hiru ek heero in Gujarati Children Stories by Khyati books and stories PDF | હીરુ- એક હીરો...

The Author
Featured Books
Categories
Share

હીરુ- એક હીરો...

ઊંચા પહાડો અને એ સુંદર પહાડો પરથી પોતાના વાંકા-ચૂંકા અમૃત જેવા નીર વહેણ રૂપે વરસાવતી-હાસ્ય કરાવતી , ઝળહળ કરતી, પોતાના ઉદરમાં માછલીઓ સમાવતી, નાચતી-કૂદતી વહી રહેલ નદીના કિનારે એ હરણીએ વર્ષો પછી આજે અતિ કોમળ, નાજુક અને સુંદરતાથી ભરપૂર એવા એક બચ્ચાને જન્મ આપ્યો.

બચ્ચું જન્મતાવેંત હરણી તેના પર પોતાના અશ્રુઓ થકી અપાર વ્હાલ વર્ષાવવા લાગી. આ કોઈ સામાન્ય વન ન હતુ, આ તો પૃથ્વી ઉપરની એ અદભુત જગ્યા હતી જ્યાં પ્રભુ પણ પોતે વારંવાર આવવાની ઈચ્છા પ્રગટ કરતા હોઈ. સ્વર્ગરૂપી આ કાશ્મીરના પહાડોમાં પથરાયેલા આપણા આ અતિસુંદર વનના પશુ-પક્ષીઓ એ બોલી શકતા હતા, નાચી-કૂદી શકતા હતા તેમજ માનવીની જેમ મિત્ર કે શત્રુ પણ બનાવી શકતા હતા.

પક્ષીઓના અવનવા કલરવથી શોભતા આ વનમાં તો અતિ વૈવિધ્ય.... અહીં તો દરેક પ્રકારના પ્રાણીઓ વસે, કદી ના જોઈ હોય એવી વનસ્પતિ અને પુષ્પો પણ અકલ્પ્ય સુવાસ ફેલાવે અને પુષ્પોમાંથી તો ભમરા ખાતા ન થાકે એટલો મધુર રસ ઝરતો રહે.

આવા ગાઢ જંગલમાં જન્મેલું હરણનું બચ્ચુંને તો વિશાળ વન અતિ અદ્દભુત જણાતું હતુ. બચ્ચું પ્રેમથી પોતાની માતા સાથે સમય વિતાવતું થયું હતુ, એ માંડ-માંડ બોલતું જ થયું હતુ ત્યાંતો તેના પર અણધારી મુશ્કેલી આવી પડી. પહાડી વિસ્તાર સામાન્ય પરિસ્થિતિમાં જેટલો રમણીય હતો એટલો જ વાતાવરણ ખરાબ થતા ભયાનક બની જતો હતો.

એકાએક જાણે મેઘરાજા કોપાયમાન થયા હતા અને બસ હવે તો નદીઓના વ્હેણ પૂરમાં પરિવર્તન પામતા જતા હતા. નદી તો જાણે વિનાશકારી રૂપ ધારણ કરી ચુકી હતી. વીજળીના સતત થતા ચમકારા અને વાદળોના ઘનઘોર અવાજ જંગલની ભયાનકતા વધારી રહ્યા હતા. વરસાદ જાણે થંભવાનું તો નામ જ લેતો ન હતો અને વૃક્ષો અને તેની ડાળીઓ પણ સતત તૂટતાં અને વિખેરાતા હતા, પશુ-પક્ષીઓને તો શું કરવું અને શું નઈ એ સમજાતું જ ન હતુ.

આવા પૂરનો સામનો જે-તે રીતે હરણી તો કરી ગઈ પરંતુ બચ્ચું... એ તો બિચારું બચ્ચું જ ને! એ ક્યાંથી આવી કપરી સ્થિતિમાં લડવાનું બળ લાવી શકે. એ તો જોત-જોતામાં નદીના પૂરમાં તણાવા લાગ્યું. ઘણા પ્રયત્નો કરવા છતાં પણ માતા એનું બચ્ચુંને દૂર જતા રોકી ન શકી.

પૂરમાં તણાતા બચ્ચુંની બચવાની ન જેવી શક્યતા વચ્ચે સદનસીબે તે દૂરના કોઈ અજાણ્યા વિસ્તારમાં ઠલવાઇ ગયું. એના શ્વાસ તો કદાચ બચી ગયા હતા પરંતુ જીવન ચોક્કસ પણે છિન્ન-ભિન્ન થઇ ગયું હતુ. બચ્ચું એની માતાને ખોઈ ચૂક્યું હતુ. બચ્ચુંને તો એની જાણ પણ ના હતી કે માતા જીવિત હશે પણ કે કેમ !!! આતો બસ કુદરતની કરામત કે નદીના કિનારા તરફના પથ્થરમાં ફસાઈ જવાના કારણે બચ્ચું બચી શક્યું, જો આ પથ્થરો ના હોત તો બચ્ચું પણ જીવિત ના હોત.

દિવસો ધીમે-ધીમે પસાર થતા ગયા... છ-સાત દિવસના અંતે હવે વરસાદ ધીમે-ધીમે વરસતો બંધ થયો હતો. આ તરફ પોતાના બાળકથી વિખૂટી પડેલી માતા એની કરુણતા પર આંસુ વહાવી રહી હતી. વરસાદ બંધ થતા તે પોતાના બાળકને શોધવા જંગલમાં આમ-તેમ ભટકવા લાગી છતાં બચ્ચું એને ક્યાંય ના મળ્યું.

સાચી વાત છે કે જીવનનું નામ જ સંઘર્ષ છે અને દર્દ એ તો જીવનનું પ્રિય પાસું છે. બચ્ચું બિચારું કેટલાય દિવસોનું ભૂખ્યું પડી રહ્યું હતુ. તે માંડ-માંડ પોતાને સંભાળતું, ભૂખ મટાડવા વિશાળ શિલાઓમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરતુ રહ્યું કારણ કે નદીમાંથી પાણી તો પૂર ઝડપે વહેતા હતા પરંતુ શીલાથી પાણી થોડું નીચે ઉતરી ગયું હતુ.

