રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૫
સુજાતાએ 'ન્યુ હાઇટસ' એપાર્ટમેન્ટ પાસે રીક્ષા ઊભી રખાવી. રીક્ષાવાળાને ભાડું ચૂકવીને બીજા માળે આવેલા ફ્લેટ પર આવી સુજાતાએ ડોરબેલ વગાડી. ટીનાએ દરવાજો ખોલ્યો. સુજાતાએ અંદર પ્રવેશતાની સાથે જ ટીનાને કહ્યું:"બધાં કામ પતી ગયા હોય તો તું જઇ શકે છે. સોમેશ તારી રાહ જોતો હશે."
"બેન, થોડી રસોઇ બાકી છે. હું તૈયાર કરીને જઉં છું. સોમેશ આમ પણ આજે દૂરનું ભાડું લઇને ગયો છે એટલે રાત્રે મોડો જ આવશે. તમે ટ્રાન્સપોર્ટ કંપનીમાં વાત કરીને સોમેશને નોકરીએ લગાવી દીધો એ સારું કર્યું. જતિનભાઇની કાર ચલાવવાનું કામ ઓછા સમયનું હતું એટલે કંટાળી જતો હતો."
"ટીના....ભૂલી ગઇ પાછી? એનું નામ મારી સામે તો નહીં જ લેવાનું, તારી જીભ ઉપર પણ ના આવવું જોઇએ." સુજાતાએ એને તાકીદ કરતાં કહ્યું.
"સોરી મેમ! પણ તમે જબરી હિંમત બતાવી હતી. મને તો પહેલાં ડર લાગ્યો હતો કે ક્યાંક હું ભેરવાઇ તો નહીં જઉંને? તમારું આયોજન પાર પડી ગયું. એક-બે વખત નિષ્ફળતા જરૂર મળી. છેલ્લે વાઘ પાંજરામાં પૂરાઇ ગયો."
"બકરી એવી પસંદ કરી હતી કે વાઘને ખેંચાઇને આવ્યા સિવાય છૂટકો ન હતો. અને લોહી ચાખેલા વાઘ જેવો જ તો હતો જતિન!"
"હા મેમ, એમને આવા કામમાં ફસાવવાનું મુશ્કેલ ન હતું."
"ટીના, એ દિવસે તને બારીમાં અડધા કપડાંમાં જોઇને એની લાળ ટપકવા લાગી હતી. એને તારા રૂપની જાળમાં ફસાવવા બે-ત્રણ વખત તડપાવવો પડ્યો. આખરે શિકાર થઇ ગયો."
"મેમ! પહેલાં તો મને આવું કામ કરવામાં સંકોચ અને ડર હતા. તમારી વાત સાંભળીને હું તૈયાર થઇ ગઇ હતી. તમારી એ શિખામણ મેં ગાંઠે બાંધી રાખી છે કે કોઇપણ સંજોગોમાં આ વાતની ખબર સોમેશને થવી ના જોઇએ."
"સારી વાત છે. ચાલ, તું રસોઇ પૂરી કર. હું પરવારી જઉં. મેં જનાર્દનને બોલાવ્યો છે. આગળ શું કરવું તેની ચર્ચા કરીને નિર્ણય લેવાનો છે. અને સોમેશ મોડો આવવાનો છે એટલે તું અહીં જ બેસજે...."
"હા મેમ."
સુજાતા ટીનાને વાત કરી નહાવા ગઇ. સુજાતા બાથરૂમમાંથી બહાર આવીને બેડરૂમમાં આદમકદ આયના સામે પોતાની જાતને જોઇ રહી. થોડા જ દિવસોમાં જીવન કેવું બદલાઇ ગયું. પોતે જ આ પરિવર્તન માટે કમર કસી હતી. તે આયનામાં પોતાના જીવનના કેટલાક અંશને ફિલ્મ જોતી હોય એમ જોઇ રહી.
ત્રણ વર્ષના લગ્નજીવન પછી સુજાતાને ખ્યાલ આવી ગયો હતો કે જતિન રાજકારણનો જ જીવ છે. ઘર માટે તે નિર્જીવ પ્રાણી છે. એને પોતાની મહત્વાકાંક્ષાની જ પડી છે. પત્નીના દિલની લાગણીઓની જરાપણ કદર નથી. લગ્ન કરીને આવ્યા પછી સુજાતા જતિનના દિલની રાણી બનવા માગતી હતી. હવે તે રાજકારણની રાણી બનવા માગે છે. એની પાછળ જતિન જ જવાબદાર છે. તેણે પત્ની તરીકેનું એ સ્થાન જ ના આપ્યું જેની એક સ્ત્રીને લગ્ન પછી અપેક્ષા હોય છે.
