aage bhi jane na tu - 2 in Gujarati Fiction Stories by Sheetal books and stories PDF | આગે ભી જાને ના તુ - 2

The Author
Featured Books
Categories
Share

આગે ભી જાને ના તુ - 2

પ્રકરણ-૨/બે

ગતાંકમાં વાંચ્યું....

રતન અને રાજીવ વેરાન રણપ્રદેશમાં કોઈ મકસદ પૂરો કરવા ગયા છે અને અનંતરાય એક રહસ્યમય કાગળને લીધે પરેશાન થઈ ગયા છે એવામાં એમની દીકરી રોશનીના સાસુ-સસરાનું અચાનક આગમન એમને અકળાવી નાખે છે....

હવે આગળ.....

અનંતરાય સ્વસ્થ થવાની કોશિશ કરતાં દાદર ઉતરી રહ્યાં હતાં.
નીચે આવી ને રોશનીના સસરા શરદભાઈ સાથે હાથ મિલાવતાં બોલ્યા," આવો, આવો વેવાઈ, આમ અચાનક પુનાથી વડોદરા આવવાનું કોઈ ખાસ પ્રયોજન? કેમ છો વેવાણ? રોશની ને મનીષકુમાર કેમ છે, સાથે ના આવ્યાં? " કહેતાં એ બંનેની સામેના સિંગલ સોફા પર ગોઠવાયા. "સુજાતા, જમનાબેન ને કહી ને રસોઈની તૈયારી કરાવી દો, આજે તો શરદભાઈ ને ગોપીબેન સાથે જમવાનો મોકો મળ્યો છે તો આજે વેઢમી સાથે ડબકા કઢી, રસાવાળું મિક્સ શાક ને ભાત સાથે તળેલા પાપડ બનાવે." કહી અનંતરાયે રાજીવને ફોન લગાડ્યો," રાજીવ દીકરા, પૂનાથી વેવાઈ-વેવાણ આવ્યા છે તો આજે હું ઓફિસે નહીં આવું અને તું પણ બપોરે ટાઇમસર જમવા આવી જજે."

"જમનાબેન ને તો મેં ક્યારનું રસોઈ માટે કહી દીધું છે, આજે ઘણા સમય પછી સાથે જમશું" સુજાતાબેન હસતાં હસતાં બોલ્યાં. "આમ પણ ગોપીબેન જોડે કેટલાય સમયથી સરખી વાત કરવાનો મોકો પણ નથી મળ્યો, આજે એ કસર પણ પુરી કરવી છે."

"હા, સુજાતાબેન, મન તો મારૂં પણ એ જ કહે છે પણ... અમે આજે જરા ઉતાવળમાં છીએ, આજ રાત સુધીમાં પૂના પહોંચવાનું છે. જમીને નીકળી જઈશું." ગોપીબેને રિપ્લાય આપતાં કહ્યું. "શું છે કે અમે બંને પોરબંદર ગયા હતા, કુળદેવીના દર્શન કરવા અને થોડુંક વ્યવહારિક કાર્ય પણ હતું. વહેલાસર કામ પતી ગયું તો વિચાર્યું કે તમને મળતા જઈએ, રોશની અને મનીષને તો ખબર પણ નથી અમે અહીં આવ્યા છીએ. એમને પણ ફોન કરી દઈએ."

"તમે બંને વેવાણો વાતોથી જ પેટ ભરશો કે શું? શરદભાઈ બોલ્યા," અનંતભાઈ એક અગત્યની વાત કરવા જ અહીં આવ્યા છીએ. મારા દૂરના ફોઈના દીકરા મનહરભાઈ મહેતા જે પોરબંદર રહે છે એમની દીકરી અનન્યા થોડા સમય પહેલાં જ ચેન્નાઇથી પોસ્ટ ગ્રેજ્યુએશન પૂરું કરીને આવી છે અને એના માટે મનહરભાઈ મુરતિયો શોધી રહ્યા છે તો મને અનન્યા આપણા રાજીવ માટે યોગ્ય પાત્ર લાગતાં એની વાત લઈને તમારી પાસે આવ્યાં છીએ," શરદભાઈએ વાતનો ફોડ પાડતાં કહ્યું. " આ છે એનો ફોટો, આ છે મનહરભાઈ, પોરબંદર નજીક એમની કેમિકલની ફેકટરી છે, આ છે એમના પત્ની કામિનીબેન અને આ છે અનન્યા," શરદભાઈ આંગળીએથી દરેકનો ફોટો બતાવતા માહિતી આપી રહ્યાં હતાં, "અને આ છે અનન્યાની જન્મકુંડળી" કુંડળી અનંતરાયના હાથમાં આપી.

