Ek Sainikno Prem - 1 in Gujarati Love Stories by Akshay Dihora books and stories PDF | એક સૈનિકનો પ્રેમ - ભાગ-૧

Featured Books
Categories
Share

એક સૈનિકનો પ્રેમ - ભાગ-૧

દોસ્તો હું આપની સાથે મારી ત્રીજી નવલકથા લઈને આવી ગયો છું, થોડો વધારે સમય લઈ લીધો આ નવલકથા લખવા માટે તેના માટે આપ લોકોની માફી માંગુ છું, આના પહેલાની મારી બને નવલકથા બે પ્રેમી યુગલો ઉપર આધારીત હતી, આ સ્ટોરી પણ પ્રેમ ઉપર જ આધારીત છે, પણ ફરક એટલો હશે કે આ સ્ટોરીમાં દેશ પ્રેમ હશે, બે યુગલોતો હશે જ પણ સ્ટોરીનું ફોકસ એક સૈનિકની અંગત જીવનને વિચારીને લખી રહ્યો છું,

આપણે બધા જ લોકો દેશની સેવા કરતાં સૈનિકો માટે એક વિશિષ્ટ સન્માન રાખીએ છીએ પણ આપણને એ સૈનિકની મનોદશા નથી ખબર હોતી, તેનું જીવન કેવું હોઈ છે તે નથી ખબર હોતી, તો મારી આ નાનકડી એવી કોશિશ છે કે હું આપ લોકોને સૈનિકની અંગદ જિંદગીની સફર ઉપર લઈને જાવ...

આ સ્ટોરી દેશના બધા જ સૈનિકને સમર્પીત છે..


-----------------------------------------------------

ભાવનગર જિલ્લાનો સૌથી ખૂબસૂરત તાલુકો હોઈ તો તે છે પાલીતાણા, પાલીતાણાનું નામ સાંભળતા જ મનમાં સૌથી પહેલા વિચાર આવે શેત્રુંજયના પહાડો અને શેત્રુંજી નદી, શેત્રુંજી ડેમ વિગેરે.. પાલીતાણા જૈન સમાજના લોકો માટે એક મહત્વનું ધર્મ સ્થળ પણ છે, તેમના પહેલા તીર્થકર આદિનાથ ભગવાનની આ ભૂમિ છે, એટલે પાલીતાણા શહેરમાં તમને સૌથી વધુ જૈન સમાજનું પ્રભુત્વ જોવા મળશે...

પાલીતાણા શહેરથી લગભગ ૧૨ કિ.મી. દૂર શેત્રુંજી ડેમને બારોબાર અડીને એક નાનકડું એવું સુંદર મજાનું ગામ આવેલું છે જેનું નામ છે રોહિશાળા, એક બાજુ સુંદર મજાનો શેત્રુંજયનો કાઠો અને બીજી બાજુ લીલાછમ સુંદર મજાનાં પહાડો અને આ બંનેની વચ્ચે વસેલું રોહિશાળા... ગામની વસ્તી માંડ ૭૦૦ની આસપાસ હતી પણ એવું કહેવાય છે કે શેત્રુંજયની આસપાસના ગામની પ્રજા સૌથી ખમીરવંતી કહેવાય છે, તેનું કારણ એ જ છે કે આ બધા ગામના લોકો એ શેત્રુંજીનું પાણી પીવે છે જે ગીરના જંગલોમાંથી નીકળે છે, જેમાં સિંહો પાણી પીવે છે, હવે તમે જ વિચારો જે ગામમાં સિહોએ પીધેલું પાણી પીવાતું હોઈ ત્યાંની પ્રજામાં સિંહો જેવો જુસ્સો ના આવે તો બીજું શું આવે ?


