ભાગ :- ૨૩
આપણે બાવીસમાં ભાગમાં જોયું કે સૃષ્ટિ સાર્થક ઉપર બહુ ગુસ્સે છે અને સાર્થકને એની ભૂલનો અહેસાસ થાય એમ ઈચ્છે છે. નિરવ અને મનસ્વી પ્લાન કરીને સૃષ્ટિને મુવી અને ડિનર માટે લઇ જાય છે. નિરવ પુરો પ્રયત્ન કરે છે કે એ સૃષ્ટિની નજીક આવી શકે અને ખુશ રહે એ માટે એ બધુંજ કરી છૂટવા તૈયાર થાય છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.
*****
નિરવ ફરી પોતાના રોજીંદા કામોમાં વ્યસ્ત થઈ જાય છે. સૃષ્ટિ સતત રોયા પછી હવે મજબૂત મનની બની ગઈ હોય છે. સાર્થકની નિષ્ફળતા કરતા પણ એને અત્યારે પોતાની પ્રેમ નિષ્ફળ નહીં થાયને એ ડર સતત સતાવી રહ્યો હતો. સાર્થક કહી રહ્યો હતો કે તને હું ખોટો લાગતો હોઉં તો તું તારા કોઈપણ મિત્રને પૂછી શકે છે. સૃષ્ટિને પણ અત્યારે એ યોગ્ય લાગ્યું હતું, આથી એ નિષ્પક્ષ બોલી શકે એવા અનુરાધાના મિત્ર શ્યામની પસંદગી કરે છે. એ શ્યામને કોફી શોપ ઉપર બીજા દિવસે મળવા બોલાવે છે.
શ્યામ કહ્યા મુજબ કોફી શોપની નજીક પહોંચી જાય છે. આમ અચાનક સૃષ્ટિએ યાદ કર્યો એ એને અજુગતું લાગતું હતું. ભાગ્યેજ શ્યામને યાદ કરતી સૃષ્ટિએ આજે શ્યામને, "તારી સાથે વાત કરવી છે.." એમ કહીને બોલાવ્યો હતો. શ્યામ કોઈપણ મિત્રને મળવા જાય ત્યારે આદત મુજબ એ મિત્રને ગમતો નાસ્તો લઈને જતો. આથી આજે સૃષ્ટિના ફેવરેટ ગરમાગરમ પફ અને સ્ટ્રોબેરી પેસ્ટી બેકરીમાંથી લઈને આવ્યો હતો. થોડી વાર પહેલા જ સૃષ્ટિનો ફોન આવ્યો હતો કે એ નીકળી ગઈ છે, એટલે એ પહોંચતી હશે એમ વિચારતો એ કોફી શોપની નજીક ઝાડ નીચે પોતાના એક્ટિવા ઉપર બેઠો હતો.
એવામાં જ સૃષ્ટિ ત્યાં આવી પહોંચે છે અને શ્યામ સાથે હાથ મિલાવી શ્યામની સામે પડેલા બીજા એક્ટિવા ઉપર બેસે છે. શ્યામ એની સુજેલી આંખોમાંથી આરપાર સોસરો ઉતરી એની વેદના સમજી જાય છે અને કાંઈપણ બોલ્યા પૂછ્યા વગર માત્ર હાથમાં હાથ લઈ કહે છે કે, "હું, અમે તારી સાથે છીએ."
"આ વેદના તારી સમજી શકું એટલી તો સંવેદના છે.!
શ્યામ હું રાધાનો, તોય તારો સાથ આપવાની ખેવના તો છે."
બસ જાણે આ જ શબ્દોની રાહ જોતા હોય એમ સૃષ્ટિના આંસુ અનરાધાર થઈ આંખમાંથી બહાર નીકળી વ્યથા કહેવા લાગે છે. શ્યામ પહેલા એને શાંત પાડે છે અને પાણી પીવડાવે છે. સૃષ્ટિને શું થયું એ પૂછે છે અને સાથેજ પોતે લાવેલ પફ અને પેસ્ટી ખાવાનું પણ કહે છે. આખો દિવસ ખરાબ વિચારો અને પ્રેમમાં નિષ્ફળતા મળશે એ ભાવથી આહત થયેલી સૃષ્ટિએ ભલે આખા દિવસનું કાંઈજ ખાધું નહોતું તો પણ એ શ્યામને ખાવાની ના પાડે છે અને એને જ ખાઈ લેવાનું કહે છે. શ્યામ એક જ શરતે ખાવા તૈયાર થાય છે કે સૃષ્ટિએ પણ અડધું ખાવું પડશે નહીં તો એ બધું જ એમને એમ ત્યાં મૂકીને જતો રહેશે. શ્યામની જિદ અને લાગણી આગળ સૃષ્ટિને નમતું જોખવું પડે છે અને શ્યામનું મન રાખવા એ પફ લઈને ખાવાનું ચાલુ કરે છે, એ જોઈને શ્યામ પણ બીજું પફ હાથમાં લે છે અને સૃષ્ટિ એની વાત ચાલુ કરે છે.
