ઝમકુ તો બસ હમીરભાને જતા એક દયામણા ચહેરે જોતી રહી. એને આજે પોતાના ભા પર અઢળક પ્રેમ ઉછળતો હતો. મન અનેક વિચારોથી ખરડાયેલું હતું. અમારા જેવા નાના માણસ માટે પણ કોઈ આટલી તકલીફ કેવી રીતે વેઠી શકે છે ? અમારા ગરીબના બેલી કોણ હોય ? અમે બે બાપ-દીકરી, જો હમીરભા ના હોત તો શું કરી શકીએ ? આવા અનેક સવાલ વચ્ચે એ ગરીબ છોકરીની આંતરડી હમીરભા અને ભીખુભાને દેવાય એટલા આશીર્વાદ દેતી હતી. ત્યારબાદ જાણે પોતાના ભાગ્યનું બારણું બંધ કરતી હોય એમ નાનકડી ખડકી બંધ કરી. એ બારણું બંધ થતાં જ જાણે પિયરની બધી માયા બહાર જ મુકાઈ ગઈ. એના વિચારો પોતાના પતિ તરફ વળ્યા. એને ત્રણથી પાંચ ડગલાનું અંતર એક ગાઉ જેવું લાગ્યું. એ ધીમા પગલે પોતાના પતિના ખાટલા પાસે પહોંચી. વિઠલ તો નિમાણા ચહેરે હમીરભાના શબ્દો યાદ કરતો હતો. બાર મહીનેથી સાથે રહેતા બંને ચહેરા આજે સાવ અજાણ્યા હતા. આમ તો વાતાવરણ શાંત હતું પણ ક્યાંક ક્યાંક કુતરાના રડવાનો અવાજ તો ક્યાંક નાના ઘરના ઝઘડાનો અવાજ ધીમે ધીમે આવી રહ્યો હતો. ઝમકુનું મન પણ નિશાળે પહેલીવાર જતા બાળકની જેમ એક ડર સાથે ઉત્સાહમાં હતું. એને પોતાના પતિની સોડ સેવવાનો ઉત્સાહ તો હતો જ પણ એ માર પડવાના દિવસનો એક ડર પણ હતો.
કોઈપણ દામ્પત્યજીવનના ઝઘડાને સ્ત્રી તો આસાનીથી ભૂલી જાય છે પણ પુરુષ માટે ભૂલવું બહુ અઘરું હોય છે. આજે પણ આવું જ થયું એટલે વાતની શરૂઆત ઝમકુએ જ કરી. "હું ખીચડી બનાવી નાંખુ." મહામહેનતે ઝમકુ આટલુ બોલી. બહુ ઓછા પુરુષો પોતાનો અહમ્ છોડીને પોતાની પત્ની સાથે અબોલા તોડે છે. આ વાત કદાચ ઝમકુ જાણતી હશે. એટલે જ શરૂઆત એને કરી. "મારે નથી ખાવું." વિઠલે બહુ ટૂંકમાં જવાબ વાળી દિધો. કદાચ વિઠલનું મન હજુ એટલું તૈયાર નહોતું કે એ સાચા હૃદયથી ઝમકુને અપનાવી શકે. "ઠીક છે ! તો મારે પણ નથી ખાવું." એ તો બસ પતિની સામે જમીન પર બેસી ગઈ. એના ચહેરા ઉપર એક અલગ જ રોનક હતી. એનું આખું મુખ હાસ્યથી તરબોળ હતું. કદાચ બનાવટી પણ હોય એ તો ખ્યાલ નહિ. પણ એ પતિને મનાવવામાં કોઈ કસર છોડવા નહોતી માંગતી. "અરેરે ! દસ દિવસમાં તો સાવ કેવા થઈ ગયા ! આ હજામ પાસે દાઢી નથી કરાવી, ચહેરો સાવ સુકાઈ ગયો છે. આ લૂગડાં ધોયા વગરના પહેર્યા છે." ઝમકુ તો પોતાના પતિને મનાવવા માટે તેના વાકબાણ છોડવા લાગી. છતાં વિઠલની આંખો તો ભોં જ ખોતરતી હતી.
