Pishachini - 22 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | પિશાચિની - 22

Featured Books
Categories
Share

પિશાચિની - 22

(22)

જિગર એ ગુફામાં ઘૂસ્યો અને માહીના નામની બૂમ પાડવા ગયો, ત્યાં જ તેના કાનના પડદા સાથે પંડિત ભવાનીશંકરનો અવાજ અફળાયો : ‘‘જિગર ! તું અંદર તો ભલે આવી ગયો, પણ હવે હું તને જીવતો બહાર નહિ નીકળવા દઉં.’’ એટલે જિગરે ચારે બાજુ નજર દોડાવી, પણ તેને અંધારા સિવાય બીજું કંઈ દેખાયું નહિ.

‘..જો હું મોતથી ડરતો હોત તો અહીં ન આવ્યો હોત, પંડિત ભવાનીશંકરજી !’ જિગર અંધારામાં તાકતાં બોલી ગયો એ પછી તેને થયું કે, તે પોતાને આટલી હદે તકલીફ પહોંચાડનાર ભવાનીશંકરને માનથી બોલાવી ગયો હતો. અને આ વિચાર સાથે જ તેના મગજમાં તુકકો જાગ્યો. તે ભવાનીશંકર સામે લડીને એને પહોંચી વળી શકે એમ નહોતો. એટલે તેણે ભવાનીશંકરને કોઈક રીતે નરમ પાડીને પોતાનો તેમ જ માહીનો જીવ બચાવવાની સાથે જ શીનાને પાછી મેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને આ સાથે જ તેણે ભવાનીશંકરને આગળ કહ્યું : ‘...મારી પત્ની માહી તમારી પાસે છે. હું માહીને અહીંથી જીવતી લઈ જવા માટે આવ્યો છું અને મને ભરોસો છે કે, હું માહીને અહીંથી જીવતી લઈને જ જઈશ.’

જવાબમાં ભવાનીશંકરનો ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો.

‘ભવાનીશંકરજી !’ જિગર આગળ બોલ્યો : ‘ભલે બધાં તમને ગમે તેવા માનતા હોય, પણ મને ખબર છે, તમે દિલના ભોળા છો. મેં તમારી પાસેથી અદૃશ્ય શક્તિ શીનાને પાછી મેળવવાનો પ્રયત્ન કર્યો, એટલે તમે ગુસ્સે થઈને મારી માહીને ઉઠાવી ગયા. બાકી જો તમારે મને કે, માહીને મારી જ નાંખવી હોત તો મેં સ્મશાનમાં દીપંકર સ્વામી સાથે તમારો શીનાને મેળવવા માટેનો જાપ તોડાવવાનો અને તમને મંડળમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો, ત્યારે જ તમે અમને બન્નેને ખતમ કરી નાંખ્યા હોત.’

જિગરની આ વાત પૂરી થઈ, ત્યાં જ ગુફામાં ફાનસનું અજવાળું ફેલાયું.

જિગરે એ અજવાળામાં જોયું તો ફાનસની પાછળ પંડિત ભવાનીશંકર બેઠો હતો.

‘જિગર !’ ભવાનીશંંકર બોલ્યો : ‘તું જે બધું બોલી ગયો એનો એક-એક અક્ષર સાચો છે. તું શીનાને પાછી મેળવવાનો પ્રયત્ન કરતો હતો, એટલે જ હું ગુસ્સે થતો હતો અને એટલે જ હું માહીને અહીં ઉઠાવી લાવ્યો. પણ મેં એને જરાય દુઃખી કરી નથી. બસ, હું તારા માથેથી શીનાને મેળવવા માટેનું ભૂત ઉતારી નાંખવા માંગતો હતો.’ અને ભવાનીશંકરે હળવેકથી કહ્યું : ‘માહી, આગળ આવ તો !’

અને બીજી પળે માહી ભવાનીશંકરની પીઠ પાછળના અંધારામાંથી આગળ આવીને ભવાનીશંકરની બાજુમાં ઊભી રહી.

માહીને જોતાં જ જિગરની આંખોમાં ખુશીના આંસુ ઊભરાઈ આવ્યા.

‘જા, માહી !’ ભવાનીશંકરે કહ્યું : ‘તારો પતિ તને લેવા માટે આવ્યો છે.’

અને આ સાથે જ માહી જિગર તરફ દોડી આવી અને તેને વળગી પડી.

