કેપ્ટ્ન એમના સાથીદારો સાથે રાજા માર્જીયશની મહેમાનગતિ માણવા માટે જુના નગરની મુલાકાતે..
"ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત" બધા માટે રહસ્ય..
_________________________________________
દિવાસીઓના રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન તૈયાર થયેલા નવા નગરને જોવા માટે આવ્યા છે. રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન જયારે નવા બનેલા રાજ્યાશનમાં આવે છે ત્યારે બંનેની નજર કેપ્ટ્ન ઉપર પડે છે. કેપ્ટ્નને જોઈને બંને જોઈને બન્ને ચોંકી ઉઠે છે કારણ કે કેપ્ટ્ન નો દેખાવ આબેહૂબ એમના દેવતા ક્લિન્ટન જેવો હોય છે.આ જોઈને રાજા માર્જીયશ વિચારે ચડી જાય છે અને તેઓ એમની પુત્રી ક્રેટીને આ વ્યક્તિ વિશે પૂછે છે.
"ક્રેટી આ આપણા ક્લિન્ટન દેવ જેવો દેખાતો પુરુષ કોણ છે..? કેપ્ટ્ન તરફ જોઈ રહેલા રાજા માર્જીયશે એમની પુત્રી ક્રેટીને ફરીથી પ્રશ્ન કર્યો.
"પિતાજી.. એ જ્યોર્જ અને પીટરના મિત્રો છે એમના કારણે જ આ નવા નગરનું નિર્માણ શક્ય બન્યું છે..' ક્રેટી એના પિતા માર્જીયશ સામે જોઈને બોલી.
"ઓહહ.. પણ આનો દેખાવ તો આબેહૂબ આપણા ક્લિન્ટન દેવ જેવો જ છે..' રાજ્યયોગી વિલ્સન ક્રેટી અને રાજા માર્જીયશના નજીક આવતા બોલ્યા.
"હા જયારે મેં પણ એમને પહેલીવાર જોયા હતા એટલે મને એ બાબતે ઘણા પ્રશ્નો ઉદ્ભવ્યા હતા પણ એ વખતે નગર નિર્માણનું કામ ચાલુ હતું એટલે મેં એમને આ અંગે વધારે પૂછપરછ કરી નહી.' ક્રેટીએ એના પિતા અને વિલ્સન સામે જોઈને કહ્યું.
"ક્રેટી જરા અહીં આવ તો..' કેપ્ટ્ન પાસે ઉભેલા જ્યોર્જે ક્રેટીને બુમ પાડી.
"પિતાજી હું જઈ આવુ પછી આપણે આ બાબતે ચર્ચા કરીએ..' ક્રેટી એના પિતા રાજા માર્જીયશ સામે જોઈને બોલી.
ક્રેટી જ્યોર્જ પાસે ચાલી ગઈ એટલે આ ચર્ચા અહીંયા જ અટકી ગઈ. રાજા માર્જીયશ ક્લિન્ટન દેવતાના વંશજ હતા. સ્પેનના સેવિલે નગરથી કેપ્ટ્ન ક્લિન્ટ ફર્નાન્ડેના જહાજમાં લગભગ ચારસો વર્ષ પૂર્વે પ્રવાસ માટે નીકળેલો ચારસો પરિવારોનો માનવ સમૂહ આ ટાપુ પાસે આવી પહોંચ્યો હતો. વાવાઝોડાના કારણે જહાજનું લંગર આ ટાપુના કિનારે નાખીને ચારસો પરિવારોનો માનવસમૂહ આ ટાપુ પર ઉતર્યો હતો. પણ પછી તોફાન વધતા જહાજનું લંગર તૂટી ગયું અને વિશાળ મોજાઓની થપાટોના કારણે જહાજ એક ખડક સાથે અથડાઈને નાશ પામ્યું. ત્યારે કટોકટીના સમયે ક્લિન્ટન ફર્નાન્ડેએ પોતાની સુઝબુઝથી આ ટાપુ ઉપર નગર વસાવ્યું. અને અહીંયા જ સ્થાઈ થઈ ગયા.
