જગતનો સમ્રાટ (ભાગ-18) આગળના ભાગમાં આપણે જોયું કે ગુરુજીનો સીધો જ જૈનીષ અને તેના માતા પિતા બીનીતભાઈ અને રમીલાબેનને સત્યથી પરિચિત કરાવવાનો પ્રયાસ એમની ધારણા મુજબ સફળ થતો નથી. રમીલાબેનની વિચલિત મનોસ્થિતિથી જૈનીષ આ સમયે આ સત્ય સ્વીકારી શકે તેમ નથી એનો અંદાજ ગુરુજીને આવી જાય છે. માટે હાલ પૂરતું ગુરુજી સત્ય જણાવવાનું મોકૂફ રાખવાનો નિર્ણય લઈ લે છે. ગુરુજી રાજેશભાઈના ઘરે જવાની ઈચ્છા પ્રગટ કરે છે અને પછી તરત કૈલાશધામ નીકળવાની તૈયારી દર્શાવે છે. રાજેશભાઈ પોતાને ઘરે ગુરુજીને લઈને આવવા માટે નીકળે છે. સાથે સાથે આચાર્ય સાહેબ, આનંદ સર તથા જૈનીષ અને દિશાના પરિવારને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપે છે. રાજેશભાઈના ઘરે પહોંચીને ગુરુજી સૌ પ્રથમ પોતાની પૂજા કરે છે અને ત્યારબાદ રાજેશભાઈ સાથે એકાંતમાં મળવાની ઈચ્છા જણાવે છે. ગુરુજી પૂજા પૂરી કરી રાજેશભાઈ સાથે ઘરની પાછળ રહેલ લીમડાના વૃક્ષ નીચે બેઠક લે છે. ગુરુજી રાજેશભાઈને જૂની વાતો યાદ કરાવે છે અને પછી તેમને એ વાતો સાથે જોડાયેલ રહસ્ય શું છે તે કહેવાની શરૂવાત કર હવે આગળ,
#######~~~~~~~#######~~~~~~~
ગુરુજી રાજેશભાઈને તેમના શિક્ષણ સમયની વાતો યાદ કરાવે છે જ્યારે તેઓ રાજેશભાઈને આસિસ્ટન્ટ કહીને બોલાવતા. આજે ગુરુજી રાજેશભાઈને તમામ સત્ય જણાવવાનું નક્કી કરી દે છે. જેથી આવનાર સમયમાં રાજેશભાઈ સમ્રાટને તેની પ્રારંભિક ટ્રેનિંગ આપી શકે. ગુરુજી વાતની શરૂઆત કરતા પહેલા રાજેશભાઈને આ જગ્યા સુરક્ષિત છે કે નહિ તેની પુષ્ટિ કરે છે. રાજેશભાઈ ગુરુજીને ખાતરી કરાવે છે અને તોય અન્ય જગ્યાએ જવું હોય તો ત્યાં લઈ જવાનું પણ કહે છે. પરંતુ ગુરુજી રાજેશભાઈને ના પાડે છે અને તેમને ત્યાં જ બેસીને બધું ધ્યાનથી સાંભળવાનું કહે છે.
ગુરુજી:- " ગુરુદેવ સાગરનાથની આજ્ઞા અને તેમના સલાહ સુચન મુજબ જ મે આખા આશ્રમની રચના કરી હતી. વિશાળ જંગલની વચ્ચે જ્યાં કોઈપણ માનવની આવન જાવન નો હોય તેવી જગ્યાએ મને ગુરુદેવ સ્વયમ લઈને આવ્યા. જંગલની જમીન ખૂબ જ ઉપજાઉ હોય છે એટલે આશ્રમ માટે ખોરાકની શોધમાં ક્યાંય દૂર જવું પડે નહી. એક જગ્યાએ આવીને એમણે આસન ધારણ કરી લીધું અને મને આજ્ઞા કરી કે અહીંથી આશ્રમની રચનાની મારી (ગુરુજીની) જવાબદારી ચાલુ થાય છે. જંગલની એક પણ પ્રાકૃતિક સંપતિ કે એની સુંદરતાને હાનિ ના થાય તે રીતે મારે આશ્રમ ઊભો કરવાનો હતો."
