Gamdani Prem Kahaani - 15 in Gujarati Love Stories by Sujal B. Patel books and stories PDF | ગામડાની પ્રેમ કહાની - ૧૫

Featured Books
Categories
Share

ગામડાની પ્રેમ કહાની - ૧૫

ગામડાની પ્રેમકહાની


ધનજીભાઈએ કાનજીભાઈ સામે મનન અને સુમનના સંબંધની વાત કરી. મનને મનોમન સુશિલાબેનને ખુશ કરવાનાં વિચારો શરૂ કરી દીધાં.



ભાગ-૧૫


જીગ્નેશના લગ્નની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી. આજે સંગીતની રસમ હતી. બધાં ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. સુમન તેનાં પરિવાર સહિત જીગ્નેશની ઘરે આવી પહોંચી.

"આવો... છોકરાંઓ તો ડાન્સની પ્રેક્ટિસ કરી રહ્યાં છે. સુમન, આરવ, તમે લોકો એમની પાસે જાવ. આપણે બધાં અહીં બેસીએ." નિશાંતનાં મામા ઉમેશભાઈએ કહ્યું.

આરવ સુમનની સાથે જ્યાં બધાં પ્રેક્ટિસ કરી રહ્યાં હતાં. એ તરફ ગયો. નિશાંત તો સુમનને જોતો જ રહી ગયો. કેસરી અને બ્લૂ કલરની ઘેરદાર ચોલી, ને છૂટ્ટા વાળમાં સુમન ખૂબ જ સુંદર લાગી રહી હતી.

સુમન જે લોકો સ્ટેજ પાસે બેઠાં હતાં. ત્યાં જઈને બેસી ગઈ. આરવ પણ સુમનની પાસેની ખુરશી પર બેસી ગયો. ગામ નાનું હતું. પણ, લગ્નની તૈયારીઓ જોરદાર કરવામાં આવી હતી. ફુલોનું ડેકોરેશન, ડાન્સ માટે સ્ટેજ, બધાં મહેમાનોને બેસવા માટે ખુરશીઓ, નાસ્તો અને જ્યૂસની વ્યવસ્થા, બધું જ સારી રીતે મેનેજ કરવામાં આવ્યું હતું.

"આરવ, ચાલને આપણે સાથે ડાન્સ કરીએ." જીગ્નેશની બહેન વિશાખાએ આરવ પાસે આવીને કહ્યું. આરવે એક નજર સુમન તરફ કરી. સુમને ડોકું ધુણાવી હાં પાડી. આરવ વિશાખા સાથે ડાન્સ કરવા જતો રહ્યો.

સુમન બેઠી બેઠી મોબાઈલમાં મેઈલ ચેક કરતી હતી. એ સમયે નિશાંત તેની પાસે આવ્યો.

"તને ડાન્સ પસંદ નથી??" નિશાંતે સુમનને પૂછ્યું.

"પસંદ છે, પણ આજ ઈચ્છા નથી." સુમને વધું કાંઈ વિચાર્યા વગર જ કહી દીધું.

"સંગીતની રસમમાં આવીને ડાન્સ જ નાં કર્યો તો શું કર્યું!! આજે તો ડાન્સ કરવો જ પડે." નિશાંતે સુમનનો હાથ પકડી તેને સ્ટેજ પર લઈ જતાં કહ્યું.

સંગીતની રસમ શરૂ થતાં જ બધાં એક પછી એક પોતાનું પરફોર્મન્સ આપવા લાગ્યાં. નિશાંત તો સુમન સાથે ડાન્સ કરીને ખૂબ જ ખુશ હતો. વિશાખા આરવ સાથે વાતોએ વળગી હતી. બધાંને આ રીતે જોઈને સુશિલાબેનના મનમાં નવો જ વિચાર સ્ફુર્યો.

સંગીતની રસમ પછી બધાં નાસ્તો કરીને પોતાની ઘરે જવા નીકળ્યાં. સુશિલાબેન પરત ફરતી વેળાએ ખૂબ જ ખુશ હતાં. તેમની આ ખુશી બધાનાં મનમાં ડરની લહેરખી દોડાવી ગઈ.

"આજ કંઈ વાતે આટલાં ખુશ છો??" ધનજીભાઈએ રૂમમાં આવીને સુશિલાબેનને પૂછ્યું.

