શ્રાદ્ધ ચિંતન શિબિર - કાગડા (પિતૃઓ) બચાવો , કેવી રીતે ? વાચો ! (એક કલ્પના કથા)
કાગડાંમલ પોલિટિશિયને ચિંતા વ્યકત કરી ! આ શ્રાદ્ધ તો આવ્યું પરંતુ કાગડા ક્યાં ? પહેલા તો કાગડા કાવ-કાવ , કાવ-કાવ કરીને અગાશી ગજવી મુક્તા હતા , ટોળે ટોળાં શ્રાદ્ધ ખાવા ટૂટી પડતાં હતા ! હજુ તો આપણે પ્રસાદીની થાળી (શ્રાદ્ધ માટે ની ) લઈને અગાશીએ પહોચીએ ત્યાં તો ...... પુરી પડાવી લેતા હતા ! શાક શાંતિ થી સમજણ પૂર્વક (તીખુ છે,મોરું છે ની માથાકૂટ વગર !) ખાઈ જતાં હતા, ભાત ભચડી જતાં હતા ! દૂધ પાક દાબી જતાં હતા ! છૂટી-દાળ છૂટથી આરોગી જતાં હતા ! સંભારો સામેથી કા-કા , કા-કા કરીને માગતા હતા ! કઢી કેવી ઝડપ થી પી જતાં હતા ! આપણે કહેવાની જરૂર જ નહોતી પડતી કે આવરે કાગડા કઢી પીવા ! એની મેળે જ કઢી પી જતાં હતા ! હવે ? હવે આ માહ્યલું કઈ બચ્યું જ નથી ! કાગડાઓ જ બચ્યા નથી તો પછી શું બચે ? શ્રાદ્ધ કોને ખવડાવવું ? કાગડા વગર ! ચિંતિત કાગડામલે વિસ્તારપૂર્વક ચિંતા વ્યકત કરી ! બુદ્ધિજીવીઓની ગોષ્ઠી પરિષદ માં !
એક ડોક્ટરેટ બુદ્ધિજીવી શ્રાદ્ધ ઉપર પોતાનું વક્તવ્ય આપવા ઊભો થયો અને બોલ્યો - મે શ્રાદ્ધ ઉપર પીએચડી કરેલું છે , ખુબ જ મથામણ કરેલી છે આ શ્રાદ્ધને સમજવામાં ! 1000 પાનાં ના સંશોધન પેપર રજૂ કરેલા છે યુનિવર્સિટિ માં ! પરંતુ અત્યારે જે રીતે શ્રાદ્ધ પર્વ માં કાગડાઓ દેખાતા નથી તેના કારણો જો હું તટસ્થ પણે વિચારી ને કહું તો મારી સમજ ની બહાર છે ! આ રીતે ડોક્ટરેટે તેમનું ખુબજ ટૂંકું વક્તવ્ય પૂરું કર્યું !
