Chapter 1
'સાપુતારા રમતોત્સવ', સાપુતારા હિલ સ્ટેશનનું
ગૌરવ હતું અને નાની મોટી બધી પાઠશાળાઓ પોતાના વિદ્યાર્થીઓને એમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરતી. છોકરાઓ પણ આ વાર્ષિક સમારોહની ઉત્સુકતાથી વાટ જોતા. ખેલ-કૂદ મહાકુંભ સ્પર્ધાની એક જુદી જ મજા હતી.
બાર વર્ષની વિભાને વિશ્વાસ હતો, કે આ વખતે પણ, છેલ્લા બે વર્ષની જેમ, સાપુતારા રમતોત્સવ માં, બાસ્કેટબૉલ માં એની ટીમને સુવર્ણ પદક મળશે અને એ લોકો હેટ્રિક કાયમ કરી શકશે. જેથી એ પોતાની સ્કૂલ, એમ. કે. ગાંધી વિદ્યાલયનું નામ ફરી રોશન કરવામાં સફળ થશે. વિભા પોતાના ટીમની કપ્તાન હતી અને સ્કૂલ ન્યૂઝલેટરની સંપાદક પણ હતી. જેટલી ભણવા માં હોંશિયાર, એટલીજ કાળજી પૂર્વક અને જિજ્ઞાસા વાળી હતી. કોઈ પણ મુદ્દાની જડ સુધી પોહચીને જ એને શાંતિ મળતી. એની ચપળતાના કારણે, એ આખી સ્કૂલમાં પ્રખ્યાત હતી.
એક સવારે પ્રેક્ટિસ દરમિયાન, કોચ ચિંતામણી,
આખી ટીમને મહત્વપૂર્ણ ટિપ્સ આપી રહ્યા હતા. અચાનક વિભાની નજર, સામે પ્રિન્સીપલની ઑફિસ પર પડી. કાળા કપડાં માં, માસ્ક પહેરેલો, એક માણસ, બગલમાં લાલ રંગની ફાઇલ દબાવીને, આચાર્યની ઑફિસની બારી માંથી કૂદકો મારીને ભાગ્યો. વિભાએ હાથ ઊંચો કરતા જોરથી બૂમ પાડી,
"ચોર, ચોર!"
વિભા ઑફિસ તરફ દોડી અને કોચ ચોરની પાછળ ગયા. પણ ચોર ઝડપથી દીવાલ લાંઘી ને ભાગી ગયો. પ્રિન્સિપલ રમેશ કોઠારી આજે સ્કૂલ મોડેથી આવવાના હતા. એમનો ચપરાસી સદૈવ ખુરશી પર
ઝોકાં ખાતો જ મળતો. અવાજ સાંભળીને ડરી ગયો. વિભા એ ઉપાચાર્ય, અશોક ત્રિવેદીને બોલાવ્યા અને કોચની સાથે ત્રણે કોઠારી સાહેબની ઑફિસ માં ગયા. કેબિનેટ્સ ખુલ્લી હતી અને બધી વસ્તુ વેરવિખેર પડી હતી. ત્રિવેદી સર બોલ્યા,
"એ માણસ શું લેવા આવ્યો હશે? અહીંયા કયો ખઝાનો છે?"
વિભા ચૂપચાપ ચારે બાજુ નજર ફેરવી રહી હતી. ટેબલ નીચે કાંઈક ચમકી રહ્યું હતું. હાથ માં લઈને જોયું, તો એ એક પોકેટ ઘડિયાળ હતી.
"સર, જુઓ. આ આપણા પ્રિન્સીપલની નથી લાગતી."
"હા વિભા, આ જરૂર એ ચોરની હશે."
"આપણે પોલીસમાં રિપોર્ટ લખાવવો જોઈએ."
કોચ ચિંતામણી એ સુજાવ આપતા કહ્યું. પણ ત્રિવેદી સર એ ના પાડી.
"કોઠારી સાહેબને પૂછ્યા વગર કાંઇ ન કરાય."
પ્રિન્સિપલ સાહેબને ફોન કરીને જલ્દી બોલાવ્યા. કોઠારી સરને પોતાની ઑફિસની દુર્દશા જોઈને આઘાત લાગ્યો. બધે આંખ ફેરવ્યા પછી આશ્ચર્ય ભાવે બોલ્યા,
"ટ્રોફી અને મેડલ્સનો કબાટ સલામત છે અને ફાઇલો વેરવિખેર પડી છે. ચોર એવું શું લઈ ગયો હશે? ચોરી થઈ છે એની પાછળ જરૂર કોઈ પડતી સ્કૂલ કે પછી આપણા કોઈ કોમ્પિટિટ્ટર નો હાથ લાગે છે."
"સર, આપણે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ."
"ના ત્રિવેદી. એમાં આપણી સ્કૂલ, એમ. કે. ગાંધી વિદ્યાલયનું નામ બદનામ થશે. પહેલા આપણે આપણી રીતે તપાસ કરીશું."
વિભા આગળ આવીને પ્રિન્સિપલને પોકેટ ઘડિયાળ બતાવી. થોડીક વાર વિચાર્યા પછી કોઠારી સર બોલ્યા,
"વિભા, તારા પિતા ઘડિયાળ રિપેરીંગનું કામ કરે છે ને?"