બચ્ચું મહામહેનતે શીલાની બહાર આવ્યું પરંતુ ચો-તરફ પડેલા ઝાડ-પાન જોઈ એક વાર તો ડરી જ ગયું. તેણે થોડા પર્ણ ખાઈ ભૂખ સંતોષવાનો પ્રયત્ન કર્યો અને જમીન પર પડેલી ડાળીમાં આમ-તેમ ભટકી માતાને શોધવા લાગ્યું. તેને માઁ તો ક્યાંથી મળે!!! આવી પરિસ્થિતિમાં તેને જીવન મોતથી પણ ખરાબ લાગવા લાગ્યું.

થોડા દિવસો આમ શોધખોળમાં વીતી ગયા અને આ તરફ માતા પણ બચ્ચુંની યાદમાંથી બહાર આવી પોતાનું જીવન નવેસરથી જીવવાના પ્રયત્નોમાં લાગી ગઈ. બચ્ચું... એ તો હવે બોલવા લાગ્યું હતુ, નાચવા-કૂદવા લાગ્યું અને માતાની છબી મનમાં અંકિત કરી ખુશ રહેવા લાગ્યું.

અચાનક તેની નજર એક વિશાળ હાથીના ઝુંડ પર પડી. હાથીના ઝુંડને જોઈ તેણે મનોમન નિશ્ચય કરી લીધો કે, "માઁ તો જોડે નઈ રહી પણ મારે હવે તો એકલા નથી જ રહેવું, આ આખા વનને હું મારુ પોતાનું બનાવી લઈશ". બચ્ચું ખૂબ ઉત્સાહથી અને થોડા ડરથી ઝુંડ નજીક જવા લાગ્યું. બચ્ચું તરફ ઝુંડના રાજાનું ધ્યાન ગયું. તેમણે બચ્ચુની નજીક જઈ પોતાની પાસે આવવાનું કારણ પૂછ્યું અને નિશ્ચિન્ત થઇ જવા જણાવ્યું.

બચ્ચુંએ હાથીરાજાને કહ્યું કે, 'હું મને જ નથી ઓળખતો અને માફકરજો પરંતુ હું આપને પણ નથી ઓળખતો'. હાથીરાજાએ એ બચ્ચુંની આ વાત પર નિર્દોષ હાસ્ય કર્યું અને ખુબજ સ્નેહપૂર્વક કહ્યું કે, "બેટા, હું હાથી છું અને અમારા ઝુંડનો પ્રતિનિધિ પણ એટલે બધા મને હાથીરાજા કહે છે, જયારે તુ તો ખુબ જ માસુમ એવું હરણનું બચ્ચું છે". હાથી જોડે અનુકૂળતા સધાતા બચ્ચુંએ એના જોડે બનેલી તમામ બાબતો હાથીરાજા ને કહી દીધી.

હાથીરાજા ખૂબ દયાળુ હતા જેથી તેમણે બચ્ચુંને શાંત્વના આપી. બચ્ચુંએ તો હાથીરાજાને પૂછી જ લીધું કે, "મિત્ર બનશો મારા", અને હાથીરાજા એ પણ સ્મિત વેરતા કહ્યું કે, "આટલો પ્રેમાળ મિત્ર મળે તો કોણ એને જતો કરે...." અને ખૂબ મજબૂત બનનારી એક નવી મિત્રતાની શરૂઆત થઇ ગઈ.

હાથીરાજા બચ્ચુંને ઝુંડની પાસે લઇ ગયા અને બધા હાથીઓને સંબોધતા કહ્યું કે, "એક ઘોષણા કરવા માટે આજે તમને ભેગા કર્યાં છે. આ એક મિત્ર આજે આપણને મળ્યો છે એ માટે ઈશ્વરનો ખૂબ આભાર માનું છું. આપણા મિત્ર એ ઘણા ઉતાર-ચડાવ આટલી કાચી ઉંમરે જ જોઈ લીધા છે,આથી એ આપણા સૌની ફરજ બને છે કે બચ્ચું અહીં ડર્યા વિના રહે અને ખૂબ ખુશ રહે". ઝુંડના તમામ હાથીઓએ હાથીરાજાની વાત માની લીધી અને ખુબ આનંદિત મને બચ્ચું ને સ્વીકારી લીધું.

રસ્તા પર આપણે એકલા ચાલવા નીકળી પડીયે અને ખુબ દૂર ગયા પછી એ અજાણી રાહ પર કોઈક અજાણ્યું મળી જાય અને જોત-જોતામાં પોતાનું પણ થઇ જાય તો! એ અજાણો રસ્તો જાણીતો અને રમણીય બની જાય... નઈ!!! જીવનના આ નીરસ અધ્યયમાં રસ પુરી જીવવાની નવી આશા જગાવવા બદલ બચ્ચું એ તમામ મિત્રોનો આભાર માન્યો.

હાથીરાજાએ પોતાના આશિષ આપતા કહ્યું કે, "બેટા, ખુશીને શોધવાની જરૂર હોતી નથી, એ તો આપણી આસ-પાસ અને આપણી અંદર જ વસે છે. માત્ર જરૂર છે તો બસ એને ઓળખવાની-અનુભવવાની. આપણાં પ્રત્યેક પળમાં,પ્રત્યેક ક્ષણમાં આનંદ સમાયેલો છે... માટે બેટા, તુ તારા જીવનને ભગવાનની પ્રસાદી સમજી ભરપૂર આનંદ માણ". જોત-જોતામાં બચ્ચું આ હાથીઝુંડનું અભિન્ન સદસ્ય બની ગયું અને એને એક સુંદર નામ પણ મળી ગયું....
"હીરુ"

હાથીના બચ્ચા હીરુ સાથે પાણીમાં રમવા લાગ્યા અને વિશાળ હાથી તેને પીઠ પર બેસાડી દોડાદોડ કરવા લાગ્યા. હીરુ તો ખુશ-ખુશાલ રહેવા લાગ્યું અને અવનવા ભોજન ખાઈ એકદમ તાજુ-માજુ થઇ ગયું.

