Fear in Gujarati Moral Stories by Abhijit Vyas books and stories PDF | દહેશત

Featured Books
Categories
Share

દહેશત

દહેશત

- અભિજિત વ્યાસ

હમણાં કોરોના રોગ વિષે ખાસ્સું લખાયું. અનેક લોકોએ લખ્યું. અનેક લોકોએ "હું પણ કોરોના વોરિયર" લખેલા એમના ફોટાઓ મુકયા. પણ આ બધુ વાંચતા એક ગુજરાતી કહેવત યાદ આવી તે "મામલામાં ન હોય તે માટી". એટલે કે જેને અનુભવ ન હોય તેવી વાતો.

પણ મારે તો આજ એક દહેશતની વાત કરવી છે.

અનેક લોકોને કોરોના થયો. તે વિષે વાંચ્યું. અત્યંત અંગત સ્વજનનું અવસાન પણ એ કારણે થયું તે પણ જોયું. એવી એક વિડિઓ પણ જોય કે એક સાત - આઠ વર્ષના બાળકને કોરોના થયો હતો તેને લઇ જતા હતા ત્યારે તેની પાસે કોઈ નહોતું. માં-બાપ પણ નહિ. એ દ્રસ્ય આર્દ્ર કરી ગયું હતું. મેડિકલ - પેરામૅડિકલના અને અન્ય કેટલાકને તેના કારણે સહન કરવાનું પણ ખાસ્સું આવ્યું એ પણ વાંચ્યું. લોકોની સંવેદના વિષે શંકા થવા લાગી. પણ આ બધું ત્રાહિત વ્યકિતના સંદર્ભમાં હતું. પણ જયારે કોઈ અંગત વ્યક્તિને થાય ત્યારે શું થાય છે તે તો જાતે જ અનુભવું પડે.

મારી એક અંગત વ્યક્તિને અચાનક તાવ આવ્યો. પોતે પોતાની ખુબ કાળજી લેતો હોવા છતાં શરીરમાં કંઈક જુદું અનુભવાયું જે જગ્યાએ તે કાર્યરત હતો ત્યાં કેટલાક કર્મચારીને કોરોના થયો હતો તેને કારણે ઑફિસના મોટાભાગના કર્મચારીઓ ઘેર બેસીને કામ કરતા હતા. પણ ક્યારેક અસાધારણ સંજોગોમાં ઓફિસ જવું પડતું હતું. બાજુના ટેબલ પર બેઠેલાબેઠેલા કર્મચારીને જ કોરોના થયો હતો. બધી જ જાતની સાવચેતીઓ રાખવા છતાં શક્ય છે કે ઓફિસમાંથી ચેપ લાગ્યો હોય એમ બની શકે. "અ"એ તાવ આવ્યો એટલે ડોક્ટરનો સંપર્ક કર્યો. દવાઓ લખી આપી અને સારવાર શરુ થઇ. પણ ઓફિસમાંથી એવું નક્કી થયું કે કોરોનનો ટેસ્ટ તો કરવો રહ્યો. ઓફિસનો પૂરો સહકાર હતો. એમ કહેવામાં આવ્યું કે તું હવે ઘેર જ રહી આરામ કરજે. "અ"ને શંકા તો ગઈ કે આ ચિહ્નો કોરોનના હોય શકે. રાત્રે મને ફોન આવ્યો કે શરીરમાં આવું બધું થાય છે. તાવ આવ્યો છે. ઓફિસમાંથી ટેસ્ટ કરવા ઘેર જ આવશે. હવે અમારી દહેશતનો આરંભ થયો.

શું થશે? રિપોર્ટ કેવો આવશે? જો પોઝિટિવ આવશે તો શું? વગેરે અનેક વિચારો આવ્યા. મન ઢીલું થઇ ગયું. આંખમાં અશ્રુઓ આવી ગયા. પણ ચહેરો કડક રાખીને વાત કરી. કોઈને આશુંઓ દેખાવા દીધા નહિ. ઘણા લોકોને થાય છે અને મોટા ભાગના સજા થઇ જાય છે. એમ સારવારથી સારું થઇ જ જશે તેમ "અ"ને તથા ઘરના સૌને જણાવ્યું. આપણે એવું ઇચ્છીએ કે રિપોર્ટ નેગેટિવ આવે.

બીજા દિવસે ઓફિસના ડોક્ટરે વાત કરીને બધું તપાસ્યું. દવાઓ બધી બરાબર લેવાય છે તે પણ જોયું. અને ગળામાંથી અને નાકમાંથી સ્નોબ લઈને ટેસ્ટ માટે મોકલ્યા. કોરોનના ટેસ્ટનો રિપોર્ટ ચોવીસ કલાક બાદ આવે છે. એટલે હવે રાહ જોવી રહી. દરમ્યાન મારા એક મિત્ર ડોકટરનો મેં સંપર્ક કર્યો. જે ડોક્ટરનો સંપર્ક કરેલો તે ગુજરાતના એક બહુ સિનિયર ફાર્મેકોલોજિસ્ટ હતા. એમણે મને ખાસ્સો સમજાવ્યો .

વાહટસર્પથી પ્રિસ્ક્રિપ્શન મોકલ્યું. એમણે બધું જોઈને "અ" સાથે વાત કરી. ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલની માહિતી લીધી અને ચિંતા કરવા જેવું કઈ નથી તેમ કહ્યું. જે ટ્રીટમેન્ટ ચાલે છે એ બરાબર છે તેમ પણ કહ્યું. હવે રિપોર્ટ આવે તેની રાહ જોવા કહ્યું.