જહાજ નાશ પામ્યા પછી બધા આ ટાપુ ઉપર સ્થાઈ થઈ ગયા. ક્લિન્ટ ફર્નાન્ડેએ પોતાના દેશમાં પાછા જવાનુ માંડી વાળ્યું. અને એ એના સારા કાર્યોના કારણે આ ચારસો પરિવાર માટે દેવતા બની ગયો. ક્લિન્ટને ફર્નાન્ડેનો એકનો એક પુત્ર આર્થર સેવિલે નગરમાં જ રહી ગયો હતો એનો અફસોસ ક્લિન્ટન ફર્નાન્ડેને જીવ્યો ત્યાં સુધી રહ્યો. આ ટાપુ ઉપર આવ્યા પછી ક્લિન્ટનની પત્ની મેગીએ એક પુત્રને જન્મ આપ્યો. નગર વસાવ્યા પછી ક્લિન્ટન ફર્નાન્ડે ચાલીસ વર્ષ જીવ્યો એની પત્ની મેગી સાથે પછી મરણ પામ્યો. પણ મરતા પહેલા ખુબ મહત્વના કામો આ ટાપુ ઉપર વસવાટ કરી રહેલા પોતાના નગર વાસીઓ માટે કરતો ગયો જેના કારણે લોકોના દિલમાં એ દેવતા તરીકે પ્રસ્થાપિત થઈ ગયો.
ક્લિન્ટન ફર્નાન્ડેના મૃત્યુ બાદ એના પુત્ર વિલિયમને નગરના લોકોએ આ નગરનો રાજા બનાવી દીધો. સંપૂર્ણ સ્પેનની રાજ્યવ્યવસ્થા પ્રમાણે આ ટાપુ ઉપર ક્લિન્ટન ફર્નાન્ડેએ વસાવેલા નગરનો રાજ્ય વહીવટ થવા લાગ્યો.
રાજા માર્જીયશ ક્લિન્ટન ફર્નાન્ડેના પુત્ર વિલયમના વંશજ હતા. જયારે કેપ્ટ્ન હેરી ક્લિન્ટન ફર્નાન્ડેના સ્પેનમાં રહી ગયેલા પુત્ર આર્થરના વંશજ હતા. પણ રાજા માર્જીયશ અને કેપ્ટ્ન હેરીને એ વાતની ખબર નહોતી કે બન્ને ક્લિન્ટન ફર્નાન્ડે ના જ વંશજ હતા.
જ્યોર્જ પાસે ગયેલી ક્રેટી પોતાનું કામ પતાવીને પાછી ફરી. પણ હજુ રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન કેપ્ટ્ન હેરી વિશે જ વિચારી રહ્યા હતા કે કેપ્ટ્ન હેરીનો દેખાવ એમના દેવતા ક્લિન્ટન જેવો જ કેમ છે. પણ સાચી હકીકતથી તેઓ સાવ અજાણ હતા.
"પિતાજી જમવાનું તૈયાર થઈ ગયું છે. તમે જમી લો એ પછી જે આપણા ક્લિન્ટન દેવતા જેવા દેખાઈ રહ્યા છે એ કેપ્ટ્ન હેરી તમારી સાથે વાતચીત કરવા માંગે છે..' ક્રેટી એના પિતા પાસે આવીને બોલી.
ક્રેટીનો અવાજ સાંભળતા જ રાજા મર્જિયસના વિચારોની તંદ્રા તૂટી.
"હા બેટી તું તૈયાર કર..અમે જલ્દી આવીએ છીએ..' રાજા માર્જીયશ પોતાની પુત્રી ક્રેટી સામે જોઈને વહાલભર્યા અવાજે બોલ્યા.