બીજો એક બુદ્ધિજીવી ઊભો થયો જે વ્યવસાયે વકીલ હતો ! તેને કહ્યું મારી પાસે અત્યારે ક્રાઇમ ના એટલા બધા કેસો આવે છે કે ન પૂછો વાત ! હું પહોચી શકતો નથી એટલા ક્રાઇમ ના કેસો મારી પાસે પડેલા છે ! એમાં પણ ખાસ કરીને ભેળશેળ યુક્ત ખોરાકના વધારે છે ! એટલે કે ખોરાક માં ભેળશેળ ના કેસો વધારે છે ! હવે આના ઉપરથી હું એક જજ ની કલ્પનાથી જજમેન્ટ આપું તો મારા માનવા મુજબ કાગડાઓને શુદ્ધ ( ભેળશેળ વગર નો ચોખ્ખો ) ખોરાક મળતો જ નથી એટલે એ લોકો મારી માન્યતા મુજબ આવતા નહીં હોય ! કારણ કે આપણે જ્યારે ભણતા હતા ત્યારે આપણે ભણવામાં આવતું હતું કે કાગડો એક સફાઈ કામદાર છે ! હવે આ સફાઈ કામદાર જેવો જીવ અથવા પંખી જેને બધુ જ ચોખ્ખું જ જોઈતું હોય તે થોડા આવા ભેળસેળ વાળા ખોરાક ખાય ! એટલે મારી ગણતરી મુજબ કાગડા અદ્રશ્ય છે ! આમ પણ તમે લોજિકલી ‘લો’ મુજબ વિચારો તો આપણે કાગડામાં આપણાં પિતૃઓ ના દર્શન કરીએ છીએ, તો બધા બે મીનીટ માટે વિચારો તો આપણાં પૂર્વજો એ કોઈ દિવસ નબળું ખાધું છે ? ચોખ્ખું ઘી , માખણ , દૂધ , દહી ,છાશ ,શુદ્ધ શાકભાજી ,અનાજ ,ડ્રાયફ્રૂટ આ સિવાય ચોખ્ખા હવા પાણી , ચોખ્ખા આચાર-વિચાર વગેરે તો અલગ ! યાદી લાંબી છે ! બધુ ચોખ્ખું જ ! હવે અત્યારે આ બધુ ચોખ્ખું મળે છે ? નહીં ને ? તો ? ત્યારે ? તો શું ધુળ- ઢેફા કાગડાઓ (આપણાં પિતૃઓ) , ચોખ્ખાઈ ના આગ્રહીઓ શ્રાદ્ધ ખાવા આવે ? જરા વિચારો ! બુદ્ધિજીવી વર્ગ ને મારી નમ્ર અરજી છે ! તેમજ મારી મરજી પણ એવી છે કે આપણે બધા સાથે મળીને કઈક વિચારીએ ! જેથી કરીને કાગડાઓ પાછા શ્રાદ્ધ જમવા પધારે ! અને છોકરાઓ પણ આનંદ થી કાગડાઓ (પિતૃઓને) જોઈ ને જૂમી ઊઠે ! અને બોલી ઊઠે – આવ રે કાગડા કઢી પીવા ! આવ રે કાગડા દૂધપાક ખાવા ! આવ રે કાગડા પૂરી ઝાપટવા ! આવ રે કાગડા શાક શાંતિ થી ખાવા , આવ રે કાગડા છૂટી દાળ છૂટ થી ખાવા ! આવ રે કાગડા સંભારો સંભારી ને ખાવા !
બુદ્ધિજીવીઓ વિચારો , કઈક વિચારો આપણાં માટે નહિ તો આપણાં ભૂલકાંઓ ના ભવિષ્ય માટે ! લો ત્યારે સહું ને જય શ્રી કૃષ્ણ ! ભારત માતા કી જય ! વંદે માતરમ ! જય શ્રી રામ ! વકીલે કાગડાની વકીલાત કરી વક્તવ્ય પુરુ કર્યું! આ રીતે બુદ્ધિજીવીઓ એ કાગડા (પિતૃઓ) નો બચાવ કરી મીટિંગ પુરી કરી ! આર્ટીફીશિયલી ચા નાસ્તો ,જમણવાર વગેરે પતાવીને ! બુદ્ધિજીવીઓ પોતપોતાના રસ્તે રવાના થયા ટાઈમે જલ્દી ઘરે પહોચવા માટે ! ભાડે રાખેલો હૉલ સુમ –સામ થઇ ગયો ! જે રીતે અત્યારે કાગડાઓ પર્યાવરણ માથી સુમ-સામ છે તે રીતે ! આ રીતે શ્રાદ્ધ ચિંતન , (કાગડા બચાવો ) ચિંતન પુરૂ થયુ !!!
લિ. બિપિન આઇ ભોજાણી (કટાક્ષ તથા હાસ્ય વ્યંગ ના લેખક.)
સહયોગ- સંકલન : મૌલિક બિપિનભાઈ ભોજાણી (મિકેનિકલ એંજીનિયર)