સૃષ્ટિ શ્યામને બધોજ ઘટનાક્રમ કહે છે કે સાર્થક અને એના વચ્ચે શું થયું અને અત્યારે એને કેમ બોલાવ્યો છે. અને સાથેજ આ બાબતે શ્યામનો પોતાનો મત જાણવા માંગે છે. કદાચ સૃષ્ટિ માટે કોઈનો મત માનવો એ એના સ્વભાવમાં નહોતું છતાં પણ શ્યામનો મત મહત્વનો તો હતોજ. ભલે એ આખરી નિર્ણય કે જવાબ પણ મનમાં વિચારીને બેઠી હોય છતાં શ્યામનાં મોઢે સાંભળી એને પોતાનો મત ચોક્કસ કરવો હતો.
"સૃષ્ટિ તું સાર્થકને તારી સાથે જીવવા મજબૂર ના કરી શકે. તમારા સંબંધમાં પહેલેથી જ નક્કી હતું કે ક્યારેક ને ક્યારેક સાર્થક બીજા કોઈ સાથે લગ્ન કરી આગળ વધશે એટલે તું એને રોકી ના શકે." સૃષ્ટિની વાતો સાંભળી શ્યામે સહજ છતાં સ્પષ્ટ શબ્દોમાં પોતાના વિચાર રજુ કર્યા.
હજી એ આગળ કંઈ કહેવા જાય એટલામાં જ સાર્થક પણ ત્યાં આવી જાય છે અને સૃષ્ટિને આલિંગનમા લઈને રડવા લાગે છે. શ્યામ ઘડી બે ઘડી આ દ્રશ્યો જોઈ રહે છે અને એમના છૂટા પડતાંજ એમને પાણી આપે છે. પણ સાર્થકને જોઈને એ એક્દમ ચોંકી ગયો હોય છે, એને મનમાં થાય છે કે સાર્થક અચાનક ક્યાંથી..!? શ્યામને એમ જ હતું કે માત્ર સૃષ્ટિ અને એ મળવાના હતા પણ સાર્થકના આવવાથી એ થોડો અસ્વસ્થ મહેસુસ કરવા લાગ્યો હતો. અને એ અસમંજસમાં પડી ગયો કે સાર્થકની હાજરીમાં એ એનો અભિપ્રાય આપશે તો સાર્થકનું શું રીએકશન હશે.!? શ્યામને એમ જ હતું કે એને સૃષ્ટિને એનો મત જ આપવાનો છે, જ્યારે હવે તો બંનેની હાજરીમાં એમના સબંધને જજ કરવા જેવી સ્થિતિ આવી જશે. આ અણધારી ઉભી થયેલી નવી સ્થિતિને જોતા શ્યામ થોડો અટકી જાય છે.
થોડીવાર ચાલેલા આ લાગણીશીલ ઘટનાક્રમને જોઈ શ્યામ ચૂપચાપ પોતાના એક્ટિવા ઉપર બેસી નિહાળે છે. સૃષ્ટિ અને અનુરાધાના મોઢે સાંભળેલો પ્રેમ આજે નિહાળી થોડીવાર શ્યામ પણ આવેગિત થઈ જાય છે. અને પોતે હવે પોતાનો શું મત આપે એ અવઢવ મનમાં રાખી વિચારોમાં ખોવાઈ જાય છે.
"ના જોયેલો લાગણીઓનો ધોધ આજે વરસ્યો,
તોય વિચાર આવે કેમ રહે પ્રેમ સદાકાળ તરસ્યો.!
