White Rose in Gujarati Short Stories by Sonal books and stories PDF | સફેદ ગુલાબનું ફૂલ

The Author
Featured Books
Categories
Share

સફેદ ગુલાબનું ફૂલ

" સાહેબ, સ્ટેશન આવી ગયું "
" હં... " રિક્ષાવાળાના અવાજથી વિચારોના વમળમાંથી જાગીને મિ.જોશીએ જવાબ આપ્યો . બેગ ઉપર થેલો મૂકીને બેગ ઘસડતાં પ્લેટફોર્મ તરફ ચાલવા લાગ્યા.ટ્રેન સામે જ ઉભી હતી, પોતાની બોગી અને સીટ ગોતીને ગોઠવાયા. પરીક્ષાનો સમય નજીક હોવાથી યાત્રિકોનો ધસારો નહિવંત હતો એટલે જ કદાચ મિ.જોશીને કન્ફર્મ ટીકીટ મળી ગઈ હતી. બેગને સીટ નીચે ગોઠવીને થેલાને ઉપરની સીટ પર મુકતાં મનમાં જ બબડ્યા " કોઈ આવશે ત્યારે જોયું જશે.. " અને બારીમાંથી બહાર પ્લેટફોર્મ પરની ચહલપહલ જોતા હતા.. છેલ્લી ઘડીએ મોડા પડેલા થોડા પ્રવાસીઓની દોડધામ, એમની આગળ સામાન લઇ ને ઝડપથી
ચાલતા કુલી, રખડતા કુતરાઓનો ભસવાનો અવાજ. ભીખારીઓની આપસની બોલાચાલી..."આવજો, ધ્યાન રાખજો...વગેરે બોલતાં લોકો...." " ઠંડા કોલ્ડ ડ્રીંક, સેન્ડવીચ..સેન્ડવીચની બુમો પાડતો ફેરિયો.

...અને હળવા આંચકા સાથે ટ્રેન ઉપડી. મિ. જોશી ઉભા થયા, ગરમીથી બચવા પંખો ચાલુ કર્યો. ખટખટના અવાજ સાથે પંખામાંથી ગરમ હવા ફરવા લાગી. ઉપરની સીટ પર રાખેલા થેલામાંથી પાણીની બોટલ કાઢી પાણી પીધું. આછી ઉધરસ આવી અને પાણી છલકાયું.. ખીસામાંથી રૂમાલ કાઢી મોઢું સાફ કર્યું. પાણીની બોટલ પાછી મૂકી અને થેલામાંથી પોતાની ડાયરી વાંચવા માટે કાઢી.. અને એમાંથી સુકાયેલું ગુલાબનું ફૂલ સરકીને નીચે પડ્યું. 'આ ફૂલ? ડાયરીમાં ? ' એમણે ફૂલ ઉપાડીને ધ્યાનથી જોયું, ફૂલની છ પાંદડીમાંથી વચ્ચેની બે પાંદડી પર 'સ' અને 'ક ' માર્કર પેનથી ઘુટેલા દેખાતા હતા. અને મિ.જોશી ફાટી આંખે ગુલાબના ફૂલને જોતા જોતા ભૂતકાળમાં સરકી ગયા.