રાજા માર્જીયશ વિચારોમાંથી જાગી ગયા હતા પણ રાજ્યયોગી વિલ્સન હજુ પણ વિચારોમાં ડૂબેલા હતા. રાજ્ય યોગી વિલ્સનને આટલા ઊંડા વિચારોમાં ડૂબેલા જોઈને રાજા માર્જીયશના મુખ ઉપર સ્મિતની લહેરો દોડી ગઈ. એમણે રાજ્ય યોગીને ખભાથી પકડીને હલાવ્યા એટલે રાજ્યયોગી વિચારોમાંથી બહાર આવ્યા.
"વિલ્સન ચાલો જમવા જવુ છે..' રાજા માર્જીયશે રાજ્યયોગી વિલ્સન સામે જોઈને હસતા હસતા કહ્યું.
"હા ચાલો..' વિલ્સન ઉભા થયા અને રાજા મર્જિયસ સાથે ચાલવા લાગ્યા.
ત્યાં પીટર સામે આવ્યો અને ઝૂંકીને બંનેનું અભિવાદન કર્યું. રાજા માર્જીયશે પીટરની પીઠ થપથપાવી અને રાજ્યયોગી વિલ્સને પીટર સામે જોઈને હળવું સ્મિત આપ્યું. પીટર બંને દોરીને રાજ્યાશનમાં આવેલા ભોજન ખંડ તરફ દોરી ગયો. ભોજન ખંડમાં જ્યોર્જ , ક્રેટી , એન્જેલા , કેપ્ટ્ન , પ્રોફેસર , ફિડલ , રોકી , જોન્સન સૌ હાજર હતા બધાએ ઉભા થઈને રાજા માર્જીયશ તથા રાજ્યયોગી વિલ્સનનું અભિવાદન કર્યું. પછી બધા જામવા બેઠા ક્રેટી અને એન્જેલા બધાને જમવાનું પીરસી રહી હતી. અડધા કલાક જેટલું જમવાનું ચાલ્યું. પછી બધા જમીને ઉભા થયા.
જમ્યા બાદ બધા રાજ્યાશનના એક વિશાળ ઓરડામાં ભેગા થયા.
"મહાશય.. તમને કેવી લાગી અમારી કામગીરી..? અને અમારા બધાના પરસેવાથી બનેલું આ નગર..? કેપ્ટ્ન રાજા માર્જીયશ સામે જોઈને મૌન તોડતા બોલ્યા.
"આટલું સુંદર આયોજન અને એનાથી પણ વધારે સારું નગરનું નિર્માણ ખરેખર તમારી બધાની મહેનતને વંદન છે.." રાજા માર્જીયશે બધાની કામગીરીને સહર્ષ બિરદાવી.
રાજા માર્જીયશના શબ્દો સાંભળીને બધાના મુખ ઉપર ખુશીના ભાવ ઉપસી આવ્યા.
"તો ચાલો ફરીને ફરી એકવાર આખું નગર , નદીનો પુલ અને સામેના મેદાનમાં આવેલા રાજ્યાશનને પણ જોઈ લો..' કેપ્ટ્ન રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન સામે જોઈને બોલ્યા.
"શું વાત કરો છો પેલા મેદાનમાં પણ બીજુ રાજ્યાશન બનાવ્યું છે તમે..' રાજ્યયોગી વિલ્સન ખુશી સાથે બોલી ઉઠ્યા.
"હા.. ત્યાં પણ બનાવ્યું છે.. તમારા જુના નગર કરતા આ નવા નગરમાં મકાનો પણ બમણા છે.. નગરની વધતી વસ્તીને ધ્યાનમાં રાખીને અમે આ નગરનું નિર્માણ કર્યું છે..' કેપ્ટ્ન રાજ્યયોગી વિલ્સન સામે જોઈને બોલ્યા.
"ખરેખર તમારી કુશાગ્ર બુદ્ધિ અને આવડતને દાદ આપવી પડે..' રાજ્યયોગી વિલ્સન માનભરી નજરે કેપ્ટ્ન તરફ જોઈને બોલ્યા.
