉતર્યો. તે સાજો સારો હતો. ત્રિષા દોડીને રાઘવને ભેટી, રોવા લાગી. આટલા સમયથી રોકી રાખેલા આંસુ વહી નીકળ્યા.

વિરાજ પણ બગીચામાંથી ઉભો થઈ કાર પાસે આવ્યો. વિરાજ અને જેક ત્રિષાને જોઈ રહ્યા. આ પહેલા તેણે કદી આવું વર્તન નહતું કર્યું. રાઘવ હજુ એવો ને એવો સ્વસ્થ હતો. તેણે ત્રિષાને પોતાનાથી અળગી કરી, પણ ત્રિષા વધુ ભીંસ દઈ રાઘવને વળગી ગઈ. રાઘવે ઇશારાથી જ વિરાજને ત્રિષાને પકડવા કહ્યું. રાઘવે ફરી તેને પોતાનાથી અળગી કરી. આ વખતે તે ફરી રાઘવને ભેટે એ પહેલાં જ વિરાજે તેને પકડી લીધી. વિરાજની મજબૂત પકડ પોતાના હાથ પર મહેસૂસ થતાં જ ત્રિષા જાણે ભાનમાં આવી હોય એમ, ઢીલી ઢફ થઈ ચુપચાપ એકતરફ ઉભી રહી ગઈ.

રાઘવે કારની બીજી તરફનો દરવાજો ખોલી,તેના સાથે આવેલી વ્યક્તિને હાથના સહારે કારની બહાર આવવામાં મદદ કરી. વિરાજને તેને જોઈ ફરી એકવાર ગુસ્સો આવ્યો. રાઘવ તે વ્યક્તિને ઉંચકી વિલાની અંદર લઈ ગયો. તેમની મદદ માટે રહેલી યુવતીને પેલી વ્યક્તિને પાણી અને કંઈ દવા હોય તો આપવા કહ્યું.

વિરાજે ઇશારાથી જ રાઘવને અંદરના બીજા રૂમમાં આવવા કહ્યું. રાઘવ અને વિરાજની પાછળ જેક પણ તે કમરામાં પહોંચી ગયો. ત્રિષા આજે પહેલી વાર વગર બોલાવ્યે જેકની પાછળ જ કમરામાં દાખલ થઈ. રાઘવ, વિરાજ અને જેક તેને જોઈ રહ્યા. એ ત્રણેયને ત્રિષાનું વર્તન સમજાતું નહતું. આગલી જ રાત્રે મિલીના ફ્લેટ પર જવાના સમયે તેણે જે રીતે ચાલાકી પૂર્વક વાતો કરી હતી અને હમણા થોડીવાર પહેલાંના તેના વર્તનમાં જમીન આસમાનનો ફરક હતો.

આ વખતે કોઈએ તેને બહાર જવા કહ્યું નહીં. પરંતુ વિરાજ હજુ રાઘવને કંઈ કહે એ પહેલાં જ ત્રિષા બોલી, "કોણ છે, એ છોકરી...? અહીં કેમ આવી?... અને તમે તેને ઉંચકી કેમ?"

ત્રિષાના પ્રશ્નો સાંભળી જેક અને વિરાજે એકબીજા સામે જોયું અને આટલી ગંભીર પરિસ્થિતિમાં પણ બન્ને ને હસવું આવી ગયું. કેમકે આવા બનાવો તેમની સાથે ભૂતકાળમાં બની ગયા હતા. જેકને અત્યારે ત્રિષામાં મિલી અને વિરાજને એ પાકિસ્તાની છોકરી આસિફા નજર આવી ગઈ.

રાઘવ કંઈ બોલ્યો નહીં. ત્રિષાએ જેક સામે જોયું, એ પણ બિલકુલ શાંતિથી ઉભો હતો. તે વિરાજ સામે જોવે એ પહેલાં જ વિરાજે રાઘવને પૂછી લીધું, "એ છોકરીને અહીં કેમ લાવ્યો?"

રાઘવ બે ઘડી તો એમજ ઊભો રહ્યો, પછી ત્રિષા સામે એવી રીતે જોયું કે જાણે તેની હાજરીમાં એ કંઈ કહેવા માંગતો નહતો. વિરાજ તેની આ ચેષ્ટા પામી ગયો. વિરાજે રાઘવને કહ્યું, "એ ભલે અહીં રહી. તું વાત કર."

વિરાજની વાત સાંભળી ત્રિષાને મનમાં હાશ થઈ. કેમકે આજે એટલા દિવસોમાં પહેલી વાર કોઈ તેના પક્ષે બોલ્યું હતું, એ પણ વગર કહ્યે.

"એ રસ્તામાં પડી ગઈ હતી, મને લાગ્યું કદાચ વધારે વાગ્યુ હોય અને હોસ્પિટલમાં જાય અને પકડાઈ જાય તો મુસીબત થાય. એટલા માટે.... "રાઘવે શાંતિથી જવાબ આપ્યો.

" પણ તે પકડાઈ કેમ જાય? "જેકે પ્રશ્ન કર્યો. ત્રિષા પણ એજ પૂછવા માંગતી હતી. પરંતુ જેક તેની પહેલાં બોલી ગયો.

" કેમકે..... "રાઘવ જવાબ દેવા ઈચ્છાતો ના હોય તેમ વાત અધુરી જ છોડી રૂમની બહાર નીકળી ગયો.

વિરાજ કદાચ સચ્ચાઈ જાણતો હતો, માટે પહેલાની જેમ જોર આપ્યા વિના જ રાઘવની પાછળ પાછળ જ રૂમની બહાર નીકળી ગયો. ત્રિષા અને જેક એકબીજાને તાકતા રહી ગયા.

********

તે યુવતી કોણ હતી? એ રાઘવને મદદ કેમ કરતી હતી? તે કોના માટે કામ કરતી હતી? તેના બેગમાં શું હતુ? જે રાઘવને આપ્યું હતું. જાણવા માટે વાંચતા રહો 'અજાણ્યો શત્રુ'.

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિંદ.