Bhjiyawadi - 1 in Gujarati Love Stories by Pradip Prajapati books and stories PDF | ભજિયાવાળી - 1

Featured Books
Categories
Share

ભજિયાવાળી - 1

ભજિયાવાળી | પ્રકરણ ૧ |


યુ.કેની સ્કૂલ ઓફ બિઝનેસમાં મેં બિઝનેસ સ્ટડી કર્યું અને અમેરિકાની કંપનીમાં હવે નોકરી કરવાનો છું. લંડનથી અમેરિકા જતાં પહેલાં વિચાર આવ્યો કે એકવાર વતનમાં જતો આવું તો કેવું રહે. લંડનમાં હું મારા મોટાભાઈ અને ભાભી સાથે રહેતો, ભાઈ સોફ્ટવેર એન્જીનીયર અને ભાભી બેંકમાં નોકરી કરતાં. સવારે નાસ્તો કરતાં હતાં અને ત્યારે મેં ભાભીને કહ્યું, "ભાભી, આજે સવારે વિચાર આવ્યો કે અમેરિકામાં શિફ્ટ થતાં પહેલાં વતનમાં ફરતો આવું તો! ભાભીએ કહ્યું, "અરે વાહ, મસ્ત આઈડિયા છે, મારે પણ ઇન્ડિયા જવું છે પણ, જોને આ નોકરી અને બોન્ડ ! પણ તું જતો આવ." મેં કહ્યું, "હા, તો હું નેક્સ્ટ વીકની ટિકિટ છું." ભાભીએ કહ્યું, "હા પણ એક વાર ઘરે ફોન કરી દેજે, એટલે એમને કાંઈ મંગાવવું હોય તો ખબર પડે." ખબર નહીં કેમ, પણ અંદરથી એક વતનમાં ખુશી હતી. ઘણાં વર્ષો થઇ ગયા હતા. હું જેવો ઉભો થયો અને ભાભીએ કહ્યું "અરે ગૌરવ તું જવાની તૈયારી કર, બૅગ હું પેક કરી દઈશ !" મેં કહ્યું, થેન્ક્સ ભાભી, મારું અડધું કામ ઓછું થઈ ગયું !
મેં ઓનલાઈન ટિકિટ બુક કરી અને માર્કેટમાં જઈને ઘરના લોકો માટે કેટલીક વસ્તુ અને ચોકલેટ્સ પણ લઈ આવ્યો. આખું અઠવાડિયું એમાં જ ગયું કે ઇન્ડિયા કેવું હશે. ઘરના લોકો કેવા લાગતાં હશે ... ત્યાં તો કોઈએ રૂમનો દરવાજો નોક કર્યો. મોટા ભાઈ ઘરના લોકો માટે કેટલાક કપડાં અને ગિફ્ટ લાવ્યા હતાં. મેં અને મોટા ભાઈએ ઘણી બધી વાતો કરી એમને એમના બાળપણની વાતો કરી અને અમે બંને ખૂબ હસ્યાં. આખરે એ શુભ દિવસ આવી ગયો. ભાઈ-ભાભી એરપોર્ટ સુધી મુકવા આવ્યા. અંદર જતાં પહેલા ભાભીએ કહ્યું, "ગૌરવ, ચોટીલા જઈને માતાજીના દર્શન કરવાનું ન ભૂલતો !" મેં કહ્યું, "ચોક્કસ ભાભી" ભાઈએ પણ ઉમેરતા કહ્યું, "કાકા-કાકીને અમારા તરફથી રામ રામ કેજે !" બંનેને બાય કહીને હું ટર્મિનલમાં પ્રવેશ્યો.