"તો ચાલો હવે તમને આખું નગર સારી રીતે બતાવી દઉં..' કેપ્ટ્ન હસીને બોલ્યા.
"હા ચાલો..' રાજા માર્જીયશ ઉભા થતાં બોલ્યા.
બધા ઉભા થયા. અને એ ઓરડામાંથી બહાર નીકળ્યા.પહેલા
આ મેદાનમાં આવેલા મકાનોની બનાવટ અને એનું નિર્માણ કાર્ય કેપ્ટ્ને રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સનને સારી રીતે સમજાવ્યું. પછી બધા ઝોમ્બો નદી ઉપર બનાવેલા પુલ તરફ ચાલ્યા.
રાજા માર્જીયશ અને રાજ્યયોગી વિલ્સન ઝોમ્બો નદી ઉપર આવેલા લાકડાના ભવ્ય પુલને જોઈને ખુશ ખુશ થઈ ગયા. કારણ કે એમણે આ અગાઉ આવો પુલ ક્યારેય જોયો નહોતો
"અદ્ભૂત..!! વખાણ કરવાં માટે શબ્દો નથી..' રાજા માર્જીયશ પુલ ઉપર ચાલતા ચાલતા બોલ્યા.
"પિતાજી આ પુલને બનાવતા બહુ જ સમય લાગ્યો છે.. અને મહેનત પણ ખુબ જ..' ક્રેટીએ એના પિતા સામે જોઈને કહ્યું.
"હા મહેનત તો લાગે જ બેટી.. આટલું અઘરું કામ ખુબ સુંદર રીતે કરવાં માટે..' રાજા માર્જીયશ વહાલભરી નજરે ક્રેટી સામે જોઈને બોલ્યા.
પછી બધા પુલ પાર કરીને બીજા મેદાનમાં પહોંચ્યા. ત્યાં પણ કેપ્ટ્ને રાજા માર્જીયશ અને અને રાજ્યયોગી વિલ્સનને ખુબ સરસ રીતે નગર રચના અને રાજ્યાશન બતાવ્યું. રાજા અને રાજ્યયોગી બન્નેના ચહેરા આજે મુસ્કુરાઈ રહ્યા હતા. તૈયાર થયેલું ખુબ સુંદર નગર જોઈને બન્ને ખુબ ખુશ હતા. બધા થોડોક વિશ્રામ કરવાં માટે આ મેદાનના રાજ્યાશનમાં બેઠા.
"કેવું લાગ્યું નગર..? આ વખતે પ્રોફેસરે રાજા માર્જીયશ તરફ જોઈને પ્રશ્ન કર્યો.
"જોરદાર..!! ખરેખર તમારા બધાની કઠિન મહેનતનું પરિણામ છે આ નગર..' રાજા માર્જીયશ પ્રસન્ન અવાજે બોલ્યા.
બધા આજે ખુશ હતા કારણ કે રાજા માર્જીયશે બધાની મહેનતને ખરા દિલથી બિરદાવી હતી.
"કેપ્ટ્ન તમે આજે આવશો અમારી સાથે અમારા જુના નગરની મુલાકાતે..? રાજા માર્જીયશ કેપ્ટ્ન તરફ જોઈને બોલ્યા.
"પણ મારા સાથીદારોને એકલા છોડીને હું ના આવી શકું..' કેપ્ટ્ને રાજા માર્જીયશ તરફ જોઈને કહ્યું. એમના અવાજમાં સાથીદારો પ્રત્યેની સહાનુભૂતિ છલકતી હતી.
"અરે એમાં શું મોટી વાત છે.. બધા જ ચાલો.. આજે બધા અમારા જુના નગરના મહેમાન બનશે..' રાજા માર્જીયશ બધા સામે જોઈને બોલ્યા.
"તો.. અમે જરૂર આવીશું..' કેપ્ટ્ન ખુશીથી બોલ્યા.