‘તું...તું ઠીક તો છે ને, માહી ? !’ જિગરે માહીના માથે હાથ ફેરવતાં પૂછયું.

‘હા !’ માહી જિગરથી અળગી થતાં બોલી : ‘ભવાનીશંકરજીએ મને અહીં લાવીને પોતાની દીકરીની જેમ જ રાખી છે.’ અને માહીએ ભવાનીશંકર સામે જોતાં હાથ જોડયા.

ભવાનીશંકરે બન્ને તરફ પ્રેમભરી નજર નાંખી. ‘જિગર ! હવે તું માહીને લઈને જઈ શકે છે.’

‘ભવાનીશંકરજી !’ જિગર બન્ને હાથ જોડતાં બોલ્યો, ‘હું તમારો આ ઉપકાર જીવનભર નહિ ભૂલું.’ અને જિગરે સહેજ રોકાઈને આગળ કહ્યું : ‘હવે તમે મારી પર એક બીજો ઉપકાર કરી દો. મને શીના પાછી સોંપી દો.’

ભવાનીશંકર જિગર સામે જોઈ રહ્યો.

‘ભવાની-શંકરજી !’ જિગરના અવાજમાં દુઃખ ને દર્દ આવી ગયું : ‘શીનાને તમે લઈ ગયા એ પછી હું પાછો જ્યાં હતો ત્યાં આવી ગયો અને માહીના પિતા દેવરાજશેઠ પણ માહીને મારી પાસેથી લઈ ગયા.’ ભવાનીશંકર જિગરની વાત સાંભળી રહ્યો હતો, એટલે જિગરે પોતાની વાત કહેવામાં વધુ ઉતાવળ કરી : ‘મારા માટે માહીને મારી સાથે રાખવી હોય તો શીનાને મેળવવી જરૂરી છે અને એટલે જ હું શીનાની પાછળ પડયો છું. મારા માટે શીના જરૂરી છે. શીના સામે ચાલીને મારી પાસે આવી હતી. હું શીના જેવી કોઈ બીજી અદૃશ્ય શક્તિને તમારી જેમ મંત્ર-તંત્રથી મારા વશમાં કરી શકું એમ નથી અને એટલે જ હું શીના પાછળ પડયો છું. તમે શીનાને મને સોંપી દો તો તમને કોઈ નુકશાન નથી. તમે શીનાથી પણ વધુ શક્તિશાળી અદૃશ્ય શક્તિને તમારા મંત્ર-તંત્રથી વશમાં કરી શકો એમ છો.’

જિગરની આ વાત સાંભળીને ભવાનીશંકર મલકયો, પછી બોલ્યો : ‘તારી વાત સાચી છે. ચાલ, હું શીનાને તને પાછી સોંપી દેવા તૈયાર છું.’

‘ખરેખર ?’ જિગરને વિશ્વાસ બેઠો નહિ.

‘હા ! એમ સમજ કે, હું તારી વાતોમાં આવી ગયો.’ ભવાનીશંકર બોલ્યો : ‘ચાલ, હું એને હુકમ આપી દઉં છું,’ અને ભવાનીશંકરે આંખો મીંચી અને મનોમન શીનાને કોઈ હુકમ આપતો હોય એમ હોઠ ફફડાવ્યા અને બીજી પળે આંખો ખોલીને જિગર સામે જોયું.

‘જિગર !’ ભવાનીશંકર બોલ્યો : ‘મેં શીનાને આઝાદ કરી દીધી છે, પણ જ્યાં સુધી તું તારા બાવડા પર બંધાયેલું માદળિયું નહિ ઉતારે ત્યાં સુધી એ તારા માથા પર સવાર નહિ થઈ શકે.’

‘એટલે...,’ જિગરે પૂછયું : ‘...મારે આ માદળિયું ઉતારવું જ પડશે.’

‘હા !’ ભવાનીશંકરે કહ્યું.

જિગર ભવાનીશંકર સામે જોઈ રહ્યો, વિચારી રહ્યો. ‘કયાંક ભવાનીશંકર મારી સાથે કોઈ દગાબાજી તો નહિ કરી રહ્યો હોય ને ? ! મારા બાવડા પર જ્યાં સુધી બનારસીદાસે આપેલું આ માદળિયું બંધાયેલું છે, ત્યાં સુધી ભવાનીશંકરના તંત્ર-મંત્ર અને કાળો જાદુ મારી પર કોઈ અસર કરી શકે એમ નથી. અને એટલે જ તો કયાંક આવી-બધી વાતો કરીને એ મારા બાવડેથી આ માદળિયું ઉતરાવી નાંખવા નહિ માંગતો હોય ને ? !’

