હેલી એ એકલા જ ગામ સુધી આવવાનો નિણૅય પરબત ને ફસાવવા લીધો. રિસોર્ટ થી એકલી સીમ ના વાંકાચૂંકા રસ્તે જતી હેલી ને તેની પાછળ કોઈ આવતું દેખાયુ,તે આવનાર ને ધ્યાન થી જોતા હેલી ને સમજાઈ ગયું કે તેના બાપુ તેની પાછળ આવતા હતા. બાપુ ને જોઈ તેને ધરપત થઈ,હવે તે બિન્દાસ ચાલવા લાગી. ગામમાં પહોંચી ને આમ-તેમ બે ચાર ઘર ફરી બપોર સુધી ગામમાં આંટા મારી તે રિસોર્ટ પાછી આવી ગઈ.આમ ને આમ ત્રણ ચાર દિવસ સુધી ચાલ્યું પણ શિકારી ન દેખાયો.
તેથી હેલી એ નવો દાવ નાંખ્યો, રામભાઈ ને ફોન કરી બધી વાત સમજાવી. રામભાઈ એઆ માટે પહેલા તૈયારી ન બતાવી પણ હેલી ના દબાણ અને આગ્રહ ના કારણે માની ગયો.
બીજે દિવસે હેલી જ્યારે રિસોર્ટ થી નીકળી ને ગીર ની કાંટાળી કેડી ઓ પર એકલી નીકળી ત્યારે રસ્તો સૂનો હતો પણ તેને પાછળ કોઈ દબાતા પગલે ચાલતું હોય એવો આભાસ થયો પહેલા તો થયું કે બાપુ જ હશે પણ પછી અનુભવ્યું કે આ પગલાં કોઈ બીજા ના છે. પાછળ ફરી ને જોયું તો કોઈ નહીં .
તેને પોતાની આંખ અને કાન બંને સતેજ રાખ્યા, કોઈ ચોક્કસ તેની પાછળ હતું એ તેને સમજાય ગયું , પણ બાપુ કયાં ? એ સવાલ પણ એને થયો, થોડી આગળ નીકળી ત્યાં પેલો પગરવ બંધ થઈ ગયો …… પાછળ ફરી ને જોયું તો બાપુ હતા . હેલી મુઝાઈ ગઈ .. તે પગરવ બાપુ ના જ ……. કે …
તે ગામ માં પ્રવેશી ત્યાં સુધી તે પાછળ જોતી હતી પણ પેલા પગરવ સિવાય કંઈ ન દેખાયુ . તેને થોડો ડર લાગતો હતો તો પણ તેને ગામમાં લોકો ને મળવા જવાનું વિચાયૅુ. આજે તે રોજ કરતાં વહેલી આવી હતી તેથી સવાર માં કૂવા કાંઠે પાણી ભરતી સ્ત્રીઓ સાથે વાતો કરી અને કૂવા માંથી દોરડા ની મદદ થી પાણી ભરવાની મજા પણ માણી . આમ તે રોજ અલગ અલગ લોકો ને મળી પોતાનો સમય પસાર કરતી હતી તેમજ પોતાના ગ્રામ્ય જીવન ની મજા પણ લેતી હતી.
હવે તે ગામમાં આવતી પણ તેના બાપુ ને ન મળતી .કોઈ પણ રીતે જેસંગભાઈ સાથે તેનો કોઈ સંબંધ છે એ તેને પરબત સામે આવવા નહોતું દેવુ. જરૂર પડ્યે જેસંગભાઈ ગામ ના ચોરે તેને જાહેર માં મળી લેતા. આજે પણ જેસંગભાઈ એ તેને ગિરધરભાઈ ને ગામ ના ચોરે મળાવવાનું વચન આપ્યું હતું તેથી તે અગિયાર વાગ્યા આસપાસ ગામ ના ચોરા તરફ જતી હતી..
ચોરા તરફ જતા રસ્તા માં એક બાઈક ના મિરર માં હેલી એ જોયું તો તેની પાછળ કોઈ દેખાયું… હેલી એ મિરર માં જોયું તો પોતે એ અરીસા માં દેખાય ન જાય તેવી રીતે ખસી ગયું . પણ હેલી ની ચપળ નજર તેને ઓળખી ગઈ, છતાં અજાણી બની ચાલવા લાગી.
ગામ ના ચોરે થોડા પુરૂષો ની સાથે જેસંગભાઈ અને ગિરધરભાઈ પણ બેઠા હતા. હેલી એ બધા ને નમસ્તે રામ રામ કર્યા. પછી જેસંગભાઈ તરફ જતા તેની સાથે વાતો કરવા લાગી . વર્ષો બાદ ગીધુ કાકા ને જોયા હતા એટલે મન નો ઉમળકો એટલો હતો કે તેના પગે પડી ને પછી બાથ ભીડી લે પણ એ અત્યારે શક્ય ન હતું,તેથી પિતાતુલ્ય કાકા ની વાણી રૂપી પ્રેમ ને પીતી હતી.
બપોર થતા તે ગામ થી રિસોટૅ તરફ પાછી ફરી ત્યારે પણ એ જ પગરવ ….. તે ડયૉ વિના અજાણી બની ચાલવા લાગી.
બે-ત્રણ દિવસ આ જ રીતે તેની પાછળ કોઈ નો દબાયેલો પગરવ આવતો રહ્યો , અને એક દિવસ અચાનક ‘મેડમ આ તમારૂ લંડન નથ કે આ રીતે ફરો આંયા તો સાવજ ક્યાંથી આવે ને શિકાર કરી ને લય જાય ખબરેય નય પડે આટલી સરસ જંદગી (જીંદગી) સાવજ ને હવાલે ચ્યમ કરવા માગો સો ક્યો તો રોજ લય જાવ ને કે’શો તો મૂકી પન જાવ ‘. આટલું બોલતો પરબત ગંદુ હસતો સામે જોતો હતો.
‘ઓ……… સરપંચ સર નમસ્તે રામ રામ સર આ શોટૅ રસ્તો છે એટલે આવી જાવ છું,પણ તમે અહીં ? કોઈ કામ થી નીકળ્યા હતા? તમને સાવજ નો ડર લાગે? હેલી ને એનું ગંદુ હાસ્ય પર ગુસ્સો આવ્યો તો પણ તે નોમૅલ થઈ બોલી.
હેલી ના પ્રશ્ન થી પરબત થોથવાયો.
(ક્રમશઃ)