"તો પછી ચાલો હવે સાંજ ઢળી ચુકી છે.. અંધારું થશે ત્યાં સુધી માંડ માંડ આપણે જુના નગરે પહોંચી શકીશું..'રાજા માર્જીયશ બધા સામે હસીને બોલ્યા.
"હા ચાલો..' કેપ્ટ્ન બધા સામે જોઈ ઉભા થતાંvv બોલ્યા.
બધા આદિવાસીઓના જુના નગર તરફ જવા માટે તૈયાર થઈ ગયા. ફિડલ અને રોકી તો ઉત્સાહિત બની ગયા હતા. કારણ કે એમને આજે રાજા તરફથી મહેમાનગતિ માનવાનો મોકો મળ્યો હતો. સાંજે ઢળવા આવી હતી એટલે બધા ચાલ્યા જુના નગર તરફ.
લગભગ આછું અંધારું થઈ ગયું ત્યારે બધા જુના નગરે પહોંચી ગયા. કેપ્ટ્ન અને સાથીદારોને વિશાળ રાજ્યાશનના ઓરડામાં ઉતારો આપવામાં આવ્યો. બધાને રાજા માર્જીયશની મહેમાન ગતિ ખુબ જ પસંદ આવી. બધા નવા નગરથી આવ્યા હતા એટલે થાકી ગયા હતા. એટલે બધાએ થોડોક આરામ કરી લીધો. પછી રાજા માર્જીયશના પરિવાર સાથે બધાએ ભોજન કર્યું. ભોજન કર્યા બાદ રાજા માર્જીયાશ કેપ્ટ્નને થોડાંક એકાંતમાં લઈ ગયા.
"કેપ્ટ્ન તમને વાંધો ના હોય તો થોડાક સમય માટે મારી સાથે આવવાનું કષ્ટ કરશો..' રાજા માર્જીયશ બોલ્યા. એમના અવાજમાં વિનંતીનો સૂર હતો.
"અરે મહાશય.. એમાં કષ્ટ શાનું ચાલો.. ક્યાં જવાનુ છે..? કેપ્ટ્ન રાજા માર્જીયશ તરફ જોઈને બોલ્યા.
"ચાલો.. મારી સાથે..' આમ કહીને રાજા માર્જીયશ આગળ ચાલ્યા. કેપ્ટ્ન એમની પાછળ ચાલવા લાગ્યા. જતાં જતાં કેપ્ટ્ને પ્રોફેસરને સાથે આવવાનો ઇસારો કર્યો. પ્રોફેસર પણ ઝડપથી ચાલીને કેપ્ટ્ન અને રાજા માર્જીયશની સાથે થઈ ગયા.
થોડાંક ચાલીને ત્રણેય બહારથી જર્જરિત દેખાતા મકાનમાં પ્રવેશ્યા. બહારથી મકાન જર્જરિત લાગતું હતું પણ અંદરથી ભવ્ય હતું. બે હબસી સૈનિકો એના દરવાજા આગળ પહેરો ભરી રહ્યા હતા. સૈનિકોને જોતાં જ કેપ્ટ્નને લાગ્યું કે અંદર જરૂર કોઈક હશે જેની સુરક્ષા માટે આ સૈનિકો રાખવામાં આવ્યા છે. તેઓ સૈનિકો અંદર પ્રવેશ્યા ત્યારે સૈનિકોએ ઝૂકીને રાજા માર્જીયશનું અભિવાદન કર્યું. પછી ત્રણેય આ ઓરડામાં આગળ વધ્યા.
