Nakshano bhed - 13 in Gujarati Thriller by Yeshwant Mehta books and stories PDF | નકશાનો ભેદ - 13

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

નકશાનો ભેદ - 13

નકશાનો ભેદ

યશવન્ત મહેતા

પ્રકરણ – ૧૩ : કાચવાલા હવે કચકચ નહિ કરે !

આ વખતે ઇન્સ્પેક્ટર કાચવાલા ટાબરિયાંઓની વાત સાંભળવા તૈયાર થઈ ગયા !

અલબત્ત, એમની ટેવ પ્રમાણે, પહેલાં તો ઘાંટાઘાંટ કરી જ. પહેલાં તો એમને મળવાનો પણ સાફ ઇન્કાર કરી દીધો. બહાર બેઠેલા જમાદારની સાથે કહેવડાવ્યું કે એ તોફાની બારકસોને વિદાય કરી દે.

પણ મનોજ એન્ડ કંપની આજે એમને મળ્યા વગર જાય એમ નહોતી, એટલે આખરે એ બહાર આવ્યા અને ઘાંટો પાડીને બોલ્યા,”છોકરાઓ ! મેં તમને કેટલી વાર કીધું છે કે મને હેરાન ના કરો ! બોલો, એક મિનિટમાં બોલી જાવ, શું કહેવું....”

એ બરાડી રહે તે પહેલાં જ મનોજ બોલી ઊઠ્યો, “ઇન્સ્પેક્ટર સાહેબ ! હવે અમને સો ટકા ખાતરી છે કે ચોરી થવાની છે ! આજે રાતે ! અમે સાબિતી મેળવી છે !”

ઇન્સ્પેક્ટર કાચવાલાએ મોં મચકોડ્યું.

“સાબિતી ! તમને ટેણિયાંઓને સાબિતી એટલે શું એનું ભાન છે ? અરે, ઘણી વાર તો સાબિતી મેળવતાં પોલીસને ય નાકે દમ....”

પરંતુ જાણે એમને સાંભળતો જ ન હોય એમ, મનોજ બોલતો જ ગયો. એને ખાતરી હતી કે જો આ મિનિટે હું મારે કહેવાનું છે તે નહિ કહી દઉં તો બીજી તક મળવાની નથી. એટલે ઇન્સ્પેક્ટર કાચવાલા કરતાંય મોટો ઘાંટો કાઢીને એ બોલ્યો :”અને એ ચોરી તનસુખ બારોટ કરવાનો છે ! તનસુખ બારોટ !”

જાણે મોટાં બધા ટ્રેક્ટરના ટાયરમાંથી હવા નીકળી જાય અને એ ઢીલું થઈ જાય એમ કાચવાલા એકદમ ઢીલા થઈ ગયા. ઘાંટો પાડવા ફાડેલું મોં ફાટેલું ને ફાટેલું જ રહી ગયું અને એમાંથી એક જ શબ્દ નીકળી શક્યો :

“કો....ણ...?”

મનોજે ભાર દઈને કહ્યું, “ત...ન...સુ...ખ બા...રો...ટ...”

ઇન્સ્પેક્ટર કાચવાલાનો મોરો એકદમ બદલાઈ ગયો. એમનો ચહેરો એકદમ કોમળ અને ઢીલો થઈ ગયો. આંખો નરમ પડી ગઈ. જાણે પોતાના દીકરાના દીકરાઓને કહેતા હોય એમ કહેવા લાગ્યા, “અરે, ટાબરિયાંઓ, આવો આવો, મારી ઓફિસમાં આવો.”

મનોજે પોતાના દોસ્તો તરફ વિજયી સેનાપતિની અદાથી જોયું. અને એ બધાં પણ જેમ સિકંદરની વિજયી સેના રાજા પોરસના નગરમાં પેસતી હોય એમ ઇન્સ્પેક્ટર કાચવાલાની ઓફિસમાં પેઠી.

