કાચિંડા ના બદલાતા રંગ
( આ વાર્તા ઉત્તર ગુજરાતના એક ગામડાનું સત્ય દર્શન છે. લેખકના પોતાના બાળપણના સંસ્મરણો છે. કાચિંડાની જેમ રંગ બદલતા લોક માનસનું આ પ્રતિબિંબ છે. પાત્રોના નામ બદલ્યા છે.)
૨૫ હજારની વસ્તી વાળું એ ગામ. ગામની બહાર એક મંદિર છે અને મંદિરના મોટા પાક્કા ચોગાનમાં વર્ષોથી પુરુષો અને સ્ત્રીઓ માટે બે ઓટલા બનેલા છે. ઓટલા જર્જરિત થતાં ગયા વર્ષે જ નવા બનેલા છે. સાંજના સમયે ગામના વડીલો રોજ દર્શન કરવાને બહાને અહીં ભેગા થતા હોય છે અને અલકમલકની વાતો કરતા હોય છે. ગ્રામ્ય માનસમાં મોટાભાગે લોકોને બીજાની પંચાત કરવાની ટેવ વધારે હોય છે એટલે એવી જ એક પંચાત નું આ દર્શન છે.
ઓટલા ઉપર છથી સાત વૃદ્ધો અને પ્રૌઢો બેઠેલા છે. ત્યાં દર્શન કરવા માટે આવેલ એક યુવાન સમાચાર આપે છે કે ગામનો કોઈ પ્રવીણ નામનો યુવાન જે મુંબઈમાં રહે છે તેને કોઈ ગુનામાં ગઈ કાલે પોલીસ પકડી ગઈ છે અને અત્યારે જેલમાં છે. બસ પછી ઓટલા પંચાત શરૂ થાય છે.
........................................................
મહેશ - રમણકાકા કંઈ સાંભળ્યું ? આપણો પેલો પ્રવીણ ... એને ગઈકાલે પોલીસ પકડી ગઈ .
રમણકાકા - શું વાત કરે છે ? પ્રવીણ !! એને શું કામ પોલીસ પકડી ગઈ ?
મહેશ - એ તો કંઈ ખબર નથી. પણ ઉડતા સમાચાર આવ્યા છે અને સાચા છે.
રમણકાકા - ભારે કરી આ તો !
મહેશ - ચાલો હું પહેલાં મંદિરમાં દર્શન કરીને આવું. આ તો તમને જાણ કરી.
રમણકાકા - હા એ તો. જે હશે એ વાગતું વાગતું માંડવે આવશે.
નટુકાકા - માંડવે આવી ગયું રમણલાલ. હવે બાકી શું રહ્યું ? આટલા પાકા સમાચાર તો મળ્યા.
દાસકાકા - મને તો ખબર જ હતી. એક દહાડો આ પ્રવીણ જેલમાં જવાનો જ હતો !! ધંધા જ એવા હતા પછી ?
ચંદુકાકા - ગમે તે હોય... આ વાત સાલું મારા માન્યામાં આવતી નથી. પ્રવીણ આવું કોઈ કામ ના કરે ! .
દાસકાકા - તમારા મગજમાં ક્યાંથી આવે માસ્તર ? તમે ભલા ને તમારી માળા ભલી. તમે આખી જિંદગી નિશાળમાં છોકરાં ભણાવી જાણ્યાં. દુનિયામાં શું ચાલે છે એ તમને શું ખબર ?
ભીખાભાઇ - એકદમ સાચી વાત દાસકાકા. માસ્તર બિચારા સાવ ભોળીયા. ભગવાન નું માણસ.
નટુકાકા - મને તો પહેલેથી જ આ પવલા નાં લક્ષણ ખબર હતી કે એક દહાડો એ ગામનું નાક કપાવશે.
ભીખાકાકા - શું વાત કરો છો નટુભાઈ ? પવલો એવા ધંધા કરતો હતો ?
નટુકાકા - પવલો શું નહોતો કરતો એ પૂછો ભીખાભાઈ. મુંબઈ માં કેટલા કેટલા ધંધા ચાલે છે એ કંઈ ખબર છે ? અને મુંબઈના ખર્ચા એમ નેમ પોષાય ? બધા આડા ધંધા કરવા પડે. ગામમાં આવે ત્યારે કેવો પોતાની ગાડી લઈને આવતો ?
ચંદુકાકા - પણ એ તો એને સ્ટીલના વાસણો ની મોટી ફેક્ટરી છે એટલે કમાતા જ હોય ને ? ગાડીમાં તે શી નવાઈ ?
નટુકાકા - ચંદુકાકા ચંદુકાકા ... તમે બેઠા બેઠા માળા કરો.. તમને ના ખબર પડે.. આ તો લોકોને બતાવવા માટે ફેક્ટરી ! બાકી અંદર બધા કાળા ધંધા... . સમજો ને યાર !!
દાસકાકા - નટુભાઈ ની વાત માં માલ છે. શહેરના ધંધાની આપણને ગતાગમ ના પડે. તમે જ વિચારો. પોલીસ જ્યારે પકડીને જેલમાં નાખી દે ત્યારે કંઈક તો ધંધા કર્યા હશે ને ?
નારણકાકા - મને તો લાગે છે કોઈ બૈરા નું લફરું હશે ... અત્યારે લેડીઝ ના કાયદા બહુ કડક છે નટુકાકા.
નટુકાકા - નારણભાઈ, બૈરા ના લફરામાં એકદમ કોઈ જેલમાં ના નાંખી દે. મને તો કોઈ મોટું કૌભાંડ લાગે છે.
