Dear Paankhar - 9 in Gujarati Fiction Stories by Komal Joshi Pearlcharm books and stories PDF | Dear પાનખર - પ્રકરણ - ૯

Featured Books
Categories
Share

Dear પાનખર - પ્રકરણ - ૯

" શ્રીકાંતભાઈ ! બોલો ! શું પ્રોબ્લેમ છે ? " શિવાલી એ સસ્મિત પૂછ્યું. પરંતુ એ વૃદ્ધ વ્યક્તિ રૂમનું અવલોકન કરવામાં મશગૂલ હતા. કાઉન્સિલિંગ રૂમનાં એક ખૂણામાં નાનકડું પુસ્તકાલય, બીજા ખૂણામાં કૃત્રિમ ફૂલો મૂકેલો ઊંચો કુંજો , ખુરશીની નજીકમાં લંબચોરસ ટેબલ, એના પર પીળા રંગના તાજા ફૂલો ગોઠવેલી ફૂલદાની !

શિવાલીએ ફરીથી પૂછ્યું , " શ્રીકાંતભાઈ ! આપ કંઈ સમસ્યા નિવારણ માટે મારી પાસે આવ્યા છો ?" એ વૃદ્ધ જાણે ચમક્યાં હોય એવા હાવભાવ સાથે શિવાલી સમક્ષ જોઈ રહ્યા , કંઈ પણ બોલ્યા વગર, જાણે કશુંક યાદ કરવા ની કોશિશ કરી રહ્યા હોય.
શિવાલીએ એમને મદદ કરવાં ફરી પ્રશ્ન પૂછ્યો ,
" તમારા પરિવાર માં કોણ કોણ છે? " પરંતુ એ વૃદ્ધ હજી પણ જવાબ આપવા માટે અસક્ષમ હતાં. એમને યાદ નહોતુ આવી રહ્યું. શિવાલીએ થોડીવાર રાહ‌ જોઈને પછી પોતાના તરફથી વાત કરવાની કોશિશ કરી .
" તમે કળાનાં ખૂબ પ્રશંસક લાગો છો . પુસ્તક પ્રત્યે તમને અલગ જ લગાવ છે નહીં ?"

" હા ! મેં બહુ જ પુસ્તક વાંચ્યા છે. મને પુસ્તક વાંચવા બહુ ગમે. પુસ્તક જેવું કોઈ મિત્ર ના હોય ! " અને પછી એમની પુસ્તકો વિશે વાતો શરુ થઈ ગઈ. આ વખતે એ સહેજ પણ વિચારવિમર્શ નહોતા . " તમે જે રીતે પુસ્તકાલય તરફ જોતા હતાં મને લાગ્યું જ કે એ તમારી ગમતી વસ્તુ છે . આજે નાસ્તા કર્યો હતો ? શું ખાધું હતું નાસ્તામાં?"
અને ફરી એ વૃદ્ધ ચૂપ થઈ ગયા.
" તમારું સરનામું કહેશો ? "
" ૨૦૨….. ગિરિકુંજ……..અપાર્ટમેન્ટ .
સ્ટેશન પાસે … બોરીવલી ! " વૃદ્ધે જવાબ આપ્યો.
" બોરીવલી ? ઈસ્ટ કે વેસ્ટ ?
" વેસ્ટ !"

શિવાલી એ ફોર્મ માં જોયું તો સરનામું બરાબર હતું.
શિવાલી એ ચકાસવા ફોન નંબર પૂછ્યો પરંતુ
એમને યાદ નહોતો.

' AD?' શિવાલી એ એના હાથમાં રાખેલા પેપરમાં લખ્યું.
પછી શિવાલી ઈરાદાપૂર્વક એમનાં બાળપણ‌ની વાતો પૂછવા લાગી અને એ વૃદ્ધે ખૂબ જ ઉત્સાહ પૂર્વક બાળપણની વાતો કરવા લાગ્યા.