"તું આવે છે કે હું જાઉં? " રોષ ભર્યા આવજે સુકેતુ બોલ્યો. "બસ બે બુક બાકી છે " લાડથી કુમુદે જવાબ આપ્યો. શિક્ષણ ક્ષેત્રે બંને સાથે કામ કરતા, પરિચય વધ્યો અને છેવટે ૨ વર્ષની ઓળખાણ , ૧ વર્ષની મિત્રતા પ્યારમાં પરિણમી અને હવે બંને ટૂંક સમયમાં લગ્નગ્રંથીથી જોડાઈ જવાના હતા.પ્રાથમિક શાળાના બંને શિક્ષકો, સુકેતુ ભૂગોળ ભણાવે અને કુમુદ ઈતિહાસ. બંને સાદા ,સરળ અને મિલનસાર ,કદાચ તેથી જ દરેક વિદ્યાર્થીમા સૌથી વધુ પ્રિય. કુમુદને સફેદ ગુલાબ બહુ જ ગમતા અને સુકેતુ દરરોજ એક સફેદ ગુલાબ લઇને આવતો. કુમુદ બધા ગુલાબ ભેગા કરતી. તે દિવસે પિક્ચર જોવા જવાનું હતું અને કુમુદ નોટબુક તપાસી રહી હતી. કુમુદ હાથમાં લીધેલું કામ અધૂરું મુકે એમ નહોતી એ સુકેતુ બરાબર જાણતો હતો તેથી એ વધુ અકળાયો. આમપણ આજ કાલ સુકેતુની અકળામણ વધી ગઈ હતી, એનું કારણ મિ.જોશી હતા. મિ.ભરત જોશી, શાળાના નવા પ્રિન્સીપાલ...સુકેતુને જરાય ગમતા નહોતા. એમનું ખંધુ હાસ્ય અને બાજ જેવી નજરથી સુકેતુ અજાણ નહોતો. મહિલા સ્ટાફ સાથેનું વર્તન, સુકેતુને જરાય પસંદ નહોતું. ઘણી વાર કહ્યું છતાં કુમુદ સમજવા તૈયાર જ નહોતી. "તને ખોટો વહેમ છે " એમ કહીને વાત ઉડાવી દેતી. પણ સુકેતુ બરાબર જાણતો હતો કે જોશી કેવી પ્રકૃતિનો માણસ હતો.

"મિસ કુમુદ, જો તમને અનુકુળતા હોય તો સંસ્કૃતિક કાર્યક્રમની રૂપરેખા બનાવીએ? તમારી સુઝ અને કાર્યક્ષમતા મને મદદરૂપ થશે ." બંનેની વાત સાંભળીને તરત જ મિ.જોશી એ કુમુદ પાસે આવીને કહ્યું.
"પણ ..." કુમુદ થોડું ખચકાઈને બોલી
" ના નહિ પાડતા, આ શાળા માટે તમારે સમય કાઢવો જ રહ્યો. "
કુમુદ વધુ બોલી ના શકી. " હું હમણાં પેપર્સ લઇને આવું છું "
સુકેતુ સામે ખંધુ હસીને મિ. જોશી પોતાની કેબીન તરફ રવાના થયા.
"તું ના નથી પાડી શકતી?" સુકેતુ ચીડાતા બોલ્યો .
"પિક્ચર તો પછી જોવાશે ,કામ પણ જરૂરી છે ને " કુમુદે કહ્યું અને પ્રેમથી એની આંખોમાં જોઈ ને ઉમેર્યું " તું જા, હું જલ્દી કામ પતાવીને આવું છું"
કુમુદ જરૂરી કાગળિયા લઇને જોશી સરની કેબીન તરફ ચાલી. સુકેતુ એને જતી જોઈ રહ્યો.