(નોંધ:- વાર્તા ગામડાની હોવાથી તેમાં આવતા સંવાદોમાં થોડી તળપદી ભાષાનો ઉપયોગ કર્યો છે અને સાથે સાથે કાઠિયાવાડી લહેકાનો ઉપયોગ કર્યો છે)

માર્ચ, ૧૯૯૯

રોહિશાળા ગામ માત્ર ૧૨ કિ.મી જ દૂર હતું પાલીતાણાથી પણ પાલીતાણાથી ગામડે આવવા માટે તે જમાનામાં છકડાનો ઉપયોગ થતો હતો.. વળી ૨૦મી સદીનું છેલ્લું વર્ષ હતું, મોબાઈલ અને કોમ્પ્યુટરની દુનિયા હજી મોટા મોટા શહેરોના અમીર લોકો સુધી જ સીમીત હતી, ગામડાઑમાં માંડ ૪ કલાક લાઇટ મળતી, ગામડેથી ભાવનગર જવું હોઈ તો પણ પાલીતાણા થઈને જવું પડતું, એ પણ એસ.ટી બસમાં અત્યારની જેમ લોકો પાસે પોતાના વાહનો ન હતા અને સરકારી વાહનો સિવાય બીજા પ્રાઈવેટ વાહનો પણ ન હતા.. એસ.ટી. બસો પણ દિવસ દરમ્યાન માંડ ૩ વખત ભાવનગરથી પાલીતાણા આવતી..

માર્ચ મહિનાની શરૂઆત થઈ ચૂકી હતી, વસંત રૂતુ ધીમે ધીમે વિદાઇ લઈ રહી હતી અને પાનખર ધીમે ધીમે આવી રહી હતી.. શેત્રુંજીના કિનારે ગામ વસેલું હોવાથી ઠંડી હજી પણ અહિયાં યથાવત હતી એક ૪ વર્ષનો બાળક શેત્રુંજીના કાઠે રમી રહ્યો હતો અને તેની બાજુમાં એ બાળકની માતા કપડાં ધોઈ રહી હતી.. એક બાજુ સુરજ ધીમે ધીમે વસતને પોતાની સાથે લઈને શેત્રુંજીમાં ડૂબી રહ્યો હતો અને બીજી બાજુ ચાંદો પાનખરને લઈને ધીમે ધીમે ખીલી રહ્યો હતો...

એ ૪ વર્ષના બાળકનું નામ હતું શ્રેયાંશ.. અને તેની માતાનું નામ હતું વનીતા... શ્રેયાંશ પાણીમાં જઈને છબછબીયા કરી રહ્યો હતો, આજુબાજુ રહેલા ફૂલો ઉપર બેઠેલા પતંગિયાને પકડવા આમથી તેમ દોડી રહ્યો હતો અને વચ્ચે વચ્ચે તેની માં પાસે આવી તેના માંના ગાલોને ચૂમી રહ્યો હતો.. વનીતા કપડાં ધોતા ધોતા આ બધુ જોઈ રહી હતી અને ખુશ થઈ રહી હતી.....

અંધારું થવા આવ્યું હતું, વનીતાએ કપડાં ધોઈ લીધા હતા, તેને શ્રેયાંશને બૂમ પાડી. શ્રેયાંશ દોડીને આવીને તેની માંના સાડીના પાલવમાં લપાઈ ગયો અને તેની કાલી ઘેલી ભાષામાં બોલ્યો...

શ્રેયાંશ:- હા બા... ( ગામડામાં લોકો પોતાની “માં” ને “બા” કહીને બોલાવે છે, આજે પણ એ જ રૂઢી ચાલી આવે છે )

વનીતા:- હાલ હવે ઘરે જઈએ..

શ્રેયાંશ:- બા થોડી વાર રમવા દે ને, મારે પેલા પતંગિયાને પકડવું છે..

વનીતા:- હવે એ પતંગિયાને કાલ પકડી લે જે, હાલ હવે મોડુ થાઈ છે, સંધ્યાટાણું થવા આવ્યું, ઝાલરનો (સાંજની આરતીનો) સમય થઈ ગયો છે.. હજી મારે રાંધવાનું પણ બાકી છે.

શ્રેયાંશ:- હારૂ (સારૂ) બા... હાલ તારે (ચાલ ત્યારે)...

