padchhayo - 12 in Gujarati Horror Stories by Kiran Sarvaiya books and stories PDF | પડછાયો - ૧૨

Featured Books
Categories
Share

પડછાયો - ૧૨

શનિવારનો દિવસ આવી ગયો હતો અને કાવ્યા વધુ ને વધુ ડરી રહી હતી. તેણે પોતાનો ડર થોડો ઓછો થાય એ માટે પોતાનાં મમ્મી અને સાસુને બધી જ વાત કરી દીધી. એ લોકોની વાતચીતમાં એક રહસ્ય ખુલી ગયું કે પડછાયો શનિવારે જ આવે છે અને ફક્ત કાવ્યાને દેખાય છે પણ આ રહસ્ય ખુલતાંની સાથે જ નવું રહસ્ય ઉજાગર કરી ગયું કે પડછાયો શનિવારે જ શા માટે દેખાય છે.

બધાં જ આખો દિવસ સાથે રહીને માતાજીનાં નામનું સ્મરણ કરતાં રહ્યાં જેથી કાવ્યાને ડર ના લાગે. રાતનાં નવેક વાગ્યે બધા ડાાનિંગ ટેબલ પર બેસીને જમી રહ્યાં હતાં. તે દરમિયાન આકાશમાંથી કાળાં રંગનો ધુમાડો નીચે ઊતર્યો અને ઘરની અગાશી પર આવી વિખેરાઈને એક માનવ આકૃતિમાં ફેરવાઈ ગયો અને પડછાયા સ્વરૂપમાં દ્રશ્યમાન થયો. તે ધીમે ધીમે અગાશીની પાળી પર આવ્યો અને હવામાં ઉડતો ઉડતો નીચે આવ્યો. સાડા છ ફૂટ ઊંચાઈ ધરાવતો એ પડછાયો બંગલાના ગાર્ડનમાં આવ્યો અને ફૂલોની સામે જોવા લાગ્યો. તરત જ ફૂલો મુરઝાઈ ગયા અને તેેમનો રંગ ફીક્કો પડી ગયો. આ જોઈ પડછાયો જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને પછી અદ્રશ્ય થઈ ગયો.

કાવ્યા પોતાની ધુનમાં જ જમી રહી હતી ત્યાં જ તેની પાછળ સીડી પાસેથી અવાજ આવ્યો, "કાવ્યા....". કાવ્યાએ તરત પાછળ ફરીને જોયું તો ત્યાં કોઈ નહોતું. કવિતાબેન એ પૂછ્યું, "શું થયું કાવ્યા? અચાનક પાછળ ફરીને શું જોવા લાગી?"

"કંઈ નહીં મમ્મી.. મને એમ લાગ્યું કે કોઈએ મને મારું નામ લઈને બોલાવી હોય." કાવ્યા આટલું બોલી ફરી જમવાં લાગી.

"ઓકે બેટા.." કવિતાબેન પણ આટલું બોલી જમવા લાગ્યાં. રસીલાબેન પણ જમવા લાગ્યાં.

બધા જમવાનું પતાવી ઊભા થયા પણ કાવ્યા હજુ જમી રહી હતી. આથી કવિતાબેન અને રસીલાબેન રસોડામાં સફાઈ કરવા ગયાં. ત્યાં જ ફરીથી એ જ અવાજ કાવ્યાને સંભળાયો એ પણ એકદમ નજીકથી જાણે તેની સાવ પાછળ ઊભા રહી કોઈ બોલ્યું હોય, "કાવ્યા...". આ અવાજ કાવ્યાએ પહેલાં પણ સમીરના ઘરે પાર્કિંગ લોટમાં સાંભળ્યો હતો. તે જાણતી હતી કે આ અવાજ પડછાયાનો છે આથી તે ખૂબ જ ડરી ગઈ અને ડાઇનિંગ ટેબલ પરથી ઊભી થઈને રસોડાં તરફ ભાગી.