"બધી વાતોનાં કારણ નાં હોય." સુશિલાબેને વાતનો જવાબ નાં આપીને, વાત શરૂ થતાં પહેલાં જ પૂર્ણવિરામ લગાવી દીધું.

"મારે એક વાત કહેવી છે. તમારી પાસે સમય હોય, તો મારી વાત સાંભળી લો." ધનજીભાઈએ કહ્યું.

"અત્યારે બહું ઉંઘ આવે છે. આપણે કાલ વાત કરીશું." સુશિલાબેન બીજી વાતને પણ વચ્ચે જ અટકાવી, ચાદર ઓઢીને સૂઈ ગયાં.

ધનજીભાઈ સુમન અને મનન વિશે સુશિલાબેન સાથે વાત કરવા માંગતા હતાં. પણ સુશિલાબેન કાંઈ કહેવા કે સાંભળવાં તૈયાર નહોતા. આખરે ધનજીભાઈ પણ વિચારોની હારમાળા ગુંથીને, તેને મનમાં જ અંદરખાને સંતાડીને સૂઈ ગયાં.

સવારે જ્યારે ધનજીભાઈ ઉઠ્યાં. ત્યારે સુશિલાબેન રૂમમાં નહોતાં. ધનજીભાઈને રાત્રે જ કંઈક ખરાબ ઘટનાં ઘટશે, એનાં અણસાર મળી ગયાં હતાં. ધનજીભાઈ દોડીને સીડીનાં પગથિયાં ઉતરતાં નીચે હોલમાં ગયાં. સુશિલાબેન નવી નક્કોર સાડી, અને ઘરેણાં પહેરીને સજ્જ થઈ ગયાં હતાં, ને રસોડામાં બધાં માટે નાસ્તો બનાવી રહ્યાં હતાં.

ધનજીભાઈને પોતાની નજર પર વિશ્વાસ નાં આવ્યો. આજ પહેલાં જ્યારે પણ સુશિલાબેન ખુશ હોય, ત્યારે ઘરમાં કંઈક ખરાબ ઘટનાં ઘટતી. જ્યારે આજે એવું કાંઈ નાં થયું. એ વાતે ધનજીભાઈને વિચાર કરવા મજબૂર કરી દીધાં. એક તરફ કાંઈ ખરાબ નાં બન્યું, તેની ખુશી હતી. તો બીજી તરફ ક્યાં સમયે શું થાશે, એ વાતની ચિંતા પણ હતી.

"તમે શું વિચાર કરો છો?? જલ્દી તૈયાર થઈ જાવ. આજે જીગ્નેશનાં લગ્ન છે. આપણે ત્યાં જવાનું છે. તમને તો ખબર છે, છોકરી ગરીબ ઘરની છે. તો બધો ખર્ચો ઉમેશભાઈએ જ કર્યો છે. જેનાં લીધે લગ્ન પણ રાણપુરમાં જ છે." સુશિલાબેન લાંબો લહેકો લઈને બોલ્યાં.

ધનજીભાઈ કાંઈ પણ બોલ્યાં વગર પોતાનાં રૂમમાં તૈયાર થવા જતાં રહ્યાં. ધનજીભાઈ તૈયાર થતાં હતાં. એ સમયે આરવ તેમની પાસે આવ્યો.

"તમે આન્ટીને મનન વિશે વાત કરી??" આરવે ધનજીભાઈને પૂછ્યું.

"નહીં, કાલ રાત્રે વાત કરવાની કોશિશ કરી. પણ, એ કાંઈ સાંભળવાં તૈયાર નહોતી. તો હું કોઈ વાત નાં કરી શક્યો." ધનજીભાઈએ ઉદાસ ચહેરે કહ્યું.

"આ વાત તમારાં સિવાય કોઈ નહીં કરી શકે. જરૂર પડે તો હું મદદ કરીશ. પણ, શરૂઆત તો તમારે જ કરવી જોશે. આન્ટી કાલ રાતનાં બહું ખુશ દેખાય છે. હવે તેઓ તેમની કોઈ રમત રમે, એ પહેલાં તમે તમારાં પાસાં ફેંકી દો." આરવ ધનજીભાઈને સમજાવતાં બોલ્યો.