જેમ-જેમ કેપ્ટ્ન અને પ્રોફેસર રાજા માર્જીયશ સાથે આ ઓરડામાં આગળ વધતા ગયા એમ-એમ એમની નજરે નવી-નવી વસ્તુ ચડતી ગઈ. ક્યાંક જહાજ પર વપરાતા ઓઝારો , ક્યાંક પુરાણી નાનકડી હોડીઓ , એક જગ્યાએ તો જહાજ પરનો વિશાળ કૂવાથંભ પણ એમની નજરે ચડ્યો , એક ખૂણામાં ખલાસીઓ માટે વપરાતા કપડાઓ ટીંગાડેલા હતા. એ કપડાં બહુ વર્ષો પહેલાના હોય એવું કેપ્ટ્નને લાગ્યું. એક જગ્યાએ જુના રોમન અને સ્પેનિસ યોદ્ધાઓ જે તલવારનો ઉપયોગ કરતા હતા એ પણ એમની નજરમાં આવી. પુરાણી કલાત્મક વસ્તુઓને સાચવતો આ વિશાળ ઓરડો મશાલોના પ્રકાશથી પ્રકાશમાન હતો.
"પુરાણી વસ્તુઓનું સંગ્રાહલય લાગે છે. પણ આ આપણા દેશની વસ્તુઓ આ ટાપુ ઉપર કેવીરીતે આવી..' કેપ્ટ્ન એક તલવાર ઉઠાવતા બોલ્યા. આ તલવારની બનાવટ પ્રાચીન સ્પેનના યોદ્ધાઓ યુદ્ધ માટે ઉપયોગ કરતા હતા એના જેવી જ હતી.
"મને પણ એ નથી સમજાતું.. અહીંયા જેટલી પણ વસ્તુઓ નજરે પડે છે એવી જ વસ્તુઓ આપણા દેશના સંગ્રાહલયોમાં સચવાયેલી છે..' પ્રોફેસર પણ અચંબિત અવાજે બોલ્યા.
"આની પાછળ પણ જરૂર કંઈક મોટુ રાજ છુપાયેલું હશે..' કેપ્ટ્ન પ્રોફેસર તરફ જોઈને બોલ્યા. પછી એમણે તલવારને જ્યાંથી ઉઠાવી હતી એ જગ્યાએ સાચવીને મૂકી દીધી.
"હા.. અને આ હોડીઓની બનાવટ તો જુઓ.. આપણા જહાજ ઉપર આપણે જે કટોકટીના સમયે બચાવ હોડીનો ઉપયોગ કરતા હતા એવી જ બાંધણી છે આ હોડીઓની..' પ્રોફેસર ઓરડામાં પડેલી ચાર પાંચ હોડીઓ તરફ જોતાં બોલ્યા.
"કેપ્ટ્ન અહીંયા આવો તો જલ્દી..' ઓરડાના આગળના છેડે ઉભેલા રાજા માર્જીયશે કેપ્ટ્ન તરફ જોઈને બુમ પાડી.
કેપ્ટ્ન અને પ્રોફેસરે એમની ચર્ચાને ત્યાં જ સ્થગિત કરી અને બન્ને ઝડપથી રાજા માર્જીયશ તરફ ચાલ્યા.
"જી મહાશય બોલો..' કેપ્ટ્ન રાજા માર્જીયશ પાસે પહોંચતા બોલ્યા.
"ચાલો તમને એક અજીબ રહસ્ય બતાવું જે જોઈને તમે બંને ચોંકી જશો..' રાજા માર્જીયશ હસતા હસતા બોલ્યા.
"રહસ્ય..!! કેપ્ટ્ન નવાઈ ભરેલા અવાજે બોલ્યા.
"હા.. તમે બન્ને મારી સાથે આવો બતાવું..' રાજા માર્જીયશ આગળ ચાલતા બોલ્યા.
રાજા માર્જીયશની પાછળ ચાલતા ચાલતા શું રહસ્ય હશે એ વિચારીને કેપ્ટ્ન અને પ્રોફેસરના મગજમાં અનેક નવા વિચારો જન્મ લેવા માંડ્યા.