સાચી વાત છે કે, "દિલમાં લાગેલા ઘા ક્યારેય ના રૂઝાય". માતાથી દૂર રહેવાની વેદના હજી તેની અંદર જીવંત હતી. આપણા હીરુએ તો મૃત્યુને એટલી નજીકથી હાથ-તાળી આપી હતી કે મૃત્યુનો તેને હવે ભય રહ્યો ન હતો. હીરુને યાદ હતુ કે તેણે તો આ આખા વનને પોતાનું બનાવવાનું છે, આથી તેના માટે હાથીઝુંડથી વિદાય લેવાનો સમય આવી ગયો હતો. તેને સમજાતું ન હતુ કે હાથીરાજાની વિદાય લેવી તો લેવી કઈ રીતે! જેમણે ઘણો સમય અપાર સ્નેહ વરસાવ્યો એમને 'ફરી મળીશું' કહેવું એ સરળ ન હતું.

તેણે વિચાર્યું કે કોઈને જાણ કર્યાં વિના જતો રહીશ તો તેઓ ચિંતિત થશે, દુઃખી થશે. જેમણે ખુશી આપી એમને વળતરમાં દુઃખ આપવું! ના... ના... ના... વળી પાછું આમ કરતા અવિશ્વસનીયતા ઉદ્દભવશે એ અલગ જે ફરી ક્યારેય કોઈ બચ્ચુંને 'હીરુ' નઈ બનાવા દે.

વિચારોની આ મહામારીના અંતે તેણે નક્કી કર્યું કે હાથીરાજાને તે વાત જણાવશે. મનમાં અસમંજસનું ગૂંચળુ લઈને એ હાથીરાજા પાસે પહોંચી ગયો. હીરુને આમ ચિંતાતુર જોઈ તૈયારીમાં તેમણે પૂછ્યું કે 'શું થયું હીરુ?' આટલું સાંભળતાતો હીરુના અશ્રુ સરી પડ્યા. તે ડૂસકે-ડૂસકે રડતો જતો અને બોલતો જતો હતો કે, "હાથીરાજા હું આપને ખૂબ જ આદર આપુ છુ પરંતુ મારુ આપની સાથેનું, આપણા આ ઝુંડ સાથેનું સફર બસ અહીં સુધીનું જ હતુ. તમે મને મિત્ર બનાવ્યો અને પોતે એક વડીલ બની મારી કાળજી પણ રાખી. સાચું કહુ તો કોઈ પોતીકા માટે આટલી દરકાર ન રાખે જેટલી તમે મારા માટે રાખી".

એક-બે પળની એ શાંતિ બાદ હીરુએ પોતાની વાત ફરી આગળ ધપાવી, "હાથીરાજા, હું જેટલો વધુ સમય અહીં વિતાવીશ એટલું જ તમારાથી છુટા પડતી વખતે મને વધુ દુઃખ થશે. મારે આપણી આ યાદો સમેટી આગળ વધવું છે અને એ પણ હસતા મોં સાથે. મારે આ વનને મારો પરિવાર બનાવવો છે અને માટે મારે આ ઝુંડને છોડવું પડશે, મારે તમારાથી દૂર જવું જ પડશે".

હાથીરાજા હીરુની મનઃસ્થિતિ પારખી ગયા. તેમણે હીરુને રડવાનું બંધ કરવા જણાવ્યું અને આશ્વાસન આપતા કહ્યું કે, "તુ ભલો છે અને તારા જીવન પર સૌથી વધુ અધિકાર ફક્ત તારો જ છે... તારા આ નિર્ણયને હું આવકારું છુ 'બેટા'."

બંને શાંત થઇ ગયા અને થોડી વારમાં તો સવાર પણ થઇ ગઈ. હાથીરાજા હીરુને ઝુંડ પાસે લઇ ગયા. હાથીરાજા એ ઝુંડને સંબોધીને કહ્યું કે, "એક અગત્યની જાહેરાત કરવા માંગુ છુ મિત્રો..." આજે હાથીરાજાનો અવાજ સહેજ ભારે હતો. ઝુંડના સદસ્યોને એક વાતનો અંદાજો તો આવી ગયો હતો કે જે ખબર હશે એ પરંતુ એ શુભ તો ના જ હોઈ. હાથીરાજા આગળ બોલ્યા કે, "આપણને એક મિત્ર, એક બાળકના રૂપમાં હીરુ મળ્યો એ આપણી ખુશકિસ્મતી છે, પરંતુ... હવે આપણે મિત્રને 'જલ્દી પાછા મળીશું ' કહેવાનો સમય આવી ગયો છે. એ જીવનના કોઈ એક તબક્કે પાછો મળશે કે કેમ એ ખબર નઈ પરંતુ આપણા સ્મરણોમાં એ દરેક તબક્કે રહેશે. આપણે હીરુના શ્રેષ્ઠ જીવન માટે દયાળુ ઈશ્વરને પ્રાર્થના કરવાની છે અને આપણા આશિષ તેને આપવાના છે. જાણું છુ કે આ ઘડી આપણા બધા માટે અકલ્પનિય છે પરંતુ..." આટલું બોલતા-બોલતા તો હાથીરાજાનો અવાજ થથરવા લાગ્યો. થોડી વાર તો જાણે ઝુંડમાં માતમ જ છવાઈ ગયો. હીરુ નજર જુકાવી બેઠું હતુ અને કોઈ કશું બોલી શકે તેમ ન હતું.

થોડી શાંતિ પછી એક હાથી બોલ્યો, "બેટા, તુ અહીંથી ઉત્તર દિશા તરફની ઘાટી તરફ ચાલ્યો જજે. સાંભળ્યું છે કે ફૂલોથી ભરેલી એ ઘાટી અત્યંત રળિયામણી છે અને સલામત પણ. તને તો ત્યાં સારા મિત્રો પણ મળી જશે. તને ભાવતું કૂણું-કૂણું ઘાસ પણ ત્યાં ઘણું હશે. જાણેકે ત્યાંતો ભગવાન પોતે વાસ કરતા હોઈ એવો અદ્દભુત નજારો હશે એવી અનેક વાત સાંભળી છે... અમે તને આ બંધનમાંથી મુક્ત કરીએ છે. તુ ખુશ થઈને જઈ શકે છે કારણકે તારાથી જોડાયેલી કોઈ પળ કે યાદને અમે દુઃખી કરવા નથી માંગતા".

