DIVORCE- PROBLEM OR SOLUTION - 2 in Gujarati Moral Stories by Tapan Oza books and stories PDF | છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૨

Featured Books
Categories
Share

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૨

છૂટાછેડા – સમસ્યા કે સમાધાન..!! ભાગ-૨

આગળના ભાગમાં છૂટાછેડા થવાનો ટૂંકમાં પરિચય આપ્યો. તે પરિચયમાં છેલ્લે એક સવાલ હતો કે શું આ સમસ્યાઓ આવે તે પહેલા જ તેને આવતી રોકી શકાય...! જવાબ છે હા...!

છૂટાછેડા ન થવા દેવા માટે પતિ-પત્નિએ પોતાનાં જીવનમાં અમુક વાતો બાંધી લેવી જોઇએ. ગમે તે પરિસ્થિતિઓ આવે તેમાં ફેરફાર થવો ન જોઇએ. તો આવી વાતો કઇ...! એ વાતોને લગ્નજીવનની શરૂઆતથી આપણે સમજીએ....

લગ્ન...! લગ્ન એટલે માત્ર બે વ્યક્તિઓનો મેળાપ નહી પરંતું બે વ્યક્તિઓની સાથેસાથે બે પરિવારો, બે કુંટુંબો, અને જો બીજી જ્ઞાતિ/જાતિમાં લગ્ન કર્યા હોય તો બે જ્ઞાતિઓ/જાતિઓનો પણ મેળાપ છે. એ વાત સ્વાભાવિક છે કે બે વ્યક્તિઓ અલગ-અલગ પરિવારમાંથી એક થતી હોય એટલે એકબીજાને સમજતા વાર લાગે. પરંતું માત્ર એકબીજાને સમજવું જ જરૂરી નથી હોતું. બંનેના પરિવારોનાં દરેક સભ્યોને સમજવા પડે, પરિવારને માન આપવું પડે, પરિવારના દરેક વ્યક્તિઓને સરખું જ મહત્વ આપવું પડે, ધર્મ અલગ-અલગ હોય તો બંનેનાં ધર્મનું સન્માન કરવું જોઇએ. એક વ્યક્તિએ બીજી વ્યક્તિને પોતાના ધર્મનું પાલન કે અનુસરણ કરવા માટે આગ્રહ/દબાણ ન કરવો જોઇએ. કોઇ પરિવાર, કુટુંબ, જાતિ, જ્ઞાતિ, કે ધર્મને નીચો ગણવો ન જોઇએ. આપણા દેશમાં “સર્વ ધર્મ સમભાવ” ગણવામાં આવે છે. અને તેનું જ પાલન કરવું જોઇએ. બંને વ્યક્તિઓએ એકબીજા પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઇએ અને વિશ્વાસ ટકી રહે તેવો પ્રયત્ન પણ કરવો જોઇએ.

લગ્ન બાદ કન્યા તેનું સર્વસ્વ છોડીને પતિના ઘરે કાયમ માટે રહેવા આવેલ હોય એટલે એ પતિની જવાબદારી છે કે પોતાના ઘરમાં પત્નિને પૂરતું સ્થાન મળી રહે. પત્નિને પતિનું ઘર કે સાસરૂ પોતાના ઘર જેવું જ લાગે તેવો માહોલ પતિએ બનાવી આપવો જોઇએ. એ સાથે પત્નિએ પણ પતિના ઘરમાં પતિને તેના માતા-પિતાથી વિખૂટો ન કરતાં એક જ ઘરમાં સાથે હળીમળીને રહી શકાય તેવું વાતાવરણ બનાવવું જોઇએ. જે રીતે પતિ-પત્નિની ઘરમાં એકતા જાળવવાની જવાબદારી છે તે જ રીતે માતા-પિતા / સાસુ-સસરાની પણ સરખી જ જવાબદારી છે. સાસુ-સસરાએ પણ પરિવારમાં નવી આવેલી વ્યક્તિને ખરેખર રીતે પુત્રવધુનો દરજ્જો આપવો જોઇએ. તેને ઘરનું સભ્ય જ ગણવું જોઇએ. જે રીતે મા પોતાની દિકરીને વહાલ અને પ્રેમ કરે છે તે રીતે સાસુએ પુત્રવધુને દિકરીની જેમ જ પ્રેમ અને વહાલ કરવું જોઇએ. લગ્ન કર્યા બાદ સાસુ-સસરાએ પુત્ર અને પુત્રવધુને પોતાનું લગ્નજીવન આગળ વધારવા માટે પુરતી છૂટછાટ અને સ્પેસ આપવી જોઇએ. લગ્ન બાદ દિકરો માતા-પિતાને ભુલી ગયો છે તેવું ન સમજવું જોઇએ. સાસુએ વહુને દિકરીની જેમ જ પરિવારની સભ્ય ગણી તેને ઘરનાં રસોડામાં જગ્યા આપવી જોઇએ કે જેથી વહુ તેના પતિને મનગમતુ ભોજન બનાવી આપી પતિના ચહેરા પર સ્મિત જોઇ ખુશ થઇ શકે.

એ સાથે પત્નિએ પણ પતિના ઘરને પોતાનું જ ઘર સમજીને સેટ થવું જોઇએ. પતિને માતા-પિતાથી છૂટો કરવા તથા સ્પેસ મેળવવા માટેના કાવતરાઓ કરવા ન જોઇએ. જે ઘર પરિવાર મળ્યો છે તે મારો જ પરિવાર છે એવું સ્વિકારીને પતિના ઘરને સાચવવું જોઇએ. ઘર કેવું છે એ મહત્વ નું ન હોવું જોઇએ પરંતું ઘરનાં સભ્યો કેવાં છે તે મહત્વનું હોવું જોઇએ.