વનીતા કપડાંની એક ડોલ માથે ચડાવે છે અને એક ડોલ હાથમાં પકડે છે અને બીજા હાથમાં શ્રેયાંશનો હાથ પકડીને બંને માં-દીકરો ગામ ભણી ચાલવા લાગે છે. આ માં-દીકરાના ગયા પછી સુરજ પણ આથમી ગયો અને ચાંદો પણ પહાડની પાછળ સંતાઈ ગયો... એવું લાગી રહ્યું હતું જાણે સુરજ અને ચાંદો બંને આ માં-દીકરાનું ધ્યાન રાખી રહ્યા હતા.... મા-દીકરાના ગયા પછી બધા ફૂલો પણ સુસ્ત થઈ ગયા અને પતંગિયા પણ ફૂલો ઉપર બેઠીને આ બંનેને જતાં જોઈ રહ્યા...

શ્રેયાંશ:- બા... બાપુજી ક્યારે આવશે ?

શ્રેયાંશ પાસેથી આ સવાલ સાંભળીને વનીતા રડવા જેવી થઈ ગઈ હતી કેમ કે છેલ્લા એક મહિનામાં શ્રેયાંશે આ સવાલ તેને ૫૦૦મી વખત કર્યો હશે.. હવે તો વનીતા પણ શ્રેયાંશને જવાબ આપી આપી થાકી ગઈ હતી....

શ્રેયાંશ:- બા બોલને..... બાપુજી ક્યારે આવશે ?

વનીતા:- બેટા.. તારા બાપુજીનો કાગળ આવ્યો હતો તે બસ હવે આવવા જ જોઈએ..

શ્રેયાંશ:- બા.. આવું તો તું છેલ્લા ઘણા દિ (દિ-દિવસ) થી કહે છો, પણ બાપુજી હજે ના આવ્યા...

વનીતા પાસે શ્રેયાંશના સવાલનો કોઈ જવાબ ના હતો...

વનીતા:- બેટા આવી જશે.....

શ્રેયાંશ પણ જાણે સમજી ગયો હતો કે તેના સવાલનો જવાબ તેની બા પાસે નથી એટલે તે પણ હવે ચૂપચાપ ચાલવા લાગ્યો હતો.....

શ્રેયાંશ અને વનીતા ઘરે પહોચી ગયા હતા, વનીતા કપડાંને સૂકવી રહી હતી જ્યારે શ્રેયાંશ દોડીને તેના દાદા માવજીભાઇ પાસે જઈને રેડિયો સાંભળવા લાગ્યો હતો... વનીતા કપડાં સુકવતા સુકવતા તેના પતી વિનય વિશે વિચારી રહી હતી...

--------------------------------------------


વિનય દિહોરા... આ ગામનો પહેલો એવો માણસ હતો જે ભારતીય આર્મીમાં હતો, લગભગ છેલ્લાં ૧૧ વર્ષથી તે આર્મીમાં હતો અને આ દરમ્યાન તે વર્ષમાં માંડ ૧ મહિનો જેટલો સમય તેના ગામ આવતો... જ્યારે જ્યારે વિનય રજા ઉપર આવતો ત્યારે આખાય ગામમાં તહેવાર જેવો માહોલ થઈ જતો, વિનય જેટલા દિવસ ગામમાં રહેતો તેટલા દિવસ તે ગામના યુવાનોને આર્મીની તૈયારી કરવા માટેની ટીપ્સ આપતો અને જાતે બધાને શીખવતો...

આ વખતે વિનય ૨ વર્ષથી ઘરે નહોતો આવ્યો, મહિને કે ૨ મહિને તેના ખત (લેટર) આવતા રહેતા, વનીતા પણ કોઈ પણ જાતના સવાલ કર્યા વગર બસ વિનયના આવવાની રાહ જોતી રહેતી, બંનેના લગ્નને ૭ વર્ષ થયા હતા પણ વિનય અને વનિતાએ એક સાથે હજી ૬ મહિના પણ વિતાવ્યા ના હતા.. વિનય હમેશા વનિતાને કહેતો કે મારા માટે મારો દેશ પહેલા આવશે, પછી મારા બા-બાપુજી અને પછી તું... વનિતાને પણ એ વાતથી કોઈ વાંધો ના હતો.. ગામમાં રહીને વનિતા તેના સાસ સસૂરની સેવા કર્યા કરતી..