"જી સર."
"આ ઘડિયાળ એમને બતાવી જો અને પૂછ કે આ બાબત માં તેઓ આપણી કંઈક મદદ કરી શકશે?"
"જી સર, જરૂર પૂછી જોઇશ."
"ધ્યાન રાખજે. આ વાત વધારે ફેલાવી ન જોઈએ."
"જી સર."
Chapter 2
ઘરે પહોંચતા પહોંચતા વિભામાં નેન્સી દ્રુ ની આત્મા પ્રવેશ કરી ગઈ અને એણે ચોરને પકડાવવાની ઠાની લીધી. રાત્રે જ્યારે એના પપ્પા વિકાસ ઘરે આવ્યા તો વિભાથી ચુપ ન રહેવાયું. એણે જમતી વખતે પપ્પાને સ્કૂલમાં ઘટી દુર્ઘટનાની વાત કરી અને જમ્યા પછી ઘડિયાળ બતાવી. પપ્પા લાંબો સમય સુધી ઘડિયાળને જોયા કર્યું. વિભાની ધીરજ ખૂટી ગઈ અને ચિંતા સાથે બોલી,
"પપ્પા, તમને શું લાગે છે?"
"દીકરી, આ ઘડિયાળ એક વાર મારી પાસે રિપેર માટે આવેલી."
વિભાની જિજ્ઞાસા અને આશા વધી ગઈ.
"તો તમને ખબર છે આ કોની છે?"
"એ મને યાદ નથી."
"તો પછી?"
"પણ મને એટલું ખબર છે કે આ ખુબજ મોંઘી અને લિમિટેડ એડિશન ઘડિયાળ છે."
વિભાનું મોઢું પડી ગયું.
"પણ એનાથી શું થશે? આપણે તો ચોરને પકડવાનો છે."
"બેટા, એ વખતે આનો એક પાર્ટ ન્હોતો મળી રહ્યો. જેના માટે મને એક મોટા શોરૂમ માં જવું પડ્યું હતું. જો આપણે આ ઘડિયાળ ત્યાં લઈ જઈએ તો કદાચ તેઓ આપણી કાંઈક મદદ કરી શકશે."
વિભા ખુશ થઈ ગઈ અને ઉત્સુકતા થી બોલી.
"કાલે મને રજા છે. હું તમારી સાથે આવીશ અને આપણે આ શોરૂમ માં જઇશું. ઓકે?"
"હાં, ભલે."
બીજા દિવસે સવારે વિભા અને એના પપ્પા વિકાસ,
તે શોરૂમ માં જઈને પોકેટ ઘડિયાળ બતાવી અને વિકાસે દુકાનના શેઠ ને પૂછ્યું,
"સાહેબ આ ઘડિયાળ ઘણા દિવસ પહેલા મારી પાસે કોઈ ભૂલી ગયું હતું અને પાછી લેવા નથી આવ્યું. જો તમે આ વેચી હોય, તો રસીદ જોઈને એના માલિકનું નામ જણાવશો, જેથી અમે તેને પાછી કરી શકીએ."
દુકાનદાર વિકાસને ઓળખતો હતો. તેણે અચકાયા વગર પોતાની રસીદની બુક ખોલી. નજર ફેરવતા બોલ્યો,
"ઘણી જૂની વાત છે અને આવી તો ત્રણ ઘડિયાળો મેં વેચી છે, તો ખબર કેવી રીતે પડશે?"
વિકાસે થોડુંક વિચાર્યુ અને બોલ્યા,
"હું આનો એક પાર્ટ લેવા તમારી પાસે આવેલો, એ હિસાબ થી શોધી શકો છો."
"હમ્મ. મોડેલ નંબરથી ખબર પડી જશે."
રસીદ ની બુક તપાસતા જાણવા મળ્યું કે ઘડિયાળ કોઈ રમાકાન્ત દેસાઈની હતી. સાપુતારાના પ્રખ્યાત પૈસાદાર માંથી એક હતા. વિભા અને વિકાસ વધુ ગુંચવણ માં પડી ગયા. આટલી પ્રખ્યાત વ્યક્તિ આવું કામ ન કરી શકે. વિભાએ દુકાનદારને વિનંતી કરી,
"સર, પ્લીઝ તમે અમને રમાકાન્ત દેસાઈનું સરનામું
આપી શકશો? જેથી અમે તેમની અમાનત તેમને સુપ્રત કરી દઈએ?"
"જરૂર દીકરા."
શોરૂમ માંથી બાહર આવતા જ, વિકાસે વિભાની પીઠ થપથપાવી.
"શાબાશ દિકરી! રમાકાન્ત સાહેબ પાસેથી આગળની કોઈક કડી મળશે."
વિકાસે સ્કૂટર ચાલુ કરી અને બન્ને બાપ દીકરી રમાકાન્ત દેસાઈના ઘરે જવા નીકળી પડ્યા. એમનું ઘર એક શાનદાર બંગલો હતો. ઘરની આગળ મોટો
લીલો છમ બગીચો લહેરાતો હતો અને ગેરેજ માં બે ચમ ચમાતી ગાડી ઉભેલી હતી. વિભા ચકિત થઈ, ટુકુર ટુકુર જોતી રહી ગઈ.
