A Poem on Patriotism in Gujarati Poems by Atit Shah books and stories PDF | સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી

Featured Books
Categories
Share

સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી


સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી!
A poem on patriotism

-અતીત મુકેશ શાહ

આઝાદી ના શહીદો ના બલિદાન ની સરખામણીએ તુચ્છ કહી શકાય એવી , પણ ખરેખર દિલ થી રચેલી આ નાનકડી કવિતા રજુ કરું છુ . આશા રાખું આપને ગમશે .

કાલે સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી ,
દેશના “અતીત” થી વર્તમાન સુધી ની વાત થઇ હતી !!

ખબર નહિ કોણ હતા એ ,
કદાચ લોકપ્રિય નેતા હતાં એ ,
કાંતો કોઈ બેનામ શહીદ હતા એ ,
અંગ્રેજો ને હણનારા વીર હતા એ ,
કે અહિંસા પૂજનારા પીર હતાં એ !

દેશદાઝ ના રંગે રંગીન હતાં એ ,
થોડા નિરાશ થોડા ગમગીન હતાં એ !

પૂછ્યું મેં થોડી હિંમત જુટાવી ,
શું થયું છે આપને ?
અવામને આમ આઝાદ જોઈને
આનંદ નથી શું આપને ?

આંખો એમની થઇ પ્રજ્વલિત ,
જાણે ભૂતકાળ જીવિત થઇ ઉઠ્યો
ધીમા પણ ધારદાર શબ્દો થકી ,
એમનો અંતરાત્મા ગાઈ ઉઠ્યો !!

સ્વતંત્રતા નું મૂલ્ય જાણો તમે શું !!
જનમ થી જ સૌ સ્વતંત્ર છો !!
એકધારું એકસરખું કામ કરનારા
જાણે પરાધીન યંત્ર છો !!

આઝાદી જીતીને અમે જીતી છે જિંદગી !
ગુલામી રૂપી વિષ ને પ્યાલે પીધી છે જિંદગી !!
રેશમી વસ્ત્રો અને ઝાકમઝોળ ને તમે કીધી છે જિંદગી !
અરે એક “સૂતર” ના તાંતણે વણી લીધી છે જિંદગી !!

માત પિતા ની ઉત્કૃષ્ટ સેવાને જો તમે બતાવી છે જિંદગી
જેલની કોટડીમાં ભારતમાતા ની છબી સામે અમે
વિતાવી છે જિંદગી !


આઝાદી જીતીને અમે જીતી છે જિંદગી !!
અરે આ યમદૂત પાસેથી “દત્તક” લીધી છે જિંદગી !!

જયારે સમગ્ર દેશવાસીઓ નિદ્રાધીન થયા તા ,
ત્યારે ભગતસિંહ સુખદેવ રાજગુરુ શહીદ થયા તા .

૨૩ માર્ચ નો એ ગોઝારો દિવસ ,
સમગ્ર દેશ બન્યો તો વિવશ !!
ફાંસી ના માંચડે પણ દેશદાઝ થી ,
શીશ એમનું ઊંચું રહ્યું તું ,
સાવજ સરીખી ત્રાડ પાડી મોરા રંગ દે બસંતી ચોલા કહ્યું તું !!

આઝાદી પછી આજે ભારત ગુલામ જણાય છે
અહીં દરરોજ કોઈ નિર્દોષ ના પ્રાણ હણાય છે !

ભવિષ્ય માટે મૂડી ની અમારે બચત ન હતી
આવા શહીદો ની ત્યારે કોઈ અછત ન હતી

કહ્યું મેં પણ મક્કમ અવાજે , લડત તો અમે પણ લડી છે !
રણ હોય કે હોય હિમાલય , અમારી સેના તૈયાર ખડી છે.!!

સહસ્ત્ર સલામ એ સૌ સૈનિકો ને
જેમણે હસતા મોઢે વધાવી લીધી છે શહીદી !
પારકાના રક્ષણ કાજ પોતાની કીધી છે શહીદી!!
રક્તરંજિત કાયા સાથે , તિરંગા ના સાયા સાથે
ગર્વથી અપનાવી છે શહીદી ,
પરિવાર ના પ્યાર સાથે , દોસ્તો અને યાર સાથે ,
દિલ માં દફનાવી છે શહીદી !!


અરે તમે ને હું શું લખવાના કવિતા ,
આ સફેદ પત્તા પર છાપેલી કવિતા
આ કાળી સ્યાહી થી સાંધેલી કવિતા
શું લાગે છે તમને આ સાચી કવિતા ??

કવિતા તો એમણે લખી છે મિત્રો !
લાલઘૂમ લોહી થી જોતરી છે કવિતા
જમીન ના ટુકડા પર કોતરી છે કવિતા !!
અરે તમે ને હું શું લખવાના કવિતા !!

તો આવો કરીએ બંધ , આ વાયદાઓ ના વ્યવહાર ને !
કંઇક અલગ રીતે જ ઉજવી લઈએ , આ આઝાદી ના ત્યોહાર ને !!

ભલેને આવતી આપત્તિ કેટલી, ઘૂઘવતા ઊંડા સમુદ્ર જેટલી !
સાથે મળી ને કરીશું સંઘર્ષ , આબાદ બનાવીશું ભારત વર્ષ !!

કાલે સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી ,
દેશના “અતીત” થી વર્તમાન સુધી ની વાત થઇ હતી !!

-અતીત મુકેશ શાહ
સ્વપ્ન માં એક ક્રાંતિકારી સાથે મુલાકાત થઇ હતી!