"તારા વગર આ બધી સલાહ સૂચન કોણ આપે ?" નીચા મોંઢે જ વિઠલ બોલી રહ્યો હતો. એ પોતે ફરીવાર એક સારો સંસાર જીવવા માટે પોતાની જાતને તૈયાર કરી રહ્યો હતો. ધીમે ધીમે વાત હાસ્યમાં પલટાતી ગઈ. ઘણા સમયથી સુકાયેલો પ્રેમનો વીરડો ફરી સજીવન થઈ ગયો હતો. એ ગરીબ દંપતી નવી જિંદગીની શરૂઆત કરી રહ્યા હતા. અને છેવટે ફરીવાર પરણ્યાની પહેલી રાત જેવું મિલન થઈ ગયું. વિઠ્ઠલના મનમાં ક્યાંક શંકાનો કીડો તો જીવતો હતો જ પણ એ હવે ભૂલી જવા માંગતો હતો. જ્યારે ઝમકુએ પણ નક્કી કર્યું કે કામ સિવાય કોઈ સાથે બોલવું નહિ અને બજારે બેસવું નહિ. આમ એનો કોઈ દોષ નો'તો પણ હવે એ પતિને ખુશ રાખવા માંગતી હતી.
બીજો દિવસ થઈ ગયો હતો. સવાર પડી ગઈ હતી. શિરામણ કરીને વિઠલ મજૂરીએ જવા નીકળતો જ હતો ત્યાં કોઈ વ્યક્તિને સમાચાર મળ્યા હશે કે ઝમકુ આવી છે એટલે એ ઘેર આવ્યો અને ઝમકુને દા'ડીએ આવવાનું કહ્યું. ઝમકુને લોભ જાગ્યો બે પૈસા કમાવવા માટેનો કે પછી પોતાના પતિને ઘર ચલાવવા માટે નાનકડો ટેકો કરવાનો; એણે વિઠલને પૂછ્યું તો વિઠલે પણ હા પાડી એટલે ઘર બંધ કરીને બંને મજૂરી પર નીકળી ગયા. સાથે ઝમકુના ત્રણ બકરીઓના મોં પર પણ રોનક આવતી જતી હતી. આવી રીતે ફરીવાર એક પરિવાર સુખેથી જીવવા લાગ્યો હતો. દિવસો વીતતા જતા હતા. અમુક દિવસોને બાદ કરતાં ઝમકુ મોટાભાગે ખુશ રહેતી. ઝમકુના દસ દિવસ સેજકપર રહેવાની મોટી ખોટ એ ગઈ હતી કે વિઠલ ક્યારેક ક્યારેક દારૂ પીતો થઈ ગયો હતો. અને એના કારણે જ ક્યારેક નાના-મોટા ઝઘડા ઘેર થઈ જતા હતા. પણ એ સામાન્ય હતા જે અવાર નવાર પુરા કસ્બામાં બધા ઘેર થતા. અને એક વાત પણ સાચી હતી કે ઝમકુ પરણીને આવી ત્યારથી વિઠલને દારૂ બંધ કરાવેલો જે એને ફરી ચાલુ કરી દીધો હતો. અને હવે સમજાવવાનો કોઈ મતલબ પણ નહોતો.
કહેવાય છે ને કે કુદરત કોઈ પણ વ્યક્તિનું જીવન દુઃખ ભરેલું નથી રાખતી. સમયાંતરે એ નાની-નાની ખુશી તો આપતી જ રહે છે. ઝમકુ સાથે પણ આવું જ થયું. એને સારા દિવસો જવા લાગ્યા. ઝમકુના ગર્ભમાં એક નવો જીવ આકાર લેવા લાગ્યો હતો. એના હરખનો પાર ના રહ્યો કારણ કે એ સમયે એક સ્ત્રીને ઘણા બધા ઝેરના કડવા ઘૂંટ પીવા પડતા હતા. જેમકે તું નભાઈ છે, તારા બાપે કોઈ સારો કરિયાવર નથી કર્યો, તું અવળા પગલાંની છે, આવા અનેક મે'ણાંમાં એક સૌથી અગત્યનું મે'ણું હતું તું વાંઝણી છે. આ કડવાશ એના માટે ઓછી થઈ ગઈ હતી. વિઠલ પણ બહુ ખુશ હતો. એ આ નવા સમાચાર સાંભળતા જ એ રાતે ખુશીનો માર્યો દારૂ પીને આવ્યો. ઝમકુને પોતાની પાસે બેસાડીને બહુ વ્હાલથી માથે હાથ ફેરવીને કહ્યું " મેં તને બહુ હેરાન કરી છે ને ! " આટલું બોલતા તો એનું ગળું ભરાય ગયું. આંખને તો કાબુમાં રાખી હતી એટલે આંસુને બહાર ના આવવા દીધા. એ તો બસ નશામાં પત્નીને સમજાવતો રહ્યો. ઓછું કામ કરજે, હું એકલો ઘરનું ભરણ પોષણ કરીશ, તું ધ્યાન રાખજે, આવા બધા શબ્દો એ ના સમજાય એવી ભાષામાં બોલતો રહ્યો અને ઝમકુના ખોળામાં માથું નાખી સુઈ ગયો. ઘરના દિવા ઓલવાઈ ગયા. પાછો એક દિવસ પૂરો થઈ ગયો.
