Pratishodh - 2 - 9 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ દ્વિતીય અંક: - 9

Featured Books
Categories
Share

પ્રતિશોધ દ્વિતીય અંક: - 9

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-9

200 વર્ષ પહેલાં, પુષ્કર, રાજસ્થાન

અંબિકાએ જ્યારે વિક્રમસિંહને જણાવ્યું કે પોતાનો ગઈકાલે રાતે વિક્રમસિંહ દ્વારા પીછો થઈ રહ્યો હતો એ વાત પોતે જાણતી હતી ત્યારે વિક્રમસિંહને ભારે નવાઈ લાગી.

"તમને કેવી લાગી મારી તલવારબાજી?" પોતાની તરફ એકીટશે જોઈ રહેલા વિક્રમસિંહ ભણી જોઈ અંબિકાએ પૂછ્યું.

"ખૂબ જ સરસ.!" વિચારોના વમળમાં ફસાયેલા વિક્રમસિંહે જવાબ આપતા કહ્યું. "તો તમે મને મેળામાં એટલે ઘુમાવવા લઈ આવ્યા કે ગઈકાલ રાતવાળી વાત હું કોઈને ના જણાવું.?"

"સાચું કહું કે ખોટું.." પોતાની સાથે જ જાણે વાત કરતી હોય એવી અદાથી અંબિકા બોલી. "સાચું જ કહી દઉં."

"હકીકતમાં આ વાત સાચી છે કે હું તમને એટલે જ મેળામાં ઘુમાવવા લઈ આવી હતી જેથી તમારી જોડે મિત્રતા કેળવી મારો ભેદ છુપાવવા તમને વિનંતી કરી શકું."

"તમને જો આ બાબતે ડર હોય કે હું તમારો આ ભેદ કોઈને જણાવીશ તો તમે નાહકનો ડર રાખશો નહીં." વિક્રમસિંહે કહ્યું. "હું આવું નહીં કરું."

"એ તો હું સમજી ગઈ કે તમારા જેવો સજ્જન પુરુષ ક્યારેય કોઈ સ્ત્રીને હેરાન થવું પડે એવું કાર્ય કરી જ ના શકે." અંબિકા ઉત્સાહભેર બોલી.

"તમે કઈ રીતે જાણી લીધું કે હું સજ્જન છું.?" વિક્રમસિંહે પૂછ્યું.

"મેં તમને સામે ચાલીને મારી સાથે મેળામાં આવવાનો પ્રસ્તાવ મૂક્યો, જો તમારી જગ્યાએ બીજું કોઈ હોય તો આનો અવળો અર્થ નીકાળી બેસત." અંબિકાએ જવાબ આપતા જણાવ્યું. "જ્યારે તમે આ દરમિયાન એકવાર પણ મને જાણીજોઈને સ્પર્શ કરવાનો પ્રયત્ન નથી કર્યો. આવું એ જ વ્યક્તિ કરી શકે જેની અંદર પૂર્ણ સંસ્કારોનું સિંચન હોય, જે સજ્જન હોય."

"હમમ.., બરાબર." વિક્રમસિંહે કહ્યું. "પણ તમે એ ના જણાવ્યું કે તમારે વળી આટલી મોડી રાતે તલવારબાજીનો અભ્યાસ કરવાની શું જરૂર પડી.?"

"કેમકે હું હવે આઝાદ થવા માંગુ છું!" અંબિકાના સ્વરમાં દબાયેલો ગુસ્સો હતો.

"આઝાદ? અને એ પણ તલવારબાજીથી?"

"હા, મારી સાવકી માંનો ત્રાસ હવે દિવસે અને દિવસે વધતો જાય છે. એ મને નજીકમાં કોઈ પૈસાદાર શાહુકારને ત્યાં પરણાવી દેવા માંગે છે, જેની ઉંમર મારા બાપુ જેટલી છે." અંબિકાએ ગ્લાનિભર્યાં સ્વરે કહ્યું. "હું આવું થાય એ પહેલાં મરી જવું પસંદ કરીશ પણ મારી માં ઈચ્છે એમ તો નહીં જ કરું."

"આત્મહત્યા કરવી પાપ છે." ધીરજભેર અંબિકાની વાત સાંભળી લીધા બાદ વિક્રમસિંહે કહ્યું.

"હું જાણું છું એટલે તો તલવારબાજીનો અભ્યાસ કરતી હતી." અંબિકા બોલી. "પરમદિવસે જ્યારે તલવારબાજીની સ્પર્ધા થશે એમાં હું ભાગ લઈશ અને એમાં જીતવાનો પ્રયત્ન કરીશ."

"જો તમે જીતી જશો તો તમારા લગ્ન પુરુષોની સ્પર્ધામાં જીતનારા સ્પર્ધક સાથે કરાવવામાં આવશે..અને આમ થતાં જ તમે તમારી માંની ચુંગાલમાંથી આઝાદ થઈ જશો. બરાબરને?" વિક્રમસિંહે તાળાથી તાળો મેળવતા કહ્યું.

"હા, એમજ." અંબિકા બોલી.

