આગળના અંકમાં આપણે જોયું કે પૂજનનો મિસ્ટર ફ્રેશર સ્પર્ધામાં બાઈક એક્સીડન્ટ થાય છે એ અકસ્માત પ્રાંજલએ કરાવેલો હોય છે. પ્રાંજલ પૂજનને એક ચિઠ્ઠી આપે છે. પારિજાત અને પૂજન સાથે કઈક વાત કરે છે અને સાંજે પ્રજ્ઞા મેડમ ના ઘરે જવાનું ફિક્સ કરે છે. પ્રાંજલ સાથે પૂજન પ્રથમ વાર કોફી પીવા માટે જાય છે ત્યાં સજા આપવાનું બીજા દિવસે જણાવશે એવું પૂજન કહે છે. પ્રાંજલ સાથે ત્યાં ઘણી વાતો થાય છે. ત્યાં જ કોઈકનો ફોન આવતા પ્રાંજલ જવુ પડશે કહી નીકળી જાય છે. હવે આગળ...
પ્રાંજલ અચાનક જ જવાની વાત કરતા પૂજન એને મૂકવા આવવા માટે કહે છે. પણ પ્રાંજલ બહાનું બતાવી નીકળી જાય છે.
આ તરફ પૂજન એના સૌથી મોટા સ્વપ્ન સાકાર થવાથી ખૂબ ખુશ હોય છે. તે બીજા દિવસે શું સજા આપશે એના વિશે વિચારતો હોય છે. એ રાત પૂજન માટે એક અજબ પ્રકારની બેકરારી સાથે અલગ રોમાંચ અનુભવ કરાવતી આગળ વધતી હોય છે. અંતે પૂજન સજા વિશે વિચારતા જ સૂઈ જાય છે.
બીજા દિવસે કૉલેજ જવા પૂજન ઝડપથી તૈયાર થઈ જાય છે. ત્યાં આવેલા વૃક્ષોની હરોળ પાસે પોતાનું બાઈક પાર્ક કરી એ પ્રાંજલ આવે એની રાહ જોતો હોય છે. ત્યાં જ પાછળથી કોઈ આવીને પૂંજનની આંખ પર હાથ મૂકી આંખો બંધ કરી દે છે. પૂજન અચાનક આમ કોઈના દ્વારા આંખો બંધ કરવાની ઘટનાથી મુસ્કુરાઈ જાય છે.
એટલામાં પૂજનના ફોનમાં એક સાથે ત્રણ મેસેજ આવતા એ વર્તમાનમાં આવે છે. જોવે છે તો એમાં ત્રણેય મેસેજ પારિજાતના હોય છે. છેલ્લા મેસેજમાં એ પ્રજ્ઞા મેડમના ઘરે પહોંચી છે એવું જણાવે છે.
પારિજાત: "હેલ્લો, પ્રજ્ઞા મેડમ."
પ્રજ્ઞા: "આવ પારિજાત, અંદર આવી જા. તું બેસ હું આવું."
એમ કહી પ્રજ્ઞા મેડમ રસોડામાં જાય છે.
પારિજાત: " મેડમ, કઈ તકલીફ ના કરતા. હું આજે તમારી મદદ માગવા આવી છું. આ મારા જીવનનો સવાલ છે. "
પ્રજ્ઞા: "હા, બસ પાણી લઈને આવી."
પારિજાત(પાણીનો ગ્લાસ હાથમાં લેતા): "મેડમ, મારી જીવનની રોજની કચકચથી હવે હું કંટાળી ગયી છું. વિચારું છું કે પ્રેમ જેવું દુનિયામાં કઈ જ નથી હોતું. બધી વાતમાં અંતે તો સ્ત્રીને જ સહન કરવાનું અને એકલા રોઈને દુઃખ હળવું કરવાનું. તમે કહો પ્રેમમાં કે જીવનમાં આપણે જ કેમ ભોગવીએ?"