નવી સવાર થઇ અને હીરુ ઝુંડને અલવિદા કહી ચાલતો થયો. જ્યાંથી હીરુએ આ નવું સફર શરુ કર્યું એ આ પ્રદેશનો પ્રવેશમાર્ગ છે અને જ્યાં જવાનું છે એ આ પ્રદેશની અંતિમ જગ્યા. હીરુને ખબર હતી કે મુસાફરી લાંબી છે પરંતુ આ મુસાફરને પથમાં અનેક નવા મિત્રો પણ મળશે એવો એક વિશ્વાસ પણ હતો.

હીરુતો જાણે સરગમના સૂરની માફક પંખીઓના ગીત પર થીરકે તો ક્યાંક ઘડીકભર તેમની નટખટ હરકતો જોઈ ખુશ
- ખુશાલ પણ થાય. આવી રીતે તો હીરુ જંગલમાં ઘણે દૂર સુધી જઈ ચૂક્યું હતુ. દિવસે તો તે પુષ્કળ મોજ-મસ્તી કરતુ પરંતુ નિરસ રાત્રિમાં માતા અને હાથીરાજાને ખૂબ યાદ કરતુ. હાથીરાજાની એ યાદો તો હીરુ માટે તાજગીની દવા હતી.

સવાર થઇ અને એ સૂરજદાદાના તોફાની કિરણોએ હીરુની આંખો ખોલી. આળસ મરડી હીરુ તો નજીક આવેલા સરોવર તરફ ચાલતું થયું અને મોટુ બગાસું લીધા પછી ત્યાં પાણી પીવા લાગ્યું. થોડીક જ વાર થઇ હશે અને ત્યાંજ તેની બાજુમાં એક કપટી શિયાળને પાણી પિતા જોઈ હીરુના મનમાં વિચાર આવ્યો 'એક નવો મિત્ર'...

શિયાળે હીરુને જોતા જ અણગમો વ્યક્ત કર્યો. તે હીરુને ત્યાંથી ભગાડવા તેના પર હુમલો કરવા માંગતું હતુ એટલી વારમાંતો હીરુએ તેને સ્મિત આપતા જ શિયાળ તો બેબાકળું બની ગયું. નાદાન હીરુને કયાં ખબર હતી કે લુચ્ચા શિયાળની સોબત સારી ના કહેવાય!

હીરુ એ કહ્યું કે, "હું તમને નથી જાણતો પરંતુ મને તો મિત્ર બનાવવા ખુબજ ગમે છે. તો બોલો બનશો મારા મિત્ર?"..... આ તરફ શિયાળના ચાલાક મગજમાં તો વિચાર દોડવા લાગ્યો કે, 'કેટલું સરસ નસીબ છે મારુ કે આ મૂર્ખ જાતે જ મારી પાસે આવ્યું. હું આ સરસ મજાના લોહીથી ભરપૂર જાનવરને મિત્ર બનાવવાનું નાટક કરી ખૂબ ચાલાકીથી તેને સિંહને સોંપી દઈશ જેથી નામદાર મારાથી પ્રભાવિત થઇ મને મોટું ઇનામ આપશે. '

શિયાળે મોંમાં આવેલા રસનો ઘૂંટડો પીને કહ્યું, "કેમ નહિ... કેમ નહિ. તમે તો ઘણા ભલા લાગો છો. પણ હા જોવો, મિત્ર બનાવવાની તો વાત ઠીક છે પરંતુ મિત્રતાની શરત માનવી પડશે... આપણી મિત્રતામાં વાત તો તમારે મારી જ માનવી પડશે..." આટલું કહીં એ હાસ્ય કરવા લાગ્યું.

હીરુએ વિચાર કર્યો કે આતો કેવી વાત થઇ... સંબંધમાં તે કાઈ શરત હોઈ! પછી વિચાર્યું કે વનમાં એકલા રહેવા કરતા તો સારુ કે મિત્ર જોડે રહેવું. એટલે આપણા ગાંડકુએ કહ્યું કે, "હીરુને ક્યાં વાંધો હોઈ. તો મિત્ર આજથી આપને હીરુની સોબત મુબારક." આટલું સાંભળી શિયાળ તો ફરી મનમાં મલકાવા લાગ્યું. શિયાળ ચતુરતા પૂર્વક ધીમે-ધીમે હીરુને પોતાની જાળમાં ફસાવતું રહ્યું. હીરુને ક્યાં ખબર હતી કે શિયાળના રૂપમાં મુસીબતે તેના જીવનના દ્વાર ખખડાવ્યા છે...

શિયાળ તો હીરુ જોડે ખૂબ વાતો કરે, છીછરા પાણીમાં બંને છબછબ કરે, જોડે જ ખાવાનું ખાઈ, ફૂલોની સુવાસનો આનંદ ઉઠાવે તો જોડે જ પંખીઓનો કલરવ પણ સાંભળે. થોડા જ દિવસોમાં તો ષડયંત્ર આગળ ધપતું ગયું. આજે શિયાળનો મિજાજ કાઈ અલગ હતો, તેના મોં પર એક વિચિત્ર કપટનું સ્મિત હતુ. તેણે હીરુને કહ્યું કે, "તુ આ ઠંડી પવનોની લહેરમાં શાંતિથી થોડો આરામ કર, મારે બહારગામ જવું પડશે. પરંતુ તુ ગભરાઇશ નઈ મિત્ર! હું સાંજ સુધીમાં તો આવી જઈશ..." અને આપણું ગાંડકુ તો આરામ ફરમાવવા લાગ્યું.

આ તરફ શિયાળ તો પવન વેગે સિંહ પાસે જઈ પહોંચ્યું અને બોલ્યું, "નામદાર, આપના માટે એક ખાસ વ્યવસ્થા કરી છે. એક હરણનું નાનું છોકરું છે અને તે પણ તાજુ-માજુ અને મધુર રુધિર-માસથી ભરપૂર. આપ ઈચ્છો તો રાત્રિનું ભોજન બની શકે તેમ છે.... તમને એને ખાવાની મજા પડી જશે".