"સરસ, આમ પણ રાજીવ બપોરે ઘરે જમવા આવવાનો જ છે ત્યારે આપણે એને અનન્યાનો ફોટો પણ બતાડી દેશું અને એની જોડે ચર્ચા પણ કરી લેશું. ફોટામાં તો છોકરી સારી લાગે છે, એકવાર રાજીવ પસંદ કરી લે પછી આપણે ગંગા નાહ્યા" સુજાતાબેને ગોપીબેનને કહ્યું, " જમનાબેન, બધા માટે પાઈનેપલ જ્યુસ લઈ આવો અને સાહેબ ની બીપી ની ગોળી પણ લેતા આવજો,"

"સુજાતાબેન, દીવો લઈને શોધશો તો પણ અનન્યા જેવી છોકરી ક્યાંય નહીં મળે, રૂપે પણ અને ગુણે પણ. માં-બાપની એક ની એક દીકરી છે પણ ક્યાંય આછકલાઈ નહીં, ભણેલી પણ અને ગણેલી પણ છે અમારી અનન્યા," ગોપીબેન વખાણ કરતા બોલ્યાં.

ત્યાં તો જમનાબેન બધા માટે પાઈનેપલ જ્યુસ લઈને આવ્યાં
બધા જ્યુસ પી ને પાછા વાતે વળગ્યાં.

" હું જરા રસોડામાં જઈ આવું જોઈ લઉં જમનાબેનને કોઈ મદદની જરૂર હોય તો" કહી સુજાતાબેન રસોડામાં ગયા.

લગભગ બપોરે એકના સુમારે રાજીવ આવ્યો એટલે બધા સાથે ડાઇનિંગ ટેબલ પર જમવા બેઠા. ડાર્ક બ્લ્યૂ ડેનિમ સાથે લાઈટ પિંક કલરના ઓફ કોલર શર્ટમાં રાજીવ સોહામણો લાગતો હતો. અનંતરાયે કીધેલા મેનુ મુજબ રસોઈ તૈયાર થઈ હતી," અમારા જમનાબેન જેવી રસોઈ તમને ક્યાંય ચાખવા નહીં મળે. જે જમે એ આંગળા ચાટતા રહી જાય," રસોઈ પીરસતા સુજાતાબેન બોલ્યા," રોશનીને તો એમના હાથની વેઢમી બહુ જ ભાવે અને આજે મેં રોશની માટે પણ વધારે જ વેઢમી બનાવડાવી છે તો તમે જાઓ ત્યારે જરૂરથી લેતાં જજો," સુજાતાબેનનો સ્વર ગળગળો બની ગયો.

"હા હા, કેમ નહીં, રોશની પણ વેઢમી ખાઈને બહુ ખુશ થશે, એને અમે વેઢમીની સરપ્રાઈઝ આપશું" શરદભાઈ કોળિયો ભરતાં ભરતાં બોલ્યા.

જમીને બધા હોલમાં બેઠા, રાજીવને અનન્યાનો ફોટો બતાવી એની સાથે લગ્ન માટે ચર્ચા પણ કરી. "અંકલ, હું વિચારીને બે-ત્રણ દિવસમાં જવાબ આપીશ,હવે હું ઓફિસ જાઉં ત્યાં હું ને પપ્પા બંને ગેરહાજર હશું તો બધા સ્ટાફ મેમ્બર્સને મજા પડી જશે, કામ કરતાં પારકી પંચાતમાં લાગી જશે અને આમ પણ મારે એક મિટિંગ એટેન્ડ કરવાની છે તો હું રજા લઉં. આપ બંને પણ સાચવીને જજો, બાય, ટેક કેર," કહી શરદભાઈ અને ગોપીબેનને પગે લાગી રાજીવ ઑફસ જવા નીકળી ગયો.

