lithium - 2 in Gujarati Detective stories by Herat Virendra Udavat books and stories PDF | લિથિયમ - 2

Featured Books
Categories
Share

લિથિયમ - 2

લિથિયમ
પ્રકરણ ૨:
અજાણ્યો ચહેરો..!

"રહસ્યમયી કડીઓથી એક તર્ક બંધાય છે,
જાણીતો ચહેરો અજાણતા જ દેખાય છે..! "

બીજા દિવસે સવારે પોલીસ સ્ટેશનમાં ઈન્સ્પેક્ટર જાડેજા આ કેેસના વિષય પર વિચારી રહ્યા હતા અને નાથુ ની એન્ટ્રી થાય છે,

"સાહેબ, તમામ તપાસ કરીને આવ્યો છું.
પેલા ડોક્ટર મેડમ નું નામ, સરનામું બધુ ગોતી લાવ્યો છું કે જેમના જોડે મહેશ્વરી મેડમ પોતાની પ્રેગનન્સીના વિષયમાં તપાસ કરાવવા જતા હતા.
ડૉ. સીમા શાહ નામ છે એમનું. "
નાથુ બોલ્યો.

"હાલો, ત્યારે જટ જઈએ નાથુલાલ..! "
જાડેજાએ કહ્યું.

માહેશ્વરી અને તેની પ્રેગ્નેન્સી વિશે વધારે માહિતી જાણવા માટે જાડેજા ડોક્ટર સીમાના ક્લિનિકમાં પહોંચ્યા.

"ગુડ મોર્નિંગ મેડમ, હું ઇન્સ્પેક્ટર જાડેજા.
માહેશ્વરી ઑબરોયના સ્યુસાઇડના કેસ રિલેટેડ ઇન્વેસ્ટિગેશન માટે આવ્યો છું. "
જાડેજા એ ક્લિનિકમાં આવતા જ મુદ્દાની વાત કરી.

ઇન્સ્પેક્ટરને જોતા જ ડોક્ટર સીમાના મોઢા પર પરસેવો છૂટી પડ્યો.

"પ્લીઝ, બેસો ને સર..!"
સીમા એ પરસેવો લૂછતાં કહ્યું.

ડૉ. સીમાના કપાળ પર પથરાયેલી પરસેવાની બધી જ બૂંદો જોઈને ઇન્સ્પેક્ટર જાડેજા ના હૃદય માં શંકા નો મોટો દરિયો ઊભો કરી દીધો.

" અમને તપાસમાં જાણવા મળ્યું છે કે તેઓ પ્રેગનેન્ટ હતા અને પોતાનું ચેકપ કરાવવા માટે તમારી પાસે જ આવતા હતા..!"
જાડેજા એ વાત વધારતા કહ્યું.

"કોણ મહેશ્વરી..?
હું કદાચ નથી ઓળખતી...!"
ખચકાટ સાથે ડોક્ટર સીમા બોલ્યા.

"મેડમ તપાસમાં સહકાર આપશો તો સારું રહેશે..!"
જાડેજાએ કડકાઈથી કહ્યું અને તરત જ મહેશ્વરી નો ફોટો બતાવ્યો.

"ઓહ, આમને તો હું ઓળખું છું પણ સર જો આમણે સ્યુસાઇડ કર્યું હશે તો નક્કી તેની પાછળ તેમના ઘરવાળા નો જ હાથ હોવો જોઈએ. "
ડોક્ટર સીમાએ ઘટસ્ફોટ કર્યો.

"હમણાં તમે આમને ઓળખતા ન હતા અને હવે આટલું મોટું સ્ટેટમેન્ટ આપો છો?? વિસ્તારથી જણાવો...! "
જાડેજાએ પૂછ્યું.

"માહેશ્વરી આ બાળકથી ઘણી ખુશ હતી, તેને આ બાળક દુનિયામાં લાવવું હતું પણ જ્યારે તે લાસ્ટ ટાઇમ મને મળવા આવી ત્યારે તે ઉદાસ હતી અને ત્યારે તે પોતાના હસબન્ડની જોડે જ આવી હતી.
તે દિવસે તેણે મને અબોર્શન કરવા માટે કીધું.
મારા લાખ સમજાયા છતાં પણ તે માની જ નહીં. અંતમાં મારી વાતમાં માન રાખીને તેણે આ નિર્ણય પર બીજા બે-ત્રણ દિવસ વિચારવાનું નક્કી કર્યું.
પણ એ મને મળવા આવે એ પહેલાં તો.....!!"
ડૉક્ટર સીમા આટલું બોલી અટકી ગયાં.