કાવ્યાની ચીસ સાંભળી કવિતાબેન અને રસીલાબેન બહારની તરફ દોડ્યાં અને સામેથી કાવ્યા અંદર આવી રહી હતી તો કાવ્યા કવિતાબેન સાથે અથડાઈ ગઈ અને બંને મા દિકરી નીચે પડી ગઈ. રસીલાબેન એ વારાફરતી બંનેને ઊભી કરી.
કાવ્યાના ચહેરા પર દેખાઈ રહેલા ભયને પારખી ગયાં હોય એમ રસીલાબેન કાવ્યાને કવિતાબેન પાસે ઊભી રાખી બહાર હોલમાં ગયાં. પણ ત્યાં તેમને કશું જ ના દેખાયું. આથી તેમણે કાવ્યા અને કવિતાબેનને બહાર આવવા માટે કહ્યું.

કાવ્યાનો હાથ પકડી કવિતાબેન તેને બહાર લઈ આવ્યાં. કાવ્યાને જાણે વીજળીનો ઝાટકો લાગ્યો હોય એમ તે ધ્રુજી રહી હતી. "જો બેટા, અહીં કોઈ નથી, તું ડર નહીં." રસીલાબેન બોલ્યાં. કાવ્યા ડરતાં ડરતાં ચારે તરફ જોવા લાગી. તેને પડછાયો ક્યાંય ના દેખાયો. આથી તેને હાશ થઇ.

"પડછાયો દેખાયો હતો કાવ્યા?" કવિતાબેન એ સવાલ કર્યો. "ના મમ્મી, તેનો અવાજ સંભળાયો હતો પણ હું પાછળ જોયા વગર જ ભાગીને અંદર આવી ગઈ અને તમારી સાથે અથડાઈ ગઈ. સોરી મમ્મી, તમને વાગ્યું તો નથી ને?" કાવ્યા બોલી.

"ના બેટા, મને કંઈ નથી થયું પણ તું જરા હિંમત રાખ. આમ સીધી દોડીને અંદર આવી ગઈ. પણ જો અહીં કોઈ નથી. કદાચ તને ભ્રમ થયો હશે." કવિતાબેન બોલ્યાં.

"હા કાવ્યા, કદાચ ભ્રમ જ થયો હશે." રસીલાબેન બોલ્યા. "હા મમ્મી, ભ્રમ જ થયો હશે. કારણકે અહીં કોઈ નથી. સોરી મમ્મી, હું તમને ખૂબ જ પરેશાન કરી રહી છું." કાવ્યા બંને તરફ કાન પકડીને બોલી. "અરે એમાં સોરી શેનું? તું પણ હવે.." કહેતાં બંને મમ્મીઓ હસવા લાગી. કાવ્યા પણ હસવા લાગી.

"ચાલો હવે સૂઈ જાય નહીંતર આ રાત પૂરી જ નહીં થાય." કાવ્યા બોલી એટલે બધાં કાવ્યાના રૂમમાં સૂવા જતાં રહ્યાં. આજે બધાંએ સાથે જ સૂવાનું નક્કી કર્યું હતું. કાવ્યા તેનાં રૂમનાં સોફા પર સૂવા ગઈ ત્યાં કવિતાબેન બોલ્યાં, "બેટા, તું અને રસીલાબેન બેડ પર સુઈ જાઓ, હું સોફા પર સૂઈ જઈશ." આ સાંભળી રસીલાબેન બોલ્યા, "તમે બંને મા દિકરી બેડ પર સૂઈ જાઓ, હું સોફા પર સૂઈ જાઈશ."

આ સાંભળી કાવ્યા હસવા લાગી અને બોલી, "તમે બંને બેડ પર આરામથી સુઈ જાઓ, હું સોફા પર સૂવાની છું અને હું કેટલી જિદ્દી છું એ તો તમે જાણો જ છો ને!!!"