સુતેલા સિંહે એક પછી એક પોતાની બંને આંખો ખોલી, ભ્રમર ધીમેથી ઉંચે ચડાવી. આટલું સાંભળતા જ તો તેની જીભમાંથી અત્યારથી જ લાળ ઝરવા લાગી. તેણે એક મોટી ગર્જના કરી, "કપટી, તુ રાહ કોની જોઈ છે? એ સ્વાદિષ્ટ ભોજન મને ક્યારે મળશે?....બોલ, જલ્દી બોલ અને ગમતી ભેટ માંગી લે."

આટલું સાંભળી શિયાળ તો ખૂબ રાજી થઇ ગયું. તેણે તો સીધી હીરુ તરફ દોટ મૂકી. હીરુ પાસે જઈ તેની જોડે બેસી ગયું અને થોડી વાત-ચીત કરી કહ્યું કે, "તને ખબર આજે તો હું ખૂબ ખૂશ છુ કેમકે હું આજે મારા ખૂબ જૂના મિત્રને મળ્યો. રાજા કહે છે તેને તો આ જંગલનો.... રાજા. તને ખબર મેં તો તારી ઓળખાણ પણ કરાવી રાજાને. ખુશીની વાત તો એ છે કે એમને ખબર પડી કે તુ મારો મિત્ર છે એટલે રાજા તને મળવા માટે ખૂબ ઉત્સુક થઇ ગયા. તને મિત્ર બનાવવા માંગે છે! છે ને ખુશીની વાત." આ બધુ જ શિયાળ એકીશ્વાસે બોલી ગયું.

હીરુએ કહ્યું, 'કેમ નહિ. અમે ચોક્કસ મિત્ર બનીશુ'. "તો ચાલ મારી સાથે, આપણે તેને મળવા જઈએ."- શિયાળ બોલી ઉઠ્યું. હીરુએ કહ્યું, "પણ આટલી રાત્રે?" પણ ચાલાક શિયાળ હીરુને સમજાવવા લાગ્યું કે, "મિત્ર મારો નજીકમાં જ છે. આપણે તો ત્યાં એક પળમાં પહોંચી જઈશું." અને..... બંને જણા ચાલવા લાગ્યા. હીરુનું એક-એક પગલું તેને પોતાના જીવનથી દૂર અને સિંહની નજીક લઇ જઈ રહ્યું હતુ પરંતુ આ વાતનો સહેજ પણ ખેદ શિયાળને ન હતો.

જોત-જોતામાં બંને જણા સિંહની ગુફા પાસે પહોંચી ગયા. જેમ-જેમ તેઓ ગુફામાં આગળ વધતા હતા તેમ-તેમ શિયાળના મુખ પર અનેરો આનંદ છવાતો જતો હતો. એ લગભગ અંધારી ગુફામાં હીરુને એક તદ્દન વિચિત્ર પ્રકારનું, અતિ દુર્ગંધ મારતું અને કાન ફાડી નાખે એવો ભયાનક અવાજ કરતુ પ્રાણી દેખાયું.

હીરુએ શિયાળને પૂછ્યું, "આ મિત્ર છે ને આપણો? તે કેમ આવો અવાજ કરે છે? મને બીક લાગે છે." હીરુના આમ કહેવાથી શિયાળ મનોમન હસ્યું અને સિંહની નજીક જઈને બોલ્યું, "નામદાર... આપના ભોજનને તો આપના અવાજથી ઘણી બીક લાગે છે." અને બંને હસી પડ્યા.

હીરુ તો રડવા જેવું થઇ ગયું. એને થયું કે આ શિયાળ તો દોસ્તના નામે કલંક છે. તેણે વિચાર્યું કે આમપણ ગણતરીનો જ સમય બાકી છે પરંતુ તેમાં પણ હાર માન્યા વિના પોતે બચવાનો પ્રયન્ત કરે તો! હીરુ બોલ્યો, "મિત્ર આવો અવાજ મેં પ્રથમવાર સાંભળ્યો એટલે થોડો ડર લાગ્યો બાકી હું મિત્ર બનાવતા કાંઈ ડરતો નથી. તમે ભોજનની વાત કરો છો, મેં તો મારું આખું જીવન મૃત્યુને સમર્પિત કરી દીધું છે. મિત્ર, તમે મને જલ્દીથી ખાવાની કૃપા કરો જેથી મારા દુઃખના દિવસો પણ પૂરા થાય અને આપની ભૂખ પણ મટી જાય. મિત્ર માટે તો હું કાંઈ પણ કરી શકું. "

સિંહે આવું સાંભળતા તરતજ પૂછી નાખ્યું કે, "તારો કહેવાનો મતલબ શું છે? જીવન..... જીવન એ તો સ્વર્ગથી મળેલ આશિષ છે જે દરરોજની અવનવી પળને માણવા માટે બનેલ છે. એ સુંદર છે, ખૂબ જ સુંદર છે ભલે પછી એમાં દુઃખનો મધ્યાન્તર આવતો હોઈ કે ના આવતો હોઈ."

હીરુને હાથીરાજાએ ઝુંડ છોડવા પહેલા એક સલાહ આપી હતી કે, "તને જયારે પણ જીવનમાં કોઈ શક્તિશાળી મળે કે જેનાથી જીતવું તારા માટે સંભવ ના હોઈ કે પછી એ તારા માટે ખતરારૂપ બને ત્યારે તુ એની સામે નમતું મૂકી દેજે. તેને એવો વિશ્વાસ અપાવજે કે તુ હારી ગયેલો છે અને તારામાં લડવાની હિંમત નથી. કારણ કે બળવાન પ્રાણી હારેલા-થાકેલા સામે જીતવાનો પ્રયત્ન નથી કરતુ, એને તો પોતાને ટક્કર આપે એવા પ્રાણીને નમાવવું-ઝુકાવવું ગમે."