ત્રીજા દિવસે રિપોર્ટ આવ્યો. ઓફિસમાંથી ફોન આવ્યો કે તારો રિપોર્ટ પોઝિટિવ છે અને તું થોડી તૈયારી કરી લે અમે તને તેડવા આવીએ છીએ. તરત જ "અ"એ મને ફોન કરીને જણાવ્યું કે "મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને મને ઓફિસમાંથી હવે હોસ્પિટલ લઇ જશે તેમ લાગે છે." મારુ મન પણ અત્યંત ઢીલું થઇ ગયું. ઘરના સૌ ગંભીર થઇ ગયા. શું થશે હવે? એમ વિચારવા લાગ્યા.

પણ ઓફિસના ડોક્ટરે "અ"ને ફરી તપાસ્યો અને તેને ફક્ત કોરેન્ટાઇન કરવા કહ્યું. એટલે તેને હવે કોઈ હોટેલમાં ફેરવામાં આવશે તેમ લાગ્યું. આ બધી કાર્યવાહી ઓફિસ તરફથી થતી હતી એટલે શક્ય તેટલી શ્રેષ્ઠ સારવાર મળશે એવું પણ નક્કી હતું. પણ પછી "અ"ને ઘેર જ કોરેન્ટાઇન કરવાનું નક્કી થયું. "અ" સાથે હું સતત મોબાઈલથી સંપર્કમાં હતો. કઈ સુજતુ નહોતું. મનમાં અનેક વિચારો આવ્યા કરતા હતા.

ઓફિસ તરફથી જ બધી દવાઓ મોકલવામાં આવીએ. ટેમ્પરેચર અને ઓક્સિજન લેવલ સતત લેવાનું અને જણાવવાનું કહેવામાં આવ્યું. મારા મિત્ર ડોક્ટર પણ સતત મારી સાથે અને "અ" સાથે સંપર્કમાં હતા.

સારવાર શરુ થઇ. જે સોસાયટીમાં રહેતો હતો તે સોસાયટીનો પણ બહુ સારો સહકાર મળ્યો. સોસાઈટીના સેક્રેટરીએ વાત કરીને બહાર ન નીકળવા જણાવ્યું. તારે જે જોઈતું હોય તે જણાવજે. અમે તને બધી જ મદદ કરીશું. અડોસ પાડોસના લોકોએ પણ સારો સહકાર આપ્યો. પણ બધા ડરી ગયા હતા. ભાઈ, તું બહાર ન નીકળતો. તારે જે જોઈતું હશે તે માટે અમે બનતું કરીશું એમ પણ કહ્યું. "અ" જાણે રાતોરાત હીરો થઇ ગયો હોય તેમ બધા તેને જોવા લાગ્યા. તે બારી પાસે ખુલ્લી હવા માટે ઉભો હોય ત્યારે તો બધાની નજર તેના પર હોય. બધાનો સહકાર હતો છતાં બધાને ડર હતો કે ક્યાંક આપણને ચેપ ન લાગી જાય. સોસાયટીએ પણ એ માટે લેવી પડતી બધી કાળજીઓ લીધી. સરકારના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પણ તપસ માટે આવ્યા. હાથ પર સ્ટેપ માર્યો અને ઘરના દરવાજે નોટિસ મૂકી

ઓફિસના ડોક્ટર રોજ ખબર પુછાતા હતા. દવાઓ બરાબર લેવાવા લાગી. નાસ પણ બરાબર લેવા લાગ્યો. આમ સારવાર ચાલવા લાગી. પણ ગોળીઓને કારણે શરીરમાં દાહ જેવું લાગ્યા કરે. અશક્તિ અનુભવાય. દસ દિવસ આમ નીકળી ગયા અને ફરી રિપોર્ટ કરવાનો વારો આવ્યો.

ફરી રિપોર્ટ થયો ત્યારે નાકમાંથી "સ્નોબ" લેતા થોડો દુખાવો થયો. બીજે દિવસે રિપોર્ટ આવ્યો તેમાં લખ્યું હતું , "નોટ ડીટેક્ટેડ" એટલે કે રિપોર્ટ નેગેટિવ હતો. "અ"એ તરત જ એ અંગે જણાવ્યું. સોઉંને હાશકારો થયો.

પણ આ બધા દિવસો જે દહેશતમાં અમે ગાળ્યા છે તે અમારું મન જાણે છે. શું થશે તેવું મનમાં રહ્યા કરે. મગજથી એવું વિચારીયે કે બધું સારું જ થશે પણ મનમાં અનેક સંશયો આવ્યા કરે. અને આ બધું તો જે આ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય તેને જ અનુભવવા મળે. એને શબ્દોમાં ન વર્ણવી શકાય.

"અ"ની તબિયત હવે સારી છે. એણે કોરોનને હરાવ્યો છે. લડાઈ તો એણે એકલાએ લડી છે. પણ એ લડાઈના ઘાવ અંગત સૌએ અનુભવ્યા છે.

બીજાની વાત લખવી અને જાતે અનુભવવું એ બન્નેમાં ઘણો ફેર છે. બીજાની વાત લખી શકાય પણ અંગત સંવેદનાને કદાચ શબ્દોમાં કેટલી વ્યક્ત કરી શકાય એ કહેવું અત્યંત મુશ્કેલ છે. એટલે જ આજ એટલું જ.

મારા અમદાવાદના ડોક્ટર મિત્રનો મારી આ દિવસોમાં મારા માટે જે સદ ભાવ બતાવ્યો તે બાદલ ખુબ ખુબ ઋણી છું.