padchhayo - 13 in Gujarati Horror Stories by Kiran Sarvaiya books and stories PDF | પડછાયો - ૧૩

Featured Books
Categories
Share

પડછાયો - ૧૩

કાવ્યાની સાથે અજીબ ઘટના બની હતી. તે રસોડામાં પાણીનો જગ ભરવા ગઈ ત્યાં ફ્રીઝની ઉપર રહેલાં ડબ્બામાંથી તેની ઉપર છાશ ઢોળાઈ ગઈ અને આખી
છાશથી લથપથ થઈ ગઈ. ત્યાં જ તેની પાછળ પડછાયો આવી ગયો અને કાવ્યા તેને જોઈને ડરી ગઈ અને ચિલ્લાવા લાગી. તેનાં અવાજથી બન્ને મમ્મીઓ ત્યાં આવી ગયાં અને તેને સંભાળી બેડરૂમમાં લઈ ગયાં અને તેને નહાવા મોકલી દીધી. પછી કાવ્યા નાહી ધોઈને બહાર આવી ત્યારે બન્ને મમ્મીઓ તેની પાસે જ બેઠી રહી અને તેને માથે હાથ ફેરવી સૂવડાવી દીધી.

આ બાજુ પડછાયો પણ કાવ્યાને લઈ જવાનું મૂડ બનાવીને બેઠો હતો. તે ધીમે પગલે કાવ્યા ના રૂમ તરફ આવ્યો. રૂમની બહાર ઊભા રહી તેણે હાથ વડે ઈશારો કર્યો અને બારણું ધડાકાભેર તૂટીને ખુલી ગયું. રસીલાબેન અને કવિતાબેન ડરી ગયાં અને દરવાજા તરફ જોવા લાગ્યા.

કાવ્યા પણ નિંદરમાંથી જાગી ગઈ અને દરવાજા તરફ જોવા લાગી. દરવાજા તરફ નજર જતાં જ તેણે ત્યાં પડછાયાને ઊભેલો જોયો. તેને જોઈને જ તેણે જોરથી ચીસ પાડી અને પાસે બેઠેલા તેના મમ્મી કવિતાબેનને વળગી ગઈ અને રડવા લાગી.

કવિતાબેન કાવ્યાને માથે હાથ ફેરવવા લાગ્યા અને કાવ્યાને શાંત કરવા લાગ્યા. રસીલાબેન પણ કાવ્યાને શાંત કરવા લાગ્યા પણ કાવ્યા તો વધુ ને વધુ ડરવા લાગી અને ડરની મારી ધ્રુજવા લાગી હતી અને બોલવા લાગી, "મમ્મી, ત્યાં પડછાયો છે મમ્મી.. તે મને મારી નાખશે મમ્મી બચાવો મને.."

પડછાયો આ બધું જોઇ જોરજોરથી હસવા લાગ્યો. કાવ્યા તેનો અવાજ સાંભળી વધુ ધ્રુજવા લાગી અને કવિતાબેનની પાછળ જઈને સંતાવાનો નાકામ પ્રયાસ કરવા લાગી. પડછાયો વધુ ને વધુ હસવા લાગ્યો અને કાવ્યા વધુ ને વધુ ડરવા લાગી. કવિતાબેન અને રસીલાબેન તો બસ કાવ્યા તરફ જ જોઈ રહ્યા હતા કેમકે તેમને પડછાયો દેખાઈ જ નહોતો રહ્યો કે ન તો તેના હસવાનો અવાજ સંભળાઈ રહ્યો. તેઓ પણ ડરી ગયાં હતા.

એકાદ મિનિટ સુધી કાવ્યાને આમ ડરાવ્યા બાદ પડછાયો કાવ્યાની તરફ આગળ વધ્યો પણ તેનાં આશ્ચર્ય વચ્ચે બેડથી એક ફૂટ દૂરથી જ તેને જોરદાર ઝટકો લાગ્યો અને તે દૂર ધકેલાઈ ગયો. તેણે ફરી પ્રયત્ન કર્યો પણ ફરી પાછો તે દૂર ધકેલાઈ ગયો. કાવ્યાને આ જોઈ થોડી રાહત થઈ અને તેણે તેના મમ્મી અને સાસુને આ જણાવ્યું તો તેમને પણ નવાઇ લાગી કે આમ કેવી રીતે થઈ રહ્યું છે.

ત્યાં જ પડછાયો બોલ્યો, " કાવ્યા, હું તારા સુધી નથી પહોંચી શકતો એનું કારણ અમન અને તારો પ્રેમ છે અને એમાં તારા માતાજીની કૃપા પણ છે." આ સાંભળી કાવ્યાને ઘણી બધી રાહત થઈ. તેણે આ વાત તેના મમ્મી અને સાસુને જણાવી. તેઓ આ સાંભળી ખુશ થઈ ગયા અને પડછાયો ઝંખવાણો પડી ગયો.

પડછાયો હવે ગુસ્સે ભરાયો અને એણે હાથ વડે ઈશારો કર્યો જાણે એ કોઈને પકડતો હોય અને કાવ્યા જોરથી ચીસ પાડી ઉઠી. રસીલાબેન અને કવિતાબેન કાવ્યા તરફ જોવા લાગ્યા કે એને શું થયું. ત્યાં કાવ્યા એક ઝાટકા સાથે પગ તરફથી ખેંચાઈને બેડ પરથી નીચે પટકાઈ ગઈ. એકાદ ઘડીમાં જ આ બની ગયું આથી કોઈ કશું જ સમજી ના શક્યું.