હીરુએ સિંહને કહ્યું, "જન્મ લીધો અને માતા દૂર થઇ ગઈ. સમજતો થયો જ એટલે તો હાથીરાજા પણ દૂર થઇ ગયા અને આ શિયાળ... એણે હવે અમારી મિત્રતા અપવિત્ર કરી દીધી. સાચું કહુ તો હું મારી નજરમાં જ શર્મશાર થઇ ગયો. તમે જ કહો ને, મારા જેવા હારેલાને જીવવાનું ગમશે?...માટે મહેરબાની કરી ને તમે મારો પ્રાણ લઇ મારા ઉપર ઉપકાર કરો."

આમતો આવી બધી વાતોની સિંહ પર કાંઈ અસર ના થાય પરંતુ આજે તો સિંહના હીરુ માટેના મિજાજ કાંઈ અલગ જ લાગ્યા. સિંહને હીરુનું ભોજન કરવાનું મન ના કબૂલ્યું. રાજાજી બોલ્યા, "મને તો તારુ ભોજન કરવાની કેવી તીવ્ર ઈચ્છા હતી, પરંતુ હું... હું તો રાજા છુ, રાજા. જંગલ મારુ, તેમાં વસતા પ્રાણીઓ પણ મારા જ. આ આખા સંસાર ઉપર બસ મારો જ કાબુ. પરંતુ મારે તારા ઉપર હક્ક નથી જમાવવો. એક વાત મારી માનજે... તુ તારા આ અદ્દભુત જીવનને જીવ, ખૂબ જીવ, ખુશ રહે અને હા, હવેથી સમજી-વિચારીને મિત્ર બનાવજે. આપણે બંને મિત્ર ના બની શકીએ પરંતુ તારુ જીવન એ મેં તને આપેલી ભેટ છે એવું સમજી મને તારા સ્મરણમાં રાખજે. જા, ચાલ્યો જા જલ્દીથી..."

હીરુ તો જિદ્દી હતુ. તેણે કહ્યું, "મારે તો આખા જંગલને ઘર બનાવવું છે. હું સવાર થતા જ આ 'ઇલાકો' છોડી દઈશ પરંતુ તમારે મને મિત્ર બનાવવો પડશે તો જ... નહીંતર તમે મને ભોજન બનાવો." આટલું સાંભળી સિંહે કહ્યું, "આ કપટી ખૂબ કમભાગી છે, તેને તો લાલચ સિવાય બીજુ કાંઈ નઈ સુજે... બાકી તારા જેવા મિત્ર માટે તો કપટ નઈ ફક્ત પ્રેમ અને આદર જ રખાઈ. તુ કહે છે તો મિત્ર બનાવુ છુ તને, પણ કાલે જલ્દીથી અતિજલ્દી અહીંથી ચાલ્યો જજે." આટલું સાંભળી હીરુ તો ખુશ થઇ ગયું અને સિંહને ભેટી પડ્યું. (હા, સિંહને ભેટી પડ્યું...)

હીરુ એ શિયાળ તરફ જોયું અને કહ્યું, "શિયાળ માટે મને થોડી પણ ખરાબ લાગણી નથી. એ તો એના સ્વભાવથી મજબૂર છે અને હું મારા." શિયાળે નીચું માથું કરી ભૂલ સ્વીકારી હીરુની માફી માંગી લીધી. સવાર થઇ અને હીરુએ જવાની તૈયારી બતાવી ત્યારે રાજાજી બોલ્યા કે, "સાચું કહુ તો તારે પણ અમારી સાથે જ રહેવું જોઈએ." હીરુ એ જવાબ આપ્યો કે, "નામદાર, આ તમારી નમ્રતા છે જો તમે મને નવું જીવન આપ્યું અને એને જીવવાની હિમ્મત પણ. પરંતુ હું રહ્યો મુસાફર...." આમ કહી હીરુ ત્યાંથી નવા ઉમંગો લઇ ચાલતું થયું.

આપણા હીરુને તો ક્યારેય માર્ગ એક્લવાયો લાગતો જ નઈ કારણ કે જયારે પણ તે જંગલમાં આગળ વધતું તો ત્યાં મળતા તમામ પંખીઓ જોડે થોડી વાતો પછી મૈત્રી થઈ જતી. હીરુમાં મિત્રો બનાવવાની આવી સરસ કળાને કારણે રીંછ, સસલું, ઘોડો, જિરાફ, બકરી, ગાય અને આવા તો કેટલા બધા પ્રાણીઓ તેના મિત્ર બની ગયા હતા.

હવે તો હીરુને ઉત્તર-પૂર્વીય ઘાટીના 'ઇલાકા' સુધી પહોંચવામાં ઘણી ઓછી મુસાફરી બાકી હતી. માર્ગ જેમ-જેમ ટૂંકો થતો જતો હતો, 'ઇંતઝાર' અને સ્વપ્નો તેમ-તેમ લંબાતા જતા હતા. ચોમાસુથી શરૂ થયેલી હીરુની જિંદગીએ વર્ષગાંઠ પૂરી કરી દીધી હતી અને હવે વારો હતો શિયાળાના સમયનો. ગત શિયાળો તો હાથીરાજા અને ઝુંડ જોડે ખૂબ હૂંફથી પસાર થઇ ગયો હતો પરંતુ હવે કાતિલ ઠંડીએ જોર પકડ્યું હતુ અને હીરુ તેનાથી બચવાના ઉપાયો શોધવામાં લાગી ગયું.

દિવસો વિતવા લાગ્યા તેમ-તેમ હીરુ બરફથી ઘેરાવા લાગ્યું. ઠંડી તો જાણે કે હીરુને થીજવી દેવાની રાહ જોઈને બેસી હતી! વૃક્ષો પણ હિમશીલા બની ગયા હતા. આવી હાલતમાં હીરુ એકલું રહે તો કેવી રીતે રહે... બધા પશુ-પક્ષીઓ અને જીવ-જંતુઓ જાણે ક્યાંક લપાઈ ગયા હતા એની હીરુને કોઈ જાણ ન હતી. હીરુ સાવ એકલું પડી ગયું હતુ.