" ડૉક્ટર મારે આજકલ બહું પ્રોબ્લેમ થાય છે. હું બધું ભૂલી જવું છું. ચાવી ક્યાંક મૂકી દઉં છું. શું ખાધું ભૂલી જવું છું. એક વખત તો ઘર નો રસ્તો ભૂલી ગયો. ચાલતાં ચાલતાં તમારું ક્લિનિક જોયું તો થયું તમને વાત કરી જોવું. " એ વૃદ્ધે એમની વ્યથા જણાવતાં કહ્યું.
એકાદ કલાક વાત કર્યા બાદ શિવાલીએ એમને કહ્યું , " આપણે ચોક્કસ પણે એનો ઈલાજ કરીશું પરંતુ કાલે તમે તમારી સાથે કોઈને લાવી શકતા હોય તો હું એમની સાથે પણ વાત કરી જોવું. "
" મારા દિકરા ને લઈ આવીશ. " એ વૃદ્ધે કહ્યું અને આભાર માની ત્યાં થી નીકળ્યા.

શિવાલી લૅપટોપ જોતી હતી એટલામાં બીજા ક્લાયન્ટ રુમમાં પ્રવેશ્યા અને એમ કાઉન્સિલ કરતાં કરતાં સાંજના પાંચ વાગી ગયાં. શિવાલી એ પર્સ લીધું અને ઘર તરફ જવા નીકળતી જ હતી કે ફોન આવ્યો.
" હલો ! ડૉક્ટર ! કેમ છો ? "
" ડૉ. સિદ્ધાર્થ ! કયારે આવ્યા યુએસએ થી ? " શિવાલીએ અવાજ ઓળખતાં જ પૂછ્યું.
" કાલે જ આવ્યો . એક પેશન્ટને તમારો રેફરન્સ આપ્યો છે. ડિટેલ્સ હું મેઈલ કરી દઉં છું. " ડૉ. સિદ્ધાર્થે કહ્યું.
" થેન્ક્યુ સો મચ ! હું ધ્યાનમાં રાખીશ અને તમે જે ડૉનેશન આપ્યું છે એની રસીદ મારી પાસે છે. જો નજીકમાં મળતાં હોય તો આપી દઉ. " શિવાલીએ કહ્યું.
" કાલે તો ફૂલ ડે પૅક છે. જો આજે શકય હોય તો લઈ લવું ". ડૉ સિદ્ધાર્થે કહ્યું.
" હું અત્યારે ઘરે જ જવા નીકળતી હતી. તો અત્યારે મળીશું કે પછી તમે મારા ઘરેથી પીક અપ કરી શકતા હોવ તો એ પણ ચાલશે. " શિવાલીએ કહ્યું.
" ચોક્કસ ! આપના ઘરે એકાદ કલાક પછી આવું છું. " ડૉ. સિદ્ધાર્થે કહ્યું.
"ઓકે. બાય ! " કહી શિવાલી એ ફોન મૂક્યો અને ઘર તરફ જવા નીકળી.

