રાજકારણની રાણી
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૪
સુજાતાનો રાજકીય પક્ષના કાર્યાલયમાં પ્રવેશ અંજના માટે ચોંકાવનારો હતો. જતિન પક્ષમાં સક્રિય હતો ત્યારે ક્યારેય સુજાતાએ પક્ષના કાર્યાલયનો દરવાજો જોયો ન હતો. આજે તે મહિલા મંડળની સંચાલિકાની હેસિયતથી આવી હોવાનું કહી રહી હતી. અંજનાને તેના અવાજમાં ન જાણે કેમ ઇરાદો કોઇ બીજો જ લાગી રહ્યો હતો. સુજાતાને પોતાનું કોઇ કામ પડ્યું હશે કે કોઇ રાજકીય મદદ માટે કાર્યાલયમાં આવી છે એની અટકળ કરતી અંજનાએ અત્યારે કોઇ વિવાદ ઊભો કરવાને બદલે સહજ રીતે તેને ઘરે આવેલા મહેમાન જેવો આવકાર આપતાં કહ્યું:"સુજાતાબેન, આવો...બેસો."
સુજાતા અંજનાને ઓળખતી ન હતી. પહેલી વખત મુલાકાત થઇ રહી હતી. અંજના તરફ જોઇને સુજાતા મુસ્કુરાઇ અને પૂછ્યું:"તમે....?"
"હું અંજના. મારા પિતા રતિલાલ આ વિસ્તારના ધારાસભ્ય છે. જતિનભાઇને હું ઓળખું છું. આપની સાથે પ્રથમ વખત મુલાકાત થઇ. હું હાલમાં પક્ષના કાર્યાલયનું કામ સંભાળું છું. પિતાએ મને કેટલીક કામગીરી સોંપી છે.... ફરમાવો, કેમ આવવાનું થયું?"
અંજનાએ પોતાનો પરિચય આપ્યો એટલે સુજાતાને એ દિવસની રતિલાલની પોતાના ઘરે જતિન સાથે થયેલી મુલાકાત યાદ આવી ગઇ. રતિલાલ જતિનને જિલ્લાની સંસદ સભ્યની બેઠક માટે દાવેદારી નોંધાવવા જણાવતા હતા જ્યારે જતિન તાલુકાના ધારાસભ્ય પદ માટે ઉત્સુક દેખાયો હતો. તે સાંસદ બનીને દિલ્હીની વાટ પકડવાને બદલે સ્થાનિક ધારાસભ્ય બની ગુજરાતમાં રહેવા માગતો હતો. અંજનાના આગમનના કારણ બાબતે સુજાતાએ કહ્યું:"પક્ષના કાર્યાલયની બધી પ્રવૃત્તિ તમે જ સંભાળો છો?"
અંજનાને પોતાના સવાલના જવાબમાં સુજાતાએ સામો સવાલ પૂછ્યો એટલે નવાઇ લાગી. સુજાતા પોતાના આવવાનું કારણ જણાવવાને બદલે મારી પક્ષના કાર્યાલયમાં હાજરીનું કારણ પૂછી રહી છે. અંજનાને પહેલાં તો આ વાત રુચિ નહીં. પોતે એક ધારાસભ્યની પુત્રી હતી અને પક્ષમાં મહત્વની કામગીરી કરી રહી હતી. પોતાની કામગીરીનો અહેવાલ તેને આપવાનું યોગ્ય લાગી રહ્યું ન હતું. પણ સુજાતાએ સહજ રીતે આ પ્રશ્ન પૂછ્યો હતો. અંજનાનો સ્વભાવ એવો હતો કે બને ત્યાં સુધી કોઇની પણ સાથે વાદ-વિવાદમાં ઉતરવાનું નહીં. પિતા રતિલાલ પાસેથી તેને આ ગુણ મળ્યો હતો. રતિલાલ આજે આ પદ સુધી તેમના આવા ગુણોને કારણે જ પહોંચી શક્યા હતા એ વાત તેણે બાળપણથી નોંધી હતી. અંજનાને સહેજ વિચારમાં પડેલી જોઇ છતાં સુજાતા બેસી રહી. અંજનાએ એ વાતની નોંધ લઇ કહ્યું:"તમે પક્ષની કોઇ પ્રવૃત્તિ વિશે જાણકારી મેળવવા માગો છો કે મારા વિશે એનો ખ્યાલ ના આવ્યો.."