અને જિગરના મનમાંનો આ ફફડાટ પામી ગયો હોય એમ ભવાનીશંકરે કહ્યું : ‘જિગર ! તું મારી પર ભરોસો રાખ. અને...,’ ભવાનીશંકર મલકયો : ‘તારે મારી પર ભરોસો મૂકયા વિના ચાલે એમ પણ નથી.’

જિગરે એક નિશ્વાસ નાંખ્યો. તેણે ભવાનીશંકર પર ભરોસો રાખ્યા વિના છૂટકો નહોતો. અને તેણે પોતાના બાવડા પર બંધાયેલું માદળિયું ઉતારીને એક બાજુ પર મૂકયું, એ સાથે જ ભવાનીશંકરે પોતાની આંખો બંધ કરી અને પોતાના હોઠ ફફડાવ્યા.

બીજી જ પળે જિગરના માથે જાણે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને પછી તેના માથા પર જાણે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું.

જિગરે કલ્પનાની આંખે જોયું, તો તેના માથા પર અદૃશ્ય શક્તિ શીના સવાર થઈ ચૂકી હતી. શીનાના ચહેરા પર ખુશી તરવરતી હતી, તો શીના તેના માથા પર પાછી સવાર થઈ હતી, એ વાતની ખુશીથી જિગરને નાચી ઊઠવાનું મન થયું.

‘ચાલ, ત્યારે !’ જિગરના કાને ભવાનીશંકરનો અવાજ પડયો, એટલે તેણે ભવાનીશંકર સામે જોયું. ‘મારે એક જાપ કરવાનો છે. તું માહીને લઈને અહીંથી ઉપડ.’

‘હા, પંડિતજી !’ કહીને જિગરે ભવાનીશંકરનો માહી તેમ જ શીનાને પાછી સોંપી દેવા બદલ આભાર માન્યો.

જિગર માહીને લઈને ગુફાની બહાર નીકળ્યો. ભવાનીશંકર પાસેથી માહી સહીસલામત પાછી મળી હતી અને અદૃશ્ય શક્તિ શીના પણ પાછી તેની પાસે આવી ગઈ હતી, એ વાતની ખુશી તેના મનમાં સમાતી નહોતી.

દૃ દૃ દૃ

જિગર માહી સાથે મુંબઈના પોતાના એક રૂમ રસોડાના ઘરે પહોંચ્યો, ત્યારે રાતના અગિયાર વાગ્યા હતા.

માહી બાથરૂમમાં ફ્રેશ થવા ગઈ, એટલે જિગરે તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીના સાથે વાત કરી : ‘શીના ! તું મારી પાસે પાછી આવી એનાથી હું એટલો બધો ખુશ છું કે, એ ખુશી હું બયાન કરી શકું એમ નથી.’

શીના ખિલિખલ હસી : ‘હું પણ તારી પાસે આવીને ખૂબ જ ખુશ છું, જિગર !’

‘હવે તારે હંમેશા મારી પાસે જ રહેવાનું છે.’ જિગર બોલ્યો : ‘અને હવે તું સહુ પહેલું કામ મને ફરીથી માલદાર બનાવવાનું કરી આપ.’

‘તું કહીશ એ બધું હું કરી આપવા તૈયાર છું.’ શીના બોલી : ‘પણ એ પહેલાં તારે મને એક જણનું લોહી પીવડાવવું પડશે.’

જિગર કલ્પનાની આંખે શીના સામે જોઈ રહ્યો. તેણે શીનાનું આ કામ કર્યા વિના છૂટકો નહોતો. તે શીનાનું આ કામ કરી આપતો હતો, એના બદલામાં તો શીના તેની ખુશીઓનો ખ્યાલ રાખતી હતી.

‘હમણાં માહી સૂઈ જાય એ પછી આપણે નીકળવાનું છે.’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો, એટલે વિચારોમાંથી બહાર આવતાં તેણે કહ્યું : ‘ભલે !’ અને ત્યાં જ માહી બાથરૂમમાંથી બહાર નીકળી. જિગરે શીના સાથેની વાત અહીં જ આટોપી લીધી.