પ્રજ્ઞા: " પારિજાત, તું શાંત થા. જો પ્રેમમાં તો એવું છે ને કે એમાં બીજાની પરિસ્થિતિ પહેલા સમજવાની હોય. અને સ્ત્રીમાં જ એટલી સહનશક્તિ છે. પણ તું ઉતાવળે પ્રેમનો અર્થ પોતાના સ્વાર્થ માટે ના બદલી શકે. હા, પુરુષ કરતાં સ્ત્રીમાં વધારે લાગણીઓ હોય છે. પણ લાગણીઓ ને કાબુ પણ સ્ત્રી જ વધારે કરી શકે છે. "
પારિજાત: "પ્રજ્ઞા મેડમ, તમને તો આટલો સુંદર પ્રેમનો અર્થ ખબર છે. "
પ્રજ્ઞા: "હા, પ્રેમનો સુંદર અર્થ તો ખબર છે કેમ કે સુંદર જ પ્રેમનો બીજો અર્થ છે. (અચાનક કઈક યાદ આવતા) પણ ક્યારેક સામેવાળાને માટે તમે કરો છો એ બદલ તમને પ્રોત્સાહન કે પુરસ્કાર મળે એવી અપેક્ષા રાખવી એ પ્રેમ તો ના હોઈ શકે. સ્ત્રી હમેશા પોતાનું બધું આપીને પ્રેમ અને ખુશી મેળવે છે. હાસિલ કરવા અને પ્રેમ કરવા એ બંને અલગ અલગ છે."
પારિજાત(ધ્યાનથી બધું સાંભળતા): "પણ મેડમ, તમને નથી ખબર. પુરુષ તો હમેશા સ્ત્રીની લાગણીને જરૂરત મુજબ વાપરતો રહે છે. અને ક્યારે છોડીને જતો રહે એ પણ ખબર નથી પડતી." (પ્રજ્ઞાના હાવભાવનું નિરીક્ષણ કરતા બોલે છે.)
પ્રજ્ઞા (કઈક વિચાર આવતા): "એવું નથી હોતું. આજે છોડીને જાય છે તો કાલે આવશે. કઈક તો એવું થયું હશે ને કે નહી આવી શક્યો હોય. અથવા આવ્યો હશે ત્યારે હું એ જગ્યા પર નહી મળી હોય. (ચશ્માંના બાજુથી આંખના ખૂણાને સાફ કરતા.) ચાલ કહે તો ઘરે શું થયું છે? "
પારિજાત: "મેડમ, ઘરે તો એવું થાય છે કઈ કોઈને મારી પડી જ નથી. અત્યારે લાગે છે કે ઘરવાળાં એ બતાવેલા છોકરા કરતા પોતે પસંદ કરેલો છોકરા જોડે લગ્ન કર્યા હોત તો સારું થાત."
પ્રજ્ઞા: "એવું નથી હોતું, મન મળવા જોઈએ પછી ભલે ને ઘરવાળા બતાવે કે આપણે શોધીએ. અને શોધ્યા પછી એને મન મૂકીને ચાહીએ. ભલે ને એ એટલું ક્યારેક ના ચાહી શકે તો પણ આપણે તો આપણું મન મૂકીને જ ચાહવાનું. કઈ જ કસર આપણે નહી રાખવાની. "
પારિજાત: "મેડમ, આવું કેવી રીતે શક્ય બને. કેટલી બધી વાતોનું ધ્યાન રાખવું પડે જેમકે, ઘર, નોકરી, માતાપિતા, સમાજ. એમાંય જેને પ્રેમ કરો એ તમને એટલો પ્રેમ ના કરે કે કઈક એવું કહે જે ના કેહવાનું હોય. આખો દિવસ આવી બધી સ્થિતિમાં પણ મન મૂકીને કેમનું પ્રેમ થાય?"
પ્રજ્ઞા: " થાય જ ને. જો તું તારુ મન ભરીને પ્રેમ આપતી રહીશ તો બધાને એ પ્રેમ દેખાશે. ઘરવાળા ને પણ ને માતાપિતાને પણ. સમાજને ના દેખાય તો એનાથી પ્રેમ નથી એવું તો નથી જ થઈ જતું ને. તું સમાજની ચિંતા છોડ, ઘર, પરિવાર માતાપિતા એ બધાને પ્રેમ દેખાશે જ. અને એ પણ તારો સાથ આપશે જ."