પક્ષના કાર્યાલયમાં હાજર ઘણા કાર્યકરોની નજર સુજાતા અને અંજનાના વાર્તાલાપ પર જ હતી. કેટલાક પોતાના કામમાં ધ્યાન આપતા હતા પણ કાન એમની વાત સાંભળી રહ્યા હતા. અંજનાની જેમ બધાંને સુજાતાના આગમનના કારણ અંગેનું કુતૂહલ વધી રહ્યું હતું.
"વાત એમ છે કે હું પિતાની આજ્ઞા મુજબ થોડા દિવસોથી જ અહીં આવીને બેસું છું. પક્ષની બધી પ્રવૃત્તિઓ વિશે હું ચોક્કસ જવાબ આપી શકું નહીં. હું તમને કઇ રીતે મદદરૂપ થઇ શકું એ જણાવશો?" અંજનાએ પહેલી વખત કોઇ રાજકારણીની જેમ જવાબ આપ્યો.
સુજાતાએ કાર્યાલયમાં કામ કરતા અને તેમની તરફ નજર રાખીને બેઠેલા કાર્યકરો પર એક નજર નાખી બધાંને સંભળાય એવા સ્વરમાં કહ્યું:"હું તમને એ જ પૂછવા માગું છું કે આ કાર્યાલયમાં તમને કેવી રીતે મદદરૂપ થઇ શકું..."
સુજાતાની વાત હવે એકદમ ચોંકાવનારી હતી. કાર્યાલયના કાર્યકરોમાં ધીમો ગણગણાટ શરૂ થઇ ગયો. અંજના માટે પણ આવી વાત અણધારી હતી. સુજાતા પોતાના આગમનનો હેતુ સ્પષ્ટ કરવાને બદલે પોતાને કાર્યાલયમાં મદદ કરવાની ઓફર કરી રહી હતી. એક સામાજિક મહિલા મંડળની સંચાલિકા રાજકીય પક્ષના કાર્યાલયને શું મદદ કરી શકે એ સમજાતું ન હતું. સુજાતા એકદમ ઠંડકથી વાત કરી રહી હતી. અંજનાને થયું કે વાતોમાં ઉંદર-બિલાડીની રમત જેવું થઇ રહ્યું છે. વાતને સુજાતા રબર જેમ ખેંચી રહી છે. હવે એક ઘાને બે કટકા જેવું પૂછી જ લેવું પડશે. અંજનાએ આખરે પૂછી જ લીધું:"સુજાતાબેન, આમ ગોળગોળ સવાલ-સવાલનું ચકડોળ ફેરવવાને બદલે આપણે સીધા મુખ્ય માર્ગ પર આવી તમારા આગમનનું કારણ સમજી લઇએ તો ઠીક રહેશે...."
"હું એ જ તો કહી રહી છું. હું આ કાર્યાલયમાં કામ કરવા આવી છું અને તમને કેવી રીતે મદદરૂપ થઇ શકું એનું પૂછી રહી છું.." સુજાતા સીધીસટ વાત કરતી હોય એમ બોલી.
"તમે રાજકીય પક્ષના કાર્યાલયમાં કેવી રીતે કામ કરી શકો? તમારું મહિલા મંડળ તો સામાજિક કાર્યો કરે છે ને?" અંજનાએ તાતાંતીર જેવા પ્રશ્નો છોડ્યા.
સુજાતા એનાથી જરાપણ વિચલિત થઇ ના હોય એમ બોલી:"અંજના, લાગે છે કે તમને કોઇ સૂચના મળી નથી..."
"સાચી વાત છે. મને કોઇ પ્રકારની સૂચના તમારા આગમન વિશે કે તમારા મંડળ બાબતે મળી નથી." અંજનાને થયું કે આમ બોલીને તેણે પોતે અજાણ હોવાને બદલે પોતાનું અજ્ઞાન તો પ્રદર્શિત કર્યું નથી ને? એવો જાતને જ પ્રશ્ન કરી રહી.