ટર્મિનલ પર પહોંચી ને મેં સિક્યોરિટી ચેક અને ઇમિગ્રેશન પૂરું કર્યું અને ફ્લાઈટમાં બેઠો ! દસ કલાકની લાંબી મુસાફરી બાદ હું મુંબઈ એરપોર્ટ પર ઉતર્યો. સવારના પાંચ વાગ્યા હતાં અને વતનની માટીની સુગંધનો કંઈક અલગ જ અનુભવ થતો હતો. ત્યારબાદ મુંબઈમાં ચાયની ચૂસકી માણીને એક કલાકની મુસાફરી બાદ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યો ! ખૂબ જ થાકી ગયો હતો અને શરીર પણ દુખતું હતું. જેટલેટની પણ અસર હતી. અમદાવાદથી જામનગરની વોલ્વો બસ મેં બુક કરેલી હતી એટલે સીધો જ કેબ કરીને ઇસ્કોન ક્રોસરોડ પહોંચ્યો અને બસમાં બેઠો. થોડું પાણી પીધુ અને જેવી આંખ બંધ થઈને ખુલી એટલે એક ભાઈ મને કહેતા હતાં, "ઉઠો મોટાભાઈ, જામનગર આવી ગયું !" હું બસમાંથી ઉતર્યો. સામેની હોટલ પર મોઢું ધોયું અને એક ટેક્સી બુક કરીને પચાસ કિલોમીટર દૂર આવેલા મારા ગામમાં ગયો. મને બરાબર યાદ હતું કે ગામના પાદરે મંજીકાકાની ગાંઠિયાની દુકાન હતી. મેં ટેક્સીવાળાને કહ્યું કે આ ગાંઠિયાની દુકાને રાખજો, થોડો નાસ્તો કરીને જ ઘરે જઈએ. ગાડી ઉભી રહી અને જેવો દરવાજો ખોલ્યો એટલે એજ હવા, એજ ધૂળ, એજ ઘેટાં-બકરાંનો અવાજ. અને બે ડગલાં આગળ ચાલ્યો ને એજ મંજીકાકા ગાંઠિયા માટે બુમો પાડતા, "એ હાલો, ગરમાગરમ ગાંઠિયા, તાજા તાજા તૈયાર સે.." હું ધીમે ધીમે દુકાનમાં ગયો ત્યારે મંજીકાકાએ મને ઓળખ્યો નહીં અને બોલ્યા, " આવો સાહેબ, એ કિશન ટેબલ સાફ કરીને સાહેબને મિનરલ વોટર આપ." મનમાં થયું કે વિદેશમાં રહીને મારા રંગરૂપ જરૂર બદલાઈ ગયા છે પણ કાકાએ મને ઓળખ્યો જ નહીં. કેમ...? મને યાદ છે કે હું મંજીકાકાના કાઉન્ટર ઉપર ડીશ રાખીને ગાંઠિયા ખા'તો. મને થયું કે આ ટેક્નિક કામ કરશે જ. કાઉન્ટર પાસે જઈને કહ્યું, "મંજીકાકા મને તો કાઉન્ટર પર આપજો અને મરચા તીખા જ જોઈએ !" મંજીકાકા મારી સામે એકીટશે જોતા રહ્યા. એમના ચશ્માના પ્રતિબિંબમાં મારું વીતેલું બાળપણ દેખાતું હતું. એ એક મિનિટ સુધી તો જોતાં જ રહ્યાં અને ધીમા અવાજે બોલ્યા, "ગૌરવ ! તું જ સે ને...?" આંખમાંથી આંસુ બહાર આવે એ પે'લા જ મેં કહી દીધું, "હા મંજીકાકા, હું એજ ગૌરવ, કાઉન્ટરવાળો..." મંજીકાકાએ બાથે ભરી લીધો અને કહ્યું, "અરે ઓળખાતો જ નથી. મને એમ કે કોઈ કલેક્ટર સાહેબ આવ્યા લાગે !" આમ ને આમ મજાક મસ્તી કરીને હું ગામમાં પહોંચ્યો.