"ડોક્ટર સીમા તમારે સ્ટેટમેન્ટ આપવા માટે પોલીસ સ્ટેશન આપવું પડશે કારણ કે તેના આધારે માહેશ્વરી ના હસબન્ડની વધારે તપાસ કરી શકીશું...!"
જાડેજાના મનમાં સવાલો નું વાવાઝોડું આવ્યહતું..

શા માટે રાજન અબોર્શન કરાવવા માંગતો હતો આ વાતની તપાસ કરવા રાજનની તપાસ જરૂરી હતી.

રાજનની પૂછતાછ માટે તેઓ તેના ઘરે પહોંચ્યા, બપોરના બાર વાગ્યા હતા તો પણ રાજન હજી સૂતો હતો.

" આ દારૂડીયો પીધા પછી કોયનોય નઈ સાહેબ,
હજી ઘોર જ છ..
બૈરૂ છૂટી જ્યું બાપડું,
પેલા દાહ્ડે ચેવા ગીતો ગાતો તો આ ગોડો...! "
નાથુ દાંત કાઢી હસવા લાગ્યો.

" બધો જ નશો ઉતારવો પડશે આનો,
ઉઠાળો અને અને લઈ લો પોલીસ સ્ટેશન..!"
જાડેજાએ હસી રહેલા નાથુને જોઈ ગુસ્સામાં કહ્યું.

રાજનના લાખ વિરોધ છતાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો,

"સાહેબ મારો વાંક શું?
શા માટે મને ઉપાડીને લાવ્યા છો? "
રાજને કહ્યું.

"૨ ગુના.
પહેલો કે,
પોલીસને ખોટું સ્ટેટમેન્ટ આપવાનો કે માહેશ્વરીની પ્રેગનેન્સી વિશે કશો ખ્યાલ જ નથી
અને બીજો તમારી પત્નીની મરજી વિરુદ્ધ એ બાળકને અબૉર્ટ કરાવવાનો..! "
જાડેજા બોલ્યા.

"સાહેબ આ બધું શું બોલો છો..?મને સાચે માં ખબર નથી કે માહેશ્વરી પ્રેગનન્ટ હતી તો હું કઈ રીતે અબૉર્ટ કરાવી શકું??
મારે મારા વકીલ જોડે વાત કરવી છે..! "
રાજને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું.

"હમણાં બધુ તને યાદ કરાવી દઈશ હું રાજન..! "
ગુસ્સામાં જાડેજા બોલ્યા.

"સાહેબ ઓલા ડૉક્ટર બૂન આઈ જ્યા.. "
પાછળથી નાથાને અવાજ આવ્યો.

"બોલાવો એમને અંદર, આજે રાજન સરને કદાચ આવી જાય..! "
જાડેજા બોલ્યા.

ડૉ. સીમા અંદર આવે છે.

"તમારી સાથે તે દિવસે મહેશ્વરીના જોડે જે તેમના હસબન્ડ આવ્યા હતા તે આ જ હતા ને? "
જાડેજા એ મૂછોને તાવ આપતા કહ્યું.

"સર, એ દિવસે આ વ્યક્તિ ન હતા,
કોઈક બીજુ હતું, આ એમના હસબન્ડ નથી..! "
શાંત ચિત્તે ડૉ. સીમાએ જવાબ આપ્યો.

ઈન્સપેકટર જાડેજા અને નાથુના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ...!
બંને એકબીજાનું મોં તાકી રહ્યાં.

"આ બૂન તો કોક નવું જ લાઈ છ સાહેબ,
બચારા રાજનને કોય ખબર નઈ..! "
નાથુ ધીમેથી બોલ્યો.

રાજનને પણ ઝટકો લાગ્યો હતો કે માહેશ્વરી જોડે એ માણસ કોણ હતો?

"મેડમ તમે એ વ્યક્તિ ને ઓળખો છો, જે માહેશ્વરી સાથે હતો તે દિવસે? "
જાડેજા એ ડૉક્ટર ને પૂછયું.

"હું ઓળખતી નથી, પણ મારા ક્લિનિકના સી.સી.ટી.વી. ફૂટેજમાં એનો ચહેરો મળી જશે..! "
ડૉ. સીમા બોલ્યા.

બધા સી.સી.ટી.વી. ફૂટેજ જોવા ગોઠવાયા.
એ વ્યક્તિનો ચહેરો જોતા જ રાજને મોટેથી બોલ્યો,
"સર.......
આ વ્યક્તિને હું ઘણી સારી રીતે ઓળખું છું,
પણ માહેશ્વરી સાથે આ કેમ અને કઈ રીતે...??? "
રાજન આટલું બોલી અટકી જાય છે.

ક્રમશ:
ડૉ. હેરત ઉદાવત.