A poem story in Gujarati Short Stories by Bhavika Gor books and stories PDF | મૌન સંવાદ

Featured Books
Categories
Share

મૌન સંવાદ


એ જાણતા હશે ને! કોઈ સર્વગુણ સંપન્નને...
જે મને મારી ખામીઓ, ભુલવા જ નથી દેતાં!.
કે પછી એ પોતે જ હશે એવા...
જેમનાં થી કાંઈ કશું ક્યારેય ભુલાયુ જ નહીં હોય,
પ્રશ્ર્ન કરવાનો મન તો થઈ જાય છે ક્યારેક!...
પણ પાછો પોતાનો આડંબર સાચવવા...
કાંઈક ખોટી વાર્તાઓ ગોઠવશે!!...
એમ વિચારીને જ હું ટાળું છું...
થોડુંક ખોટું હસી...બસ હું મૌન પાળું છું...
બસ... હવે હું મૌન પાળું છું....

મારું પરિચય તો શું કહું!
નાનકડું મન અને મગજ પણ એટલું જ...
પોતાની દુનિયામાં જ હું મસ્ત છું,
અને નાની નાની ખુશીઓમાં જ ખુશ છું...
અરીસામાં ચાંચ મારી પોતાને શોધતો સવારનો પંખી...
કે સવારમાં જ ખીલેલું મારી બારી નજીકનું ફૂલ,
પ્રકૃતિને આટલી મગ્ન થઈને હું સવારથી જે ઝંખતી,
એ સાચ્ચું ક્યારેય બનશે!
એ આશા પણ થાય છે હવે ઝાંખી...

ના વધું કે ના બધું હું કાંઈ માંગુ છું!
મારાં પડખે છે એ પણ ક્યાં હું ઈચ્છું છું...
બસ એટલું જ છે...
કે જે કાંઈ મારી થોડી છે ખરાબ આદતો કે થોડું ઓછું જ્ઞાન...એ ચલાવી ના શકાય??

નથી મારાથી બધાથી કાંઈ બોલાતું,ખબર નહીં!
કદાચ ડરું છું..
નથી કોઈ કામ ઝડપથી થાતું,ખબર‌ નહીં!
પણ પ્રયત્ન હું કરું છું.
કોઈને નીચે પાડવું, કે એના રંગ કદ પર હસવું,
હા‌! નથી આવડતું!
વાત વગરની નિંદામાં નથી રસ જાગતો...
એક જ ભૂલને પકડી એને વાર વાર સંભળાવવુ,
નથી મને ફાવતું...

મને ગમે છે કોઈને હસાવવું...કોઈને શિખાવવુ,
મદદ કરી મનથી કહેવું કે હું છું...
કોઇકના મનની વાત સમજી સમાધાન કરવું,
મદદ માટે આવેલ એ માંગે એના પેલા થઈ દેવું!
મનથી આનંદિત રહેવું અને થાય તો બીજાને પણ રાખવું.

પણ... આવું બધાં કેમ નથી કરતાં?
અને હું કરું છું તોય...
તો શું હું મુકીને મારી સુંદર કલા, કવિતા, ગીતો...
શોધું કે શિખુ....કે કેમ કોઈના આશને તોડાય!
કે એ શબ્દો ને શોધું કે જે કોઈને દિવસો સુધી
હસવા ન દે!!
સાચ્ચે ?? એવું કરું એના કરતાં તો ચાલને મન
હું હંમેશ ને મૌન પાળું...
બસ હું મૌન પાળું....

ઈચ્છું બસ હું સહકાર છું સલાહ નહીં!
પણ ક્યારય થી બસ રાહ જોયું છું...
મનને કોઈ સમજતું જ નથી...
એટલે જ‌ ખોટી લફમા, દુરથી જ હાથ જોડું છું...
થોડુંક ખોટું હસી...બસ હું મૌન પાળું છું...
બસ... હું મૌન પાળું છું...