"પપ્પા, કેટલો વિશાળ અને સુંદર બંગલો છે ને?"
વિકાસ સ્મિત કરતાં બોલ્યો,
"હાં બેટા, ચાલ અંદર જઇએ."
ચોકીદારે એમને અટકાવતા પૂછ્યું,
"કોને મળવું છે?"
વિકાસે જણાવ્યું,
"અમને દેસાઈ સાહેબને મળવું છે. એમની એક વસ્તુ પાછી આપવી છે."
"ખમો. હું પૂછી આવું. સાહેબ કોઈને યોજેલી મુલાકાત વગર નથી મળતા."
દસ મિનિટ પછી ચોકીદાર એમને અંદર લઈ ગયો.
શ્રીમંત દેસાઈ સાહેબ આરામ ખુરશી પર બેઠાં બેઠાં
છાપું વાંચી રહ્યા હતા. વિકાસ અને વિભાને જોઈને પેપર બંધ કરતા પૂછ્યું,
"તમે કોણ? આપણે પહેલા મળ્યા હોય, એવું મને યાદ નથી પડતું."
વિકાસે ધીમે થી કહ્યું,
"સર, તમે અમને નથી ઓળખતા. હું વિકાસ અધિકારી અને આ મારી દીકરી વિભા."
વિભાએ નમસ્તે કર્યુ અને વિકાસ આગળ બોલ્યો,
"સર વાત થોડીક લાંબી છે."
દેસાઈ સાહેબે સોફા તરફ ઈશારો કર્યો,
"બેસો."
બેઠા પછી, વિકાસે પોકેટ ઘડિયાળ કાઢીને બતાવી.
"સર, જોવો તો, શું આ તમારી છે?"
ઘડિયાળ હાથ માં લેતા જ દેસાઈ સાહેબ ચોંકીને બોલ્યા,
"અરે આ ઘણા વખત પહેલા ચોરી થઇ ગઈ હતી.
આ ખુબજ મોંઘી ઘડિયાળ છે અને આના માટે મેં પોલીસ માં ફરિયાદ નોંધાવી હતી. તમને ક્યાંથી મળી?"
વિકાસ અને વિભાએ મળીને સ્કૂલ માં થયેલી ઘટના દેસાઈ સાહેબને વિગત વાર જણાવી. છેલ્લે વિકાસ બોલ્યો,
"સાહેબ તમને કોઈ અંદાજો છે, આ કોણ હોય શકે?"
"હમ્મ... વાત નોંધ લેવા જેવી છે."
થોડીક વાર વિચાર્યા પછી, રમાકાન્ત દેસાઈ એક બાબત શેર કરી.
"લગભગ એક વર્ષ પહેલા, મારા જુના ડ્રાઈવર, પ્રકાશે અમારા સાથે ઘણો અસભ્ય વ્યવહાર કરેલો. પંદર દિવસની નોટિસ આપીને અમે એને કાઢી નાખ્યો. હવે મને લાગે છે, આ હલકું કામ એનું હોય શકે."
વિભા તરત બોલી ઉઠી,
"તો શું તમારો જુનો ડ્રાઈવર આમારી સ્કૂલ માં ચોરી કરવા આવ્યો હતો? પણ અમારી સ્કૂલ માંથી એને શું જોઇતું હશે?"
વિકાસે, દેસાઈ સાહેબ ને વિનંતી કરી,
"સર, પ્લીઝ તમે અમને એનું સુરનામું આપી શકશો?"
Chapter 3
સોમવારે સવારે જ્યારે વિભા સ્કૂલ બસ માંથી ઉતરીને સ્કૂલના ગેટમાં દાખલ થઇ રહી હતી, ત્યારે
અચાનક એક હાથે એને જકડી લીધી. પાછળ ફરીને જોયું, તો એનો જૂનો કોચ પ્રણવ ગુપ્તા. એમના ચહેરા ઉપર ખંધુ હાસ્ય હતું.
"So, how is એમ. કે. ગાંધી વિદ્યાલયની બાસ્કેટબૉલની કપ્તાન?"
વિભા ચોંકી ગઈ અને થોડી ડરી પણ ગઈ.
"સર, તમે?"
"આ વખતે સાપુતારા રમતોત્સવ માં જો સવર્ણ પદક જોઇતું હોય, તો વધુ મહેનત કરવી પડશે. હવે તમારી વિરૂદ્ધ માં બીજા strong competitors ઉભા થઇ ગયા છે."
વિભાને પ્રણવ ગુપ્તા પહેલે પણ ન્હોતો ગમતો અને આજે પણ એને જોઈને ગુસ્સો આવી રહ્યો હતો.
"Thank you for your advice. Now will you please excuse me?"
વિભા સીધી પ્રિન્સિપલ રમેશ કોઠારીની ઑફિસ માં ગઈ. નોક કરતા, જરાક બારણું ખોલતા ધીમેથી બોલી,
"Sir may I come in?"
"Yes."
વિભાને જોતા જ પ્રિન્સિપલે પુછ્યું,
"વિભા, કાંઈક ખબર પડી?"
"જી સર."