જો પુત્રવધુ નોકરી કરતી હોય તો માતા-પિતા જે રીતે પુત્રની નોકરી-ધંધાને મહત્વ આપતા હોય તેટલું અને તેવું જ મહત્વ પુત્રવધુની નોકરીને પણ આપવું જોઇએ. અને તે રીતે પુત્રવધુ પર કામનું ભારણ વધી ન પડે તે માટે પતિ અને સાસુ એ પુત્રવધુને ઘરનાં કામકાજમાં મદદરૂપ થવું જોઇએ. પુત્રવધુ માટે તેના સાસરીના ઘરનું વાતાવરણ એટલું સારૂ અને સરળ હોવું જોઇએ કે જો પુત્ર/પતિને કોઇ કામ સબબ થોડા દિવસ બહારગામ જવાનું થાય તો પતિ વગર પત્નિને સાસરીમાં રહેવું મુશ્કેલ ન થઇ પડે. સાસુ અને વહુ વચ્ચે એટલી એકતા હોવી જોઇએ.

વહુએ એવું સ્વિકારવું જોઇએ કે હું નવા ઘરમાં જઇ રહી છું એટલે તે ઘરનાં રીતિ-રિવાજો પણ મારે સ્વિકારવાનાં છે. અને સાસુ, સસરા અને પતિએ એવું સ્વિકારવું જોઇએ કે જે વ્યક્તિ વહુ બનીને ઘરે આવી રહી છે તે તેનું સર્વસ્વ તેનાં પિયરે છોડીને અમારી સાથે રહેવા આવે છે. એટલે તેને તેનાં પિયરની યાદ ન આવે તેટલી જગ્યા, સવલત, ખુશી, સન્માન, પ્રતિષ્ઠા, વ્યક્તિત્વ અમારે તેને આપવાનાં જ છે. પતિએ એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઇએ કે પત્નિ અને માતા-પિતાની વચ્ચે કોઇ અનબન/ મતભેદ/મનભેદ થાય તો કોનો સાથ આપવો એવું વિચાર્યા કરતાં એક સમાધાનકારી વ્યક્તિની જેમ કોઇ એકનો સાથ ન આપતા બંનેને ભેગા કરી સમાધાન કરાવવાનો આગ્રહ રાખવો જોઇએ.

યાદ રાખવા જેવુઃ-

(૧) દિકરો એ જ સારો અને સાચો છે જે માતા-પિતા અને દરેક વડિલોને માન આપે અને તેમનું સન્માન કરે અને ઘર પરિવારની ઇચ્છાઓ પુરી કરવાની કોશિશો કરી પૂરી કરે.

(૨) પુત્રવધુ એ જ સારી કહેવાય જે સાસરીમાં એકતા જાળવી રાખે અને ઝઘડાને જગ્યા પણ ન આપે.

(૩) સાસુ એ જ સારી કહેવાય જે પુત્રવધુને ઘરની લક્ષ્મી સમજે, દિકરી સમજે અને દિકરીની જેમ જ રાખે અને તેને માન, સન્માન અને આગવી ઓળખ આપે.

(૪) સસરા એ જ સારા કહેવાય જે વહુને દિકરીની જેમ સાચવે અને તેના માન-સન્માન જળવાઇ રહે તેનું ધ્યાન રાખે.

(૫) પતિ એ જ સારો કહેવાય જે પત્નિને પોતાનાં ઘરમાં સ્થાન આપે, માત્ર તેને જ વફાદાર થઇને રહે, અને તેના માન, સન્માન, પ્રતિષ્ઠા, જરૂરિયાતો, વ્યક્તિત્વ વિગેરેની કાળજી રાખે.

(૬) પત્નિ તે જ સારી કહેવાય જે પતિનાં ઘરમાં સુખશાંતિ જાળવી રાખે, માત્ર પતિને જ વફાદાર થઇને રહે, અને પતિને તેના માતા-પિતા વિરૂધ્ધ કાન ભંભેરણી ન કરતાં ઘરમાં એકતા જાળવી રાખવામાં મદદરૂપ બને.

(૭) માતા-પિતા તે જ સારા કહેવાય જે પુત્ર-પુત્રીનાં લગ્ન થયા બાદ તેમના લગ્નજીવનમાં દખલગીરી ન કરતાં તેમને એકબીજાને જાણવા, સમજવા, પ્રેમ કરવાનો પૂરતો સમય અને સ્પેસ અને સમજણ આપે.

ઉપરોક્ત સાત મુદ્દા સિવાય પણ ઘણાં મહત્વના મુદ્દાઓ હોય છે અને પરિબળો પણ હોય છે. પરંતું ઉપર મુજબનાં મુદ્દા મારા આ લેખને લાગુ પડતા હોઇ માત્ર આ સાત મુદ્દાઓ જ અહીં મહત્વનાં ગણી મારા આ લેખમાં ટાંકેલ છે.

આ તો થઇ લગ્નજીવનની વાતો. આ વાતોનું જો પૂરેપૂરૂ ધ્યાન રાખવામાં આવે અને અનુસરવામાં આવે તો મારા મત મુજબ છૂટાછેડાની અડધી સમસ્યાઓનો અંત આવી શકે, બરાબર ને....!!

આ બાબતે તમારો મંતવ્ય કમેન્ટ કરી જણાવશો. અન્ય સમસ્યાઓ વિશે આવતા અંકે વાત કરીશ.