એકવાર ઝમકુ કોઈ ખેતરે દા'ડીએ ગઈ હતી. ત્યાં કોઈ બૈરાંએ વાત કરી કે બાળકમાં સારા સંસ્કારનું સિંચન ગર્ભમાં કરવું હોય તો સારા પુસ્તકો વાંચવા જોઈએ. બસ આ વાત સાંભળતા જ એને મનથી નક્કી કરી લીધું કોઈપણ સંજોગમાં મારે મારા આવનાર બાળકને સંસ્કારી બનાવવું છે. આમ પણ ભોળા માણસો બહુ જલ્દી બધાની વાત સાચી માની લેતા હોય છે. પછી તો શું ??? એ સાંજે જ એ કોઈ જમીનદારના ઘેર ઉપડી અને ત્યાંથી નાનકડી રામાયણ લઈ આવી. એની આવી ઘેલછા કદાચ વાજબી પણ હતી.
દિવસો વીતવા લાગ્યા. ઝમકુ દિવસ આખો મજૂરી કરે અને નવરાશ મળે ત્યારે બે કલાક રામાયણ વાંચે. આમ તો બહુ ઓછું ભણેલી પણ થોડું ઘણું વાંચતા ફાવતું હતું. બે અક્ષર સરખા વાંચીને એ પુરા શબ્દનો તાળો મેળવી લેતી. ક્યારેક ખોટું પણ વાંચી લેતી. એને વાંચતી જોઈ કદાચ તુલસીદાસ અને ભગવાન રામ પણ રાજી થતા હશે. કારણ કે એ ભલે ખોટું વાંચતી હોય પણ નિષ્પાપ મનથી વાંચતી હતી. બે કલાકમાં બે પાનાં તો માંડ વાંચતી પણ પુરી નિષ્ઠાથી વાંચતી. અને એના ઉપર રામાયણની એટલી અસર પડી કે વિઠલ કયારેક કશું બોલી જાય તો પણ હસતી રહેતી હતી. એના પર પડતી ઘણી બધી મેલી નજરોને પણ એ નજરઅંદાજ કરતી થઈ ગઈ હતી.
બધું કામ પૂરું કરીને એ જ્યારે સુવા માટે પથારીમાં પડતી ત્યારે બસ પોતાના ગર્ભ પર હાથ ફેરવતી બાળક સાથે વાતો કરતી બાળક બની જતી. 'ભગવાન કરે મને છોકરી આપે' એ સમયે જ્યારે પુત્ર માટે લોકો બાધાઓ રાખતા ત્યારે દીકરીની ઈચ્છા રાખવી કેટલા મોટા મનની વાત કે'વાય. એ અબુધ સ્ત્રીની મહાનતા એના વિચારમાંથી છલકતી હતી. જો કે એનો બીજો વિચાર એને ધ્રુજાવી દેતો અને વિચાર બદલી નાખતી. 'ના... ના છોકરો જ જોઈએ છે. નહિતર પાછું મારું નાનું પારેવું મારી જેમ જ પિંખાઈ જશે. ' રોજ આવતા આ વિચારો એને આંસુ પડાવી જતા હતા.
પણ જ્યાં જીવન સુખ-શાંતિ ભર્યું ચાલતું હોય ત્યાં નિયતિને બહુ ઈર્ષા થાય. અને બન્યું પણ આવું જ.... શંકરો હવે ઘાયલ વરુની માફક ઝમકુ અને વિઠલને બરબાદ કરવા માટે મથતો હતો. એનો પે'લો દાવ વિઠલને રોજ દારૂ પીવડાવીને ખેલી ચુક્યો હતો. હવે સમય હતો ઝમકુને પાઠ ભણાવવાનો અને એના માટે એ પૂર્વ તૈયારી કરી ચુક્યો હતો.
ક્રમશ: ...........
લેખક : અરવિંદ ગોહિલ