વિભાએ પોકેટ ઘડિયાળની પહેલેથી અંત સુધીની બધી વિગતવાર વાત પ્રિન્સિપલને કરી. પછી એમને એક કાગળ આપતી વખતે બોલી,
"સર, આ એ ડ્રાઈવર નું એડ્રેસ છે."
કોઠારી સર ઉભા થઈને વિભા પાસે આવ્યા અને એની પ્રશંસા કરતા, એની પીઠ થપથપાવી.
"શાબાશ દીકરી. I'm so proud of you!"
"Thank you. સર આજે સ્કૂલની બહાર કાંઈક
વિચિત્ર ઘટ્યું."
"શું થયું?"
વિભાએ પ્રણવ ગુપ્તા સાથેની અચાનક થયેલી ભેટની વાત કરી. પ્રિન્સિપલને આ સાંભળીને ક્રોધ ચડ્યો. અને થોડું આગળ વિચાર્યા પછી એક વાત દિમાગમાં આવી. એમણે તરત ઉપાચાર્ય અશોક ત્રિવેદી અને કોચ ચિંતામણીને બોલાવ્યા અને વિભાને કલાસમાં જવાનું કહ્યું.
"Thank you dear. આ બાબત કોઈની સાથે શેર નહિ કરજે. આગળ હું જોઈ લઈશ. હવે તું કલાસ માં જા."
* * * * *
"ત્રિવેદી, પ્રણવ ગુપ્તા યાદ છે?"
"અપણો જૂનો કોચ?"
"હા."
પ્રિન્સિપલે ચિંતામણી સામે જોયું અને વાત ચાલુ કરી.
"તમારી પહેલા, પ્રણવ ગુપ્તા અમારી સ્કૂલ માં સ્પોર્ટ્સ ટીચર હતો. એ ટીચર સારો હતો, પણ ગુસ્સાવાળો હતો. એનામાં તમારી જેમ ધીરજ ન્હોતી. એક વાર એણે એક વિદ્યાર્થીને બહુજ ખરાબ રીતે માર્યું હતું. એ છોકરાને દવાખાને લઈ જવો પડ્યો અને અમને એના માબાપને આજીજી કરવી પડી કે પોલીસ માં ફરિયાદ ન લખાવે."
કોચ ચિંતામણી છક થઈ ગયો.
"અરે બાપરે!"
"Of course, સ્વાભાવિક છે, અમે પ્રણવ ગુપ્તાને કાઢી મુક્યો."
પછી, પ્રિન્સિપલે આગળ બેસતા, રમાકાન્ત દેસાઈ ના ડ્રાઈવર અને વિભાની સાથે પ્રણવ ગુપ્તાની અચાનક મુલાકાતની વાત કરી.
"સર, તમને નથી લાગતું કે આ બન્ને વાત એકજ કડી થી જોડાએલી હોય શકે?"
"Exactly Trivedi! That's my point."
ચપરાસી બારણાં માથું નાખતા બોલ્યો,
"સર, કોઈ રમાકાન્ત દેસાઈ તમને મળવા માંગે છે."
કોઠારી સાહેબ સઆનંદ આશ્ચર્ય થઈ ગયા અને કહ્યું,
"એમને તુરંત અંદર લઈને આવ."
દેસાઈ સાહેબને જોઈને ત્રણે ઉભા થઈ ગયા અને એમની સાથે હાથ મેળવ્યો. ચપરાસી પાછળ દરવાજા પાસે ઉભો હતો.
"દેસાઈ સાહેબ, તમને અહીં જોઈને હું ચકિત તો છું જ પણ સાથે ખુશ પણ છું. પ્લીઝ બેસો."
"કોઠારી સાહેબ, મારા સંતાનોનું ભવિષ્ય ઉજ્વળ કરવામાં તમારો અને તમારી સ્કૂલનો બહુ મોટો હાથ છે. એ હું કેવી રીતે ભૂલી શકું?"
પ્રિન્સિપલે આભાર વ્યક્ત કરતા ઉપાચાર્ય ત્રિવેદી અને કોચ ચિંતામણીને જણાવ્યું,
"દેસાઈ સાહેબ, સાપુતારા રમતોત્સવના ગણત્રીના
sponsors માંથી એક છે. દર વર્ષે પાંચ ઇનામ એમની તરફથી હોય છે."
પ્રિન્સિપલે ચપરાસી સામે જોઇને કહ્યું,
"રામુ, દેસાઈ સાહેબ માટે ચા નાસ્તો લઈ આવ."
"જી સર."
દેસાઈ સાહેબને ધ્યાન આપતા, કોઠારી સર બોલ્યા,
"હું તમારી શું મદદ કરી શકું છું?"
"મદદ તો હું તમારી કરવા આવ્યો છું. તમારી વિદ્યાર્થીની અને એના પપ્પા મારી પાસે આવ્યા હતા, અને મને સ્કૂલ માં થયેલી ચોરીની વાત કરી."
દેસાઈ સાહેબે પોકેટ ઘડિયાળ ટેબલ ઉપર મૂકતી
વખતે કહ્યું,
"આ હમણાં તમે રાખો. કદાચ ચોરને પકડવામાં કામ આવશે."
