ઇન્સ્પેક્ટર નિસર્ગ તથા તેના સાથીઓ જે વાતથી પરેશાન થઈ રહ્યા હતા અને જે ઘટનાના કારણે તેઓની ઉંધ હરામ થઈ ગઈ હતી તે ઘટના આ પ્રમાણે હતી.
સંતોષનગર- એક ખુબ જ નયનરમ્ય અને સૌમ્ય પ્રકૃતિ ધરાવતું એક ગામ, આમ કહો તો એક નાનકડું શહેર,કુદરતે જાણે ફુરસતના સમયમાં બનાવ્યું હોય તેમ જ્યાં જુઓ ત્યાં હરિયાળી, ગામની બે તરફથી વહેતી નદી,જાણે કે કોઈ એક વિશાળ નદી ના મધ્ય ભાગમાં ધીમે ધીમે પાણીના બદલામાં જમીન મુક્તા જઈએ તેવી રચના, ગામની ચારેય તરફ નાના-મોટા ડુંગરો એવી રીતે વ્યવસ્થિત ગોઠવાયેલા હતા કે જાણે કોઈ રાજા-મહારાજાએ પોતાના રાજ્યની આસપાસ દીવાલ બનાવી હોય, જ્યાં પણ નજર પડે ત્યાં વૃક્ષ ના હોય તેવું તો બને જ નહીં જાણે કે કોઈ જંગલમાં લટાર મારવા નિકલા હોય તેવો આભાસ થાય.
ગામની એક તરફ ગામલોકોના મકાન, સામેની તરફ ગામલોકોના વાડી-ખેતર, ત્રીજી તરફ બાળકોના અભ્યાસ માટે પ્રાથમિક-શાળા અને ચોથી બાજુએ બસસ્ટેશન,રેલ્વેસ્ટેશન અને શહેરને જોડતો મુખ્ય માર્ગ, મુખ્ય માર્ગથી થોડુક આગળ જતાં આ ગામનું પોલીસ સ્ટેશન હતું.
આમ તો આ ગામમાં પોલીસ સ્ટેશન ની જરૂર પડે તેવું તો ખાસ કારણ હતું નહીં પરંતુ આ ગામની ભૌગોલિક સ્થિતિ એવી હતી અહિયાથી આસપાસના બીજા પાંચ ગામો પર પણ કંટ્રોલિંગ થઈ શકે તે હેતુથી સ્ટેશન બનાવવામાં આવ્યું હતું.
સુખના દિવસો પસાર થઈ રહ્યા હતા પણ કહેવાય છે ને કે સુખ અને દુઃખ એક સિક્કાની બે બાજુઓ છે આ વાક્ય જાણે અત્યારે જ લાગુ પડતું હોય તેમ એક દિવસ સવારના પહોરમાં નિસર્ગ તથા તેના અંડરમાં આવતા કર્મચારિયો રઘવાયા થયા હતા કેમકે આ પોલીસ સ્ટેશનમાં કેદ કરેલા બે કેદીઓનું જેલની અંદર જ ખૂન થઈ ગયું હતું.
ખૂન થયું છે તેવા સમાચાર એક હવાલદારે આપ્યા હતા જ્યારે સવારે બધા જ કેદીઓને બહાર આવવા માટેનો બેલ વાગ્યો ત્યારે બે કેદીઓની ગેરહાજરી હતી તેથી તે સેલમાં ગયો અને ત્યાનું દ્રશ્ય જોઈને તે જાણે કે કોઈ મુર્તિની જેમ ત્યાજ ચોંટી ગયો થોડીવાર પછી જ્યારે તે સ્વસ્થ થયો ત્યારે તેને આ બાબતની જાણ બધાને કરી.
આ ઘટનાને લઈને ઇન્સ્પેટર નિસર્ગ એક પછી એક એમ બધા કેદીઓને પોતાના અંદાજમાં પૂછ-પરછ કરી પણ કોઈ પાસેથી કઈ માહિતી ના મળી ત્યારબાદ પોતાના કર્મચારિયોને ઉધડા લીધા અને ખાસ કરીને જે લોકો રાત્રે ડ્યૂટી પર હતા તેના પર તો કાયદેસર વરસી પડ્યો.
"સાહેબ અમે સાચું કહીએ છીયે રાત્રે કોઈ પણ જાતનો અણબનાવ નથી બન્યો!"
"મારે કાઇપણ સાંભળવુ નથી આટલી બધી બેદરકારી હું ચલાવી નહીં લવ."
"પણ સાહેબ અમે સાચું કહીએ છીયે આવી કોઈ વારદાત બની જ નથી."
"અરે જો તે બંને એક જ સેલ માં હોય તો કદાચ હું માની લઉં કે તમારી વાત સાચી હોય પરંતુ અલગ-અલગ સેલમાં અને તે પણ એકલા જ હતા અને આવું બને તો મારે તમારો વિશ્વાસ કેમ કરવો?"
"સાહેબ અમે સાચું જ બોલીએ છીયે તેમ છતાં તમને કોઈ શંકા હોય તો તમે cctv ફુટેજ ચેક કરી જોવો!"
"એતો હું કરીશ જ."
નિસર્ગ અને તેના કર્મચારી વચ્ચે આવી વાતો ચાલી રહી હતી ત્યારે cctv ફુટેજની વાત આવી એટલે નિસર્ગે ઈશારથી જ cctv ફુટેજ લાવવા માટે કહ્યું.
કમ્પ્યુટર સ્ક્રીન પર અત્યારે ગઇકાલ રાત્રિની cctv ફુટેજ ચાલી રહી હતી અને ત્યાં હાજર બધાની જ નજર સ્ક્રીન પર જ જડાયેલી હતી.
Cctv ફુટેજ જોયા પછી કોઈને પણ પોતાની આંખો પર વિશ્વાસ નહોતો આવતો, તેઓએ ફરી એક વાર તે ફુટેજ જોયા.
(ક્રમશ:)