સાંજનાં પાંચ વાગે શાળા પૂરી થયા પછી એકદમ સોપો પડી જતો હતો. શાળાના મુખ્ય પ્રવેશદ્વારે ચોકીદાર સિવાય એક ચકલું પણ દેખાતું નહિ.
"સર, અંદર આવું કે? " કુમુદ નો સુરીલો અવાજ સાંભળીને જોશી સર તરત જ ખુરશી પરથી ઉભા થઇને કુમુદની એકદમ લગોલગ ગયા અને બોલ્યા "આવો આવો, તમારે દાખલ થવા માટે રજા લેવાની જરૂર નથી." કુમુદ થોડી સંકોચાઈ અને ખુરશી પર બેસી. એને થોડું અજુગતું લાગ્યું અને થયું કે સુકેતુ સાથે જતી રહી હોત તો સારું હતું. જોશી સરની આંખો એના શરીર પર ફરી રહી હતી એ કુમુદથી છાનું ન રહ્યું. "આ તમારા માટે, મને ખબર છે કે તમને બહુ ગમે છે " એમ કહી ને જોશી સરે એક સફેદ ગુલાબ કુમુદને આપ્યું. "અરે, તમે શું કામ તકલીફ લીધી, તો પણ આભાર ." કુમુદને હવે ત્યાંથી જતા રહેવાનું મન થયું. જોશી સર હવે કામની વાતો એ વળગ્યા અને સાથે સાથે કુમુદના સૌન્દર્યનું રસપાન કરતા રહ્યા. કુમુદે નીચી નજરે એમની વાતો સાંભળતા સાંભળતા હાથમાં માર્કર પેનથી ગુલાબ પર "સ " અને " ક" લખ્યું. જે જોશી સરની બાજ નજરે પકડી પાડ્યું. "મિસ કુમુદ, તમે મારી વાત સાંભળો છો ને? " મિ.જોશી થોડા ભાર સાથે બોલ્યા.
"હં, હા સર, સોરી, મને ઠીક નથી, માથું દુખે છે ""લો, તમારા માટે ચા મંગાવી રાખી છે" .અનિચ્છા છતાં, કુમુદને ચા પીવી પડી. જોશી સર કુમુદ સામે થોડીવાર એકટક જોતા રહ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમની રૂપરેખા સમજાવતા સમજાવતા કુમુદની આંખે અંધારા આવવા લાગ્યા, એની જીભ થોથવાવા લાગી.
અને એ બેહોશ થઇને ખુરશી પર ઢળી પડી.તકની રાહ જોઈને બેઠેલા જોશી સર "મિસ કુમુદ" બે ત્રણ વાર બોલ્યા ને હસ્યા પણ સામેથી કોઈ જવાબ નહિ મળતા ખંધુ હસીને ઉભા થયા. કુમુદ પાસે આવીને એને નીરખી રહ્યા . કેટલા દિવસથી મનમાં ધરબાયેલી આ ક્ષણને પામવા માટે મિ.જોશી કુમુદ તરફ ઝૂક્યા .

"મિ.જોશી, આ શું કરો છો? "
મિ.જોશીએ ડરીને કેબીનના દરવાજા સામે જોયું તો સુકેતુ ઉભો હતો અને એની આંખમાંથી અંગારા વરસતા હતા.
"હું તો .. હું.. આમને... ઠીક નથી એટલે જોતો હતો.." ડરનાં માર્યા જોશી સર બોલ્યા .
"મને બધી ખબર છે, તમને અને તમારી આદતોને બરાબર ઓળખું છું. " કડક અવાજે સુકેતુ બોલ્યો."કાલે બોર્ડ મિટિંગમાં જવાબ આપવા તૈયાર રહેજો, મારી પાસે સબુત પણ છે. "સુકેતુ, તું સાંભળ, તને ખોટી ગેરસમજણ થઇ છે. આપણે શાંતિથી બેસીને વાત કરીએ " મિ.જોશી સ્વબચાવ માટે બોલ્યા.સુકેતુ પાણીની છાલક મારીને કુમુદને જગાડવાની કોશિશ કરતો રહ્યો. "હવે અહીંથી ઉચાળા ભરવાનો સમય આવી ગયો છે.. મિ.જોશી...મન થાય છે કે પોલીસને બોલાવું પણ મારી આ શાળાની બદનામી તમારી બદનામી કરતા વધુ કિમંતી છે ."
"પ્લીઝ સુકેતુ, મારી ઉમર અને કેરીઅરનો સવાલ છે, ભૂલ થઇ ગઈ, માફ કરી દે. કોઈને કશું નહિ કહેતો,હું રાજીનામું આપવા તૈયાર છું.." મિ. જોશીના અવાજમાં કાકલુદી ભળી .
"શું ભરોસો છે કે બીજે જઈને પણ આવું વર્તન નહિ કરો? સુકેતુ એ સમો સવાલ કર્યો.