ભીખાભાઈ - એ વાત મુદ્દાની કરી. મને તો એવું લાગે છે એ પૈસા લઈ લોકોને બે નંબર માં અમેરિકા મોકલતો હશે. 25 30 લાખ રૂપિયા ભાવ ચાલે છે અત્યારે. મારા એક સગાને અમેરિકા જવું હતું ત્યારે પવલાએ વિઝા લેવાનું તમામ માર્ગદર્શન આપેલું. નક્કી એ જ કારસ્તાન હશે તમે જોજો.
બાબુલાલ - અલ્યા તમે લોકો તો કોઈ નો આખો ઇતિહાસ જાણતા હોય એવી રીતે પાછળ પડ્યા છો. પ્રવીણ માં થી પવલો પણ કરી નાખ્યો. પાકા સમાચાર તો આવવા દ્યો. બધી ખબર પડી જશે.
નારણભાઈ - જેલમાં ગયો એતો સમાચાર પાક્કા જ છે ને ? હવે શું બાકી રહ્યું ?
રમણકાકા - મહેશ લાવે એ સમાચાર એકદમ પાક્કા હોય એમાં બેમત નથી. એ કદી પણ ખાલી, કાને સાંભળેલી વાત રજુ ના કરે. વાત પાક્કા પાયે સાચી છે
નટુકાકા - બાબુલાલ નહિ માને. બે દહાડા પછી છાપા માં છપાશે ત્યારે એમને વિશ્વાસ આવશે
ત્યાં તો મહેશ ને દર્શન કરીને પાછો આવતો રમણલાલે જોયો એટલે બૂમ પાડી...
અલ્યા મહેશ સરખી વાત તો કર. તને કોણે કહ્યું ? જેલમાં જવા જેવું એવું તે પ્રવીણે શું કર્યું ?
મહેશ - પ્રવીણ બેંકમાં હતો એટલે કોઈ મોટો પૈસાનો ગોટાળો કર્યો હશે. કાલ સુધીમાં પાકા સમાચાર આવી જશે.
રમણલાલ - અલ્યા તું કયા પ્રવીણ ની વાત કરે છે બેંક વાળો પેલો કાંતિભાઈ નો પ્રવીણ ? એ તો હજુ ત્રણ વર્ષ પહેલાં જ મુંબઈ ગયો છે !
મહેશ - હાસ્તો ત્યારે. બીજા કયા પ્રવીણ ની વાત કરું ? પેલા ફેક્ટરી વાળા પ્રવીણભાઈ ને હું પ્રવીણ થોડો કહું ? પ્રવીણભાઈ તો ખાનદાન માણસ છે. આ મંદિરમાં પણ કેટલું દાન કર્યું છે ? તમે બેઠા છો એ બે પાક્કા ઓટલા પણ પ્રવીણભાઈ એ જ બનાવી આપ્યા ને ? અને વેકેશન માં જ્યારે પણ આવે ત્યારે કંઈ ને કંઈ મદદ લોકોને કરતા જ હોય છે. ગયા વર્ષે આપણા ગામમાં સ્કૂલ બનાવવામાં પણ એમને દાન કરેલું. અને હવે તો પ્રવીણભાઈ ગામ માં એક નાની હોસ્પિટલ પણ બનાવવાના છે. જરૂરિયાત વાળાઓને હોસ્પિટલમાં નોકરી પણ મળી જશે.
નટુકાકા - એ વાતમાં બેમત નથી રમણલાલ. પ્રવીણભાઈ દાનેશ્વરી તો ખરા હોં !! કોઈને કંઈ પણ તકલીફ હોય તો પ્રવીણ ભાઈ ને વાત કરો એટલે પત્યું
દાસકાકા - બે વર્ષ પહેલા મારી દીકરી ના લગ્ન થયા ક્યારે એક પચાસ હજારની જરૂર હતી ત્યારે પ્રવીણભાઈએ રાતોરાત મને પૈસા મોકલાવેલા. એ બાબતમાં પ્રવીણભાઈ એટલે પ્રવીણભાઈ !!
ભીખાકાકા - હું નહોતો કહેતો ? પ્રવીણભાઈ આવું કોઈ કામ કરે જ નહીં. એમને ક્યાં પૈસાની ખોટ છે ? એમની અમેરિકામાં પણ ઓળખાણો ઘણી.
નારણભાઈ - લોકોની પંચાતમાં સાત વાગી ગયા. ચાલો હવે હું રજા લઉં
બાબુલાલ - ઘેર જવાની શું ઉતાવળ છે નારણભાઈ ? તમને તો વાતમાં બહુ રસ પડેલો. તમને તો જ્યાં જુઓ ત્યાં બૈરા નાં લફરાં જ દેખાય છે. હવે બોલો ?
ચંદુકાકા - હું ક્યારનો કહું છું કે વાતને જાણ્યા વગર કોઈ ની આબરૂ નું લીલામ શું કામ કરો છો ?
દાસકાકા - હા પણ હું તો આ બેંક વાળા પ્રવીણની જ વાત કરતો હતો. પ્રવીણભાઈ વિશે થોડું કોઈ આવું વિચારે ?
રમણકાકા - તારે પહેલેથી ચોખવટ કરવાની જરૂર હતી મહેશ. ચાલો હવે ઘર ભેગા થઈ જઇએ. અહીં મંદિરમાં લોકોએ પ્રવીણભાઈ ની બહુ આરતી ઉતારી !!
અને આખું ટોળું ઉભુ થઇને ચાલવા લાગ્યું ત્યારે મંદિરમાં બેઠેલી મૂર્તિ કાચીંડા ના બદલાતા રંગ જોઈને હસતી હતી.
અશ્વિન રાવલ