તે માહી સાથે અહીં-તહીંની વાતો કરવા માંડયો. થોડીક વારમા જ માહી ઊંઘમાં સરી ગઈ.

‘ચાલ !’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો, એટલે જિગર ઊભો થયો.

તે શીના સાથે ઘરની બહાર નીકળ્યો.

જિગર શીનાના કહેવા પ્રમાણે ચાલવા માંડયો.

થોડેક દૂર આવેલા ગાર્ડનના પાછળના ભાગમાં પહોંચાડીને શીનાએ તેને ઊભો રાખ્યો અને કહ્યું : ‘જિગર, આ સામે બાંકડા પર જે માણસ સૂતો છે ને, એને ખતમ કરી નાંખ.’

જિગરે થોડાંક પગલાં દૂર બાંકડા પર સૂતેલા એ માણસ સામે જોયું અને પછી આસપાસમાં નજર દોડાવી. રાતના એક વાગ્યાના આ સમયે આસપાસ કોઈ નહોતું.

તેણે કંઈ વિચારવાનું નહોતું. તે એ માણસની નજીક પહોંચ્યો. ડાબા પડખે સૂતેલો એ માણસ સીધો થયો, ત્યાં જ જિગર એની પર ત્રાટકયો. તેણે બન્ને હાથે એ માણસનું ગળું પકડી લીધું અને પૂરા જોર અને જોશ સાથે ભીંસવા માંડયું. ઊંઘમાં થયેલા આ હુમલાથી ઝબકીને જાગેલા એ માણસે જિગરના હાથમાંથી પોતાની જાતને છોડાવવાનો-બચાવવાનો પ્રયત્ન કર્યો, પણ થોડીક પળોમાં એ થાકી-હારી ગયો. એનો જીવ નીકળી ગયો.

જિગરે એને છોડી દીધો. તે હાંફી રહ્યો હતો.

‘જિગર ! હવે તું નીકળ !’ જિગરના માથા પર સવાર શીનાનો આનંદભર્યો અવાજ સંભળાયો : ‘હું આનું લોહી પીને આવું છું.’ અને આ સાથે જ જિગરના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને જિગરનું ભારે થયેેલું માથું હળવું થઈ ગયું.

તેના માથા પરથી શીના ઉતરી ચૂકી હતી.

તે ઝડપી ચાલે આગળ વધી ગયો.

તે ઘરે પહોંચ્યો, ત્યારે રાતનો દોઢ વાગવા આવ્યો હતો. માહી પલંગ પર ઘસઘસાટ ઊંઘી રહી હતી. તે પલંગ પર બેઠો. તે પ્રેમ નીતરતી નજરે માહીનો ચહેરો નીરખી રહ્યો, ત્યાં જ તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો.

‘...તો શીના આવી ગઈ.’ પલંગ પરથી ઊભા થતાં જિગરે કલ્પનાની આંખે માથા પર જોયું તો તેને આશ્ચર્ય લાગ્યું.

-તેના માથા પર શીના નહોતી.

શીના જ્યારે પણ તેના માથા પર સવાર થતી હતી, ત્યારે તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાતો હતો અને તેના માથા પર જાણે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગતું હતું. અત્યારે તેના માથા પરથી પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો હતો, પણ તેના માથા પર પંખીની ચાંચ વાગી હોય એવું લાગ્યું નહોતું ! આવું કેમ બન્યું હતું ? !

‘જિગર...,’ અને જિગર આ વિશે આગળ વિચારે ત્યાં જ તેના કાનમાં શીનાનો અવાજ પડયો : ‘..તું મને શોધી રહ્યો છે, ને ? !’

‘હા !’ જિગરે શીનાનો અવાજ કયાંથી આવી રહ્યો હતો ? એ પકડી પાડવા માટે કાન વધુ સરવા કરતાં પૂછયું : ‘અત્યારે તું કયાં છે ? !’

‘હું અહીં છું.’

અને આ વખતે શીનાનો અવાજ રૂમના જમણી બાજુના ખુણા તરફથી આવ્યો હતો એવું જિગરને લાગ્યું અને તેણે એ તરફ જોયું તો તેને નવાઈનો આંચકો લાગ્યો. તેને પોતાની આંખો પર વિશ્વાસ બેઠો નહિ. તેણે બે-ત્રણ વાર પોતાની આંખો પટપટાવી અને નવાઈભરી નજરે એ તરફ જોઈ રહ્યો.