રાજેશભાઈ:- "ગુરુજી પણ આ તો સાંભળીને જ અશક્ય લાગે છે. એક પણ પ્રાકૃતિક સંપતિને થોડા પણ નુકશાન વગર આશ્રમના પાયા નાખવા શક્ય જ નથી. છતાંય ગુરુજી તમે આટલા ભવ્ય આશ્રમની રચના કઈ રીતે કરી ? મને હજી આશ્ચર્ય થાય છે ગુરુજી કે તમે ગુરુદેવ સાગરનાથની આજ્ઞા કેવી રીતે પૂરી કરી ? " પોતાના સ્વભાવ મુજબ રાજેશભાઈથી પૂછ્યા વગર રેવાયું નહી. ગુરુજી જાણે જાણતા જ હતા કે આ પ્રશ્ન આવશે જ એમ સ્મિત રેલાવતાં રાજેશભાઈ તરફ જોઈ રહ્યા હતા. " મારા અધીરા આસિસ્ટન્ટ, મને ખબર જ હતી કે તારી અધીરતા છલકાઈ જ જશે." અને બંને ગુરુ શિષ્ય ખડખડાટ હસી પડ્યા.
ગુરુજી આગળ જણાવે છે. " ગુરુદેવ સાગરનાથની આજ્ઞા કરે અને એ કામ પૂરું ના થાય એવું ક્યારેય બનતું જ નહી. તેમણે મને તૈયાર કરી દીધો હતો જ્ઞાન અને પ્રાચીન સ્વબચાવ વિદ્યા શીખવાડી ને. હવે ગુરુદેવ સાગરનાથ મારી પરીક્ષા લેતા હતા. મને થોડી વાર જરૂર લાગી સમજતા કે આ મારી પરીક્ષા છે પણ સમજાઈ ગયું ત્યારે બધું સરળ થઈ ગયું. ગુરુદેવે આપેલ શિક્ષા અને જ્ઞાનનો ઉપયોગ કરતો ગયો અને ધીરે ધીરે આશ્રમની સ્થાપના થતી ગઈ. પ્રારંભિક આશ્રમ તો આજના આશ્રમ કરતા એક દમ અલગ જ હતો. જે માત્ર જંગલની અંદર મોજુદ લાકડા, વેલ, લતાઓથી તૈયાર કરવામાં આવ્યો હતો. ગુરુદેવના આશીર્વાદથી એવું નિર્માણ થયું કે એમાં ટાઢ, તડકા કે વરસાદની અસર પડે નહી. પ્રારંભિક આશ્રમમાં માત્ર હું અને ગુરુદેવ જ રહીશું એની જાણ મને પાછળથી થઈ."
" આશ્રમ નિર્માણનું કામ પૂરું થયું. ગુરુદેવ સાગરનાથ પ્રસન્ન હતા. તેઓ મને આગળની શિક્ષા આપવા માટે જ ત્યાં લઈ ગયા હતા. જેથી તેઓ પોતાના જીવન લક્ષ્યની શોધમાં નીકળી શકે અને હું તેમની બીજી જવાબદારી ઉપાડી શકું." આટલું બોલીને ગુરુજી રાજેશભાઈ તરફ એક નજર નાખી. ગુરુજીને હતું કે આ વખતે પણ રાજેશભાઈ ગુરુદેવ સાગરનાથની જીવન લક્ષ્ય વિશે પ્રશ્ન જરૂર પૂછશે, પણ રાજેશભાઈ તરફથી એવો કોઈ પ્રતિસાદ આવ્યો નહી. એટલે ગુરુજી પાછી તેમની જીવન યાત્રા સંભળાવે છે.
ગુરુજી:- " રાજેશ, તું માની શકીશ કે ગુરુદેવને ભવિષ્યનું જ્ઞાન હતું એટલે જ તેમને મને આશ્રમ સ્થાપીને તેના સંચાલનની જવાબદારી સોંપી ?" રાજેશભાઈ તો આ સવાલ સાંભળીને છક થઈ ગયા. એમને લાગ્યું કે ગુરુજી તેમની સાથે મજાક કરે છે. એટલે તેઓ ખડખડાટ હસવા લાગ્યા. પણ ગુરુજીના ચેહરા પરના હાવભાવમાં કોઈ ફરક ના પડ્યો એટલે રાજેશભાઈ આશ્ચર્યમાં મૂકાઈ ગયા. " શું કહો છો ગુરુજી ? ગુરુદેવ સાગરનાથ સાચે જ ભવિષ્ય જોઈ શકતા હતા ?"