ઇન્સ્પેક્ટરના ટેબલ ફરતાં ઊભાં રહીને એમણે પોતાની કહાણી કહી. કેવો રીતે જ્ઞાનને પેલી ચિઠ્ઠી અને નકશો મળ્યાં, કેવી રીતે એમને સંભવિત લૂંટનો અંદેશો આવ્યો, કેવી રીતે એ ચિઠ્ઠી લખનારનો પટ્ટો લગાવ્યો, કેવી રીતે તનસુખનો પત્તો લગાવ્યો, કેવી રીતે તનસુખનો પત્તો લગાવીને એના ફોટા ઝડપ્યા, વગેરે બધી વાત કહી, અને સાબિતીરૂપ પેલી ચિઠ્ઠી, મૂનલિટ કાગળનો નમૂનો, રતનજી ભીમજીના હસ્તાક્ષરનો નમૂનો, તનસુખના ફોટા, વગેરે બધું રજૂ કર્યું. એ બધું જોઈ-સાંભળીને ઇન્સ્પેક્ટર કાચવાલા આનંદ પામ્યા. એ બોલ્યા, “છોકરાંઓ, મારે કહેવું જોઈએ કે તમે કમાલનું ડિટેક્ટિવ કામ કર્યું છે. શાબાશ !”

કાચવાલાની શાબાશી સાંભળીને મનોજ તો એટલો ફુલાઈ ગયો, એટલો ફુલાઈ ગયો કે જાણે હમણાં ફાટી પડશે એવું લાગ્યું. એનો ચહેરો કોઈ લાલલાલ રંગનો ફુગ્ગો હોય એવો બની ગયો. બીજાં સૌના ચહેરા પણ કેસૂડે નાહ્યા હોય એવા બની ગયા.

પણ એકાએક ઇન્સ્પેક્ટર કાચવાલા બોલી ઉઠ્યા, “પરંતુ એક વાત સાંભળી લો !”

એ વળી પાછા મૂળ રૂપમાં આવી ગયા હતા. કરડો ચહેરો, તીણી આંખો અને ચુસ્ત હોઠ.

એ આગળ બોલ્યા, “તમે અત્યાર સુધી સરસ કામગીરી બજાવી છે, પણ એક વાત સાંભળી લો ! હવે તમારી કામગીરી પૂરી થાય છે. હવે તમારે આ મામલાથી છેટા જ રહેવાનું છે અને અમે આખો કેસ સમેટી ના લઈએ ત્યાં સુધી ચૂપ જ રહેવાનું છે. સમજ્યાં ?”

પણ એમ જલદી સમજી જાય તો મનોજ શાનો ? એ બોલ્યો, “અરે સાહેબ ! હજુ તો અમે ઘણુંઘણું કરી શકીએ એમ છીએ. અમે તનસુખના ઘરની ચોકી કરીશું. એ ઘર છોડે કે આઘોપાછો થાય એટલે તમને ખબર આપીશું. અથવા અમે રતનજી ભીમજીની દુકાન પર નજર રાખીશું અને....”

“નો ! નો !!”

ઇન્સ્પેક્ટર કાચવાલાનો બરાડો એટલો મોટો હતો જાણે કોઈ શકમંદને ડાંટતા હોય. જાણે સરસ મઝાનું ડિટેક્ટિવ કામ કરી આવેલાં છોકરાંઓ સાથે નહિ પણ કોઈ રીઢા ગુનેગાર સાથે વાત કરતા હોય.

મનોજની છાતી સામે બંદૂકની જેમ આંગળી ચીંધીને એ બોલ્યા, “હવે આ પોલીસનો મામલો છે અને એમાં તમારા જેવાં.....”

એકાએક એ અટકી ગયા. અને પછી એમણે એક એવું કામ કર્યું જે પરથી લાગ્યું કે એમનેય બાળકોની ભાવનાઓની થોડીક સમજણ છે ખરી.

એમણે પોતાના ટેબલના ખાનામાંથી એક નાનકડી ચોપડી કાઢી. એ બોલ્યા, “આ ગીતા છે. તમારે એની ઉપર આંગળી મૂકવાની છે અને હું બોલાવું એમ બોલવાનું છે. ચાલો શરૂ કરો.”

મનોજ એન્ડ કંપનીના બધાં ઓફિસરોએ ગીતા ઉપર એક, બે, ચાર આંગળીઓ મૂકી. કેટલાકને તો ખબર પણ ન પડી કે ઇન્સ્પેક્ટર કાચવાલા કરવા શું માગે છે !

“બોલો, એક દિવસ પૂરતા...”

