JAMANO CHHE BOLD BANVANO in Gujarati Women Focused by Paru Desai books and stories PDF | જમાનો છે બોલ્ડ બનવાનો

Featured Books
Categories
Share

જમાનો છે બોલ્ડ બનવાનો

જમાનો છે બોલ્ડ બનવાનો
જિંદગી શિક્ષકથી ઘણી કડક છે, શિક્ષક પહેલા પાઠ ભણાવે પછી પરીક્ષા લે છે જયારે જિંદગી તો પહેલા પરીક્ષા લે અને પાઠ ભણાવી જાય છે. માટે જ હંમેશા આપણે ધારીએ એવું જ બધું પોઝીટીવ બને તેવું શક્ય નથી. વિપરીત પરિસ્થિતિમાં પણ ઝઝૂમીને ટકી રહેવા હિંમતની ડગલે ને પગલે જરૂર પડે છે. તો બસ બોલ્ડ બનો એ જ ઉપાય છે. એમાં જ ખરી મજા છે.
‘બોલ્ડ’ હોવું કે બનવું એટલે શું? એવો સ્વાભાવિક જ પ્રશ્ન થાય. બોલ્ડ બનવું એટલે દાદાગીરી મારવી, ઉદ્ધત બનવું કે રોફ જમાવવો એવો અર્થ સમજવાનો નથી, એવું બનવાનું પણ નથી. પરંતુ પોતાના હક અને અધિકાર માટે ગભરાયા વગર લડવું, મુશ્કેલીના સમયમાં અથવા ખરાબ સમયમાં સહેજ પણ હતાશ થયા વગર, પેનિક થયા વગર શાંતિથી, ધીરજ રાખીને નિર્ણય લેવા, સ્વ બચાવ કરવો કે અન્યને મદદ કરવી. સૂઝબૂઝથી, સમજદારીપૂર્વક, સમતા રાખી, હિચકિચાટ વગર વિપરીત પરિસ્થિતિનો સામનો કરી તેના પર કાબુ મેળવવો- એવો અર્થ થાય.
એક રીતે જોઈએ તો વર્તમાન સમયમાં મહિલાઓ એક સાથે ઘર બહાર ઘણા કામ કરે છે, ઘણા લોકોના સંપર્કમાં આવે છે. ઘણી નાની મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. માટે સ્માર્ટ તો બનતી જ જાય છે એટલે સ્માર્ટનેસ એ જ બોલ્ડનેસ કહી શકાય. આજના સમયની આ જરૂરિયાત છે. જે વ્યક્તિનો આત્મવિશ્વાસ કેળવાયેલો હોય છે તે બોલ્ડ બની શકે છે. આપણે ક્યાં અને કઈ રીતે બોલ્ડ બની શકીએ એ જાણીએ.
સંબંધમાં ઓટ આવે ત્યારે : માનવી લાગણીઓ થકી જ જીવંત રહી શકે છે એ નાતે મિત્રતા કે પ્રેમ સંબંધ કે લગ્ન સંબંધ કે ભાઈ બહેન સાથે અણબનાવ બને ત્યારે તે લગભગ તૂટી જાય છે, કોઈ કામમાં મન લાગતું નથી. આવા સંજોગોમાં આપણા તરફથી કોઈ નફરતનો ભાવ ન રાખવો, જતું કરવાની ભાવના રાખી સંબંધ ટકાવવાના પૂરા પ્રયત્ન કરવા. તેમ છતાં જો સામેની વ્યક્તિને કારણે સંબંધ ન ટકી શકે તો આ એક જ સંબંધ સર્વસ્વ નથી એમ માની જીવનમાં આગળ વધો. નવેસરથી શરૂઆત થઇ જ શકે છે.
મુસાફરી કરતી વખતે : જયારે પણ એકલા રિક્ષા કે કેબ માં જવાનું થતું હોય ત્યારે તમે જે-તે વાહનમાં આવી રહ્યા છો તેનો નંબર વિગેરેની જાણ પોતાના ઘરમાં કરો. જો હોસ્ટેલમાં રહેતા હો તો રૂમમેટ કે ફ્રેન્ડને જાણ કરો. જો તમને એવું લાગે કે જે રસ્તો છે તે અજાણ્યો છે તો કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર રિક્ષા કે કેબના ડ્રાઈવરને કહ્યા વગર જ ઉતરી જઈ પોલીસને ફરિયાદ કરો. તમે ડરી ગયા છો તેવું ન લાગવું જોઈએ. એવું ન વિચારવું કે તમે ફસાઈ ગયા છો. sms દ્વારા પણ તમે ઘરના કે મિત્રને મદદ માટે બોલાવી શકો છો. સમજદારી અને કોન્ફીડન્સથી સુરક્ષિત રહી શકો છો. જો ‘ડર ગયા સમજો મર ગયા’ એ વાત યાદ રાખવી.