કાવ્યાને થોડી વાર પછી સમજાયું કે પડછાયાએ જ તેને હાથનાં ઈશારાથી પકડીને નીચે પટકી છે. તે એકદમ ડરી ગઈ અને જોરજોરથી ચિલ્લાવા લાગી. કવિતાબેન અને રસીલાબેન બેડ પરથી નીચે ઉતરીને કાવ્યા તરફ જવા માટે ગયા એ પહેલાં જ પડછાયા એ ફરી વાર હાથ વડે ઈશારો કર્યો અને કાવ્યા પગ તરફથી ખેંચાઈને જમીન પર ઢસડાવા લાગી.

પડછાયો આગળ ચાલી રહ્યો હતો અને કાવ્યા તેની પાછળ ઢસડાઈ રહી હતી અને જોરજોરથી ચીસો પાડવા લાગી અને પડછાયાની અદ્રશ્ય પકડમાંથી છૂટવા માટે તરફડીયા મારવા લાગી. પણ આ તો અદ્રશ્ય પકડ હતી જે કાવ્યાને તેના પગ પર બસ મહેસુસ થઇ રહી હતી. પણ હાથમાં નહોતી આવી રહી. રસીલાબેન અને કવિતાબેન કાવ્યાની પાછળ તેને પકડવા માટે દોટ મૂકી પણ પડછાયાની ઝડપ આગળ તેમનું કંઈ ના ચાલ્યું.

પડછાયો કાવ્યાને હોલમાં લાવી સીડીઓ તરફ લઈ ગયો. પોતે આગળ અને કાવ્યા પાછળ ઢસડાઈને સીડીઓ પર જઇ રહી હતી ‌. કાવ્યા પાછળ ફરીને તેના મમ્મીને ઉદ્દેશીને બોલી, "મમ્મી, બચાવો મને પ્લીઝ મમ્મી..." કાવ્યાએ સીડીની ગ્રીલ પકડીને ત્યાંજ રોકાઈ જવા પ્રયાસ કર્યો પણ પડછાયાએ એક જોરદાર ઝટકા સાથે કાવ્યાને ખેંચી લીધી અને ઢસડીને છત પર લઈ ગયો.

કવિતાબેન અને રસીલાબેન પણ કાવ્યાની પાછળ જ દોડી રહ્યા હતા. કાવ્યા એ છત પરનો દરવાજો પકડીને ફરી વાર રોકાઈ જવાનો પ્રયાસ કર્યો અને કવિતાબેન પણ ત્યાં પહોંચી ગયા હતા તો તેમણે કાવ્યાનો હાથ પકડી લીધો અને કાવ્યાને પોતાની તરફ ખેંચવા લાગ્યા. પડછાયાએ એ તરફ જોયું અને કાવ્યાને ફરીથી ઝટકો મારી છત પર ખેંચી લીધી અને દરવાજો જોરથી બંધ કરી દીધો. દરવાજો બંધ થતાંની સાથે જ કવિતાબેન સાથે અથડાયો અને કવિતાબેન નીચે પડવા ગયા ત્યાં રસીલાબેન જે હજુ ત્યાં પહોંચ્યા જ હતાં તેમની સાથે અથડાઈ ગયાં અને બંને સીડીઓ પર નીચે પડી ગયાં.

આ બાજુ કાવ્યા છત પર ખેંચાઈને પડી ગઈ હતી અને તેના હાથ પગ પર મૂઢમાર વાગ્યું હતું અને કેટલાંય ઉઝરડા પડી ગયા હતા અને અમુક જગ્યાએથી તો લોહી પણ નીકળી રહ્યું હતું. તે ઊભી થઈને દરવાજા પાસે જઈને દરવાજો ખોલવા ગઈ પણ દરવાજો ખુલ્યો જ નહીં આથી તેણે દરવાજા પર હાથ વડે મારવા લાગી અને તેના મમ્મી અને સાસુને બોલાવવા માટે ચીસો પાડવા લાગી. કેટલીય વાર સુધી દરવાજો ખખડાવ્યાં છતાં ના ખુલતાં તે ત્યાં જ નીચે ફસડાઈને બેસી ગઈ.

"કાવ્યા..." પડછાયો બોલ્યો.

કાવ્યા એ પાછળ ફરીને જોયું તો પડછાયો તેની એકદમ નજીક તેની સામે બેઠો હતો. કાવ્યા ઝડપથી ઊભી થઈને બીજી તરફ દોડી ગઈ પણ પડછાયો તેની સામે પ્રગટ થઈને ઊભો રહી ગયો. કાવ્યાની સામે અચાનક પડછાયો આવી જતાં તેણે પોતાની ઝડપ ઘટાડી અને ત્યાં જ ઊભી રહી ગઈ. પડછાયો તેની નજીક આવી બોલ્યો, "કાવ્યા, મારે તારી સાથે વાત કરવી છે પ્લીઝ સાંભળ એક વાર.."

કાવ્યા તો પડછાયાને સાંભળ્યો ના સાંભળ્યો કરીને ભાગી અને છતની પાળ પાસે આવી ગઈ. તે મનોમન વિચારવા લાગી કે હવે પોતે જીવિત નહીં રહે અને પડછાયો પોતાને મારી નાખશે. તે ત્યાં જ ઊભી રહી ગઈ અને રડવા લાગી. પડછાયો તેની પાસે ગયો અને કાવ્યા તેને પોતાની તરફ આવતો જોઈ પાછળ પાછળ ડગલાં ભરી ખસવા લાગી અને પાળ પર ચઢી ગઈ. પડછાયો કંઈ બોલવા જાય એ પહેલાં તો કાવ્યા પાળ પરથી બીજી તરફ નીચે પડી ગઈ અને તેનાં મોં માંથી જોરથી ચીસ નીકળી ગઈ. ચીસ સાંભળી રસીલાબેન અને કવિતાબેન છતના દરવાજા તરફ દોડ્યાં.

**********

વધુ આવતા અંકે