"મને લાગે છે તમારી આ ઈચ્છા પૂરી નહીં જ થાય."

"આવું કેમ બોલો છો?"

"કેમકે, મેં તમારી તલવારબાજી જોઈ હતી. આમ તો તમે તલવાર સારી ચલાવો છો પણ તમારી ગતિ અને અમુક દાવ ખામીયુક્ત છે."

"તમને તલવારબાજીનું ભારે જ્ઞાન છે?"

"વધુ નહીં.. પણ અમુક પ્રાથમિક વસ્તુઓ હું જાણું છું."

"તો પછી આગામી બે દિવસો દરમિયાન તમે મારી એ ખામીઓ દૂર કરવામાં મારી મદદ કરશો?" અંબિકાના અવાજમાં આજીજી હતી, વિનવણી હતી.

"કેમ નહીં. ચોક્કસ."

"ખૂબ ખૂબ આભાર તમારો." અંબિકાએ ઉલ્લાસભેર કહ્યું. "તો પછી મળીએ રાતે." આટલું કહી અંબિકા ત્યાંથી ચાલતી થઈ. અંબિકાના જતાં જ વિક્રમસિંહે મનોમન ગાંઠ વાળી દીધી કે પોતે અંબિકાને તલવારબાજીની સ્પર્ધામાં જીતવા લાયક બનાવશે અને પોતે પુરુષોની તલવારબાજી સ્પર્ધામાં કોઈપણ ભોગે જીત મેળવીને અંબિકા સાથે વિવાહ રચાવશે.

એ રાતે વિક્રમસિંહ અંબિકાના બાપુની હાટડી સામે છુપાઈને બેસી રહ્યા, રાતે બે વાગે અંબિકા જેવી હાટડીમાંથી નીકળી એ સાથે જ વિક્રમસિંહ એની પાછળ થઈ ગયાં.

અંબિકા આમ તો ખૂબ સારી એવી તલવાર ચલાવતી હતી પણ હજુ એમાં થોડી ઉણપ હતી, જેને દૂર કરવાનું કામ વિક્રમસિંહને કરવાનું હતું અને એ પણ ખૂબ ઓછા સમયમાં. બે દિવસની અંદર વિક્રમસિંહ દ્વારા અંબિકાને ક્યારે અને કયા પ્રકારનો પ્રહાર કરવો એની અને દુશ્મનનો પ્રહાર કેમ ટાળવો એની વિગતે સમજણ આપવામાં આવી. એક હોંશિયાર વિદ્યાર્થીનીની માફક અંબિકા ખૂબ સરળતાથી વિક્રમસિંહનું આપેલું જ્ઞાન સારી પેઠે સમજી ગઈ.

આખરે એ દિવસ આવી જ ગયો જે દિવસ માટે વિક્રમસિંહ માધવપુરથી પુષ્કરના મેળામાં ભાગ લેવા આવ્યા હતાં અને આ એ દિવસ હતો જેની અંબિકા છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઈ રહી હતી. આખરે આ સ્પર્ધામાં કોનું ભાવિ કઈ રીતે લખાવાનું હતું એતો સમયના હાથમાં હતું.

*************

મે, 2003, મયાંગ

પોતાના દાદા શંકરનાથ પંડિતની મૃત્યુ બાદ નાનકડો સૂર્યા બસમાં બેસી ગુવાહાટી પહોંચ્યો અને ત્યાં પંડિતના એક મિત્ર વ્રજલાલને જઈને એ મળ્યો. દાદાએ આપેલી ચિઠ્ઠી એને વ્રજલાલને વાંચવા આપી જે વાંચતા જ વ્રજલાલના ચહેરા પર આતંકની રેખાઓ પ્રસરી ગઈ.

એને તાબડતોડ મયાંગમાં તપાસ કરાવી તો એને જાણવા મળ્યું કે પંડિત ગતરાતે એક ભયંકર શક્તિશાળી દૈત્યને હાથે માર્યા ગયાં છે. વ્રજલાલે આ વાત જ્યારે સૂર્યાને જણાવી ત્યારે વ્રજલાલને એમ હતું કે આ આઠ-નવ વર્ષનું બાળક રોકકળ કરશે પણ એવું કંઈ ના થયું. દાદાજીના મૃત્યુનાં સમાચાર સાંભળી સૂર્યાના ચહેરા પર માત્ર અને માત્ર એક જ લાગણી હતી એ હતી ક્રોધની, પ્રતિશોધની!

જે લોકોએ પંડિતની હત્યા કરી છે એ લોકો સૂર્યાને શોધતા અવશ્ય આવશે એનો અંદાજો આવી જતા વ્રજલાલે તાત્કાલિક સૂર્યાને આ બધાંથી દૂર મોકલી દેવાનો નિર્ણય લીધો.