કોઠારી સર ઘડિયાળ હાથમાં લેતા કહ્યું,
"આ તો ઠીક છે, પણ હવે કંઈક બીજું સામે આવ્યું છે."
પ્રિન્સિપલે ફરી એક વાર પ્રણવ ગુપ્તા ની વાત કાઢી અને દેસાઈ સાહેબને જણાવ્યું.
જેવો રામુ ચા નાસ્તો લઈને અંદર આવ્યો, કોઠારી સર બોલી રહ્યા હતા,
"મને લાગે છે કે તમારો જૂનો ડ્રાઈવર અને પ્રણવ ગુપ્તાની આ મિલી ભગત છે."
"પ્રણવ ગુપ્તા??" રામુ એ ચોંકીને પુછયું.
"હાં, આપણો જૂનો સ્પોર્ટ્સ ટીચર."
રામુ ફરી બોલ્યો,
"સર, એને તો મેં આજે સવારે આપણા ચોકીદાર ક્રાંતિ સાથે ગપાટા મારતા જોયો હતો. બન્ને ખૂબ હસી હસીને વાત કરી રહ્યા હતા."
પ્રિન્સિપલ સાહેબનો ગુસ્સો સીમા પાર કરી ગયો અને એમણે રામુને હુકમ આપ્યો,
"ક્રાંતિને તુરંત મારી પાસે મોકલ."
"જી સર."
જ્યારે ચોકીદાર કેબિન માં આવ્યો, તો પ્રિન્સિપલે એની ઉલટ તપાસ કરી.
"કેમ ક્રાંતિ, તને આ સ્કૂલ માં રહેવું છે કે પછી તને કાઢી મૂકીએ?"
ક્રાંતિ એક્દમથી ડરી ગયો.
"શું થયું સર, મારાથી કંઈ ભૂલચૂક થઈ છે?"
"તારો પ્રણવ ગુપ્તા સાથે શું સંબંધ છે?"
"ના સર. મારો એની સાથે કોઈ સંબંધ નથી."
"જો વાત છુપાવવાનો પ્રયત્ન ન કર. મને બધી જાણકારી મળી ગઈ છે. પણ હું તારા મોઢેથી સાંભળવા માંગુ છું."
"મને માફ કરી દયો સર."
" એ પછી. પહેલા સાચું બોલ."
ક્રાંતિ એ ધીમે થી બોલવાનું શરૂ કર્યું.
"છેલ્લા બે અઠવાડિયાથી પ્રણવ ગુપ્તા મારી પાસે રોજ આવે છે. વાત વાત માં આપણી સ્કૂલ માં સાપુતારા રમતોત્સવની તૈયારી બાબતે પૂછતો રહે છે."
કોઠારી સાહેબ મુઠ્ઠી બંદ કરીને ટેબલ પર હાથ પટક્યો. ક્રાંતિ ધ્રુજવા લાગ્યો.
"સર પહેલા હું કાંઇ ન્હોતો બોલવાનો, પણ એણે મને ત્રણ હજાર રૂપિયા આપ્યા."
"Unbelievable!! ફક્ત ત્રણ હજાર રૂપિયા માટે તેં
તારી વફાદારી વેચી નાખી?"
ક્રાંતિ આંખ બંધ કરતા માથું નમાંવ્યું.
"બીજું કંઈ પણ તેં એને જણાવ્યું છે?"
ક્રાંતિનો અવાજ ગાળામાં દબાઇ ગયો. ન સંભળાય એવા સ્વર માં બોલ્યો.
"તે મને તમારું આવવા જવા નું ટાઇમટેબલ પણ પૂછતો હતો."
પ્રિન્સિપલ સાહેબે ઊંડો શ્વાસ લીધો અને ગુસ્સાને નિયંત્રણ માં રાખવાનો પ્રયત્ન કર્યો.
"ચોરની સાથે તને પણ પોલીસ માં જમા કરી નાખવો જોઈએ."
ક્રાંતિ પ્રિન્સિપલના પગમાં પડી ગયો.
"ના સર ના! પ્લીઝ મને માફ કરો."
"હમણાં તું જા. તારી તો હું પછી ખબર લઈશ."
Chapter 4
બે દિવસ સુધી કોઠારી સાહેબે, ત્રિવેદી સર અને કોચ ચિંતામણી સાથે આ વિષય પર ચર્ચા કરી.
"બની શકે તો આ ગૂંચ આપણે જ ઉકેલવી છે. પોલીસને વચમાં નથી લાવવા."
"સર, મને એક આઈડિયા આવી છે જેના થી આપણી સમસ્યાનો નિવેડો મળી શકે છે."
"હાં ચિંતામણી, બોલો."
કોચનો પ્રસ્તાવ કોઠારી સાહેબને ખૂબ ગમ્યો. એમણે ચપરાસી રામુને કહીને ચોકીદાર ક્રાંતિને બોલાવ્યો.
"ક્રાંતિ, તને અમારી સ્કૂલમાં રહેવું છે કે છૂટ્ટા થવું છે?"
ક્રાંતિ ફરી થી નમી ગયો અને રડવા લાગ્યો.
"મને માફ કરી દો સર. મારા ત્રણ નાના બાળકો છે."
"ગદ્દારી કરતી વખતે એ વિચાર ન આવ્યો?"