પારિજાત: "પ્રજ્ઞા મેડમ, તમારા પતિદેવ હમેશા તમારો સાથ આપતા લાગે છે. પણ મારે તો કઈક ને કંઇક ચાલતું જ હોય છે. કાલથી તો હું એમની જોડે બોલતી જ નથી."
પ્રજ્ઞા: "પારિજાત, નાના મોટા બનાવો તો સંસાર માં બને જ રાખે. એના માટે થોડી વાર રિસાઈ લેવાનું. પણ એવી કોઈ બાબતે જીદ પર નહી આવી જવાનું. પુરુષોને મનાવવામાં મહેનત નહી કરાવાની. એમ પણ બધાને મનાવતા નથી આવડતું હોતું. એટલે આપણે સમજી ને માની જવાનું. આમ જ જીવનમાં પ્રેમ જળવાઈ રહે. અને હા, મારા પતિદેવ નથી. સાચું કહું તો મે લગ્ન જ નથી કર્યા."
પારિજાત: "મેડમ, તમે આટલી સારી રીતે સંસાર અને પ્રેમ ની સમજણ આપી દીધી. મને તો માનવામાં જ નથી આવતું કે તમે લગ્ન નથી કર્યા. એક વાત તો કહો પણ તમે લગ્ન કેમ નથી કર્યા?"
પ્રજ્ઞા: "પારિજાત, એ મારો અંગત નિર્ણય છે. પણ તું આજે પૂછે છે તો થોડુક કહીશ. પણ ફરી વાર આ સવાલ નહી પૂછીશ. બરાબર છે?"
પારિજાત: "હા, ઠીક છે મેડમ."(પારિજાત આજ તો જાણવા માગતી હતી.)
પ્રજ્ઞા: " જીવનમાં જ્યારે તમને સાચો પ્રેમ મળી જાય ને ત્યારે તમારે માટે બધું ગૌણ થઈ જાય. મારા જીવનમાં પણ એક એવી જ વ્યક્તિ છે. પરંતુ એમણે થોડુ રાહ જોવાની કીધી છે. બસ એટલે એની રાહ જોઉં છું. લગ્ન મારા માટે કરવા છે. સમાજને દેખાડવા માટે નહી. મારા માતાપિતા પણ આ વાત સમજતા હતા એટલે એ પણ મારી સાથે જ હતા. આટલી રાહ જોઈ છે થોડી વધારે. બસ, હવે એ આવે એટલે લગ્ન કરીશું."
પારિજાત: " મેડમ, તમે તો આજે મને એક નવો જ પ્રેમનો માર્ગ બતાવી દીધો. આશા રાખું કે તમારી જેમ હું પણ સમજણ અને સહનશક્તિ કેળવતા શીખી જાઉં. થોડી રાહ હું પણ જોઈ લઉં. એક વાત પૂછી શકું? "
પ્રજ્ઞા: " ના, બહુ પ્રશ્નો એ બાબતે નહી. ચાલ હવે હું તારા માટે થોડોક નાસ્તો બનાવી લઉં. અને હા ઘરે કઈ આવું થાય તો ગમે ત્યારે તું આવી શકે છે. પણ અહી આવીને પાછા હસતા મુખે ઘરે જ જવાનું હો ને... પ્રેમ તો છે જ તો એને સમય આપો. વાતચીત કરી સમાધાન લાવો. "
પારિજાત: " જરૂર મેડમ. ચાલો તો હું પણ તમને મદદ કરું. પછી હું ઘરે જઈશ હસતા મુખે. (બંને જણા હસે છે.)"
પારિજાત પોતાના મોબાઈલથી પૂજન ને કઈક મેસેજ કરે છે. આ તરફ જેવો મેસેજ આવે છે કે પૂજન મિસ્ટર સુંદર રાજનને ફોન કરે છે. મિસ્ટર રાજન અડાલજની વાવ જોવા ગયા હોય છે. પૂજન એમને અડધા કલાકમાં ત્યાં પોતે આવે છે એવું જણાવે છે.