અવઢવ ખરી હવે થઈ મનમાં આ દ્રશ્ય જોઈ મને,
શું આવોજ પ્રેમ હોય જે વરસ્યો તોય તરસ્યો.!?"
એટલામાં જ શ્યામની તન્દ્રા તોડતા સૃષ્ટિ સાર્થકની ઓળખાણ અને મુલાકાત શ્યામ સાથે કરાવે છે. અને ફરી સૃષ્ટિ પોતાના સવાલોના જવાબ શ્યામ પાસે સાંભળવા આતુર થાય છે.
"સૃષ્ટિ મેં કહ્યું એમ કે તમને ખબર હતી કે આ સંબંધમાં આ વળાંક આવશે જ એટલે સૃષ્ટિ તારે સમજવું જોઈએ. સાર્થક હજી નાનો છે, એને એની જિંદગી જીવવાનો અને સપના પણ પૂરા કરવાનો અધિકાર છે એ તારે આપવો જોઈએ." શ્યામે બંને સામુ જોઈ એકી શ્વાસે પોતાનો વ્યૂ આપી દીધો.
"શ્યામ, મેં સાર્થકને જિંદગી જીવતા ક્યાં રોક્યો જ છે.!? પણ એ અત્યારે મારાથી ઘણું છુપાવી આગળ વધી રહ્યો છે અને મેં મારું બધુંજ એની સાથે શેર કર્યું છે. જે હતું એવું જ. હું અને શ્યામ જ્યારે સંબંધમાં જોડાયા ત્યારની સ્થિતિ અલગ હતી અને અત્યારની અલગ. હું એને બધુંજ આપી રહી છું અને એ જે પણ ઈચ્છે એ બધું જ મળશે. હું લગ્ન કરીને એની સાથે પણ રહીશ અને એ કહેશે તો એને બાળક પણ આપીશ, બસ થોડી રાહ જોવામાં શું જાય છે.!! મનસ્વીના લગ્ન કરાવી દઉં પછી એની બધી ઈચ્છા હું પુરી કરીશ." એક્દમ વ્યથિત મને પોતાની સ્થિતિ અને પોતાનો વિચાર રજૂ કરતા ઉત્તેજિત સ્વરે સૃષ્ટિ બોલી ઊઠી.
શ્યામ મનમાં દુખી થઈ ઉઠયો અને વિચારી ઉઠયો કે, "આ શું બોલી રહી છે સૃષ્ટિ.! જે અશક્યની એક્દમ નજીક છે એ પણ કરવા એ તૈયાર છે પોતાનો પ્રેમને પામવા.! શું આ વાત કાંઈ પણ રીતે શક્ય છે.?" એનો ક્યાસ કાઢવામાં એનુ મન લાગી ઉઠયું.
"સૃષ્ટિ.! શું હું તને આ મારી વાત પહેલાથી કહેત તો તું સ્વીકારવા તૈયાર થાત..!? પહેલા મને એવું લાગ્યું હતું કે, તું મને સમજી રહી છે. પણ જ્યારથી એક્દમ નજીક આવ્યા ત્યારથી એવું લાગી રહ્યું છે કે તું મને સમજવા તૈયાર નથી. તું જે થોડી રાહ જોવાનું કહે છે એ વિચાર તો કર કેટલી થોડી..!? હજુ મનસ્વી ભણી રહી છે અને એ થોડો સમય ક્યારે આવે કોને શું ખબર.!" સાર્થકનું પોતાના ભવિષ્યને લઈને અધિરું થયેલું મન શબ્દોનું સ્વરૂપ લઈને બોલી ઉઠયું.
"સ્વીકારી શકાતું નથી, ધિક્કારી શકાતું નથી,
આ સંબંધ જ એવો જ્યાં રોકી શકાતું નથી.
કોને શું કહું એ પણ નથી સમજી શકતી હું,
અંદર મન કોરી ખાય ને કોઈને કહી શકાતું નથી."
નોંધ :- આગળનો ભાગ વાંચવા ફોલો કરો જેથી દર સોમવારે આવતા નવા ભાગની નોટિફિકેશન તમને મળતી રહે.
*****
શ્યામ, સાર્થક અને સૃષ્ટિની આ ચર્ચાનો અંત શું આવશે?
નિરવ.. સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં પાછા લાવી શકશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk
મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...
©રોહિત પ્રજાપતિ