"વાંધો નહીં. મને એમ હતું કે તમને પાટનગરથી કે રતિલાલ સાહેબ પાસેથી સૂચના મળી ગઇ હોવી જોઇએ. હું મહિલા મંડળની સંચાલિકા હમણાં જરૂર બની છું. પરંતુ પક્ષની પ્રાથમિક સભ્ય તો ઘણા વર્ષોથી છું. જતિને મને વર્ષો પહેલાં પક્ષનું સભ્યપદ આપ્યું હતું. હું રાજકારણમાં નિષ્ક્રિય અત્યાર સુધી નિષ્ક્રિય હતી. હવે લોકસેવાના આશયથી સક્રિય થઇ છું. પાટનગરથી મને પક્ષના આ કાર્યાલયમાં કામગીરી કરવાની પરવાનગી મળી ગઇ છે. અને આજથી જ હું વિવિધ પ્રવૃત્તિઓમાં સામેલ થવા આવી છું...."
અંજનાને કોઇ ગર્જના વગર વીજળી પડી હોય એવું લાગ્યું. સુજાતાએ રાતોરાત પાટનગર સંપર્ક સાધી લીધો અને અમને ખબર નથી એ સારું ના કહેવાય. પપ્પા પણ આ વાતથી બેખબર હશે. નહીંતર આટલી મોટી વાત કહેવાનું એ ચૂકે નહીં. ગઇકાલે જ તે કહેતા હતા કે જતિનની પત્ની મહિલાઓનો સંપર્ક કરીને તેમના સામાજિક ઉત્થાન માટે સક્રિય થઇ છે. જતિનની અનૈતિકતા સામે તેણે બ્યુગલ વગાડીને મહિલાઓને જાગૃત કરવાનું અભિયાન શરૂ કર્યું છે. ત્યારે અંજનાને એમ હતું કે જતિનની પત્ની પોતાના પતિનો વિરોધ કરીને મહિલા અગ્રણી કે નારી સશક્તિકરણની પ્રવૃત્તિ કરી નામ કમાવવા માગતી હશે. પિતાની વાતને તેણે ગંભીરતાથી લીધી ન હતી. તેણે સુજાતાને ટીવી પર ક્યારેય જોઇ ન હતી. અખબારોમાં તેની ચર્ચા વાંચી હતી. અંજનાએ પહેલી વખત સુજાતાના ચહેરા સામે વિચિત્ર ભાવથી જોયું. સુજાતા રાજકરણમાં પ્રવેશી રહી છે એ વાત એને આંચકો આપનારી હતી.
"એક મિનિટ, હું પપ્પા સાથે વાત કરી લઉં..." કહી અંજના ખુરશી પરથી ઊભી થઇ અને થોડે દૂર એકાંતવાળી જગ્યાએ જઇને રતિલાલને ફોન લગાવ્યો. અંજનાની વાત સાંભળી રતિલાલ ચોંકી ઊઠયા:"શું વાત કરે છે? હું હમણાં જ પાટનગર ફોન કરીને તને જવાબ આપું છું..."
અંજના ત્યાં જ ઊભી રહીને પિતાના ફોનની રાહ જોતી ઊભી હતી ત્યારે એક મહિલા કાર્યકર તેની સાથે ઇશારાથી વાત કરવા લાગી: "કમાલની બાઇ છે" અંજનાએ તેને ઇશારાથી જ કહ્યું:"શાંતિ રાખ, ફોન આવે છે."
સુજાતાના રાજકારણના પ્રવેશની વાત જાણી કાર્યાલયમાં પહેલાં તો સોપો જ પડી ગયો હતો. પછી ધીમા સ્વરે વાતચીત શરૂ થઇ ચૂકી હતી.
"શું લાગે છે? સુજાતા રાજકારણમાં કેમ આવી હશે?" એક મહિલા કાર્યકર બીજીને પૂછી રહી હતી.
"મને તો લાગે છે કે પતિ સામે બદલો લેવા તે રાજકારણનો સહારો લઇ રહી છે." બીજી મહિલા મોં મચકોડતા બોલી.
"એ પક્ષમાં આવે તો આપણાને શું વાધો છે? પક્ષના નેતાઓ જાણે અને એ જાણે." પહેલી મહિલાએ વાત પૂરી કરવા કહ્યું. તેને પણ એ જાણવાની ઉત્સુકતા હતી કે અંજના આગળ શું કરે છે.
"હા, આપણે તો સોંપવામાં આવતું કામ કરવાનું છે. મને લાગે છે કે એની પહોંચ ઉપર સુધી છે. એ સામાન્ય કાર્યકરની જેમ આવીને નામ નોંધાવી કામે લાગી જવાને બદલે કેવા રૂઆબથી બેઠી છે..." બીજી મહિલાએ પોતાની વાત પૂરી કરી દેવી પડી.