ચાલો મુકો... હું વાત બરાબર માંડું છું...
હું આ ઉજ્વળ દુનિયાની, એક શરમાળ છોકરી છું...
કોઈ મનથી મને મળે તો બહું બોલું!
પણ મસ્તકને બતાવે, એની સામે સ્વેચ્છાએ હારું છું...
તમને કહું!?....
મને શ્રેષ્ઠ બનવું જ નથી... શ્રેષ્ઠતા જોવી છે!
માણવી છે... સાંભળવી છે... બીજાને કહેવી છે...
પણ...હું શ્રેષ્ઠ નથી!
એ વાતનો સાક્ષાત્કાર જ બધાને બહુ ગમે છે...
મારી શોધ પણ ક્યાં પૂરી છે!
પણ એ તો ક્યાં કોઈ સમજે છે.
શરમાળ તોય થોડી સમજદાર છું,
વાત સમજી ને જરાક પાછી વાળું છું...
થોડુંક ખોટું હસી... હું બસ મૌન પાળું છું...
બસ... હું મૌન પાળું છું....

પણ આજે એક નવું બન્યું!
ક્યાંક મહેફિલ ને હું મહેમાન હતી...
પણ કાંઈક તુટ્યું કે કોઇકે તોડ્યું!
કોઈ વાસણ નહીં... કોઇકનો વહેમ કે દિલ....
એ નહીં પણ મુખ્ય તો એ, કે...
દોષ બધો મારાં પર આવ્યો...
હું થોડીક અવ્યવસ્થિત તો છું!
કેમ કે એકદમ વ્યવસ્થિત રહેવું રોજ કેમ ગમે!
પણ... વાંક મારો નહોતો!
મેં કાંઈ ના કિધું પણ સ્વિકાર્યું પણ નહીં,

પણ આંખો મારી થોડી ધુંધળી થઈ,
ઉઠાવેલા અપરાધમાં કોઇએ પણ!
મારા તરફથી ના વિચાર્યું...
એ મને ઓળખતા હતાં ને!
પણ જ્યાં કોઈને મારી સફાઈની પણ જરૂર નથી,
ત્યાં શું કહેવાનું!
એટલે મુકને મન મારાં, હું એનાં કરતાં મૌન જ પાળું છું
બસ હું મૌન જ પાળું છું...

હતાં તો મારા જ ત્યાં બસ ઘર સિવાય ના બધાં...
પહોંચી ઘરે તો પપ્પા સમજી ગયાં...
રડી નહીં હું એમની સામે!
પણ એ મૌન સ્વર એ સાંભળી ગ્યા...
પપ્પા મને સમજી ગયાં...
મારી પાસે આવી અગાસી પર,
ચાંદ ને મારા સાથે જોવા લાગ્યા...
કીધું બસ એટલું જ કે...
આ પડાવું ને ઉપાડવું જ હરિફાઈ છે,
અને આ હરિફાઈ જ તારી શ્રેષ્ઠતાનું સરનામું છે.
તું શોધી લે તો મને પણ કે જે!...
અને યાદ રાખ...
પોતાનું સમજાવવા અહીં બોલવું પડે છે
અને ના સમજાવવું હોય તો થોડું સમજવું પડે છે!
મળે એ માની લેવું પડે છે અને ના માનવું હોય,
તો લડવું પડે છે.
પણ એક વાત જરાય સાચ્ચી નથી!!
કે પપ્પાને ભેટવા... કોઈને રડવુ પડે છે.
મને તો એ હાસ્ય અને હદયના રુદનમાં જ
શ્રેષ્ઠતા અને પ્રેમ મળી ગયાં...
અને વાતો પરથી એ પણ કે
પપ્પા ને મારા સંતાડેલા બધાં
કાગળીયા પણ જડી ગયાં...
પણ હવે ક્યાં ચિંતા હતી!
મનનાં બધાં ભાવ ભરાઇ ગયા...
મારાં ન બોલેલા બધાં સંવાદ સમજાઈ ગયાં....
મારાં ન બોલેલા બધાં સંવાદ સમજાઈ ગયાં....
- ભાવિકા ગોર

( હું બસ એટલું જ કહું કે સત્યની જીત માટે બોલો પણ કોઇની જીતનાં જશ્ન માં જઈ એની હારની યાદ ના અપાવો...આપણે કોઈને સાથ ના‌ આપીએ વાંધો નહીં એની મહેનતને વધાવો.)