"પ્લીઝ સર."
"સીધો ઉભો રહે અને મારી વાત ધ્યાન થી સાંભળ."
ચોકીદારે આસું લૂછયા અને પ્રિન્સિપલ સાહેબનો હુકમ માન્યો. કોઠારી સાહેબે બોલવાનું શરૂ કર્યું.
"હું તને એક અને ફક્ત એકજ મોકો આપું છું, તારી વફાદારી સાબિત કરવા માટે. સમજ્યો?"
"જી સર. તમારો ખૂબ ખૂબ આભાર."
કોઠારી સાહેબે પોકેટ ઘડિયાળ ક્રાંતિના હાથ માં આપી અને આખી યોજના સમજાવી.
"આ કામ આજે જ થઈ જવું જોઈએ અને મને સાંજે રિપોર્ટ આપજે. વાત સરખી રીતે સમજણ પડી?"
"જી સર."
"જો કોઈ પણ ગડબડ કરી, તો ચોરની સાથે તને પણ પોલીસ માં આપી દઈશ."
"હું એવી નોબત નહીં આવવા દઉં સર. મને મારી નોકરી વધુ વ્હાલી છે."
જેમ કોઠારી સરે કહ્યું હતું, એમ સ્કૂલ પછી ક્રાંતિ પ્રણવ ગુપ્તાના ઘરે ગયો.
"હું તારા માટે બે જોરદાર ખબર લાવ્યો છું."
પ્રણવ ગુપ્તાની ભમર ઉપર ચડી ગઈ.
"અચ્છા? એવા શું સમાચાર મળ્યા છે તને?"
ક્રાંતિ એ ના પાડતા માથું હલાવ્યું.
"આ વાત માટે મને મોટી રકમ આપીશ, તો જ ભેદ
ખોલીશ."
પ્રણવે મોઢું બગાડતા કહ્યું,
"જો વાત માં દમ નહીં હોય તો પૈસા તો પાછા લઈ જ લઈશ, પણ કોલર પકડીને બાહર કાઢી મુકીશ."
ક્રાંતિ એ પોકેટ ઘડિયાળ કાઢીને બતાવી.
પ્રણવ ગુપ્તા ઘડિયાળને તરત ઓળખી ગયો. દેસાઈના ડ્રાઇવર પ્રકાશે એને નશાની હાલત માં આ ઘડિયાળ બતાવીને ખૂબ બડિંગા માર્યા હતા. પણ હમણાં એણે ક્રાંતિની સામે અજાણ બનવાનો ઢોંગ કર્યો.
"આ શું છે?"
ક્રાંતિ એ અવાજ માં ખોટી ઉત્સુકતા પેદા કરી અને બોલ્યો,
"અરે આ ચપરાસીને મળી હતી. ત્યારે પ્રિન્સિપલ સાહેબ સ્કૂલ માં ન્હોતા. એ ઈમાનદાર બેવકુફે લાવીને મને આપી."
"પણ તું મને શા માટે આપી રહ્યો છે?"
"જો હું ત્યાં નોકરી કરું છું. ન તો હું આને વાપરી શકીશ ન વેચી શકીશ. તું મને આની સારી કિંમત આપ."
પ્રણવે ઘડિયાળ હાથ માં લેતા પૂછ્યું,
"આ કાંઇ જોરદાર ખબર ન કહેવાય. બીજી શું વાત છે?"
"પહેલા પૈસા ઢીલા કર."
પ્રણવે મોઢું બગાડતા ક્રાંતિને એક હજાર રૂપિયા આપ્યા. ક્રાંતિ ખુશ થઇ ગયો અને પૈસા ગણતા બોલ્યો,
"આ તે કંઈક સારું કામ કર્યું. હવે મેઇન વાત. મેં પ્રિન્સિપલ સાહેબને નવા કોચને કહેતા સાંભળ્યું કે,
સાપુતારા રમતોત્સવની ફાઇનલ લિસ્ટની ફાઇલ એમના ટેબલના ખાના માં મુકેલી છે અને આવતા સોમવારે સ્પોર્ટ્સ કોઉન્સીલને મળી જવી જોઈએ."
પ્રણવના મોઢા પર દુષ્ટ સ્મિત છવાઈ ગયું અને એણે ક્રાંતિને શાબાશી આપી. હવે મજા આવશે. આ ફાઇલ પ્રતિસ્પર્ધી સ્કૂલના હાથ માં આવવાની વાટ હતી. પછી તો એમ. કે. ગાંધી વિદ્યાલયની પડતી ચાલુ. હવે પોતાને મળેલાં અપમાનના બદલાની આગ ઠંડી થશે.
* * * * *
"આ દારૂએ જ બધું બગાડ્યું છે. તને એક કામ આપ્યું હતું, એ પણ તે ઢંગ થી ન કર્યું."
પ્રકાશે ગ્લાસ નીચે પટકતા પ્રણવ ગુપ્તા સામે ગુસ્સેથી જોયું અને લડખડાતા બોલ્યો,
"મેં મારું કામ બરાબર કર્યું હતું. તે જે ફાઇલ માંગી હતી, મેં તને લાવીને આપી. હવે શું છે?"