હું હવે રીટાયર થવાને આરે છું. આજથી રીટાયર બસ.."મિ. જોશીએ પરસેવો લુંછતાં આજીજી કરી.
"તમે વડીલ સમાન છો, એટલે માફ કરું છું, કાલે તમારું રાજીનામું જોવે છે."
સુકેતુ , કુમુદને હાથમાં ઉપાડીને મુખ્યદ્વાર તરફ ચાલવા લાગ્યો.
દરવાનની આંખમાં કૌતુક જોઈને સુકેતુ એ કહ્યું "કામનાં બોજથી તબિયત બગડી ગઈ છે.."

સુકેતુના ગયા પછી બાઘા બની ગયેલા મિ.જોશી એ ઝડપથી સફેદ ગુલાબનું ફૂલ ઉપાડ્યું અને પોતાની ડાયરીમાં મુક્યું. અને પોતાનો સામાન
ભેગો કરવા લાગ્યા...."નાદુરસ્ત તબિયતને કારણે સ્વેચ્છાએ રાજીનામું આપ્યું' એ સમાચાર શાળામાં ચોમેર ફેલાઈ ગયા. કાલ સુધી તો સારા હતા, એકદમ અચાનક શું થયું, એ સવાલોનાં જવાબ મળતા નહોતા.કુમુદ અને સુકેતુ પોતાના રોજીંદા કામમાં પરોવાઈ ગયા .અઠવાડિયુ દવાખાનામાં રહીને મિ.જોશી પોતાના શહેર કાયમ પાછા જવા માટે નીકળ્યા. પરીક્ષા શરુ થઇ ગઈ હોવાથી કોઈ સ્ટેશને મુકવા આવ્યું નહિ કે કોઈનો " અમે તમને બહુ યાદ કરશું" એવો સંદેશો પણ નહિ આવ્યો.

રીક્ષામાં સામાન મુકીને "સ્ટેશને લઈ લે " બોલીને મિ.જોશીની આંખો સામે પોતાની ઝીંદગીનો ચિતાર પ્રગટ થયો. નાનપણથી વિચિત્ર સ્વભાવને કારણે
કોઈ મિત્રો નહોતા. કોઈ છોકરા દોસ્ત બનતા નહીં અને કોઈ છોકરીઓ ભાવ આપતી નહીં એટલે ધૂંધવાતા રહેતા. એ સમય જ એવો હતો કે સમાજમાં એમની
મનોસ્થિતિ કોઈ જ સમજી શકતું નહોતું. અને એટલે જ પોતાનામાં રહેલી ખામીને છુપાવવાની નિષ્ફળ કોશિશે મિ.જોશીને એક વિકૃત માનવી બનાવી દીધા હતા.
ભણવામાં હોશિયાર એટલે ગરીબ ઘરની છોકરી સાથે માં-બાપે પરણાવી દીધા. પરંતુ લગ્નની પ્રથમ રાત્રે જ એમની વિકૃતિ છતી થઇ ગઈ. શેર માટીની ખોટને
કારણે વિકૃત મગજને શાંત રાખવા સ્ત્રીના સૌન્દર્યનું રસપાન વિકૃત રીતે કરતાં અને પોતાને નાન્યતર જાતિથી અલગ માનતા. ટૂંક સમયમાં છુટાછેડા થઇ ગયા.
પોતાની વિકૃતિને છુપાવીને અને પોતાના ઉચ્ચ ભણતરના માધ્યમ વડે સારી નોકરી અને સવલતો મળી જતી. અને પોતાની રીતે પોતાની વિકૃતિ સંતોષી લેતા.પરંતું આ વખતે પોલ પકડાઈ ગઈ. પણ પોતે બચી ગયાનો સંતોષ માણી લીધો.

"૨૨ નંબરની સીટ તમારી છે?" એક નવજુવાન યુવતી સામે ઉભી હતી .
"હં... હા..હા છે તો મારી, પણ તમને જોતી હોય તો તમે રાખો ને " ભૂતકાળમાંથી પોતાની જાતને બહાર કાઢીને મિ.જોશી બોલ્યા અને પોતાના
હાથમાં રહેલું સુકાયેલું ગુલાબનું ફૂલ મસળીને બારીમાંથી બહાર ફેક્યું અને યુવતી સામે ખંધુ હસ્યા .