સપના અળવીતરાં ૬૭
રાગિણી એકદમ અવાક્ થઈ ગઈ. તેની નજર વારાફરતી ત્યાં હાજર બધાના ચહેરા પર ફરી વળી. ક્યાંક આશ્ચર્ય હતું, તો ક્યાંક હળવું સ્મિત.,ક્યાંક આશા હતી તો ક્યાંક ધરપત. ફરતી ફરતી તેની નજર કેદારભાઈ પર સ્થિર થઈ.
"પાપા, મમ્મા જે કહી રહ્યા છે એ જ હું સમજી છું કે મારે સમજવામાં કંઈ ભૂલ થાય છે?"
"ના બેટા, કોઈ ભૂલ નથી. અમે બંને એ જ વાત કહેવા ઈચ્છીએ છીએ. બેટા, કેયૂરને ગયે વરસ થઈ ગયું છે. અને ભલે મોઢે ન કહો, પણ તારો ઝૂરાપો અમે નજરે જોઈએ છીએ. કેતુલ પણ ધીમે ધીમે મોટો થઈ રહ્યો છે. અને અમે તો હવે ખર્યું પાન, પછી એકલા જિંદગી કેમ જિરવાશે? "
"બસ, પાપા, તમે કહી દીધું અને મેં સાંભળી લીધું. હવે, મારી વાત માનશો? "
રાગિણી ધીમા પગલે કેદારભાઈ અને કોકિલાબેનની નજીક આવી. બંનેને હાથ પકડી સોફા પાસે દોરી ગઈ અને બેસવા ઈશારો કર્યો. એ બંને બેઠા એટલે રાગિણીએ જમીન પર ગોઠણ ટેકવી કોકિલાબેનના ખોળામાં માથું મૂકી દીધું. તેની આંખમાંથી એક આંસુ સરકતું કોકિલાબેનના ખોળામાં ખોવાઇ ગયું. રાગિણીએ હળવેથી માથું ઉંચું કરી કોકિલાબેનના બંને હાથ પોતાના હાથમાં લઈ એમજ ગોઠણભેર બેઠા રહી આગળ કહ્યુ,
"સાવ નાની ઉંમરમાં મારા માવતર મેં ગુમાવી દીધા છે. એટલી નાની ઉંમરે કે એમનો ચહેરો પણ મને યાદ નથી! ત્યારપછી દીદીના દામનમાં દીદીની છત્રછાયા મળી. થોડી સમજણી થઈ કે દીદીનો સાથ પણ છુટી ગયો અને મારી કિસ્મત મને ગોવા લઈ ગઈ. હું ત્યારે પણ ખુશ હતી. મા અને બાબાએ મને ભરપુર પ્રેમ આપ્યો. ફરી નસીબનું ચક્કર ફર્યું અને... "
રાગિણીએ એક ડુસકું ભર્યું. ત્યાં હાજર બધાની આંખો પણ ભીની હતી. રાગિણીએ કેકે સામે નજર નોંધી વાત આગળ ચલાવી.
પછી મારી મુલાકાત કેકે સાથે થઈ. ખબર નહી કયા ઋણાનુબંધે, પણ કેકે હંમેશા મારી માટે મદદગાર બનીને ઉભા રહ્યા છે. એમની જ ઈચ્છા હતી કે એમના માવતર મારા માવતર બને. અને પછી કેયૂર સાથે મારો સંબંધ જોડાયો... ભવોભવનો સંબંધ..."