ગુરુજી:- " મને ગુરુદેવે જ્યારે જણાવ્યું ત્યારે હું પણ વિશ્વાસ નહોતો કરી શક્યો. પણ જ્યારે તેઓ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા આશ્રમથી એકલા નીકળી ગયા ત્યારે મારા માટે ઘણું બધું લખીને મૂકી ગયા હતા. આશ્રમનાં લોકો એને ગુરુદેવ સાગરનાથનો ગ્રંથ કહે છે રાજેશ. અને એ ગ્રંથ તે પણ જોયો છે. બસ અંદરનું લખાણ બધા વાંચી શકતા નથી. ગુરુદેવની કૃપા હોય તે જ માત્ર વાંચી શકે છે." આ રહસ્ય જાણ્યા બાદ રાજેશભાઈ ખૂબ જ આશ્ચર્યની અનુભૂતિ કરતા હતા. તેમને હજીય વિશ્વાસ નહોતો થતો કે તેઓ જે સાંભળી રહ્યા છે તે સાચું છે કે નહિ.
ગુરુજી:- " ઘણા રહસ્ય જાણ્યા બાદ જ રાજેશ તને જૈનીષ માટે મારૂ અહી આવવાનું કારણ સમજાશે. ગુરુદેવે માત્ર બે વ્યક્તિઓ માટે જ એ આખું પુસ્તક લખ્યું છે. પેહલો વ્યક્તિ તારી સામે બેઠો છે રાજેશ. મારે પણ તેને વાંચવા માટે ગુરુદેવે આપેલ તમામ શિક્ષા અને મારા અનુભવોનો ઉપયોગ કરવો પડ્યો. પણ પરિણામ શૂન્ય રહ્યું. પોતાનો શિષ્ય પાછળ રહે એ ગુરુદેવને ક્યાંથી મંજૂર હોય ? એક દિવસ મને ઊંઘમાં આવીને આજ્ઞા કરી કે મારો સંપર્ક કરવાની કોશિશ કર. બે દિવસ તો આ પહેલી જ રહી મારા માટે, પણ પછી સમજાયું કે ગુરુદેવ સાગરનાથ ધ્યાન દ્વારા તેમની સાથે સંપર્ક કરવાની વાત કહેતા હતા."
ગુરુજી:- " કેટલાય દિવસ સુધી પ્રયત્ન કરવા છતાં ધ્યાનમાં બેસી શકાતું નહોતું. એકાગ્ર ચિત્ત રાખવું મારા માટે કઠિન કાર્ય બની ગયું. ઉપાય શોધવા માટે હું આશ્રમના એ ભાગમાં ગયો જ્યાં ગુરુદેવને બેસવું અને ધ્યાન કરવું ગમતું. અને જ્યારે તેઓ એ સ્થાને જતા ત્યારે મને ત્યાં જવાની મનાઈ હતી એટલે જ મને એમનો ધ્યાનવાળો સંદેશ જલ્દી સમજાયો નહી. જ્યારે સમજાયું ત્યારે જે મળ્યું તે કોઈ ખજાનાથી ઓછું નહોતું રાજેશ." અને ગુરુજીની આંખો બંધ થઈ જાણે તેઓ તે સમયમાં પહોંચી ગયા અને તેમના ચેહરા પર સુખદ ભાવો સ્થિર થઈ ગયા.
#######~~~~~~~#######~~~~~~~
ગુરુજી કયા ખજાનાની વાત કરી રહ્યા છે ?
શું ગુરુદેવ સાગરનાથને ભવિષ્યની ઘટનાઓની જાણ હતી ?
તેમનું લક્ષ્ય શું છે ? કેમ તેમણે ગુરુજીને અડધી જવાબદારી માટે પસંદ કર્યા ?
સવાલો વધતા જાય છે અને વાર્તા પણ તેની ચરમસીમાએ પહોંચી છે. બધા રહસ્યો ખુલતા જ સમ્રાટની યાત્રા શરૂ થઈ જશે ? કે નવી કોઈ અડચણ આવશે ? જાણવા માટે મળીયે આવતા ભાગમાં.......
રાધે રાધે
હર હર મહાદેવ