પવિત્ર પ્રેમના વમળમાં પગરવ કરી ચુકી હતી મીરાં,
રોજની મુલાકાત થકી 'પ્રેમદિવાની' બની ચુકી હતી મીરાં.
મીરાંએ પોતાના મનની બધી જ લાગણી એની બેનને જણાવી પોતાનામાં જે વલોપાત થતો હતો એને થોડો શાંત કર્યો હતો. મીરાંની વાત સાંભળી બેન ની હાલત કફોડી બની ગઈ હતી, છતાં મીરાંને સાંત્વના આપવાનો પ્રયાસ કરતી હતી.. એ મીરાં માટે પાણી લાવે છે અને એને કહે છે કે, 'તું ભૂલથી પણ ક્યારેય અમન ની સમક્ષ આ વાતની કબૂલાત ન કરજે, મમ્મી ક્યારેય આ વાત માન્ય ન જ રાખે.' ઓછા શબ્દોમાં બહુ બધું બેને મીરાંને જણાવી દીધું હતું.
મીરાં બેન ને કોઈ જ પ્રતિઉત્તર આપતી નથી. એ તકિયા પર માથું ઊંધું કરીને ચુપચાપ રડતા રડતા ઊંઘી ગઈ હતી.
એને ક્યારે ઊંઘ આવી એ પણ એને ખબર નહોતી, પણ સવારે મમ્મીના સાદ થી એ ઉઠી હતી. મીરાંના ચહેરા પર રાતની વેદનાની છાપ ઉપસી આવી હતી પણ મમ્મી કામમાં વ્યસ્ત હોવાથી એમની નજર મીરાં પર પડી નહોતી. મીરાં તુરંત તૈયાર થઈને સ્કૂલ જવા માટે બેન સાથે ઘરેથી નીકળે છે. એ રસ્તામાં ૨ મિનિટ મંદિરે દર્શન કરવા ઉભી રહે છે. આજ પ્રભુ સમક્ષ પણ એ પોતાના આંખના આંસુ છુપાવી શકી નહીં, એ કોઈ જ પ્રાર્થના કર્યાં વગર જ ત્યાંથી ફટાફટ નીકળી જાય છે.
મીરાંનું આજ સ્કૂલમાં પણ સરખું ધ્યાન નહોતું રહેતું. ૨/૩ શિક્ષકોનો પણ તેને ઠપકો પડ્યો હતો. આ ઓછું હતું તે પ્રિન્સિપાલની સૂચના આવી કે ૯માસિક પરીક્ષા આવતા સોમવારથી ચાલુ થશે. મીરાંના મનમાં વીજળી સમાન કડાકો પડી ગયો. મનના ઉત્પાતમાં એ હમણાં સરખું ભણી પણ નહોતી શકતી, અને પરીક્ષા.... મીરાં થી એક ઊંડો નિઃસાસો છૂટી ગયો.
મીરાં સ્કૂલથી છૂટતી વખતે ફરી મંદિર ગઈ હતી, આ વખતે એણે ફક્ત દર્શન જ ન કર્યાં પણ પ્રાર્થના પણ કરી કે, 'હે ભગવાન અમનને જલ્દી ઠીક કરો કે જેથી એ પરીક્ષા આપી શકે.'
મીરાં અમનને મળવા હોસ્પિટલ પણ ગઈ હતી. અમન જયારે મીરાંને જોવે છે એ તરત એનો ચહેરો વાંચી લે છે, એણે તરત પૂછ્યું કે, 'શું થયું તને મીરાં?'
દોસ્ત પ્રેમને ક્યાં કોઈ શબ્દોની જરૂર પડે છે?
બસ, નજર મળે અને પરિસ્થિતિની છાપ દિલમાં પડે છે...
અમનના પ્રશ્નએ મીરાંને ચોંકાવી દીધી હતી. એ મનમાં જ વિચારી રહી આજનો આખો દિવસ પૂરો થવા આવ્યો પણ કોઈએ કઈ જ પૂછ્યું નહીં અને અમન એક જ નજરમાં મને સમજી ગયો!
તારો મારા માટેનો અહેસાસ જ મને સ્પર્શી જાય છે,
ઈચ્છા વિરુદ્ધ મન તારા વિચારોમાં જ દોડી જાય છે!
અમનના ફરી એજ પ્રશ્ને મીરાંની વિચારધારા તોડી અને એ બોલી કે, 'સોમવારથી પરીક્ષા ચાલુ થશે એટલે થોડી ચિંતા થવા લાગી કે કેમ બધી તૈયારી પુરી કરીશ?'
અમનને મીરાંનો જવાબ ગળે ન ઉતર્યો પણ મીરાંએ કીધું એટલે એજ કારણ સાચું જ હોય એમ અમને સ્વીકાર્યું.
પ્રેમમાં ખુબ આસ્થા વધી રહી છે,
સ્વ થી વિશેષ તું બની રહી છે,
તું જ જીવનની ખેવના રહી છે,
શ્વાસમાં હવે તું જ શ્વસી રહી છે,
દોસ્ત! બસ, તારા એકરારની જ હવે રાહ રહી છે...
મીરાં પણ અમનના હાવભાવ સમજી જ ગઈ હતી. મીરાં માટે હવે અમન તરફનું ખેંચાણ વધી રહ્યું હતું. મીરાંને તરત તેની બેનના શબ્દ યાદ આવે છે આથી તે અમનને કહે છે, 'અમન પરીક્ષાની તૈયારી કરવાની હોવાથી હું કાલથી અહીં નહીં આવું, હવે પરીક્ષા પતે પછી જ હું અહીં આવીશ.'
અમનને તો મીરાં જે કહે એ બધું જ મંજુર જ હતું એ નિખાલસ જતાવતા બોલ્યો, 'પરીક્ષા પછી તો તું આવીશ ને મીરાં?'
અમનના એક એક શબ્દ મીરાંના મનને સ્પર્શી જતા હતા. મીરાં ખુશ થાય કે દુઃખી એજ એ સમજી શકતી નહોતી. મીરાંએ ફક્ત માથું હલાવી અમનની વાતને હામી ભરી હતી.
ખુદને પ્રેમના એકરારથી દૂર રાખતી હતી મીરાં,
સમય સાથે કેમ તાલમેલ કરશે 'પ્રેમદિવાની' મીરાં?
શું મીરાં પરીક્ષાનો સામનો સારા ગુણ લાવી કરી શકશે?
મીરાં અને અમન વચ્ચેનું અંતર શું અહેસાસ લાવશે બંનેના મનમાં?
જાણવા વાંચતા રહો 'પ્રેમદિવાની' ..