ફરી એક ડુસકું અને કેદારભાઈ તરફ જોઈને કહ્યું,
"નાનપણથી હું પરિવાર માટે તરસતી રહી છું. હવે જ્યારે મને આટલા પ્રેમાળ મમ્મા પાપા મળ્યા છે તો હું એમને કેવી રીતે છોડું? કેતુલના બાળપણને માણવાના લ્હાવાથી તમને કઈ રીતે વંચિત રાખું? "
કોકિલાબેનના આંસુની સરવાણી રાગિણીના હાથ પર સતત વહી રહી હતી. રાગિણીએ એમના આંસુ લૂંછી કહ્યું,
"અને રહી વાત મારી, તો હું ખુશ છું. બહુ જ ખુશ. કેયૂરની યાદો હજુય મારી અંદર ધબકે છે. અને તમને ખબર છે, કેયૂરે મને પ્રોમીસ આપ્યું છે કે એ પાછો આવશે... મારી પાસે... એ જરૂર પાછો આવશે. "
આ શબ્દો બોલતી વખતે રાગિણીની આંખમાં એક જુદોજ ચમકારો હતો, જે કોકિલાબેન સિવાય કોઈને ન દેખાયો. કોકિલાબેને રાગિણીના માથે હાથ મૂકી દીધો, પણ એમનું રૂદન રોક્યું રોકાતું નહોતું. સમીરા જઈને પાણી લઈ આવી. તેણે ગ્લાસ રાગિણીને આપ્યો અને રાગિણીએ પોતાના હાથે કોકિલાબેનને ઘુંટડો ભરાવ્યો. કોકિલાબેન જરા શાંત થયા ત્યાં અંદરથી કેતુલના રડવાનો અવાજ સંભળાયો એટલે રાગિણી ઉભી થઈ. બે હાથ જોડી બોલી,
"માફ કરજો, તમારી આ ઈચ્છા હું પૂરી નહી કરી શકું. "
અને ઝડપથી આંસુ લૂંછતી તે રૂમમાં કેતુલ પાસે પહોંચી ગઈ. કેતુલને ખોળામાં લઈ શાંત કર્યો અને સામે કેયૂરનો આદમકદ ફોટો હતો તેની સામે જોઈ રહી... એકટક... અનિમેષ... રાત આગળ વધતી જતી હતી. રાગિણી રૂમમાં આવી પછી હોલમાંથી ધીરે ધીરે બધા વિખેરાઇ ગયા હતા. કોકિલાબેન અને કેદારભાઈ પણ પોતાના રૂમમાં ગયા. કોકિલાબેનના ચહેરા પર ચિંતા વંચાતી હતી. કેદારભાઈએ એમને સધિયારો આપતા કહ્યું,
"થોડો સમય જવા દો, પછી ફરી સમજાવીશું. "
કોકિલાબેને હકારમાં માથું તો હલાવ્યું, પણ જેટલું એ રાગિણીને ઓળખતાં હતાં, એમને ખાતરી હતી કે રાગિણીને મનાવવી સહેલી તો નથી જ.
આદિત્ય કેકે સાથે તેના રૂમમાં ગયો.
"હેવ યુ ટેકન યોર મેડીસીન? "
આદિત્યની પૃચ્છા છતાં કેકે શૂન્યમાં જ તાકી રહ્યો હતો. એટલે આદિએ તેનો ખભો થપથપાવી ફરી એ જ સવાલ પૂછ્યો,
"દવા લીધી? "
કેકે એ એક ઊંડો શ્વાસ લઈ માથું ધુણાવ્યું એટલે આદિએ દવા અને પાણી તેના હાથમાં આપ્યા. તેણે દવા લીધી એટલે આદિએ ફરી ટકોર કરી,
"નેવર મીસ અ સીંગલ ડોઝ, અધરવાઇઝ... થોડો સમય ધ્યાન રાખવું પડશે. નહિતર જો ફરી ઉથલો માર્યો તો.... "
"હંમ્.."
કેકે હજુય વિચારોમાંજ ખોવાયેલો હતો.
"શું વિચારે છે? રાગિણી વિશે? તને ખબર હતી આ વાતની? "
"ના, મમ્મા પાપાએ મારી સાથે કંઈ જ ડિસ્કસ નથી કર્યું. ઈનફેક્ટ હું એ જ વિચારતો હતો કે, આટલી મોટી વાત, આટલો મોટો નિર્ણય... અને હું સાવ જ બેખબર?"
"ઓકે,ટેલ મી, જો તને પહેલેથી આ વિશે જાણકારી હોત, તો તું કોનો પક્ષ લેત? આઇ મીન રાગિણીના બીજા લગ્નથી તું ખુશ થાત ખરો? "
એકદમ ચુપકીદી છવાઇ ગઇ રૂમમાં.. કેકે ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. થોડીવારની સ્તબ્ધતા પછી આદિ બોલ્યો,
"તારા મનમાં શું છે એ હું જાણું છું. "
કેકેએ એકદમજ નજર ઉંચી કરી આદિ સામે જોયું એટલે આદિએ આગળ કહ્યુ,
"અને એ પણ જાણું છું કે તારા મનની વાત ક્યારેય તારા હોઠ પર નહીં આવે. તું કહેતો હોય તો હું અંકલ આંટી સાથે વાત કરૂં. "
કેકે થોડીવાર માટે એમજ થીજી ગયો, અને પછી પ્રયત્ન પૂર્વક માથું નકારમાં હલાવ્યું.