આમ-તેમ ભટકતા તેને એક વિશાળ શીલા દેખાઈ આવી. ત્યાં કોઈ ગુફા જેવું હોવાનો હીરુને અંદાજો આવી ગયો પરંતુ... એક ગુફાનો તેને કડવો અનુભવ પણ હતો ને! (એકવાર તો તે તેની ચાલાકી અને મૈત્રીભર્યા સ્વભાવને કારણે સિંહ જેવા ખૂંખારના મુખમાંથી છટકી ગયું હતુ પરંતુ દર વખતે નસીબ જોર પકડે એવું ના હોઈ ને...) આથી ગુફા નજીક જવું કે નઈ એ બાબતે હીરુ ઊંડા વિચારમાં સરી પડ્યું. પરિસ્થિતિ કાંઈક એવી હતી કે જો આ કાતિલ ઠંડીથી બચવું હોઈ તો ગુફામાં જવું જ એકમાત્ર વિકલ્પ હતો.

હીરુએ વિચાર્યું કે ગુફાની અંદર જો કોઈ ભયાનક પ્રાણી હશે તો! આવી ઠંડીમાં રિબાઈને મૃત્યુની રાહ જોવી એના કરતા તો સારુ કે ગુફામાં જવાની હિંમત કરી લેવી. અને મનને મક્કમ બનાવવા બબડાટ કર્યો કે, 'જો હું સિંહના પંજામાંથી છટકી શકતો હોવ તો પછી બીજા કોઈપણ પ્રાણીને તો હું સારી રીતે સાચવી લઈશ.' અંતે હીરુ ગુફા તરફ ચાલવા લાગ્યું. ગુફાની અંદર જઈને જોયું તો હીરુ અચંબામાં મૂકાઈ ગયું. ગુફામાં કોઈ ભયાનક પ્રાણી હોવાનો ભ્રમ તૂટી ગયો. હીરુએ તેના આશ્ચર્ય વચ્ચે ત્યાં ગુફામાં પોતાના જેવી આબેહૂબ નકલ ધરાવતા હજારોની સંખ્યામાં પ્રાણીઓ જોયા.

આ નજારો જોઈને તો હીરુ ખુશી સમાવી શક્યો નઈ. હરણનું ઝુંડ પણ હીરુ ને જોઈ આ કોણ છે અને ક્યાંથી આવ્યું હશે એ વિચારમાં હતા. એક ભલા હરણ પાસે જઈ હીરુ બોલ્યું, "દાદુ, હું હીરુ છુ અને જંગલના ઉત્તર-પૂર્વીય ઘાટીના 'ઇલાકા' તરફ જવાની ઈચ્છા અને આતુરતા ધરાવું છુ. આ ઠંડી સહન થતી નઈ હોવાના કારણે ઘણી આશા સાથે અહીં આવી પહોંચ્યો છુ. જો તમે મને અહીં રહેવાની રજા આપો તો આપની ઘણી મહેરબાની."

દાદુએ કહ્યું, "અતિથિ ભગવાન જ હોઈ છે ભલે પછી એ દુશ્મન પણ કેમ ના હોઈ, અને તુ તો અમારા જ કુળનો છે. તારે અમારી સાથે રહેવું હોઈ ત્યાં સુધી તુ રહી શકે છે 'બેટા'." અને હીરુ ઝુંડ સાથે રહેતું થઇ ગયું. સમય જતા એ ઝુંડમાં એવું ભળી ગયું કે શિયાળાનો સમય ક્યાં પસાર થઇ ગયો એ ખબર જ નઈ પડી. ઝુંડના તમામ સભ્યો હીરુ સાથે આત્મીયતા ધરાવતા થઇ ગયા હતા, પરંતુ... એક એવું પણ હરણ હતુ કે જે 'ના તો વધુ બોલતું કે ના તો ખૂશ રહેતું'. એ તો બસ એકલું જ રહેતું અને વિચાર્યા જ કરતુ.

ચંચળ હીરુથી હરણ ની આવી હાલત જોવાતી ન હતી એટલે દાદુ પાસે જઈ હરણ વિશે માહિતી મેળવીશ એવું હીરુ એ નક્કી કર્યું. દાદુ પાસેથી હીરુને જવાબ મળ્યો કે, "એ હરણ એના મનની વાત કોઈને કહેતું નથી, તેથી મને પણ તેના વિશે. વધારે ખબર નથી." સંતોષકારક જવાબ નઈ મળતા હીરુ હરણ પાસે ગયું અને કાંઈપણ બોલ્યા વિના એને ઘાસ આપી આવ્યું. હવે તો આવું રોજનું થઇ ગયું હતુ. હીરુ ઘાસ આપે અને હરણ ચુપચાપ ઘાસ ખાઈ. પણ હીરુ પણ ખૂબ પાક્કું હતુ. તે હરણને આનંદિત રાખવા માંગતું હતુ એટલે હરણ બોલે કે ન બોલે પણ હીરુ તેની પાસે જઈને બોલ્યા જ કરતુ.

હવે તો હીરુ હરણને પોતાના અનુભવ પણ કહેવા લાગ્યું. ચૂપ રહેવા વાળું હરણ હીરુની ઘણી અંગત વાતો જાણવા લાગ્યું હતુ. આજે અચાનક ખૂબ લાંબા સમય પછી હીરુથી હરણ સામે માતાનું વર્ણન થઇ ગયું. હીરુની માતા વિશે જાણી હરણની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા કેમકે તેને ભાસ થઇ ગયો હતો કે હીરુ એ બીજુ કોઈ નઈ પરંતુ એનુ જ સંતાન છે.

હરણને આમ અચાનક રડતા જોઈ હીરુ ચિંતિત થઇ ગયું. એ હરણને રડવાનું કારણ પૂછવા જ જતું હતુ ત્યાં હરણ જ બોલી પડ્યું કે, "બેટા, હું તારો પિતા છુ... તારી માતા અને હું આવા જ એક ઝુંડમાં ખુબ પ્રેમથી રહેતા હતા. અમારા ઝુંડ પર એ વખતે દીપડાએ હુમલો કર્યો હતો અને નાસભાગમાં હું તારી માતાથી છૂટો થઇ ગયો હતો. મને જાણ હતી કે તુ તારી માતા પાસે છે પરંતુ તુ દુનિયામાં આવે એ પહેલા જ હું તારાથી દૂર થઇ ગયો. બેટા, મને માફ કરજે. ઘણા સમય સુધી તમારી રાહ જોઈ અને કોઈ સમાચાર નઈ મળતા માની લીધું કે તમે..... તમે દુનિયામાં જ નઈ હોઈ."