** ** **

રાજપરા ગામ, જેની એક તરફ ખળખળ વહેતી નદી અને બીજી તરફ ઊંચી-નીચી ગિરિકંદરા. સુખી ગ્રામ્ય જીવન અને મહેનતુ અને હળીમળીને રહેતાં સરળ સ્વભાવી માનવીઓ. મોટા ભાગના લોકો ખેતી દ્વારા ગુજરાન ચલાવતા તો કેટલાક નસીબ અજમાવવા ગામ છોડી શહેરમાં જઇ વસ્યાં હતાં. જાગીરદાર જોરાવરસિંહ પોતાની પત્ની કનકબા, પુત્ર રતનસિંહ અને પુત્રવધુ માયા સાથે ગામની મધ્યમાં આવેલી એક માળની મોટી હવેલીમાં રહેતા હતાં. જોરાવરસિંહની કદાવર કાયા, વળ આપેલી મૂછો, પહાડી અવાજ અને એમના શાનદાર જાગીરદારી પહેરવેશ પર ભરતકામ કરેલી પાઘડી એમના જાનદાર વ્યક્તિત્વની ચાડી ખાતી હતી તો કનકબા પણ ઓછા રૂપાળાં નહોતાં. ગોળ ચહેરા પર શોભતો લાલચટક ચાંદલો અને જાજરમાન પણ સાદગીભર્યું વ્યક્તિત્વ એમની ગરિમા વધારતો હતો. બંને બહુજ માયાળુ અને હિંમતવાન હતાં. રતનસિંહ અને માયાની જોડી પણ રામ-સીતાની જોડી જેવી શોભતી હતી. રતનસિંહ સોરઠીયો સાવજ હતી તો માયા પણ ગરવી સિંહણ જેવી હતી. રતનસિંહ અને માયાના લગ્નને હજી વરસ-દોઢ વરસ જેટલો જ સમય થયો હતો પણ માયાએ ઘરની બધીજ જવાબદારીઓ સુપેરે પોતાના મજબૂત ખભે ઉપાડી લીધી હતી.

રાજપરાની છેવાડે આવેલી ડુંગરની હારમાળા ગામને રાજસ્થાનથી છૂટાં પાડતી હતી. ડુંગરની પેલે પાર હતું અફાટ અને અસીમ રણ, દૂર દૂર સુધી સફેદ-પીળી ચમકતી રેતી સિવાય કંઈજ દેખાતું નહોતું. ગામની કોઈપણ વ્યક્તિ ડુંગરો પાર કરીને રણપ્રદેશ તરફ જવાનો વિચાર ન કરતી. લોકવાયકા પ્રમાણે વર્ષો પહેલાં ત્યાં એક નગર હોવાની માન્યતા હતી. લોકો કહેતાં કાળની થપાટે એ નગર રેતીના દરિયામાં ડૂબી ગયું હતું અને ક્યાંક ક્યાંક એના ખંડેર જેવા તૂટેલા અવશેષો પડ્યા હતા પરંતુ સાચી હકીકત કોઈને ખબર નહોતી. કાળની કરામત કોઇ નથી સમજી શકતું. કેટલાક રહસ્યો કાળના પેટાળમાં સમાઈ જાય છે તો કેટલાક રહસ્યો કાળનો પરદો ચીરી સામે આવી જાય છે અને કોઈની જિંદગીમાં ઝંઝાવાત ફેલાવી દે છે.

"હેલ્લો" જોરાવરસિંહ ફોન ઉપાડી બોલ્યા," શક્તિ દીકરા, કેમ છે તું, અત્યારે સરહદે મામલો ગંભીર છે, તારી માડી ચિંતા કરતી હતી, લે એની જોડે વાત કર," કહી જોરાવરસિંહે રિસીવર કનકબાને આપ્યું.

"માડી, મારી ચિંતા ના કરતી, તારા જેવી સિંહણનું દૂધ પીનાર અને બાપજી જેવા ભડવીરના ખભે રમનાર આ શક્તિસિંહ સામે દુશ્મનની ઉભા રહેવાની પણ તાકાત નથી. તમારા બંનેનું ધ્યાન રાખજો. હું ફોન મુકું છું પછી નિરાંતે કરીશ," કહી કનકબા આગળ કાંઈ બોલે એના પહેલાં શક્તિસિંહે ફોન કટ કરી નાખ્યો.

"માડી-બાપજી, ચાલો જમવાનું તૈયાર છે," ,માયાએ બંનેને બોલાવ્યા, ત્યાં રતન પણ આવી પહોંચ્યો એટલે ચારે જણ સાથે જમવા બેઠા. "બાપજી, આજે રાજીવનો ફોન હતો, તમને બંનેને યાદ કરતો હતો. એના માતા-પિતાએ એના માટે એક છોકરી પસંદ કરી છે એનો ફોટો વોટ્સએપ પર મોકલ્યો છે તમને બતાવું, કહી રતને મોબાઈલ ઓન કરી ગેલેરીમાં સેવ કરેલો અનન્યાનો ફોટો બધાને બતાડયો. ફોટો જોતાં જ જોરાવરસિંહના હાથમાં રહેલો કોળિયો જેમ નો તેમ જ રહી ગયો. એમની આંખોમાં અણધાર્યા ભયનો ચમકારો દેખાઈ આવ્યો.

"હમણાં આવું છું," કહી થાળી એમ જ મૂકી, હાથ ધોઈ, પાણી પણ પીધા વગર જોરાવરસિંહ ઘરની બહાર નીકળી ગયા.

વધુ આવતા અંકે.....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.