"તું ફાઇલ તો ખોટી ઉપાડી આવ્યો અને આપણને ફસાવવાનો પૂરો બન્દોબસ્ત પણ કરતો આવ્યો."
પ્રકાશ ગ્લાસ ખાલી કરતા બોલ્યો,
"પ્રણવ, તું શું બોલી રહ્યો છે?"
પ્રણવ ક્રાંતિ એ આપેલી ઘડિયાળ ટેબલ ઉપર મૂકી અને કટાક્ષ કર્યો,
"આ મારા ખબરીના હાથમાં આવી. કોઈ બીજાને મળી હોત તો?"
પ્રકાશનો બધો નશો ઉતરી ગયો અને એણે ઝડપથી ઘડિયાળ હાથમાં લઈને પૂછ્યું,
"આ ક્યાંથી મળી?"
"જ્યાં તું પાડીને આવ્યો હતો, કોઠારીની ઑફિસમાં."
પ્રણવે ઝડપથી ઘડિયાળ પાછી ખેંચી લીધી અને
ખીસ્સામાં મૂકી દીધી. પ્રકાશ ઉભો થઈને જોરથી બોલ્યો,
"પ્રણવ, એ મારી છે, પાછી આપ!"
"ના. એ ચોરીની છે. અને હું તને પાછી આપીશ. પણ હમણાં નહીં. પહેલા મારુ અધૂરું કામ પૂરું કર."
પ્રકાશ ફરી બેઠો અને મૂંઝવણમાં પડી ગયો.
"હવે શું બાકી છે? ગયા વખતે હું પકડાતા પકડાતા બચી ગયો. પાછું મને ત્યાં નથી જવું."
"જવું તો તને પડશે જ. ચાલ, ઘડિયાળની સાથે થોડા પૈસા પણ આપીશ."
પ્રકાશને શક થવા લાગ્યો.
"તે ફાઈલમાં એવું શું છે?"
"એ તું ફિકર નહીં કર. બસ, જેમ હું કહું એમ કર અને ફાઇલ લાવી આપ."
Chapter 5
"તમારો ખૂબ ખૂબ આભાર. હમણાં સુધી મને એમ હતું કે આ નાની બાબત છે અને અમે અમારી રીતે ઉકેલી નાંખીશું. પણ તમારા સહયોગથી કામ વધુ ચીવટ થી થશે."
પ્રિન્સિપલ કોઠારી એ ઇન્સ્પેક્ટરને કહ્યું.
"સાહેબ, સાપુતારાના નાગરિકો ની સુરક્ષા અમારું દાયિત્વ છે. તમારે અમને પહેલેથી સજાગ કરી સાથે રાખવા જોઈતા હતા. પણ કંઈ વાંધો નહીં. Better late than never. જ્યાં સુધી ચોર પકડાઈ નથી જતો, ત્યાં સુધી આ બે કોન્સ્ટેબલ, તમારી સ્કૂલ માં સાદા કપડાં માં રહેશે."
બે દિવસ સુધી કાંઈ હલન ચલન ન થઈ. ત્રીજા દિવસે, સવારે સાત વાગે, પ્રકાશ ફરી કાળા કપડામાં, માસ્ક પહેરીને, સ્કૂલની પાછળની દીવાલ લાંધીને
એક ઝાડની પાછળ છુપાઇ ગયો. છોકરાઓને આવવાને ઘણી વાર હતી. પ્રકાશને એમ હતું કે મેદાન સાફ છે. જેવો તે પ્રિન્સિપલની ઑફિસ તરફ વધ્યો, બન્ને કોન્સ્ટેબલે એને પાછળથી જકડી લીધો. એણે પોતાને છોડાવવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ નિષફળ ગયો.
કોન્સ્ટેબલે એને પ્રિન્સિપલની ઑફિસ માં એક ખુરશી સાથે બાંધી દીધો. થોડીક વાર માં તો સ્કૂલના બધા મોટેરા એની આસપાસ જમા થઈ ગયા. પૂછતાછ કરવા પર પહેલે તો પ્રકાશે આનાકાની કરી. કોન્સ્ટેબલે એને જોરથી બે લાફા જડી દીધા. પછી તો એ પોપટની જેમ પટપટ બોલવા લાગ્યો.
"મને તમારા જુનો સ્પોર્ટ્સ ટીચર, પ્રણવ ગુપ્તા એ તમારી સાપુતારા રમતોત્સવની ફાઇનલ લિસ્ટની ફાઇલ લાવવાનું કહ્યું હતું."
"એમાં તારો શું ફાયદો થવાનો હતો?"
"એણે મને આ કામ માટે મોટી રકમ આપવાનો વાયદો કર્યો છે."
હવે તો શંકાને કોઈ સ્થાન ન્હોતું. પોલીસે પ્રણવ ગુપ્તાને હિરાસતમાં લઇ લીધો. પ્રકાશે એને જે ફાઇલ પહેલા આપી હતી, એ પાછી કરવા માટે, ઇન્સ્પેક્ટરે કોઠારી સાહેબને પોલીસ ચોકી માં બોલાવ્યા. ઇન્સ્પેક્ટરે કોઠારી સાહેબને ફાઇલ આપતા આશ્ચર્ય થી પુછયુ,
"સાપુતારા રમતોત્સવનું મહત્વ વિદ્યાર્થીઓ માટે હોય તે સમજી શકાય તેમ છે. પણ આમાં political angle શું હોય શકે?"