માવજીભાઇ અને તેના ધર્મપત્ની મીનાબેનને ઘણીવાર દુખ થતું વનિતાને જોઈને કે બિચારી આ બાયને કેટલા દિવસ હજી આમ એકલું રેવું પડશે? વિનય જ્યારે પણ ઘરે આવતો ત્યારે માવજીભાઇ અને મીનાબેન બંને તેને કહેતા કે તું તારી હારે તારી બાયને તો લઈને જા, બાપડી કેટલા દાડા (દિવસો) અહિયાં એકલા રહીને કાઢશે ? પણ વિનય એક જ જવાબ આપતો કે બાપુજી મારૂ પોસ્ટિંગ અત્યારે આસામમાં છે જ્યારે કોઈ સારી જગ્યાએ થશે ત્યારે હું જરૂર લઈને જઈશ..


વિનયનો દેશ માટેનો પ્રેમ ગામમાં રહેતા દરેક વ્યક્તિને ખબર હતી, વિનય જ્યારે પણ ગામમાં આવે એટલે ગામના સરપંચને એ લોકો ભેગા થઈને દેશભક્તિના નાટકો કરતાં વળી અમુક રાતે ધોળા પડદા ઉપર દેશભક્તિ વાળી પિક્ચરો જોવાનો પ્રોગ્રામ ગોઠવતા......

વનિતા કપડાં સુકવતા સુકવતા બધુ યાદ કરી રહી હતી, રોજ રાત્રે બંને ડેમના કિનારે બેસવા જતાં, ક્યારેક ફરવા માટે ભાવનગર જતાં, ત્યાં જઈને નાસ્તો કરતાં, તો ક્યારેક પાલીતાણા જઈને ગોપાલની લસ્સી પીતા, ક્યારેક હસ્તગીરીના ડુંગરા ઉપર ફરવા જતાં. આ બધુ યાદ કરીને વનિતાની આંખોમાં આંસુ આવી ગયા હતા..

ગયા વર્ષે જ્યારે વિનયનો ખત મળ્યો હતો કે તે આ વર્ષે રજાઓમા નહીં આવી શકે ત્યારે લગભગ ૨ રાત સુધી વનીતાને ઊંઘ નહોતી આવી, એ જમાનામાં મોબાઈલ ફોન પણ ના હતા, અને નહોતા આજની જેવા સ્માર્ટફોન. એક સ્ત્રી તેના પતિનું મોઢું જોવા માટે પણ ૧ વર્ષની રાહ જોવી પડતી, એક ખતનો જવાબ આવશે એ માટે પણ ૧ મહિનો રાહ જોવી પડતી, અને અચાનક એક ખતમાં એમ લખાઈને આવે કે હું આ વર્ષે રજામાં નહી આવી શકું ત્યારે એ સ્ત્રીની હાલત શું થઈ હશે ?

વનિતાએ કપડાં સૂકવી દીધા અને સીધી રસોડામાં ગઈ અને સૌથી પહેલા લાકડાનો ચૂલ્લો સળગાવ્યો તેમાં ખિચડીનું આંધણ મૂક્યું.. વનિતા આંધણ મૂક્યા પછી સાક સુધારવા માટે બેઠી અને સાક સુધારતા સુધારતા વિનયના વિચારોમાં જ ડૂબેલી હતી...

વિનયનો ખત આવ્યાને લગભગ ૨૫ દાડા ઉપર થઈ ગયું હતું, ખતમાં લખેલું હતું કે હું રજામાં જલ્દી જ ઘરે આવી રહ્યો છું, જ્યારથી વિનયનો ખત મળ્યો હતો ત્યારથી જ વનિતા રોજ વિનયના આવવાની રાહ જોતી હતી.....