મંજીકાકા મારો બેગ લઈને આગળ ચાલવા લાગ્યા. મારા ઘર સુધી હું અને મંજીકાકા ચાલતા જ ગયા. ગામના લોકો મને જોતાં હતા અને અંદર અંદર વાતો કરતાં હતાં કે કોના ઘરે આવ્યા હશે ! હું મારા ઘરની બહાર ઉભો રહ્યો અને દરવાજો ખખડાવ્યો. એક નાનકડા છોકરાએ દરવાજો ખોલ્યો અને કાકીએ મને જોયો અને જોરથી બોલ્યા, "અરે..ગૌરવ...આવી ગયો !" કાકીએ મારા માથે હાથ ફેરવ્યો અને કપાળ પર ચુંબન પણ કર્યું ! પડોશમાં રહેતા લોકો પણ ભેગા થઈ ગયા અને મને જોવા લાગ્યા. કાકાને પગે લાગ્યો અને કાકાએ કહ્યું, "પરદેશમાં જઈને રૂપારો થઈ ગયો સે !" કાકીએ કાળું ટપકું કર્યું અને ફ્રેશ થઈને જમવા બેઠો અને ગામડાનું સાદું ભોજન મેં પેટ ભરીને ખાધું. હું પાણી પીવું ત્યાં તો ચિરાગ, રામ અને જીગ્નેશ દોડતાં દોડતાં આવ્યા. ત્રણેય મારા બાળપણના ખાસ મિત્રો. બધાંએ મળીને ખૂબ વાતો કરી અને જીગ્નેશએ કહ્યું, "ગૌરવ સાંજે ફ્રી થાય ત્યારે કેજે, ભજિયાની દુકાને તારા માટે સ્પેશિયલ ભજિયા બને છે !" બધાં હસવા લાગ્યા. પણ મારા ચહેરા પર ઉત્સુકતા અને જિજ્ઞાસા હતી.
સાંજે અમે ત્રણેય આખું ગામ ફર્યા અને ગામના ચોકે મારી ભજીયા ખાવા માટે ગયા. ભગતકાકાના ભજિયા હું બાળપણથી ખાતો આવ્યો છું. આજે લગભગ સાત વર્ષ પછી અહીં આવ્યો ભજિયાની દુકાન પર એક છોકરી અંદરની તરફ મોઢું કરીને ભજિયા બનાવતી હતી, જેનો સફેદ હાથ જેના પર થોડાક આછા મહેંદીના નિશાન પણ હતા. એ હાથ બેસનમાં અને બીજો હાથ એના વાળ સરખા કરવામાં વ્યસ્ત હતો. દુકાન એની એજ, ભજિયાની સુગંધ એની એજ પણ ભગતકાકા ક્યાંય દેખાયા નહીં. મેં ચિરાગને કહ્યું, એ ચિરાગ ભગતકાકા ક્યાં ? અને આટલું સાંભળતા જ બધાં જ શાંત. એ છોકરીનો હાથ પણ સ્થિર થઈ ગયો અને ચહેરો થોડો નમી ગયો. હું ઉભો થયો અને જોયું તો એ છોકરી બીજી કોઈ નહીં મારી બાળપણની બેસ્ટ ફ્રેન્ડ ગ્રીષ્મા જ હતી. મારી સામે અલગ જ રીતે જોતી હતી. એના મમ્મી એના દુકાનની અંદરથી બહાર આવ્યા. આટલી ઉદાસીનતા જોઈને લાગતું હતું કે કંઈક જાણે અજુગતું થયું હોય. ગ્રીષ્મા મને જોઈને ફરીથી દુકાન તરફ ફરી ગઈ. અને હું એના તરફ આગળ વધુ એ પહેલાં રામે મારો હાથ પકડી લીધો. ગ્રીષ્માના મમ્મી મારી તરફ ડગલાં માંડતા આવતાં હતાં. એમની આંખોમાં દુઃખ ચોખ્ખું દેખાતું હતું ! મનમાં સવાલોનો વરસાદ થતો હતો અને ત્યાં તો ગ્રીષ્માના મમ્મી પાસે આવીને બોલ્યા...


(ક્રમશઃ)