"હે ભગવાન, આ છોકરી નહીં માને. આપણે જ અહીં સૂઈ જાય." કવિતાબેન હસતાં હસતાં બોલ્યાં. રસીલાબેન પણ હસવા લાગ્યા અને બેડ પર લંબાવી દીધું. કાવ્યા એ પોતાનાં ઓશિકું અને ચાદર લઈને સોફા પર આડી પડી ગઈ. બધા માતાજીનું નામ લઈને સૂઈ ગયાં.

રાતનાં બાર વાગ્યે કાવ્યાને કાચનાં ગ્લાસ અને જગ ખખડવાનો અવાજ સંભળાયો. તે ઝબકીને જાગી ગઈ અને જોયું તો રસીલાબેન બેડ અટેચ્ડ ટેબલ પરથી કાચના જગમાંથી પાણી ભરી રહ્યાં હતાં. કાવ્યાને જાગેલી જોઈ તેઓ બોલ્યા, "સોરી બેટા, મેં તારી નિંદર ઉડાવી દીધી.."

"અરે કંઈ વાંધો નહીં મમ્મી.. મને પણ તરસ લાગી છે જગ અને ગ્લાસ આપજો ને જરા!" કાવ્યા બોલી.

"બેટા, આમાં પાણી તો ખતમ થઈ ગયું છે. તું બેસ હું રસોડામાંથી પાણીનો જગ ભરી આવું." રસીલાબેન બોલ્યા.

"ના મમ્મી, લાવો જગ. હું પાણી ભરી આવું." કાવ્યા હસીને બોલી અને પછી જગ લઇને રસોડામાં ગઈ. ત્યાં રાખેલ ફ્રીઝનું ડોર ખોલ્યું તો અંદર લાઇટ બંધ હતી. કાવ્યા વિચારવા લાગી કે ફ્રીઝની લાઇટ બંધ કેમ છે. પછી વિચાર્યું કે મમ્મી અથવા સાસુએ ભૂલથી ફ્રીઝ બંધ કરી દીધું હશે. તે ફ્રીઝની પાછળ સ્વીચ ઓન કરવા ગઇ ત્યાં ફ્રીઝ ઉપર રહેલો મોટો ડબ્બો તેની ઉપર ઊંધો વળી ગયો અને તેમાં રહેલી બધી છાશ કાવ્યા પર ઢોળાઇ ગઈ. કાવ્યા હજુ કાંઈ સમજે એ પહેલાં જ તેને પોતાની પાછળથી અવાજ સંભળાયો, "કાવ્યા...". કાવ્યા એકદમ ડરી ગઈ છતાં પણ બની શકે એટલી હિંમત કરીને પાછળ ફરી. તેણે જોયું તો પડછાયો તેની સામે ઊભો હતો અને કાવ્યાની નજીક આવી રહ્યો હતો. કાવ્યા હેબતાઈ ગઈ અને એણે જોરથી ચીસ પાડી.

કાવ્યા ની ચીસ સાંભળી રસીલાબેન તરત જ બેડ પરથી ઉતરીને દોડ્યાં. ચીસ સાંભળી કવિતાબેન પણ જાગી ગયાં અને રસીલાબેનને બહાર તરફ દોડતાં જોઈ તેઓ પણ બહારની તરફ દોડ્યાં.

તેમણે રસોડામાં આવી જોયું તો કાવ્યા ફ્રીઝની પાછળ લપાઈને બેઠી હતી અને ડરી રહી હતી. કવિતાબેને કાવ્યા પાસે જઈને જોયું તો કાવ્યા આખી છાશમાં લથપથ હતી. તેમણે કાવ્યાને ઊભી કરી પણ કાવ્યા પાછી ત્યાં જ લપાઈને બેસી ગઈ અને કાંપવા લાગી. કવિતાબેન પણ નીચે બેસી ગયાં અને કાવ્યાને પૂછવા લાગ્યાં કે શું થયું તો કાવ્યા એ ડરતાં ડરતાં આખી વાત કહી.