અચાનક ઘરની ખડકી પાસે કોલાહલ સંભળાયો (ખડકી- ઘરનો દરવાજો) વનિતા ઓસરીમાં બેઠી બેઠી શાક સમારી રહી હતી એટલે તેને જોયું કે લોકોનો અવાજ આવી રહ્યો છે એટલે વનિતાને થયું કે કોઈ પ્રાણી અથવા સાપ નીકળ્યો હશે અને આ લોકો તેને કાઢવા માટે પ્રયત્ન કરી રહ્યા હશે એટલે તેને શ્રેયાંશને બૂમ પાડી..

વનિતા:- શ્રેયાંશ..

શ્રેયાંશ તેની માં નો અવાજ સાંભળીને દોડીને બહાર આવ્યો..

શ્રેયાંશ:- હા બા..

વનિતા:- જઇ ને જો તો ખડકીએ શું થયું છે શેનો આટલો અવાજ આવે છે, આ લે બત્તી (ટોર્ચ)

શ્રેયાંશ બત્તી લઈ ને ચાલવા લાગે છે ત્યાં જ વનિતા બોલે છે.

વનિતા:- સાંભળ જો સાપ ને એવું કઈ તો તું લાકડીથી તેની સાથે રમવા ના લાગતો આવીને પહેલા મને કે જે...

શ્રેયાંશ:- હા બા....


શ્રેયાંશ જાઈ છે અને વનિતાની નજર અવાજ આવ્યો તે દિશામાં જ છે..

ગામડાની સૌથી મોટી ખાસિયત એ છે કે ત્યાં જન્મેલું નાનું એવું બાળક પણ સાહસી હોઈ છે, શહેરોમાં સાપને જોઈને મોટા મોટા લોકો ડરી જાઈ છે જ્યારે ગામડામાં રહેલો નાનો એવો બાળક પણ સાપથી ડરતો નથી, તે લોકો ત્યાની પ્રકૃતિથી ટેવાઇ ગયા હોઈ છે, આજે પણ આપણને લોકોને અંધારમાં જતાં ડર લાગે છે, જ્યારે ગામડાનું બાળક અડધી રાત્રે ખેતરની વચ્ચે જઈને તેના બાપુજીને બોલાવીને આવે.. આપના બાળકોને ૫ ફૂટ ઉપરથી કૂડકો લગાવામાં ડર લાગે જ્યારે ગામડાનું બાળક ૨૦ ફૂટ ઊંચા ઝાડની ડાડીઓ ઉપર આંબલી પીપળી રમી રહ્યું હોઈ, આપડા બાળકો મોબાઈલની ગેમ રમવામાં વ્યસ્ત હોઈ છે જ્યારે ગામડાના બાળકો જીવનની ગેમ રમવામાં... આપડું બાળક નાની ગરોલી જોઈને ડરી જાઈ છે જ્યારે ગામડાનું બાળક રસ્તામાં સાપ મળે તો તેને લાકડી વડે રસ્તાની કેડે (છેડે) મૂકીને રસ્તો કરી નાખે છે.

ગામડાના લોકો બસ આપવામાં જાણે છે ક્યારે પણ લેવામાં નહી... કદાચ તમે આજે પણ ગામડે ગયા હોવ તો ત્યાના લોકો તમને ખાલી હાથે પાછા નથી જવા દેતા.. તે લોકો તમને તેના ખેતરમાં ઉગેલા શાકભાજી, ફળો, ધાનો તમને આપીને વળાવે છે.. જ્યારે આપણાં ઘરે આવેલા માણસને આપણે એમ જ વળાવી છીએ.. આ છે ગામડાની સસ્કૃતિ, જે આજે પણ જળવાઈ રહી છે, ભારતની ખરી ધરોહર જો કોઈએ જાળવી હોઈને તો એ છે ગામડાના લોકોએ.. .