ધનજીભાઈને પણ આરવની વાત સાચી લાગી. તેમણે આજ જ સુશિલાબેન સાથે બધી વાત કરવાનું મન બનાવી લીધું. ધનજીભાઈ તૈયાર થઈને આરવ સાથે નીચે ગયાં. બધાં નીચે એ બંનેની જ રાહ જોતાં હતાં. એમનાં આવતાં જ બધાં નાસ્તો કરીને, જીગ્નેશના લગ્નમાં જવાં રવાનાં થઈ ગયાં.

રાણપુરમાં જીગ્નેશની ઘરની બાજુનાં ભવ્ય મેદાનમાં લગ્નની બધી તૈયારીઓ થઈ ગઈ હતી. બધાં આવીને એમાં જોડાઈ ગયાં. જયમાલા અને ફેરા પછી સિંદુર દાનની રસમ પૂરી થતાં જ સુશિલાબેન નિશાંતનાં મમ્મી પાસે પહોંચી ગયાં. વિશાખા તો આરવની ફરતે જ આંટા મારતી હતી.

"તમે ડાન્સ બહું સરસ કરો છો." વિશાખાએ આરવને કહ્યું.

"હાં, મેં ડાન્સ માટે સ્પેશિયલ ટ્રેનિંગ લીધી છે." આરવે હસીને કહ્યું.

"તમે અમદાવાદમાં કંઈ જગ્યાએ રહો છો??" વિશાખાએ ચુંદડીનો છેડો પોતાની આંગળીએ વિંટાળીને પૂછ્યું.

"હું અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં રહું છું." આરવે કહ્યું.

"મેં સાંભળ્યું, તમે તમારો બિઝનેસ એકલાં હાથે જ સંભાળો છો!!" વિશાખાએ આરવ સામે હસીને કહ્યું.

"એવું તમને કોણે કહ્યું??" આરવે નેણ નચાવતાં પૂછ્યું.

"મને નિશાંતભાઈ બધું કહેતાં હતાં." વિશાખાએ શરમાઈને કહ્યું.

"તો તમે મારાં વિશે બધું એમની પાસેથી જ જાણી લેજો. આપણે પછી બીજી વાતો કરીશું." આરવ વિશાખા સામે હસીને જતો રહ્યો. વિશાખાના સવાલોથી આરવ પરેશાન થઈ ગયો હતો.

વિશાખા સ્વભાવે થોડી રમૂજી હતી. પણ, તેનાં સવાલોથી તે બધાંને હેરાન પરેશાન કરી મૂકતી. આરવ સાથે પણ આજ કંઈક એવું જ થયું હતું.

લગ્ન પૂરાં થતાં જ સુશિલાબેન આરવ પાસે આવ્યાં. ધીમે-ધીમે બધાં મહેમાનો વિદાય લેવા લાગ્યાં. ધનજીભાઈએ પણ પરિવાર સહિત વિદાય લીધી.

મનન પોતાની ઘરે બેસીને, સુશિલાબેનને બધી વાતની ખબર પડશે, ત્યારે શું થાશે એ વિચારી રહ્યો હતો. કાનજીભાઈ પણ એ વાતને લઈને થોડાં વ્યથિત હતાં. કોકિલાબેને તો પોતાનાં દિકરાની ખુશી માટે સુશિલાબેન સાથે પણ લડી લેવાનો નિર્ણય કરી લીધો હતો.

"તમે શું વિચારો છો?? જ્યારથી ધનજીભાઈ ગયાં છે, ત્યારથી તમે આમ જ વિચારો કર્યા કરો છો." કોકિલાબેને કાનજીભાઈને પૂછ્યું.

"ધનજીભાઈ જે વાત કરીને ગયાં. એ વાત અંગે વિચાર કરવો જ પડે એમ છે. આપણે હાં તો પાડી દીધી છે, પણ, ક્યાંક આ સંબંધથી આપણાં અને ધનજીભાઈ વચ્ચેનાં સંબંધમાં ખટાશ નાં આવી જાય. એ વાતની જ મને ચિંતા થાય છે." કાનજીભાઈએ લમણે હાથ મૂકીને કહ્યું.

કાનજીભાઈની વાત સાંભળી મનન પણ ચિંતામાં મુકાઈ ગયો. એક તરફ પોતાનો પ્રેમ હતો, તો બીજી તરફ સંબંધો હતાં. કોને વધું મહત્વ આપવું, ને કોને ઓછું!! એ વાતે મનનનુ મન ઘૂમરી ખાઈ ગયું.




(ક્રમશઃ)