ઘરે જઈને ફ્રેશ થઈ . ડિનરની તૈયારી કરવા લાગી. બૅલ વાગ્યો.
" આવો ! " શિવાલીએ દરવાજો ખોલ્યો અને ડૉ. સિદ્ધાર્થને આવકાર આપ્યો.
" ના ! ફરી કોઈ વાર આવીશ. હજી ટ્રાવેલિંગનો થાક છે. કૉફી પીને ઘરે આરામ કરવો છે. " ડૉ. સિદ્ધાર્થે કહ્યું.
" એવું ના હોય . તમે પહેલી વાર આવ્યા છો. આજનો દિવસ અહીં કૉફી પી લો. " કહી શિવાલીએ આગ્રહ કર્યો.
ડૉ. સિદ્ધાર્થ શિવાલીનો આગ્રહ ટાળી ના શકયા. તેથીજ કોઈ પ્રકારની આનાકાની કર્યા વગર ઘરમાં પ્રવેશ્યા. શિવાલીએ પાણી આપ્યું અને પછી કિચનમાંથી કૉફી બનાવવા ગઈ . ડૉ.સિદ્ધાર્થ લિવિંગ રૂમમાં લગાવેલા ફેમિલી ફોટા નિહાળી રહ્યા હતા. શિવાલી કૉફી લઈ ને આવી.
" વાહ ! બહુ વર્ષો પછી આટલી મસ્ત કૉફી પીધી. મારી મમ્મીની આવી જ કૉફી બનતી હતી. આ કૉફી માટે થેન્ક્યુના શબ્દો પણ ઓછા પડે ! " ડૉ. સિદ્ધાર્થે કૉફી નો‌ પહેલો ઘુંટડો પીતા કહ્યું.
" ચંદ્રશેખર પણ હંમેશા આવુ જ કોમ્પ્લીમેન્ટ આપતા !" કહી શિવાલી સહેજ અટકી કેમકે અનાયાસે જ એના મોંમાંથી એ શબ્દો નીકળી ગયા.
" તમારા હસબન્ડ !" ડૉ. સિદ્ધાર્થે ફોટા તરફ ઈશારો કરતા કહ્યું.
"હા ! મારા હસબન્ડ !" શિવાલીએ આછુ સ્મિત આપતા કહ્યું.
પોતપોતાના ફિલ્ડનાં અનુભવની વાતો કરતા - કરતા બે કલાક કયારે થયી ગયા એની એ બન્નેને ખબર જ ના રહી. શિવાલી ડૉ.સિદ્ધાર્થની રસીદ લેવા અંદર બૅડરૂમમાં ગઈ. એટલામાં બૅલ વાગ્યો. ડૉ. સિદ્ધાર્થ નજીકમાં હતા તેથી તેમણે દરવાજો ખોલ્યો . સામે નીના ઉભી હતી. કોઈ અજાણી વ્યક્તિને શિવાલીનાં ઘરે જોઈને એ સ્તબ્ધ થઈ ગઈ , અસમંજસમાં પડી ગઈ . શિવાલી જલ્દીથી આવી. " અરે ! નીના ! આવ ને ! " શિવાલીએ નીનાને આવકાર આપ્યો. અંદર આવતાં આવતાં એણે ઈશારામાં જ પૂછી લીધું કે એ કોણ છે ?
શિવાલી એ રસીદ ડૉ. સિદ્ધાર્થ નાં હાથ માં આપી. " આ ડૉ. સિદ્ધાર્થ !આ શહેરનાં ફેમસ ઓન્કોલોજીસ્ટ અને આ મારી બાળપણની ફ્રેન્ડ નીના ! શિવાલી એ ઓળખાણ કરાવતાં કહ્યું. ડૉ.સિદ્ધાર્થ અને નીનાએ એકબીજા નું સ્મિત સાથે અભિવાદન કર્યું. અને પછી ડૉ. સિદ્ધાર્થ આભાર માનીને ત્યાં થી નીકળ્યા , પોતાના ઘર તરફ જવા.

" હાય ! શું હેન્ડસમ છે ડૉ.સિદ્ધાર્થ !!! તારી જગ્યાએ હું હોત ને તો ! એક વાર ચોક્કસ એમના વિશે વિચારતી …! શિવાલી એ નીના ને ટપલી મારી વચ્ચે જ રોકી લીધી.
" મારા કરતાં દસેક વર્ષ નાના હશે, ઓકે ? શું ભૂસા ભરાવી ને બેઠી છે , ખબર નહીં ?" શિવાલી સહેજ ચિડાઈ ગઈ.
" ઓકે બાબા ! ચીલ… ! " હું તો એમજ મજાક કરતી હતી. તું જ વધારે સિયર્સ થઈ ગઈ. " કહી નીના જોરજોરથી હસવા લાગી. શિવાલી નીનાની તરફ જોઈને હસવા લાગી અને મનમાં વિચાર કરવા લાગી,
' ઓહ ! નીના ! કેટલાંય વખતે તને આવુ હસતાં જોઈને દિલને આજે એટલો સૂકુન મળી રહ્યો છે કે તને અંદાજો જ નહીં હોય ! '

(ક્રમશઃ)