પ્રાસ્તાવિકઃ
ચાની લારી ચલાવતા, શાકભાજી વેચતા, કરિયાણાની દુકાન ચલાવતા વેપારીઓથી માંડીને વકીલ, ડૉક્ટરો અને ઍન્જીનિયરોથી રાષ્ટ્રપતિ સુધી સહુ કોઈ શિક્ષણની સમગ્ર વ્યવસ્થાથી ચિંતિત છે. એક બાજુ આંખનો પલકારો થાય ત્યાં સુધીમાં વિશ્વમાં વ્યાપ્ત જ્ઞાન બમણું થઈ જાય છે અને બીજી બાજુ શિક્ષણના ભારને સહન ન કરી શકતા વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ વળી જાય છે. વધતું જતું જ્ઞાન અને માણસનું માણસ તરીકે જીવવું આ બંને વચ્ચેનું અંતર વધતું જતું હોય તેવું પ્રતીત થાય છે.
શિક્ષણનો વ્યાપ વધ્યો છે. અદ્યતન ટેક્નોલૉજીએ શિક્ષણના માળખાને અને સ્વરુપને ઘણે અંશે પરિવર્તિત કર્યા છે. માહિતી આદાન પ્રદાનની પ્રક્રિયા ચમત્કારિક રીતે ઝડપી બની છે. સાક્ષરતાના પ્રમાણને આપણે ઘણે અંશે સિદ્ધ કર્યા હોવાનું ગૌરવ લઈએ છીએ. શાળા-મહાશાળાના મકાનોએ સૌંદર્યાત્મક મૂલ્યોને સ્થાન આપીને કોઈ કૉર્પોરેટ હાઉસમાં પ્રવેશતા હોઈએ તેવું કલેવર ધારણ કરવા માંડ્યું છે. પણ આ સર્વની વચ્ચે યક્ષ પ્રશ્ન એ છે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવાદ શક્ય બન્યો છે ખરો? શિક્ષક એવી ખાતરી આપી શકે કે તેણે જે ભણાવ્યું તે વિદ્યાર્થી સુધી પહોંચ્યું? વળી વિદ્યાર્થી એવી હૈયાધારણ આપી શકે કે શિક્ષક જે ભણાવતા હતા તે તેણે સિદ્ધ કર્યું?
આ બે પ્રશ્નોના ઉત્તર મેળવવા હોય તો એનો માપદંડ શું? જો પ્રવર્તમાન પરીક્ષા પદ્ધતિને આધારે એનો ઉત્તર મેળવવાનો હોય તો ચાની લારીવાળાથી માંડીને રાષ્ટ્રપતિ સુધી તેનો જવાબ ‘ના’મા જ આપશે. એનો અર્થ એ થયો કે અધ્યયન અને અધ્યાપનના પાયાના ખ્યાલોને સમજ્યા વગર આનો જવાબ અધૂરો જ મળશે.
અધ્યયન એટલે શું?
પ્રથમ અધ્યયનને સમજીએ તો સાદી ભાષામાં એમ કહી શકાય કે અનુભવને પરિણામે વ્યક્તિના વર્તનમાં થતો ફેરફાર. મનોવૈજ્ઞાનિક રૉબર્ટ ગેને વિસ્તૃત સમજ આપતા જણાવે છે કે “અધ્યયન એ માનવમાં લાંબા સમયથી અસ્તિત્વ ધરાવતા સ્વભાવ, વલણો અને શક્તિઓમાં થયેલું પરિવર્તન છે.” આ પરિભાષાને માત્ર શાળા શિક્ષણ નહીં પણ સમગ્ર જીવન સાથે સંબધ છે. પ્રત્યેક અનુભવ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ ને કંઈ શીખવી જ જાય છે.
અધ્યાપન એટલે શું?