બસ કે ટ્રેઈનમાં : મુસાફરીમાં બાજુમાં કોઈ પુરુષ બેઠા હોય અને એનું કોઈ અણછાજતું વર્તન હોય તો ત્યારે સ્વરક્ષા માટે પર્સમાં નાની કાતર, છરી કે સેફટીપીન સાથે રાખવા. હિંમતભેર એનાથી તીક્ષ્ણ ઘા મારી દેવો. આપણી ડ્રેસિંગ સેન્સ કેળવીને સમય,સ્થળ અને પ્રસંગ અનુસાર વસ્ત્રો પહેરો. ફેશન કરવી પણ મર્યાદા જાળવવી જરૂરી છે.
ઘરમાં એકલા હો ત્યારે : ઘરમાં રહેતી મહિલાઓએ હંમેશ કુરિયર બોય કે ગર્લ, વિવિધ વસ્તુઓના માર્કેટિંગ માટે આવતી યુવતીઓ સાથે બહાર જ કામ પતાવવા. સાઈન કરવાના બહાને ઘરમાં ઘૂસી જઈ નુકસાન પહોચાડી શકે છે. માટે જો કોઈ અજાણ્યું હોય તો બારીમાંથી જ પેપર પર સાઈન કરી દેવી. બહુ વાતચીત કરવી નહિ. ઘરની કોઈ વાત શેર ન કરવી.
માર્કસ ઓછા આવવાથી : જો તમે કોઈ પણ પ્રકારની પરિક્ષા આપી હોય અને તેમાં ધરી સફળતા ન મળી હોય તો હિંમત હારવાની જરૂર નથી. આવા સંજોગોમાં તમે અનુકુળ થઈને અભ્યાસ આગળ વધારો કે કોઈ એવો વ્યવસાય કે બીઝનેસ શરુ કરો જે તમે કરી શકો એમ હો. સ્વીકાર થી સુખ પ્રાપ્ત થાય છે તે ધ્યાનમાં રાખવું.
કાર્યસ્થળે : તમે જ્યાં નોકરી કરતા હો ત્યાં કોઈ પણ પ્રકારે જો તમારું શોષણ કરવામાં આવતું હોય તો સ્પષ્ટ વક્તા બની તેનો વિરોધ કરો. તમારા અધિકારથી વાકેફ રહીને તે મુજબ જ વર્તન થવું જોઈએ. જો તમારી કોઈ ભૂલ થઇ હોય તો તે કબુલ કરવાની પણ હિંમત અને નિખાલસતા રાખવી. પ્રમાણિક બની કાર્ય કરવું અને અન્યાય સહન ન કરવો. કદાચ ‘ઝાંસી કી રાની’ ની છાપ ઉભી થઈ શકે છે પણ એનાથી સહકર્મચારી કે ઉપરીને એટલો ખ્યાલ આવશે કે આ વ્યક્તિ સાથે કોઈ પણ ગેરવર્તન કરી શકાશે નહિ.
ઈવ ટીઝીંગના શિકાર બનો ત્યારે : સ્કૂલ-કોલેજ જતી યુવતી હોય કે નોકરી વ્યવસાય કરતી મહિલા તેઓએ ઘણીવાર રસ્તા પર, કોલેજમાં કે બસ-ટ્રેઈન કે માર્કેટમાં ....દરેક જગ્યાએ એવા લોકો હોય છે કે જે અશ્લિલ કોમેન્ટ કરી પરેશાન કરે છે. જો કે જે તેમની આવી વાતો સાંભળીને ચૂપ રહે છે તેને તે વધુ હેરાન કરે છે માટે ડર્યા કે ગભરાયા વગર થોડા મોટા અવાજે બોલીને મજબૂત મનોબળ સાથે સામનો કરો. લોકોને ભેગા થવા દો તે વાત જણાવી તરત જ પોલીસને ફોન કરી બોલાવી લો. લાઠીદાવ અને બેઝીક કરાટે શીખી હંમેશ સ્વરક્ષા અર્થે તૈયાર રહો.
ટૂંકમાં એટલું જ સમજવાનું છે કે લોકો તમારા માટે શું કહેશે અને સમજશે એ વિચારવાનું છોડી દઈને દબાતા રહેવાનું છોડી દો. બીજી એક વાત દરેક બાબતે દિલ કહે તે કરો, મનની વાત સાંભળીને નિર્ણય લેવા. હકારાત્મક અભિગમ રાખી પરિસ્થિતિને સ્વીકારતા શીખશું તો કોઈપણ સમસ્યાનો ઉકેલ મળી જ રહેશે. સ્વછંદી બનવાનું નથી પણ સ્વતંત્ર વિચારશૈલી હોવી જરૂરી છે. કોઈ પણ ડર વગર સાચી વાત કરતા શીખવું. આત્મવિશ્વાસ અને નમ્રતાથી વાત કરવી અને બીજાને મદદ કરવાની તત્પરતા પણ રાખવી જોઈએ. આપણે તો બોલ્ડ બનવાનું જ છે સાથે બીજી સખીઓને પણ બોલ્ડ બનવા પ્રોત્સાહિત કરવી.
પારુલ દેસાઈ