"પણ, કેમ નહી? "
"શી વોઝ કેયૂર્સ વાઇફ. "
"યસ. માઇન્ડ યોર વર્ડ્સ. શી વોઝ... એન્ડ નાઉ કેયૂર ઈઝ નો મોર. "
"ઈવનધેન... "
"જસ્ટ વિચાર તો ખરા, રાગિણી તારી સાથે પરણશે તો એ અહીં જ રહેશે, અને કેતુલ પણ... રાગિણીને એ જ પરિવાર મળી રહેશે, કેતુલનું બાળપણ માણવા મળશે અને તારા મનનાં કોઈક ખૂણે ધરબી દીધેલી લાગણીઓ, કે જે દરિયાકિનારે રાગિણીને પહેલી વખત જોઈ ત્યારે તે અનુભવી હતી... "
"બસ આદિ, ઈનફ.. "
કેકેએ તેને વચ્ચે જ રોકી દીધો. તેને ડર લાગ્યો કે ક્યાક વેરાન રણમાં ફરી કોઈક કુંપળ ફૂટી ન નીકળે.
"મને બોલતા રોકવાથી કોઈ લાભ નથી કેકે. એકવાર વિચારી જો શાંતિથી. "
"પણ એ મારા નાના ભાઇ કેયૂરની પરણેતર... "
"એવો ક્ષોભ છોડી દે કેકે. તે દિયરવટું નથી સાંભળ્યું? એક બાજું સમાજ દિયરને દિકરા સમાન જણાવે, જ્યારે બીજી બાજુ પતિ ગુજરી જતાં પરિવારના સભ્યોજ દિયરવટું કરાવી એક સમયના દેર ભોજાઈને પતિ પત્નીનાં સંબંધમાં બાંધે...કેયૂરની ગેરહાજરીમાં એના પરિવારની, રાગિણી અને કેતુલની જવાબદારી ઉપાડવી એ તારી ફરજ બને છે. "
કેકેના હોઠ ભીડેલા હતા, કપાળની અને આંખની આજુબાજુની નસો ફૂલી ગઈ હતી, છતાં તેનું મસ્તક હજુય નકારમાં હળવે હળવે હલી રહ્યું હતું. આદિએ ફરી સમજાવવાની કોશિશ કરતા કહ્યું,
" રાગિણીના બીજા લગ્નનો નિર્ણય તો આમપણ અંકલ આંટીએ જ લીધો છે ને? તે તો કંઈ કીધું જ નથી ને? તો પછી તું કેમ ખચકાય છે? તું ન કહી શકતો હોય તો હું વાત કરૂં? "
હજુય કેકેના ચહેરા પર નકાર જોઇ આદિએ છેલ્લો પાસો ફેંક્યો.
"તો તારી ના પાકી છે? સો ટકા પાકી? ઠીક છે, તો હું મારી માટે અંકલને વાત કરૂં... "
***
હોલમાંથી બધા વિખેરાયા એટલે સમીરાએ બાલ્કનીમાં જઈ વિશાલને કોલ કર્યો. વરુણને તે ત્યાંજ મૂકીને આવી હતી. ઘણીવાર સુધી વિશાલ અને વરુણ સાથે વાતો કર્યા પછી જ્યારે તે રાગિણીના રૂમમાં ગઈ તો દરવાજે જ અટકી ગઈ. તેને પોતાની આંખો પર ભરોસો ન બેઠો. રાગિણી...
... રાગિણી તેના પલંગ પર પલાંઠી વાળીને બેઠી હતી. એક હાથે ખોળામાં સુતેલા કેતુલને હળવી હળવી થપકી આપતી હતી, પણ તેની નજર કેયૂરની તસવીર પર જડાયેલી હતી, અપલક... તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી, છતાં તેની પલક ઝપકતી ન હતી! જાણે કેયૂરની નજર સાથે તારામૈત્રક રચાયું હોય એવું લાગતું હતું. રાગિણીના હોઠ સ્હેજ ધ્રુજી રહ્યા હતા. ધીરે ધીરે આ ધ્રુજારીનો વ્યાપ વધતો ગયો. તેની આંખો વધુ વિસ્ફારીત થતી ગઈ. ડોળા જાણે બહાર આવી જશે એવું લાગ્યું. હવે તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, છતાં આંખોની પલક ઝપકતી ન હતી. એસી ચાલુ હોવા છતાં રાગિણી પરસેવે તરબોળ થઈ ગઈ હતી. પરસેવાના રેલા કેતુલ પર ટપકતાં એ ફરી રડવા માંડ્યો છતાં રાગિણી સુધી જાણે તેનો અવાજ પહોંચતો જ નહોતો...