અહીં સવાલ એ થાય છે કે તો પછી અધ્યાપનની શી ભૂમિકા છે? માનવ વિકાસની ભૂમિકા જેમ જેમ સંકુલ બનતી ગઈ તેમ તેમ શીખવાના અનેક ક્ષેત્રો પણ વિકસતા ગયા. એ સંજોગોમાં કુટુંબ માટે બધું જ શીખવવાનું માત્ર કઠીન જ નહીં પણ અશક્ય બનતું ગયું. એ પરિપ્રેક્ષ્યમાં ઔપચારિક શિક્ષણ વ્યવસ્થાએ જન્મ લીધો. આ સંદર્ભમાં અધ્યાપનને સમજીએ તો વિદ્યાર્થીએ શું શીખવાનું છે તે શીખવવા માટેના અનુભવો પૂરા પાડવા તેનું નામ અધ્યાપન. દા.ત. વિદ્યાર્થીને ગુજરાતી વાચતાં શીખવવાનું છે તો શિક્ષક વિદ્યાર્થીને ગુજરાતી વાચતાં શીખે તેવું વાતાવરણ ઊભું કરીને તેવાં અનુભવો પૂરાં પાડે તેને અધ્યાપન કહી શકાય.
મૂળ ખ્યાલને સમજવાનો પ્રયાસ કરીએ તો શાળામાં અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા સંપૂર્ણપણે હેતુ આધારિત બની જાય છે. વિદ્યાર્થીએ શું શીખવાનું છે તે નિશ્ચિત્ત છે અને તે માટે શિક્ષક એવું કેવું વાતાવરણ ખડું કરે કે જેથી વિદ્યાર્થીમાં અપેક્ષિત પરિવર્તન લાવી શકાય તેના પર સમગ્ર બાબતનો આધાર રહે છે. આ પ્રશ્ન શિક્ષકના મનમાં જેટલો સ્પષ્ટ તેટલું અધ્યાપનનું વાતાવરણ વધુ ફળદાયી.
અધ્યયન – અધ્યાપનની જીવંત પ્રક્રિયાઃ
એક જીવંત ઉદાહરણથી આ બાબતને સમજીએ. જૂના અભ્યાસક્રમમાં ગુજરાતી વિષયમાં ધોરણ ૮માં ફાધર વાલેસ લિખિત એક પાઠ હતો ‘ખોટો જવાબ’.
આ પાઠમાં એક વિદ્યાર્થી ગણિતની પરીક્ષામાં પોતાની રીતે દાખલો ગણીને સાચો જવાબ લખી નાખે છે. પણ તેને શંકા જતાં તે ચોરી કરીને અન્ય વિદ્યાર્થીએ લખેલા જવાબની નકલ કરે છે, જે ખોટો જવાબ હોય છે. આ ઘટનાનું લેખકે સૂક્ષ્મ ચિંતન રજૂ કર્યું છે.વિદ્યાર્થીએ ખોટો જવાબ લખીને પરીક્ષામાં ગુણ તો ગુમાવ્યા પણ સાથે સાથે પોતાના વ્યક્તિત્વને લાંછન પણ લગાડ્યું. આત્મવિશ્વાસનો ગુણ પણ ગુમાવ્યો.
આ પાઠને શિક્ષક કયા હેતુઓને ધ્યાનમાં રાખીને શીખવે છે તેના પર સમગ્ર આધાર રહે છે. આને ૨૦ મિનિટમાં પણ શીખવાય અને વધુ તાસ ફળવીને વિદ્યાર્થી માત્ર પરીક્ષામાં તો ઠીક પણ જીવનમાં ચોરી કરવાનો ખ્યાલ સુધ્ધાં ન કરે અને આત્મવિશ્વાસ જેવા ઉમદા ગુણને ખિલવી શકે તેવું વાતાવરણ પણ સર્જી શકે. અહીં શિક્ષકે નક્કી કરવાનું છે કે તે વિદ્યાર્થીમાં કયું અપેક્ષિત વર્તન-પરિવર્તન લાવવા ઈચ્છે છે. માત્ર માહિતી આધારિત પ્રશ્નોના જવાબ આવડે એટલે વિદ્યાર્થીને પાઠ આવડી ગયો અને શિક્ષકે પાઠ સરસ ભણાવી દીધો એવા ખ્યાલથી જ અધ્યયન-અધ્યાપન પ્રક્રિયા ચાલે તો પછી કોઈ જ ચર્ચાને અવકાશ રહેતો નથી.