જતિનનું પરસ્ત્રીગમન સુજાતાને આંખમાં કણાની જેમ ખૂંચી રહ્યું હતું. જતિન રાજકારણમાં પોતાના સ્વાર્થ માટે જ કામ કરતો હતો. અને સ્ત્રીઓનો લાભ ઊઠાવતો હતો. રાજકારણમાં આવતી સ્ત્રીઓની પોતાની મજબૂરીઓ હશે એનો જતિન પૂરો લાભ ઊઠાવતો હતો. ઘણા સાથે એક વખત સંબંધ બાંધ્યા પછી બ્લેકમેલ પણ કરતો હતો. રાજકારણમાં તે સેવા કરવા માટે નહીં પણ એશોઆરામ માટે જોડાયો હોય એવું સ્પષ્ટ થઇ ગયું હતું. તેના પર લગામ લગાવવાની કોશિષ કરી ત્યારે તેણે અપમાન કર્યું અને ત્રાસ ગુજારવા લાગ્યો. પરસ્ત્રીઓ સાથેના સંબંધથી સુજાતા હવે વાઝ આવી રહી હતી. તે એમ સમજતો હતો કે રાજકીય પીઠબળ છે એટલે તે ગમે તે કરી શકે છે. આવા લોકોની પીઠમાં છરો મારવામાં કોઇ પાપ લાગે એમ ન હતું. તેની મા બનવાની ઇચ્છા પણ જતિન પૂરી કરવા માગતો ન હતો. એ એની કામલીલામાં મસ્ત હતો. તેનો ધંધો-વેપાર સારો હતો. અસલમાં વધારે પૈસા અને મોજમજા માટે તેણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેનું નિશાન પહેલાંથી જ ઊંચું હતું. તે રાજકારણને ધંધો માની કોઇ પદ લીધા વગર રોકાણ કરી રહ્યો હતો. તે ધારાસભ્ય બનીને પાંચ વર્ષમાં આખી જિંદગી મોજમજા થાય એટલું કમાઇ લેવા માગતો હતો. ત્યારે એને ખબર ન હતી કે તેની જિંદગી પાંચ જ દિવસમાં એટલી બદલાઇ જવાની છે કે બધાં સપના હાથમાંથી શરાબનો ગ્લાસ પડે અને ટુકડા થઇ જાય એમ ચકનાચૂર થઇ જવાના હતા.
સુજાતાએ નક્કી કરી લીધું હતું કે તે આગળ જરૂર વધશે પણ જતિનને પાડીને. તેને બોધપાઠ મળવો જોઇએ. સુજાતા દરરોજ જતિનની હિલચાલ પર નજર રાખતી હતી. તે લંપટ બની ગયો હતો. તેને તેની જ જાળમાં ફસાવી પોતે આઝાદ થઇ જવાનું હતું. સુજાતાએ જતિનને બદનામ કરવાની સાથે એ વાતનો ફાયદો ઊઠાવવાનું આયોજન કરી લીધું. એ માટે વધારે દૂર જવાની જરૂર ન હતી. ઘરમાં જ પતંગિયા જેવી ટીના ઉપલબ્ધ હતી. તે ટીનાને મળી અને કહ્યું કે તું મને સાથ આપે તો આપણું જીવન વધારે સારું થઇ જશે. તારું અને સોમેશનું ભવિષ્ય વધારે ઉજળું બનશે. ઉજળો વાન ધરાવતી ટીના વિચારવા લાગી. તેને થોડો ડર હતો. ક્યાંક પાસું ઊલટી પડી જાય તો જીવન બરબાદ થઇ જાય. પણ સાથે પોતાની લાઇફસ્ટાઇલને હાઇફાઇ બનાવવાની લાલચ હતી. પોતાના શોખ પૂરા કરવાની તક હતી. એ તેના પર હાવી થઇ ગઇ અને તેણે સુજાતાની યોજનાનો ભાગ બનવા હા પાડી દીધી. સુજાતાએ તેને કહ્યું કે પહેલાં જતિનને રૂપની જાળમાં ફસાવવાનો. ટીના પોતાના રૂમમાં એકલી હોય ત્યારે જતિનને આકર્ષવા નખરાં કરવા લાગી. ક્યારેક ગીતો પર સેક્સી ડાન્સ કરતી તો ક્યારેક જતિનને પોતાના અંગોનું દર્શન થાય એવા નાટક કરતી. સુજાતાની ગેરહાજરીમાં જતિન પર પોતાના રૂપનો કેફ ચઢાવવા લાગી. જતિન ટીનાને બાંહોમાં જકડવા તડપવા લાગ્યો હતો. હવે જતિનને સપડાવવાનો હતો.