રાગિણીની આવી હાલત જોઈને સમીરા ડરી ગઈ. તેણે જોરથી રાગિણીના નામની બૂમ પાડી અને દોડીને કેતુલને રાગિણીના ખોળામાંથી ઉંચકી લીધો. તેને ખભે રાખી થપથપાવી સુવડાવવાની કોશિશ કરતી હતી ત્યાં એનો અવાજ સાંભળીને કેદારભાઈ, કોકિલાબેન, આદિ અને કેકે, બધા દોડતા ત્યાં આવી પહોંચ્યા. રાગિણીની આવી હાલત જોઈ તેમને પણ કશું સમજાયું નહી. સમીરાએ કેતુલને કોકિલાબેનને સોંપ્યો અને ફરી રાગિણી પાસે ગઈ. પલંગ પર તેની બરાબર સામે, કેયૂરની તસવીરની આડે બેસી ગઈ. ફરી એક વાર હળવેથી રાગિણીને નામ દઈ બોલાવી, પરંતુ કોઈ અસર ન થઈ. તેની ધ્રુજારી સતત વધતી જ જતી હતી.
સમીરા વધુ મુંઝાઈ. તેણે એક નજર કોકિલાબેન સામે જોયું અને ત્યારબાદ બાકી બધા સામે.. બધે એ જ મુંઝવણ ડોકાતી હતી. આદિ આગળ વધ્યો અને તેણે ધબકારા માપવા રાગિણીનું કાંડુ પકડ્યું. જેવો તેણે રાગિણીના કાંડાને સ્પર્શ કર્યો, કે તરત જ જાણે કરંટ લાગ્યો હોય એમ એનો હાથ પાછો ખેંચાઈ ગયો. સમીરા સમજી ગઈ. રાગિણીની આવી પરિસ્થિતિ તેણે પહેલા પણ અનુભવી હતી. હા, આટલી તીવ્રતા નહોતી ત્યારે...
ત્યારના અનુભવને યાદ કરી તેણે બંને હાથની હથેળી રાગિણીની હથેળીઓ પર રાખી દીધી. ઝાટકો તો તેને પણ અનુભવાયો, પણ તેણે પકડ મજબૂત કરી રાખી. ઊર્જાનું આખું ચક્ર સંપૂર્ણ થઇ ગયું. ધીમે ધીમે રાગિણીની ધ્રુજારી બેસી ગઈ અને તે ઢગલો થઈ ઢળી પડી...
***
નમસ્કાર મિત્રો,
કેમ છો? મજામાં? આપ સૌએ સપના અળવીતરાં અને રાગિણીને જે સ્નેહથી વધાવ્યા છે એ માટે આપની આભારી છું. જાણું છું કે નવા એપિસોડ માટે વધુ સમય લાગવાથી કદાચ તમે મારાથી નારાજ હશો. સાચું કહું, હું વાર્તા નથી લખી રહી, વાર્તા એની જાતે મારા દ્વારા એનું પોત મેળવી રહી છે.
હાલ ભાગ ૬૬ માં જે પોઈન્ટ પર વાત અટકી હતી, ત્યાંથી હવે કથાનકની દિશા નક્કી કરવાની હતી. અને ખરું પૂછો તો હવે બધાજ પાત્રો પણ અળવીતરાં થઈ ગયા છે... મારા કહ્યામાં નથી રહ્યા. ઘણો સંઘર્ષ ચાલ્યો લેખક અને લેખન વચ્ચે, પણ હવે સમાધાન થઇ ગયુ છે. વાર્તાની દિશા નક્કી થઈ ગઈ છે. હવે વધુ રાહ નહી જોવી પડે.
હવે રેગ્યુલર મુલાકાત થતી રહેશે રાગિણી સાથે..
આપ સૌએ રાગિણીના અળવીતરાં સપનાઓમાં અખૂટ રસ જાળવી રાખ્યો એ માટે ફરી એકવાર, દિલથી આભાર. 🙏