એક શિક્ષકે આ પાઠ ચલાવવામાં ત્રણેક તાસ લીધાં. અનેક મહાપુરુષોના જીવનમાંથી પ્રેરણાદાયી પ્રસંગો જણાવ્યા. અંતમાં વિદ્યાર્થીઓને આ પાઠમાંથી તેઓએ શો બોધ લીધો તે જણાવવા કહ્યું. વિદ્યાર્થીઓના જવાબ બાદ તેઓને વ્યક્તિત્વના વિકાસ માટે ત્રણ થી પાંચ સંકલ્પો લેવાનું જણાવ્યું. એવો આગ્રહ રાખ્યો કે સંકલ્પોનું પાલન થાય. શિક્ષકે બે મહિના પછી આ સંકલ્પોના આચરણ વિષે પૃચ્છા કરી. કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના વિકાસને સમર્થન આપ્યું તો કેટલાકે નિષ્ફળતાની સંકોચપૂર્વક જાહેરાત કરી.
આ સંદર્ભમાં શિક્ષકે પુનઃ પ્રેરણા આપી. પ્રથમ પરીક્ષા વખતે વિદ્યાર્થીઓના વર્તનનું અવલોકન કર્યું. તેઓના અનુભવોનો એ નિષ્કર્ષ સાંપડ્યો કે મોટાભાગના વિદ્યાર્થીઓને ચોરી કરવાની ઈચ્છા તો ન થઈ પણ કેટલાકને બે ત્રણ પ્રશ્નો ન આવડ્યા તો પણ ચોરી કરવાનો પ્રયાસ ન કર્યો. તેઓએ એ પણ જણાવ્યું કે ચોરી નથી કરી તેનો જ એમને વિશેષ આનંદ છે. સમગ્ર વર્ગમાંથી એક વિદ્યાર્થીએ કબુલ્યું કે, તેણે ચોરી કરી હતી. અહીં પણ તેની નિખાલસ કબૂલાત તેના ભાવિ વિકાસનું સૂચન કરી જાય છે. અહીં શિક્ષકના અધ્યાપન માટેના વિશાળ હેતુનિર્માણની પ્રક્રિયાના દર્શન થયા વગર રહેતા નથી.
અભ્યાસક્રમોમાં ઉત્તમ ચારિત્ર્ય ઘડતર થાય તેવા એકમોનું આયોજન થયું જ છે. આપણે શિક્ષકો તરીકે તેના ઉદાત્ત એવા હેતુઓને અધ્યાપન પ્રક્રિયામાં સામેલ કરવામાં ગાફેલ રહી જઈએ છીએ. એક દલીલ એવી પણ સાંભળવા મળે છે કે બી.ઍડ.ના અભ્યાસક્રમ પ્રમાણે જે પદ્ધતિથી પાઠો આપવાનું શીખવવામાં આવે છે તે પ્રમાણે જો શિક્ષક ભણાવે તો અભ્યાસક્રમ પૂરો જ ન થઈ શકે. આ વાતમાં સહેજ પણ તથ્ય દેખાતું હોય તો પણ તે સત્યથી તો વેગળી જ છે. કેમકે જે રીતે અભ્યાસક્રમ પૂરો કરવામાં આવે છે તે જોતાં શિક્ષક ઠાલું આશ્વાસન ચોક્કસ લઈ શકે કે તેણે કૉર્સ પૂરો કર્યો. અને વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઊંચી ટકાવારી લાવીને એમ કહી શકે કે મેં શીખી લીધું. પણ સાચા અર્થમાં તો શીખવાનું અને શીખવવાનું કૌંસ બહાર જ રહી જાય છે.