અંજનાના ફોનની રીંગ વાગી રહી હતી. અંજનાએ ફોન ઉપાડ્યો. સામેથી કહેવાતી વાત સાંભળી "હા-હા, ઓકે..." કહી ફોન મૂકી દીધો અને સુજાતાની સામે બેસતાં બોલી:"પપ્પા સાથે વાત થઇ. તેમને પણ ખબર ન હતી કે તમે પક્ષના કાર્યાલયમાં કામ કરવા આવવાના છો. તેમણે પાટનગર પૂછ્યું ત્યારે ખબર પડી કે તમને પક્ષના કાર્યાલયમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. સારી વાત છે."
"હા, તો આપણે હવે પ્રવૃત્તિઓ વિશે વાત કરીશું..." કહી સુજાતાએ પક્ષની પ્રવૃત્તિઓની માહિતી મેળવવાનું શરૂ કર્યું. વચ્ચે કેટલાક કાર્યકરોને બોલાવી તેમની સાથે વાતચીત કરી. ઘણા કલાક સુધી સુજાતાએ પક્ષના કામોની માહિતી મેળવી. અને કેટલીક સૂચનાઓ આપી. હજુ બપોર પડવાને વાર હતી પણ અંજનાએ નક્કી કર્યું કે તે વહેલી નીકળી જશે. પોતાનો ચાર્જ સુજાતા લઇ રહી હોય અને પોતે હવે એના હાથ નીચે કામ કરવું પડશે એવું લાગી રહ્યું હતું. તે સુજાતાને કહીને ઘરે જવા નીકળી ગઇ. બધાંને ખ્યાલ આવી ગયો કે સુજાતાના આગમનથી અંજનાને ઝાટકો લાગ્યો છે. તેને પોતાનું સ્થાન છીનવાઇ જવાનો ડર ઊભો થયો હશે. વાત પણ સાચી જ ને? આ કોઇ સરકારી ઓફિસ નથી કે હુકમ થાય એટલે નવા અધિકારી સ્થાન સંભાળી લે. એ તો ધારાસભ્યની પુત્રી છે. એની સામે આજે આવેલી સુજાતાનું મહત્વ કેટલું? પણ સુજાતાએ જે રીતે કાર્યાલયમાં પ્રવેશ કરીને પાટનગર સુધી તેના તાર જોડાયેલા હોવાનો પરિચય આપી દીધો હતો એ પછી બધાંને થયું કે આગામી દિવસોમાં સુજાતાનું કદ પક્ષમાં વધી શકે છે.
સુજાતાએ બપોરે થોડીવાર વિરામ લીધા પછી સાંજ સુધી સતત માહિતી મેળવી અને કામ કર્યું. સાંજે પણ તેનામાં ઉત્સાહ સવાર જેવો જ દેખાતો હતો. તે રસથી કામ કરી રહી હતી. સાંજ પડી ત્યાં સુધીમાં એક પછી એક બધા જ કાર્યકરો નીકળી ગયા હતા. છેલ્લે સુધી સુજાતા અને કાર્યાલયને તાળું મારનાર માણસ જ રહ્યા. સુજાતાએ તેને તાળું મારવાની સૂચના આપી અને બહાર નીકળી.
બહારની હવામાં તેણે ઊંડા શ્વાસ લીધા. તેને થયું કે તે જીવનમાં આઝાદીના શ્વાસ લઇ રહી છે. તે સ્વતંત્ર રીતે જીવશે. કોઇનું બંધન નથી. તેણે આમતેમ નજર નાખી. થોડે દૂર રોડ પર વાહનોની અવરજવર થઇ રહી હતી. આસપાસમાં કોઇ ન હોવાની નોંધ લીધા પછી સુજાતાએ મોબાઇલ હાથમાં લઇ એક નંબર ડાયલ કર્યો. સામે કોઇએ ફોન ઉપાડીને 'હલ્લો' કહ્યું એટલે તે ખુશ થઇ બોલી:"બધું બરાબર આગળ વધી રહ્યું છે. આજે પહેલું પગલું બરાબર હતું. તમે રાત્રે આવો એટલે બધી વાત કરું..." ફોન મૂકીને સુજાતાએ એક રીક્ષાને અટકાવી અંદર બેસી કહ્યું:"ન્યુ હાઇટસ પર લઇ લો..."
વધુ પંદરમા પ્રકરણમાં...
***
* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.
* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.