એ ખૂણામાં..., તેની સામે શીના ઊભી હતી.

શીના તેના માથા પર સવાર થઈ ત્યારથી તે શીનાને બંધ આંખે-કલ્પનાની આંખે જ જોઈ શકતો હતો. પણ આજે-અત્યારે પહેલી જ વાર એવું બન્યું હતું કે, તે શીનાને ખુલ્લી-નરી આંખે જોઈ રહ્યો હતો.

‘શીના !’ જિગર આનંદભેર બોલી ઊઠયો : ‘હું તને જોઈ શકું છું. હું..હું તને બરાબર જોઈ શકું છું. હું જેમ માહીને..., જેમ બીજા બધાંને જોઈ શકું છું, એમ જ.., હા એમ જ હું તને પણ જોઈ શકું છું !’

શીના હસી અને બોલી : ‘જિગર ! હું આજે ખૂબ જ ખુશ છું, એટલી ખુશ કે ન પૂછ વાત. અને મારી એ ખુશીને તારી સાથે મનાવવા માટે જ હું તારી સામે આવી ગઈ છું.’

જિગર આનંદથી નાચું-નાચું થઈ રહેલા હૃદય સાથે શીનાને જોઈ રહ્યો-એને સાંભળી રહ્યો.

‘જિગર ! શું તને ખબર છે, આજે તેં કોને ખતમ કર્યો ? !’ શીના આનંદના આવેશ સાથે બોલી રહી હતી : ‘...તેં..., તેં મારા પતિને ખતમ કર્યો.’

‘એ...એ માણસ તારો પતિ હતો ?’

‘હા !’ શીના ઝેરીલું હસી : ‘તેં મારા પતિને ખતમ કર્યો અને હું અત્યારે મારા પતિનું જ લોહી પીને આવી છું.’ અને શીનાએ લાલ હોઠ પર જીભ ફેરવી.

જિગર શીનાને જોઈ રહ્યો. તેણે શું કહેવું-પૂછવું ? એ જ તેને સમજાયું નહિ.

‘મારા પતિએ મને બાર વરસ પહેલાં મારી નાંખી અને હું અવગતે ગઈ. હું ધારત તો એને એ વખતે જ મારી નાંખત, પણ હું એવુ ઈચ્છતી હતી કે, એ સજા ભોગવી લે એ પછી જ હું એની પાસે મારા મોતનો બદલો લઉં.’ શીના બોલી : ‘ગઈકાલે જ એ સજા ભોગવીને જેલમાંથી છૂટયો અને આજે મેં એને મોતને ઘાટ ઉતરાવીને એની પાસે બદલો લઈ લીધો.’

જિગર શીનાને જોઈ રહ્યો. શીનાના ચહેરા પર વેર વાળ્યાની ખુશી તરવરતી હતી. એના ચહેરા પર આજે કંઈક અનેરી લાલી વર્તાતી હતી.

‘હું આજે ખૂબ જ ખુશ છું, જિગર !’ કહેતાં શીના જિગરની નજીક આવીને ઊભી રહી.

જિગરનું હૃદય વધુ ઝડપે ધબકવા માંડયું.

-અદૃશ્ય શક્તિ શીના તેની લગોલગ ઊભી હતી !

શીનાએ પોતાનો કોમળ હાથ જિગરના ગાલ પર ફેરવ્યો. જિગરના શરીરમાંથી કંપારી પસાર થઈ ગઈ.

શીના મલકી. રહસ્યભર્યું મલકી.

જિગર હોઠ પર મલકાટ લાવી શકયો નહિ.

શીનાએ એના બન્ને હાથથી જિગરનો ચહેરો પકડયો અને..., ...અને એને પોતાની તરફ ખેંચ્યો.

અને આ સાથે જ જિગરના શરીરમાં ભયનું એક લખલખું ફરી વળવાની સાથે જ તેના મગજમાંથી એક ડરામણો વિચાર પણ પસાર થઈ ગયો, ‘કયાંક... કયાંક શીના તેની ગરદનમાં દાંત ખૂંપાડીને તેને મારી તો નહિ નાંખે ને ? ! ? !’

( વધુ આવતા અંકે )