થોડીવાર પાછી વનિતાને અંધારું ચીરીને આવતી એક આકૃતિ દેખાઈ છે... વનિતા જોઈ રહી હતી જેવી તે આકૃતિ પ્રકાશવાળી જગ્યાએ આવી ત્યાજ વનિતાના હાથમાંથી દાતરડું નીચે પડી ગયું જેનાથી તે શાક સમારી રહી રહી હતી, તેની આંખોમાં ખુશીના આંસુ હતા, અંધારું ચીરીને આવેલો વ્યક્તિ બીજું કોઈ નહી પણ આર્મીના યુનિફોર્મમાં વિનય હતો ને વિનય શ્રેયાંશને તેડીને ઊભો હતો..

વનિતાએ સૌ પહેલા વિનયને મનભરીને જોઈ રહી હતી સામે વિનય પણ વનિતાને ૨ વર્ષ પછી જોઈ રહ્યો હતો, કેટલીય વાતો હતી બંનેના મનમાં, કેટલાય સવાલો હતા બંનેના દિલમાં પણ અત્યારે ખાલી મૌન બોલી રહ્યું હતું....

વિનયને જોઈને તેના બા-બાપુજી બહાર આવ્યા. વિનયે શ્રેયાંશને નીચે ઉતાર્યો તેના ખાંભા ઉપરથી બેગ નીચે ઉતારી અને તેના બા અને બાપુજીને પગે લાગ્યો.

માવજીભાઇ:- કેમ સો ? પાલિતાણાલી છકડો મળ્યો કે હાલીને આવું પડ્યું ?

વિનય:- તમને ખબર તો છે કે રાતે ૬ પછી ક્યાં કોઈ છકડો મળે છે. હાલીને જ આવ્યો છું...

માવજીભાઇ:- હારૂ તારે, આરામ કરી લે, જા પેલા હાથ-મો ધોઈને આવ...

વિનય:- હા બાપુજી...

વિનય બુટ કાઢીને હાથ મો-ધોવા જાઈ છે અને આ બાજુ માવજીભાઇ બોલે છે..

માવજીભાઇ:- એ વિનયના ઘરના સાંભળો, જો ખિચડી ના મેલી(મૂકી) હોઈ તો લાપસી કરી નાખો

વનિતા:- હા...

આ બાજુ વિનય હાથ-મો ધોઈને આવે છે અને શ્રેયાંશને કહે છે..

વિનય:- બટા તારી બા ને કહે કે મોઢું લૂસવા ટુવાલ આપે..

શ્રેયાંશ ભાગીને વનિતા પાસે જાઈ છે...

શ્રેયાંશ:- બા ટુવાલ આપો, બાપુજીને જોવે છે...

વનિતા શ્રેયાંશને ટુવાલ આપે છે, ત્યારબાદ વનિતા રસોઈ કરવામાં લાગી જાઈ છે...

૨ વર્ષ પછી આજે પહેલીવાર આખુય ઘર વાળું કરવા (વાળું- ડિનર) એક સાથે બેઠું હતું..

મીનાબેન:- વહુ લાપસી સારી બની છે...

માવજીભાઇ:- લાપસી જ નઇ આજે હંધુય (બધુ જ) સારૂ બન્યું છે.

વિનય:- હાચી વાત બાપુજી, કયા મસાલા વાપર્યા છે આજે જમવાનું બનાવમાં ?

વિનય વનિતાની સામે જોઈને બોલે છે

વનિતા:- મસાલા નહી પણ આજે મે મારો પ્રેમ ઉમેરયો છે જમવાનું બનાવમાં, વનિતા ધીમે રહીને આટલું બોલી અને વિનય આ વાત સાંભળી ગયો...

વિનય પ્રેમ ભરી આંખોથી વનિતાને જોઈ રહ્યો હતો, એક બાજુ લાપસીમાં ધી ઉમેરાઈ રહ્યું હતું તો બીજું બાજુ પ્રેમનું ધી ઉમેરાઈ રહ્યું હતું....


---------------------------------

આગળના ભાગમાં વાંચો વિનય અને વનિતાના જીવન વિશે

----------------------------------------

મિત્રો તમને આ નવલકથાની શરૂઆત કેવી લાગે તે મને કમેંટ અને મેસેજ કરીને જણાવી શકો છો..