મિસ્ટર રાજન હવે પૂજનના માટે એક દોસ્ત જેમ ફીલ કરતા હોવાથી એમને પણ પૂજન જોડે મળવાનું ગમે છે. પૂજનના આવતા જ સંધ્યા(સાંજ) બસ જવાની તૈયારીમાં હોય છે.
દૂર ક્ષિતિજ પાસે સોનેરી ને કેસરી રંગની રંગોળી બનાવી સૂર્યદેવ વિદાય લે છે. અને કોઈ પ્રેમિકા અચાનક છૂપાઈને પાછળથી આલિંગન આપે એવી રીતે નિશા(રાત્રી) આકાશને આલિંગન આપી પોતાનામાં છૂપાઈ લે છે.
પૂજન મિસ્ટર રાજનને ડિનર માટે ગાંધીનગર પાસે આવેલા એક મોલમાં લઈ જાય છે. શનિવરના લીધે ત્યાં થોડી વધારે ચહલ પહલ જોવા મળે છે. બંને જણા એક પારંપરિક ચાઈનીઝ રેસ્ટોરન્ટ માં પ્રવેશ કરે છે.
પૂજન: "કેવો રહ્યો તમારો દિવસ મિસ્ટર રાજન?"
મિસ્ટર રાજન: "દિવસ આજે યાદોની સાથે સંતાકૂકડી રમવામાં પસાર થયો. કેટલાય દિવસ પછી આજે મેં આ શહેરના એવા ઘણા સ્થળોની મુલાકાત લીધી કે મન પાછું કૉલેજના દિવસોમાં હતું એવું પ્રફુલ્લિત થઈ ગયું. "
પૂજન: " આ શહેરની વાત જ એવી છે. એક વાર મુલાકાત લો એટલે એ જીવનભર તમને પોતાનું બનાવી લે છે."
મિસ્ટર રાજન: " તમે શહેરની જ વાત કરો છો ને."
પૂજન: "હા જી. શહેરની જ તો વાત કરું છુ. બાકી શહેરની વ્યક્તિઓ તો તમને તમારી આંખોમાં આંખ પરોવી ચોરી લે એવા છે. એમનો તો તમને પણ અનુભવ છે જ ને.( બંને સ્મિત સાથે એકબીજાને તાળી આપે છે.)
મિસ્ટર રાજન: " સાચી વાત કીધી દોસ્ત. વ્યક્તિઓ તો એવી છે અહીંની કે તમને ચોરી કરી જાય તો પણ તમે એમની એ હરકત પર ફરિયાદ કરવાને બદલે ફક્ત પ્રેમ જ કરો.
સરસ વાત એ છે કે આજે મને એવો જ એક આભાસ થયો. અમે દર શનિવારે સવારે કૉલેજ બંક કરીને લો ગાર્ડનમાં મળતા. આજે પણ જ્યારે એજ વિચારે ત્યાં ગયો તો કૉલેજના દિવસોની જેમ જ એમનો અહેસાસ થતો હતો. હદ તો એ થઈ કે જ્યારે એક ગાડીમાં એ જ છે એવો આભાસ થયો. "
પૂજન: " તો તમે એ ગાડીની પાછળ કેમ ના ગયા?"
મિસ્ટર રાજન: " અરે એજ સમયે ડ્રાઈવર ત્યાં હાજર નહતો." (એમ કહીને આખું વૃતાંત સંભળાવે છે.)
પૂજન: " કઈ નહી. તમને આભાસ થયો એ સારી વાત છે. તમને ગાડી નંબર કે બીજું કંઈ યાદ છે?"
મિસ્ટર રાજન: " ના. એટલું તો ધ્યાન નથી. પણ એ ઓશન બ્લ્યુ કલરની સ્વિફ્ટ ડીસાયર કાર હતી. "
એટલામાં જમવાનું આવી જતા બંને જમવા લાગે છે. જમીને પૂજન એમને કૉલેજ સમયની ફેવરિટ રેસ્ટોરન્ટ પૂછે છે. જવાબ સાંભળીને પૂજન ખુશ થઈ જાય છે. પછી બંને છુટા પડે છે. મિસ્ટર રાજન ડ્રાઈવર સાથે હોટેલ પર જાય છે. પૂજન પોતાની કારમાં ઘરે નીકળે છે.
