" પરી " પ્રકરણ - 16
ગઇ વખતે આપણે જોયું કે, શિવાંગને માધુરીની પરિસ્થિતિની જાણ થતાં જ તે બિલકુલ ભાંગી પડે છે અને અત્યાર સુધીમાં કોઈ દિવસ માધુરીને મળવા જવાનો પ્રયત્ન નથી કર્યો પણ આજે તે નક્કી કરે છે કે, હું માધુરીને મળવા ચોક્કસ જઇશ....હવે આગળ...
મેરેજ પતાવી શિવાંગ અને ક્રીશા ઘરે જાય છે. શિવાંગને જોઇને ક્રીશાને લાગે છે કે શિવાંગ મૂડમાં નથી એટલે તે શિવાંગને પૂછે છે, " કેમ શિવાંગ, તમારી તબિયત બરાબર નથી કે શું..? તમે મૂડમાં નથી લાગતા
શિવાંગ ક્રીશાને માધુરીની સાથે કેવી દુ:ખદાયી ઘટના બની ગઇ તેની બધીજ વાત કરે છે. જે સાંભળીને ક્રીશાને પણ ખૂબજ દુ:ખ થાય છે અને તે શિવાંગને કહે છે કે, " તમારે માધુરીને એકવાર મળવા જવું જોઈએ. "
શિવાંગ: હા, આવતીકાલે જ હું માધુરીને મળવા જઇ આવીશ.
બંને ઘરે જઇને પોતાના રૂમમાં સૂઇ જવા માટે જાય છે. પણ શિવાંગ....શિવાંગને આજે ઊંઘ આવવાની ન હતી. કંઇ કેટલાય વિચારો તેને ઘેરી વળ્યા હતા. માધુરીની પરિસ્થિતિની કલ્પના માત્રથી શિવાંગ જાણે ધ્રુજી રહ્યો હતો અને તે પોતાના બેડની સામે બે સોફાની નાની ચેર રાખેલી હતી અને વચ્ચે એક નાની ટિપોઇ હતી ત્યાં સોફાની ચેર ઉપર બેઠો અને ટિપોઇ ઉપર પગ લાંબા કરીને આંખો બંધ કરીને જાણે કંઇક ગહન વિચારમાં ડૂબી ગયો હતો. મનોમન તેના કાનજી ને જાણે પૂછી રહ્યો હતો કે, " આ બધું શું થઇ ગયું પ્રભુ...?? પોતાની જાતને પણ કોઈ દિવસ માધુરીની ખબર નહિ લેવા માટે કોશવા લાગી ગયો અને તેની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી...વિચારતો હતો કે માધુરી કઇરીતે સહન કરી ગઇ હશે આ બધું...?? પણ કુદરત આગળ સૌ લાચાર છે. ઉપરવાળાના ન્યાયને સ્વીકારવો જ રહ્યો.
શિવાંગની આ હાલત જોઇ ક્રીશા પણ થોડી દુઃખી થઇ ગઇ અને શિવાંગની બાજુમાં જઇ ઉભી રહી અને શિવાંગનો ચહેરો પોતાની છાતી સરસો ચાંપી લીધો અને શિવાંગને ગાલ ઉપર, બંને આંખ ઉપર અને કપાળમાં ખૂબજ પ્રેમથી કિસ કરી બોલવા લાગી, " બધું જ બરાબર થઇ જશે શિવાંગ તમે ચિંતા ન કરશો અને બહુ મોડું થયું છે અત્યારે આપણે સૂઇ જઇએ સવારે તમે માધુરીને ઘરે જઇ આવજો. " અને શિવાંગને થોડી રાહત થાય છે. ક્રીશા શિવાંગને ઉભો કરી બેડમાં સૂવડાવે છે અને શિવાંગનો હાથ પોતાના હાથમાં પકડી શાંતિથી સૂઈ જાય છે.
બસ, હવે તો સવાર ક્યારે પડે અને શિવાંગ માધુરીને મળવા જાય વિચારીને દુઃખી હ્રદયે શિવાંગ સૂઇ જાય છે.
સવારે જરા વહેલો જ ઉઠી જાય છે, આમ પણ આખી રાત ઉંઘ આવી ન હતી. નાહી-ધોઇને તૈયાર થઇને ચા-નાસ્તો કરીને રોહનને ફોન કરે છે.
શિવાંગ: સોરી યાર તને ડીસ્ટર્બ કરવા માટે, પણ મારે તારી હેલ્પની જરૂર છે. તું હોટલ પરથી કેટલા વાગે ઘરે આવીશ..? (
રોહન: બોલને યાર, તારા માટે તો જીવ હાજર છે બોલ શું કામ હતું...?? હું ઇલેવન ઓ'ક્લોક સુધીમાં ઘરે આવી જઇશ.
શિવાંગ માધુરીના સમાચાર રોહનને જણાવે છે અને તેને પોતાની સાથે માધુરીને ઘરે આવવા જણાવે છે.
રોહન: હું આવીશ તો ખરો તારી સાથે પણ માધુરીના પપ્પા વિલન છે યાર...એકવાર આરતી માધુરીના લગ્ન પહેલા તેને મળવા ગઇ હતી તોય કાઢી મૂકી હતી. ઘરમાં ઘૂસવા દેશે આપણને...??
શિવાંગ: હા હા, નઇ કેમ ઘૂસવા દે...?? તું બહાર ઉભો રહેજે હું ઘૂસી જઇશ પછી તું આવજે.
રોહન અને આરતીને પણ આ વાતની જાણ થતાં ખૂબજ દુઃખ થાય છે. અને વિચારે છે કે માધુરીના પપ્પાએ તેના લગ્ન શિવાંગ સાથે કર્યા હોત તો માધુરીની આ દશા ન હોત અને એ અને શિવાંગ બંને કેટલા ખુશ હોત...!!
પણ..દરેક માણસ કુદરત આગળ લાચાર છે. અને શિવાંગ અને રોહન બંને માધુરીના ઘરે માધુરીને મળવા માટે જાય છે.....હવે આગળના પ્રકરણમાં....