સાત વર્ષ પહેલા વ્રજલાલના દીકરાને એક શક્તિશાળી પિશાચે વશ કર્યો હતો ત્યારે પંડિત શંકરનાથે જ એમના દીકરાનો જીવ બચાવ્યો હતો. વ્રજલાલ ગુવાહાટીનો એક માલેતુજાર વેપારી હતો એટલે એને પંડિતને એમના કાર્ય માટે ખૂબ મોટી રકમ આપવાની તૈયારી બતાવી જેનો પંડિતે ઈન્કાર કરી દીધો. આ દિવસથી પંડિત અને શંકરનાથ વચ્ચે ખૂબ સારી મિત્રતા બંધાઈ ચૂકી હતી. પોતાના પુત્રનો જીવ બચાવનાર વ્યક્તિના પૌત્રનો જીવ બચાવી પોતે પંડિતનું કરજ ચૂકવી શકશે એવી પ્રબળ ભાવના સાથે વ્રજલાલે સૂર્યાને ક્યાંક સલામત સ્થળે લઈ જવાનું નક્કી કર્યું.

બીજા દિવસે સવારે વ્રજલાલ પ્લેન મારફતે મુંબઈ આવ્યો અને અહીંની એક ખૂબ મોટી સ્કૂલમાં સૂર્યાનું આદિત્ય અગ્નિહોત્રી નામે એડમિશન કરાવી દીધું; અગ્નિહોત્રી વ્રજલાલની સરનેમ હતી. પોતે અમુક મહિને સૂર્યાને મળવા આવશે એવું વચન આપી વ્રજલાલ ગુવાહાટી આવી ગયો.

દુનિયાની નજરમાં એ દિવસથી સૂર્યા પંડિત આદિત્ય અગ્નિહોત્રી બની ગયો અને વ્રજલાલ એનો પિતા. પોતાના ઘરથી સૂર્યા એ વખતે બીજી વાર દૂર થયો હતો. પ્રથમ અમદાવાદમાં આવેલા ભૂકંપ વેળા અને હવે દાદાના નિધન પછી.

મનમાં સળગી રહેલી બદલાની આગને મહામહેનતે કાબુમાં લઈ સૂર્યાએ આદિત્ય બની મુંબઈમાં જ પોતાની નવી જીંદગીનો આરંભ કર્યો. વ્રજલાલ ત્રણ-ચાર મહિને અવશ્ય સૂર્યાને મળવા આવતો. આમ ને આમ સૂર્યાએ પોતાનો શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યો, ત્યારબાદ એ ઉચ્ચ અભ્યાસ માટે પણ મુંબઈમાં જ રોકાઈ ગયો. વ્રજલાલ આદિત્યને હવે મળવા તો નહોતો આવતો પણ નિયત સમયે એની જરૂર મુજબની રકમ એને મોકલી આપતો.

આદિત્ય સ્નાતક થયો અને મુંબઈની જ એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરીએ લાગી ગયો. આ નોકરી દરમિયાન એની મુલાકાત પહેલા વેંકટ જોડે થઈ અને વેંકટ થકી આફતાબ જોડે. ત્રણેયને સાથે ખૂબ સારું જામતું હતું. વેંકટના લગ્ન વખતે વેંકટની પત્નીની મિત્ર જાનકી સાથે આદિત્યને પરિચય થયો અને બંને એકબીજાના પ્રેમમાં પડ્યાં.

બધું એના સ્થાને યોગ્ય રીતે ચાલી રહ્યું હતું ત્યાં આફતાબની આત્મહત્યાએ બધું અસ્તવ્યસ્ત કરી નાંખ્યું. અફતાબની મોત અને છેલ્લા અમુક સમયથી પોતાની જોડે બનતી અગોચર ઘટનાઓથી પરેશાન આદિત્ય મનની શાંતિ માટે ગુવાહાટી આવી ગયો અને વ્રજલાલની માલિકીનાં એક ફાર્મહાઉસમાં મયાંગ આવ્યા પહેલા રોકાયો હતો.

આખરે પોતાની નિયતીમાં શું લખ્યું હતું એ જાણવાની અદમ્ય ઈચ્છા આદિત્યને છેવટે સોળ વર્ષ અને છ મહિના બાદ મયાંગ પાછો લઈ આવી.

મયાંગમાં આવીને એને જાણવા મળ્યું કે એનાં દાદા એનાં માટે કંઈક અગત્યની વસ્તુ મૂકીને ગયા છે, આખરે એ વસ્તુ શું હતી એ જાણવાની તાલાવેલી સાથે આદિત્યએ ઘરમાં મોજુદ મંદિરની પાછળ બનેલાં એક છુપા લોકરના કીહોલમાં ચાવી ભરાવીને લોકરને ખોલ્યું.

લોકર ખોલતાં આદિત્યની નજર સામે લોકરમાં પડેલ અમુક જર-ઝવેરાતની વચ્ચે રાખેલી એક ડાયરી પર સ્થિર થઈ. ભારે આતુરતા સાથે આદિત્યએ એ ડાયરી હાથમાં લીધી અને લોકર બંધ કરી દીધું. મહાકાળી માંની મૂર્તિને હતી એમ ગોઠવી આદિત્યએ ઉત્કંઠા સાથે ડાયરીનું પ્રથમ પાનું પલટાવ્યું.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)