કારમાં બેસીને તરત જ પારિજાતને ફોન લગાવે છે.
પારિજાત: " કેટલા સમયથી ફોન કરતી હતી. કેમ જવાબ નહતો આપી રહ્યો?"
પૂજન: "અરે હું મિસ્ટર રાજન સાથે હતો. બોલ કેવી રહી મુલાકાત. શું માહિતી મળી? એમના જોડે એવી કંઈ વાત નીકળી કે નહી? સુંદર કે રાજન ને ઓળખે છે પ્રજ્ઞા મેડમ? એમના લગ્ન વિશે વાત થઈ?"
પારિજાત: " એક મિનિટમાં આટલા બધા સવાલો? બધી વાતો કરી. માહિતી પણ મળી."(એમ કહીને આખી મુલાકાત વિશે પારિજાત વાત કરે છે.)
પૂજન: "અરે વાહ, તું તો ગજબ ની માહિતી મેળવી લાવી છે ને. હવે કાલે તારે શું કરવાનું છે એ હું તને સવારે જણાવું છું."
પારિજાત: "તારા તરફથી શું માહિતી મળી?"
પૂજન: (બધી વાત જણાવે છે) "આજે એક અજબ વાત થઈ. મિસ્ટર સુંદર આજે લો ગાર્ડન હતા ત્યાં એમને આભાસ થયો કે એક ઓશન બ્લ્યુ ડીસાયર ગાડીમાં એમણે એમની પ્રજ્ઞાને જોયા હોય."
પારિજાત: "આજે કદાચ મેડમ સવારે મોર્નિંગ વોક માટે લો ગાર્ડન ગયા હતા. પણ એમની જોડે તો રેડ કલરની i20 છે."
એટલામાં સામે પોલીસ દેખાતા પૂજન ગાડી ધીમી કરે છે.
રસ્તામાં સોલાથી ગુરુદ્વારા આવતા રસ્તામાં ટ્રાફિક જામ મળે છે. થોડી વારમાં ખબર પડે છે કે કંઇક એક્સીડન્ટ થયો છે. ધીરે ધીરે ગાડીઓ વધી જતાં ટ્રાફિકના લીધે પૂજન સર્વિસ રોડ પર ગાડી વાળે છે. ત્યાં જ સામેથી પસાર થતી ગાડીમાં એક જાણીતો ચહેરો જોવા મળે છે.
પૂજનના હૃદયમાં એક અજબ ડર અને પ્રેમ સમિશ્રિત લાગણી ઉદભવે છે અને એને પોતાના જ શબ્દો સંભળાય છે.
"તારી સજા એ છે કે જ્યારે પણ હું તને કોફી પીવા બોલાવીશ ત્યારે તારે આવવું પડશે. સમય, સ્થિતિ કે વ્યક્તિ કે બીજું કઈ પણ હોય, પણ હું જ્યારે કોફી માટે બોલવું ત્યારે તું ના નહી પાડી શકે."
અને પાછળ મધુર સ્વરે બોલાયેલા શબ્દો પડઘાય છે.
"હું પ્રોમિસ કરું છું. તું જ્યારે પણ મને કોફી માટે બોલાવીશ. હું બધું મૂકીને આવી જઈશ."
મિત્રો,
આ અંકમાં પારિજાત અને પ્રજ્ઞા મેડમ અને પૂજન અને મિસ્ટર રાજન વચ્ચે થયેલી વાતચીત જોઈ. પૂજનની આંખો પર કોણ આવીને હાથ મૂકે છે? પારિજાતને પ્રજ્ઞા મેડમ જોડેથી મળેલી માહિતી મુજબ આગળ શું યોજના બનાવે છે? પૂજન ગાડીમાં અચાનક કોને જુએ છે? આ બધાનો જવાબ મળશે પણ આગળના અંકમા.
આ અંકને અહી વિરામ આપીએ... તમને આ અંક કેવો લાગ્યો, તમારા અભિપ્રાય અને સૂચનો જણાવી શકો છો.
Email:tejdhar2020@gmail.com
Insta: tejdhar2020