“એક દિવસ પૂરતા....”

“ખાસ પોલીસ અફસરો તરીકે...”

“ખાસ પોલીસ અફસરો તરીકે...”

“અમે સોગંદ લઈએ છીએ કે....”

“અમે સોગંદ લઈએ છીએ કે....”

“અમે ઉપરી અધિકારીઓના હુકમો માનીશું...”

“અમે ઉપરી અધિકારીઓના હુકમો માનીશું....”

“અને સોંપાયેલા કામની ગુપ્તતા જાળવીશું.”

“અને સોંપાયેલા કામની ગુપ્તતા જાળવીશું.”

આ વિધિ પૂરો થયા પછી જ સૌને સમજાયું કે કાચવાલાએ એમને સ્પેશિયલ પોલીસની ફરજની પ્રતિજ્ઞા લેવડાવી હતી.

બધાં ખૂબ રાજી થઈ ગયાં.

જો કે એમને ખબર નહોતી કે કાચવાલાએ તેમને લૂંટફાટના ખરેખરા દંગલથી દૂર રાખવા માટે જ એમને આમ મોટા ભા બનાવ્યા હતા !

અને આટલું પૂરતું ન હોય એમ, કાચવાલાએ છોકરાંઓને ફડાફડીથી દૂર રાખવા એક બીજો નુસખો પણ અજમાવ્યો.

એમણે પૂછ્યું, “તમારામાં એક સાયંટિેસ્ટ છે તે કયો ?”

મિહિર છાતી કાઢીને એક ડગલું આગળ આવ્યો અને બોલ્યો, “હું મનોજ એન્ડ કંપનીનો સાયંસ ઓફિસર છું, સાહેબ.”

“સરસ ! તને સ્પેશિયલ પોલીસ ફ્રિક્વન્સી રેડિયો વગાડતાં આવડે કે ?”

“જરૂર !”

કાચવાલા કહે, “શાબાશ ! અમે તમને પોલીસ ફ્રિક્વન્સી વાયરલેસનો એક સેટ આપીશું. એ તારા ઘરમાં ગોઠવવાનો. તનસુખને પકડવા માટે પોલીસ જે કારવાઈ કરશે તે તમે એ રેડિયો ઉપર સાંભળી શકશો. આ કાંઇ નાનીસૂની વાત નથી. પેટ્રોલિંગ કરતી પોલીસ અને હેડક્વાર્ટર સિવાય કોઈને આ હક મળતો નથી. છતાં તમને મળશે. બસ ? હવે ભાગો, અને અમને અમારું કામ કરવા દો ! મિહિર ! તારું સરનામું મને નોંધાવી દે, એટલે વાયરલેસ તારે ઘેર પહોંચાડી શકાય.”

કાચવાલાની ઓફિસમાંથી નીકળતાં જ મનોજના મુખ પરની રેખાઓ બદલાવા લાગી. કોઈક સારો સેલ્સમેન મીઠી મીઠી વાતો કરીને દસ રૂપિયાનો માલ પચાસ રૂપિયામાં ફટકારી ગયો છે એ સમજ્યા પછી જેવો ચહેરો ગ્રાહકનો થઈ જાય એવો જ ચહેરો મનોજનો બની ગયો હતો.

એ જોઈને મિહિરને લાગ્યું કે મનોજ એક બીજા કારણે નારાજ થયો છે. વાયરલેસ મનોજ એન્ડ કંપનીના હેડક્વાર્ટરને બદલે મિહિરને ઘેર ગોઠવાશે એવું એને લાગ્યું હશે અને એથી નારાજ થયો હશે. એટલે એને રાજી કરવા માટે મિહિર બોલ્યો, “વાયરલેસ તારે ઘેર જોઈતો હોય તો કાચવાલાને તારું સરનામું આપી દઉં.”

પણ મનીજે ડોકું ધુણાવ્યું. એ બોલ્યો, “ના, ના, મને એ વાયરલેસ-ફયારલેસ વગાડવાનું ન ફાવે. તારે ઘેર જ ઠીક રહેશે.”

મિહિર કહે, “તો બધાં આજે રાતે આઠેક વાગે મારે ઘેર આવી જજો.”

અને સૌ છૂટાં પડ્યાં.

*#*#*