કોઠારી સાહેબે ખુલાસો આપતા કહ્યું,
"આ ફક્ત એક ખેલકુંદની સ્પર્ધા નથી. જે સ્કૂલ પહેલા નંબર પર આવશે, એને સરકાર તરફથી આગળ વિકાસ માટે ગ્રાન્ટ મળશે. એટલું જ નહીં, ટોપના દસ વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ મળશે. It's a big opportunity."
ઇન્સ્પેક્ટરે કોઠારી માથું હલાવતાં બોલ્યા,
"આ કંઈક મને નવું જાણવા મળ્યું."
કોઠારી સાહેબના મન માં એક પ્રશ્ન ખટકી રહ્યો હતો.
"ઇન્સ્પેક્ટર સાહેબ. મને જાણવું છે કે પ્રણવ ગુપ્તા
અમારી છાત્રાઓની વિગતનું શું કરવાનો હતો?"
"ચાલો, તમે પોતે એને પૂછી શકો છો."
ઇન્સ્પેક્ટરે પ્રણવ ગુપ્તાને પ્રિન્સિપલ સાહેબની સામે કર્યો. કોઠારી સાહેબે એને કહ્યું,
"પ્રણવ, આમ કરીને તને અમારા ઉપર જે જૂનો ગુસ્સો હતો, એ તેં આ રીતે કાઢ્યો. પણ આ ફાઇલની વિગતનું તું શું કરવાનો હતો?"
પ્રણવ ગુપ્તા એ કોઠારી સાહેબ સામે તિરસ્કાર થી જોયું અને ગુસ્સામાં બોલ્યો,
"તમારા બધા ટોપના વિદ્યાર્થીઓને હાની પહોંચાડવાની મારી મનશા હતી. જેથી આ સ્પર્ધા માં
તેઓ ભાગ ન લઈ શકે, અને તમારી સ્કૂલને ન કોઈ લાભ મળે અને વધુમાં નામ ખરાબ થાય."
આ સાંભળ્યા પછી, કોઠારી સાહેબને આઘાત માંથી બાહર આવતા અમુક સેકન્ડ લાગી. પછી એ ધીમે થી બોલ્યા,
"મને ખુશી છે, કે તું અમારી સ્કૂલમાં કામ નથી કરતો. અમને એવા શિક્ષક જોઈએ જેને છોકરાઓ આદર્શ માની શકે."
* * * * *
"નમસ્કાર મિત્રો. આજનો સુવિચાર. જીત માટે ની ઈચ્છા હોવી જરૂરી છે પણ તૈયારી માટે ની ઈચ્છા વધુ મહત્વની છે. થેંક યું."
આટલું કહીને વિભા પોડિયમ પરથી ઉતરીને પોતાની
કક્ષાની લાઇનમાં જઈને ઉભી રહી ગઈ.
પ્રિન્સિપલ સાહેબ માઇક ઉપર આવ્યા અને બોલવાનું શરૂ કર્યું.
"એમ. કે. ગાંધી સ્કૂલના મારા પ્રિય વિદ્યાર્થીઓ. આજની પ્રાર્થના સભા અત્યન્ત જરૂરી છે. છેલ્લા બે અઠવાડિયા થી સ્કૂલમાં જે ઘટી રહ્યું છે, એના વિષે
બધાને થોડી ભનક તો આવી ગઈ હશે. પણ ખોટી વાત હવામાં ન ફેલાય, એટલે આજે હું અમુક બાબતો સ્પષ્ટ કરવા માગું છું."
કોઠારી સાહેબે ચોરીની ઘટના વિગતવાર જણાવતા કહ્યું,
"મને વિભા અધિકારી ઉપર ગર્વ છે. એણે ચોરને પકડાવામાં એક મહ્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી."
તાળીઓ શાંત પડી, પછી પ્રિન્સિપલ સર આગળ બોલ્યા,
"સાપુતારા રમતોત્સવનું મહત્વ તમને બધાને ખબર છે અને તમારી સખત મહેનત ના લીધે, આજે આપણા સ્કૂલનું નામ ટોપની પાંચ શાળાઓ માં આવે છે. મને આશા છે કે તમે બધા આપણી વિદ્યાલય અને સ્પોર્ટ્સ માટે આવો જ પ્રેમ રાખશો અને આ વખતે આપણું નામ પ્રથમ દરજ્જા પર પહોંચાડશો."
છોકરાઓમાં ઉત્સાહીક અભિવાદન ફૂટી પડ્યું અને કોઠારી સાહેબે, બે પ્રોત્સાહક પંક્તિ કહીને પ્રાર્થના સભાનું સમાપન કર્યું.
"સારા ખિલાડી પોતાની જાતને પ્રેરિત કરે છે. પણ મહાન ખિલાડી બીજા માટે પ્રેરણારૂપ બને છે. અને
રમતગમત ચારિત્ર્ય નું ધડતર નથી કરતાં, તેને ઉજાગર કરે છે."
-શમીમ મર્ચન્ટ✍️
_____________________________