એ દિવસે સહેલી સારિકાને ત્યાં જવાનું બહાનું બનાવી સુજાતા નીકળી હતી. ટીનાને સૂચના આપી હતી કે કાનમાં બ્લુટુથ રાખી સતત મારી સાથે સંપર્કમાં રહેજે. અને એમાં જનાર્દનનો સહયોગ મળી ગયો. જતિનને તો સ્વપ્નમાં પણ વિચાર નહીં આવતો હોય કે સુજાતાએ તેના ડાબા હાથ જેવા જનાર્દનને પણ ફોડી નાખ્યો છે. આજકાલ પૈસો માણસને શું કામ નથી કરાવતો? જનાર્દન ઘણા વર્ષોથી જતિનનું કામ કરતો હતો પણ એને રૂપિયા કે સન્માન એટલા મળતા ન હતા જેની તેને અપેક્ષા હતી. સુજાતાએ તેની દુ:ખતી રગને પકડી લીધી. સુજાતા જતિનની રગરગથી વાકેફ હતી એટલે ટીના અને જનાર્દન સાથે મળી એવી ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરી જેમાં જતિન અત્યાર સુધી સેવક દેખાતો હતો પણ રાતોરાત શક્તિ કપૂર જેવો વિલન સાબિત થાય. સુજાતા જાણતી હતી કે લાંબી રાજકીય યાત્રાની આ તો એક શરૂઆત હતી. રસોડાની રાણીએ રાજકારણની રાણી બનવા ઘણા પાપડ વણવાના હતા. જનાર્દનને મનાવવાનું કામ સરળ ન હતું. તેને પોતાના પર વિશ્વાસ અપાવવામાં સુજાતાને થોડો સમય જરૂર લાગી ગયો. જતિન સાથે તે ગદ્દારી કરવા માગતો ન હતો. છેલ્લે 'દગો કોઇનો સગો નહીં' એમ વિચારી સારું ભવિષ્ય દેખાતા સુજાતા સાથે હાથ મિલાવી દીધા હતા.
એ દિવસે સુજાતા બહાર ગયા પછી જનાર્દને જતિનને જામમાં ડૂબાડવાનો હતો. જતિનને ખબર ન હતી કે તે આમ કરીને હાથે કરી કૂવામાં પડી રહ્યો છે. જનાર્દને તેની સાથે દારૂની પાર્ટી શરૂ કરી ત્યારે જતિનને ખબર ન હતી કે રાજકીય પાર્ટીમાં આ તેનો છેલ્લો દિવસ બની જશે. જનાર્દને જતિનના હોશ ના રહે એટલો પીવડાવી દીધો. જનાર્દન પોતાનો રોલ પૂરો કરીને નીકળ્યો એટલે ટીનાએ પોતાનો અભિનય શરૂ કર્યો. તેણે જતિનને બેડરૂમમાં લઇ જવા સહારો આપ્યો. એ સાથે પોતાના અંગોને તેના શરીર સાથે ઘસતી રહી. જતિનની લંપટતા જાગવા લાગી. તેણે ટીનાને પોતાની હવસનો શિકાર બનાવવા ધમકીઓ આપી. ટીના ડરી ગઇ હોવાનો ડોળ કરી વોશરૂમમાં ગઇ અને સુજાતાને ફોન કરી દીધો. સુજાતા અગાઉની સૂચના મુજબ બંગલાના દરવાજા બહાર જ હતી. તેણે સોમેશને પેટ્રોલ પુરાવવા મોકલી આપ્યો હતો. સોમેશે આનાકાની કરી હતી પણ સવારે વહેલા અન્ય કામે જવાનું છે એમ કહીને સોમેશને રવાના કરી દીધો હતો. સુજાતા ઝટપટ પોતાના પાસેની ચાવીથી દરવાજો ખોલી અંદર આવી. હવે સૌથી મુશ્કેલ કામ ટીના અને જતિનનો આપત્તિજનક સ્થિતિમાં ગણાય એવો વિડીયો ઉતારવાનું હતું. સુજાતા પોતાના બેડરૂમની સ્થિતિ જાણતી હતી. બેડરૂમનું બારણું થોડુંક જ ખુલ્લું રાખવામાં આવ્યું હતું. સુજાતા પોતે દરવાજો ખોલીને મોબાઇલથી શુટિંગ કરે તો પોલ ખૂલી જાય એમ હતી. દિવાલ ઉપર પણ અગાઉથી કેમેરા ફિટ કરી શકાય એમ ન હતો. તેના પર નજર પડી જાય એમ હતી. પોતાના જ બેડરૂમમાં પરસ્ત્રી સાથે મોજ કરતા પતિનો છુપાઇને વિડીયો ઉતારવાનું કામ એક પત્ની માટે સરળ ન હતું.
વધુ સોળમા પ્રકરણમાં...
****
* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.
* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.