આ સાંભળી રસીલાબેન કાવ્યાની સામે જ બેસી ગયાં અને માફી માંગતાં બોલ્યાં, "મારો જ વાંક છે મારે કાવ્યાને એકલી મોકલવાની જરૂર જ ન હતી."

"રસીલાબેન, તમે ખોટું ના લગાડો. એમાં તમારો કોઈ વાંક નથી." કવિતાબેન બોલ્યાં અને પૂછ્યું, "ફ્રીઝની સ્વીચ ઓન જ છે કોઈ એ બંધ નથી કરી તો બંધ કેવી રીતે થયું અને આ છાશનો ડબ્બો આવ્યો ક્યાંથી?"

"હા તમારી વાત સાચી છે મેં પણ ફ્રીઝની સ્વીચ બંધ નથી કરી. તો બંધ કેમ હતું? અને આટલી બધી છાશ આવી ક્યાંથી?" રસીલાબેન બોલ્યાં.

"છોડો એ બધું, પહેલાં કાવ્યાને અહીંથી લઈ જાય તો સારું. આખી છાશમાં લથપથ છે." કવિતાબેન બોલ્યાં અને પછી કાવ્યાને તેના રૂમમાં લઈ ગયાં અને ન્હાવા માટે બાથરૂમમાં મોકલી દીધી અને બાથરૂમનો દરવાજો ખુલ્લો જ રાખ્યો જેથી કાવ્યાને ડર પણ ના લાગે અને કંઈ થાય તો આરામથી કાવ્યા પાસે પહોંચી શકાય. હવે કાવ્યાનાં રક્ષણમાં કોઈ ખામી ના રહી જાય એવું એ લોકો ઈચ્છતાં હતાં.

કાવ્યા નહાતી નહાતી વિચાર કરતી રહી કે તેને છાશ જરા પણ પસંદ નથી તો એ જ શા માટે મારી ઉપર ઢોળી.. તેને ચીતરી ચઢી રહી હતી. એક બે વખત તો ઊબકા પણ આવી ગયાં.

નહાઈ ધોઈને સ્વચ્છ કપડાં પહેરીને કાવ્યા બહાર આવી. રસીલાબેન તેને ગળે વળગી ગયા, "શું થઈ રહ્યું છે મારી દિકરીને? કેમ આટલી બધી હેરાન કરી રહ્યો છે એ મૂઓ પડછાયો?" કાવ્યા તેમને ભેટીને રડવા લાગી. કવિતાબેન પણ રડવા લાગ્યાં.

રસીલાબેન એ કાવ્યાને બેડ પર સુવડાવી દીધી અને પોતે તેની પાસે જ બેઠાં. તેઓ કાવ્યાને સગી દીકરી જ માનતાં આથી કાવ્યાની આવી હાલત તેમનાથી જોવાતી ન હતી. કવિતાબેન પણ કાવ્યાની બાજુમાં આવીને બેસી ગયાં અને તેનાં માથે હાથ ફેરવતાં રહ્યાં.

કાવ્યાની બંને તરફ એક એક મમ્મી તેની રક્ષા કરવા માટે બેઠી હતી. આમ પણ એક મા માતા શક્તિનો જ અવતાર છે. જ્યારે લાડ કરાવે ત્યારે માતા પાર્વતી જેવો અને જ્યારે પોતાના સંતાનો પર કોઈ મુસીબત આવે ત્યારે મા કાળીનું રૂપ લઈ લે છે અને સંતાન પરનાં સંકટનો વિનાશ કરે છે અને અહીંયાં તો બબ્બે મા હાજર હતી કાવ્યાની રક્ષા કરવા માટે.

આ જોઈ પડછાયો મનોમન બોલ્યો, "ગમે એટલું રક્ષણ આપો કાવ્યાને, પણ હંમેશાની જેમ હું મારું ધાર્યું કરીને જ રહીશ." આટલું બોલી પડછાયો જોરજોરથી અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને પછી કાવ્યાના રૂમ તરફ ધીમે ધીમે ચાલવા લાાગ્યો.

************

વધુ આવતા અંકે