થોડી વાર રડ્યા પછી માંડ હરણે પોતાને સંભાળ્યું અને પાછું બોલવા લાગ્યું કે, "આજે તને જોઈને મનમાં નવી આશા જાગી છે. જેવી રીતે તું મને મળ્યું એવી જ રીતે તારી માતા પણ જલ્દી આપણને મળી જશે." અને બંને પિતા-પુત્ર આલિંગન કરી ખુબ રડ્યા... જયારે હીરુએ ઉત્તર-પૂર્વીય 'ઇલાકા'માં જવાની ઈચ્છા કહી ત્યારે હરણ પણ તેની સાથે જવા રાજી થઇ ગયું.

હવે તો કદી સાથ નઈ છોડવા વાળો સાથી મળી ગયો હતો એટલે હીરુએ તો બસ આગળ જ વધવાનું હતુ. બંને જણાએ ઝુંડની રજા લીધી અને જંગલમાં આગળ વધવા લાગ્યા. અનેક નદીઓ-ઝરણા પાર કરતા, ખાડા-ટેકરા ઓળંગતા, નવા-નવા મિત્રો બનાવતા બંને પિતા-પુત્ર આજે પોતાની અકલ્પ્ય સુંદરતા ધરાવતી એ ઘાટીમાં આવી પહોંચ્યા હતા.

ઉનાળાની ગરમીમાં પણ અહીં અત્યંત શીતળતા, અદ્દભુત સુંદરતા, ક્યાંય શોધતા પણ ના જળે એવા રંગબેરંગી પતંગિયાઓનું સતત કરાતુ નૃત્ય, પુષ્પોની એ મધુર સોડમ, પંખીઓનો અપાર કલરવ છતાં મનને પ્રાપ્ત થતી એક અલગ જ શાંતિ, હળી-મળીને પ્રેમથી રહેતા વિવિધ પશુઓ, ડાળીઓ પરથી લચી પડતા ફળો. આ બધા જ દ્રશ્યો અકલ્પનિય અને અતિ-અદ્દભુત હતા.

બંનેજણા આ ઘાટીના પ્રાણીઓ સાથે થોડા સમયમાં તો ખૂબ સારી રીતે હળી-ભળી ગયા. સમય પસાર થતો રહ્યો... સવાર માતાના આવવાની આશા લઈને આવતી હતી અને રાત્રી નિરાશા. ખુબ લાંબી રાહ જોયા પછી માતાના આવવાની શક્યતાઓ ફીકી પડવા લાગી હતી.

આ તરફ એક હરણી વર્ષોથી વનમાં એક પહાડીથી બીજી અને ત્યાંથી ત્રીજી એમ એકલી જ ભટકતી હતી. તે ક્યારેક કોઈ પ્રાણીને મળતી-તેમની સાથે રહેતી તો ક્યારેક કોઈ પ્રાણીથી બચવાનો પ્રયત્ન કરતી... સદનસીબે એક એવો પણ દિવસ આવ્યો કે જયારે હરણીનો ભેટો હાથીરાજા સાથે થયો. થોડા પરિચય બાદ હાથીરાજાને સમજાઈ ગયું કે આતો તેના લાડકવાયા હીરુની જ માતા છે. હાથીરાજાને વિશ્વાસ હતો કે હીરુ તો તેમણે કીધેલી જગ્યાએ જ જવાનો પ્રયત્ન કરતુ હશે, જેથી એમણે પણ હરણીને ઉત્તર-પૂર્વીય દિશા તરફની ઘાટીઓમાં જવાનું સૂચન કર્યું અને કહ્યું કે જયારે પણ હીરુ મળે તો હાથીરાજા તને ખૂબ યાદ કરે છે એવું જણાવજે. હીરુની જાણકારી થતા માતાના મનને એક શાંત્વના મળી કે બચ્ચું સુરક્ષિત છે, જીવિત છે.

બાળકને મળવાની આશા સાથે હોંશભેર માતા પણ હાથીરાજાનો અપાર આભાર માની એ દિશા તરફ ચાલતી થઇ. વર્ષો વીતવા લાગ્યા અને આજે આખરે એક માતા હરણ બંને પિતા-પુત્ર સમક્ષ આવીને ઉભી હતી. હીરુ તો નઈ પરંતુ હરણ તેને ઓળખી ગયું. એ ક્ષણ એ ત્રણેય માટે કરુણમય હતી અને અપાર આનંદમય પણ...

એ સુંદર ઘાટીમાં ત્રણેનો મિલાપ થયો અને જે ફક્ત સ્વપ્નમાં હતો એવો વ્હાલ માતા તરફથી પ્રાપ્ત થતા હીરુની ખુશીનો પાર ન રહ્યો. જયારે હીરુને માતા પાસેથી ખબર પડી કે તે હાથીરાજાના કહેવાથી તેને શોધતી-શોધતી અહીં આવી પહોંચી ત્યારે હીરુના મનમાં હાથીરાજા પ્રત્યેનો પ્રેમ વધારે વધી ગયો. હાથીરાજાએ આપેલી યાદ અને તેમણે માતાના સ્વરૂપમાં આપેલી ભેટે હીરુના અધૂરા જીવનને પરિપૂર્ણ કરી દીધું હતુ.

દુઃખનો સમય સમાપ્ત થઇ ગયો હતો. હવે તો બસ ખુશીના દિવસો જીવવાનો સમય હતો. ત્રણે પોતાના જીવનની સુંદર પળો આ ઘાટીમાં જીવવા લાગ્યા, તેની સુંદરતાને માણવા લાગ્યા અને વીતેલા જીવનને સમેટી નવી 'કહાની' રચવા લાગ્યા.