અધ્યાપનનું મનોવિજ્ઞાનઃ
શિક્ષણની આ સંકુલતાને જોતાં વીસમી સદીના ઉત્તરાર્ધમાં અધ્યયનના મનોવિજ્ઞાનની જેમ અધ્યાપનનું મનોવિજ્ઞાન એવી એક નવી શાખા અસ્તિત્વમાં આવી છે. જે અધ્યયન પ્રક્રિયાની સાથે કઈ રીતે શીખવવું તે અંગેના અભ્યાસો હાથ ધરે છે. આમાં સિગલ, આસુબેલ, સ્નેલ્બેકર, બ્રુનર અને રૉબર્ટ ગેને જેવા મનોવૈજ્ઞાનિકોના નામો પ્રમુખ છે. તેઓએ અધ્યાપનના સિધ્ધાંતો રજૂ કર્યા છે. જેનો અમલ વર્ગને સ્વર્ગ બનાવી શકે તેમ છે. આ સર્વમાંથી માત્ર રૉબર્ટ ગેનેના એક જ સિદ્ધાંતનો પરિચય મેળવીશું તો પણ અધ્યાપનના આ મનોવિજ્ઞાનને સમજવાની એક દ્રષ્ટિ પ્રાપ્ત થશે. તેઓ ભણાવતી વખતે નવ પ્રક્રિયાઓને સમાવવાનું સૂચન કરે છે. જે નીચે મુજબ છે.
૧. વિદ્યાર્થીઓને ધ્યાન પ્રાપ્તિ કરાવો.
૨. વિદ્યાર્થીઓને શીખવવાના હેતુઓની જાણ કરો.
૩. વિદ્યાર્થીઓના પૂર્વજ્ઞાનને પુનઃ યાદ કરાવો.
૪. અધ્યયન વિષયવસ્તુની અસરકારક રજૂઆત કરો.
૫. અધ્યયન માટે જરુરી માર્ગદર્શન પૂરું પાડો.
૬. શીખેલી બાબતોને વર્તન સ્વરુપે વ્યક્ત કરાવો.
૭. વર્તનનું તટસ્થ મૂલ્યાંકન કરો.
૮. પરિણામ દ્વારા પ્રતિપોષણ આપો.
૯. શીખેલી બાબતોનું ધારણ અને સંક્રમણ વધારો.
વર્ગ પ્રવેશમાં વિદ્યાર્થીના ધ્યાનને કેન્દ્રિત કરવાથી માંડીને તે જીવનમાં તેનું અધ્યયન સંક્રમણ એટલે કે તેનો વિવિધ પરિસ્થિતિમાં કેવી રીતે ઉપયોગ કરશે તે સર્વેનો સમાવેશ થઈ જાય છે.
ઉપસંહારઃ
અધ્યાપન સિધ્ધાંતનું આ મૉડેલ સ્વયં સ્પષ્ટ છે. વિદ્યાર્થીની વર્તમાન અવસ્થાથી માંડીને તેનું ઘડતર કરી ભાવિકથન થઈ શકે તેવી સ્થિતિનું નિર્માણ કરી શકાય તેમ છે. શિક્ષક એક વખત જો નિષ્ઠાપૂર્વકના પ્રયાસો હાથ ધરે તો આંતરસૂઝના અનેક દ્વારો ખૂલી જાય છે. પછી વિદ્યાર્થીઓને ભણવું જ નથી તેવા દોષારોપાણમાંથી મૂક્તિ મળી જાય છે. આ શિક્ષકને અધ્યાપન કર્યાનું ગૌરવ અને આનંદ તો મળશે જ સાથે તેને અસંતોષની લાગણી તો નહીં જ થાય તેની તો ખતરી આપી જ શકાય તેમ છે.