રાજા માર્જીયશે ઓરડાના અંત ભાગમાં આવેલી એક નાનકડી ઓરડીનો દરવાજો ખોલ્યો અને પછી કેપ્ટ્ન તથા પ્રોફેસરને અંદર આવવા માટે ઇસારો કર્યો. કેપ્ટ્ન અઅને પ્રોફેસર અંદર પ્રવેશ્યા. ત્યાં ડાબી બાજુ લાકડા ઉપર બનાવેલી તસ્વીર જોઈને કેપ્ટ્ન તેમને પ્રોફેસર બન્ને ચોંકી ઉઠ્યા.
"મારી તસ્વીર અહીંયા..!! કેપ્ટ્ન નવાઈ સાથે બોલી ઉઠ્યા.
"તસ્વીરની નીચે નામ જુઓ.. આ તસ્વીર તમારી નથી..' રાજા માર્જીયશ તસ્વીરના નીચેના ભાગ તરફ ઇસારો કરતા બોલ્યા.
કેપ્ટ્ન અને પ્રોફેસરે તસ્વીરના નીચેના ભાગ તરફ નજર કરી.
"કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડે..' પ્રોફેસર તસ્વીર નીચે અંકિત થયેલું નામ જોતાં બોલ્યા.
બસ એ તસ્વીરમાં દર્શાવેલા કપડાં સિવાયનું ક્લિન્ટન ફર્નાન્ડેનું શરીર કેપ્ટ્ન હેરી જેવું જ હતું. આ તસ્વીરમાં દેખાઈ રહેલ ક્લિન્ટન ફર્નાન્ડેની દાઢી મૂછ સહેજ નાની હતી જયારે કેપ્ટ્ન હેરીની દાઢી અને મૂછ થોડીક લાંબી હતી. બાકી આંખ , નાક , કપાળ ઉપર પડ્તો નાનકડો વળ બધું જ કેપ્ટ્ન હેરીના શરીરને મળતું આવતું હતું.
"આ અમારા ક્લિન્ટન દેવની તસ્વીર છે જે એકદમ તમને મળતી આવે છે..' રાજા માર્જીયશ કેપ્ટ્ન તરફ જોતાં બોલ્યા.
"પણ અજીબ છે બધું.. મારા શરીર સાથે આ તસ્વીરની સરખામણી કરીએ તો કોઈ ઓળખી જ ના શકે.. કે કોણ ક્લિન્ટને ફર્નાન્ડે છે અને કોણ કેપ્ટ્ન હેરી છે..' કેપ્ટ્ન રાજા માર્જીયશ તરફ જોતાં બોલ્યા. કેપ્ટ્નના અવાજમાં હજુ પણ નવાઈના ભાવો અંકિત થયેલા. હતા.
ત્યાં પાછળથી ક્રેટી , એન્જેલા , ફિડલ , પીટર , રોકી અને જોન્સન પણ આવી ગયા. પીટર , ફિડલ , રોકી અને જોન્સન તો આ તસ્વીરને જોઈને આભા જ બની ગયા.
રાજા માર્જીયશ થોડાંક આગળ વધ્યા. અને ઓરડીના ખૂણામાં પડેલી મજબૂત ધાતુની પેટી ખોલી. અને પેટી ખોલીને પેટીમાંથી એક જાડા પુસ્તકની બનાવટ જેવી વસ્તુ બહાર કાઢી. અને એ વસ્તુ પ્રોફેસરના હાથમાં આપી. પ્રોફેસરે એ વસ્તુ ઉપર બાંધેલી દોરી છોડી નાખી અને પછી એ કોઈક મજબૂત ઝાડની છાલમાંથી બનાવેલા પુસ્તકને હતું. પ્રોફેસરે એ પુસ્તક ખોલ્યું.
પુસ્તકના પ્રથમ પાના ઉપર પ્રાચીન રોમન લિપિમાં સ્પેનિસ ભાષાના "કેપ્ટ્ન ક્લિન્ટન ફર્નાન્ડેનું જીવન વૃતાંત" શબ્દો અંકિત હતા.
(ક્રમશ)