remando ek yodhdho - 1 in Gujarati Fiction Stories by જીગર _અનામી રાઇટર books and stories PDF | રેમન્ડો એક યોદ્ધો.. - 1

Featured Books
Categories
Share

રેમન્ડો એક યોદ્ધો.. - 1

રેમન્ડો એક યોદ્ધો


"અમ્બુરા.. પછાડી નાખ આને.! આજુબાજુ મજબૂત દીવાલોથી ઘેરાયેલા મેદાનમાં આખલા સાથે જજુમી રહેલા રેમન્ડોનો ઉત્સાહ વધારવા આ દ્વંદ્વ યુદ્ધ જોવા ઉભેલી જનમેદનીમાંથી અવાજ આવ્યો.


વિશાળ ડુંગરોની હારમાળાઓ , લીલાછમ જંગલોથી ઘેરાયેલો યુગાન્ડાનો નાના મોટા કબીલાઓ ધરાવતા વેલ્જીરિયા નામના પ્રદેશમાં આજે બધા કબીલાઓનો સેનાપતિ નક્કી કરવા માટે દ્વંદ્વ યુદ્ધનું આયોજન કરવામાં આવ્યું હતું.


વેલ્જીરિયાના પ્રદેશના બધા જ કબીલાનો મુખિયા કમ્બુલાની આગેવાની હેઠળ આ દ્વંદ્વ યુદ્ધનું આયોજન થયું હતું. વેલ્જીરિયામાં મુખ્ય ચાર કબીલા હતા. જેમાં વેંજીર કબીલો એની શૂરવીરતા માટે વખણાતો હતો. દર વર્ષે આખા વેલ્જીરિયા પ્રદેશ માટે નવો સેનાપતિ નક્કી કરવામાં આવતો.


જેમાં મુખ્યત્વે વેંજીર કબીલાનો માણસ જ સેનાપતિ બનતો.


વેલ્જીરિયા પ્રદેશના પૂર્વ પ્રાંતમાં વેંજીર કબીલાના લોકોનો વસવાટ હતો. દક્ષિણમાં મેરાઉ કબીલો , પશ્ચિમમાં ઝાબુર કબીલો અને પૂર્વમાં જાતર્ક કબીલાનો વસવાટ હતો.


મેરાઉ કબીલાના સરદાર સિબ્રુ અને ઝાબુર કબીલાના સરદાર ક્ષરુબાને આ દ્વંદ્વ યુદ્ધમાં આખલાએ પછાડીને એમના હાલ બેહાલ કરી નાખ્યા હતા. હવે વેંજીર કબીલાનો સરદાર અમ્બુરા આખલા સામે દ્વંદ્વ યુદ્ધમાં ઉતર્યો હતો.


અમ્બુરાનો ઉત્સાહ વધારવા માટે એના કબીલાના માણસો જોશભર્યા શબ્દો વડે અમ્બુરાના ઉત્સાહમાં વધારો કરી રહ્યા હતા.


આગળ બે માણસો સાથે લડીને રોષે ભરાયેલા અખલાએ અમ્બુરાને મારી નાખવા માટે પોતાના નસકોરા ફુલાવીને ફૂંફાડા મારતા દોટ લગાવી. જેવો આખલો નજીક આવ્યો કે ચપળ અમ્બુરાએ પાછા ખસી જઈને એના બન્ને આંગળાઓ આખલાના નાકમાં ઘુસાડી દીધા. અને તરત કૂદકો લગાવીને એ આખલાની ઉપર ચડી બેઠો. આખલા ઉપર બેસીને અમ્બુરાએ બળપૂર્વક બે હાથે આખલાના કપાળ મુષ્ટિ પ્રહાર કર્યો. આખલો ત્યાંજ શાંત થઈને બેસી રહ્યો.


ત્રણ કબીલાના સરદારમાંથી વેંજીર કબીલાના સરદાર અમ્બુરાએ દ્વંદ્વ યુદ્ધમાં આખલાને પરાસ્ત કરી નાખ્યો. જાતર્ક કબીલાના સરદાર સિમાંન્ધુની ઉંમર વધારે થઈ ગઈ હતી એટલે છેલ્લા દસ વર્ષથી જાતર્ક કબીલા તરફથી કોઈ આખલા સાથેના દ્વંદ્વ યુદ્ધમાં ભાગ લેતું નહોતું. એટલે આ ચારેય કબીલાઓમાં જાતર્ક કબીલાના લોકોને નિર્બળ અને કાયર કહેવામાં આવતા.


ઊંચા સ્થંભ ઉપર ઉભા રહેલા

માથા ઉપર પીંછું અને શરીરે લોખંડનું બખ્તર પહેરેલા માણસે બ્યુગલ વગાડીને અમ્બુરાની વિજયઘોષણાની જાહેરાત કરી.


મેદાનની એક બાજુ ઊંચા આસન ઉપર વેલ્જીરિયા પ્રદેશનો મુખીયા કમ્બુલા એની પુત્રી શાર્વી અને પત્ની જેસ્વી સાથે આ દ્વંદ્વ યુદ્ધને ધ્યાનપૂર્વક નિહાળી રહ્યો હતો.


"પિતાજી જાતર્ક કબીલાએ આ દ્વંદ્વયુદ્ધમાં પણ ભાગ લીધો નથી.. શું એમની પાસે આ દ્વંદ્વયુદ્ધમાં આખલાને હરાવી શકે એવો કોઈ યોદ્ધો નથી..? અમ્બુરાની વિજયઘોષણાનું બ્યુગલ સાંભળ્યા બાદ શાર્વીએ તેના પિતા કમ્બુલાને પૂછ્યું.


"બેટી એ કબીલાના લોકો સાવ કાયર છે.. છેલ્લા દસ વર્ષથી એ કબીલા તરફથી કોઈ માણસે આ દ્વંદ્વયુદ્ધમાં ભાગ લીધો નથી..' કમ્બુલાએ જ્યાં જાતર્ક કબીલાના લોકો બેઠા હતા એ તરફ તુચ્છકાર ભરી નજર નાખતા પોતાની બેટીને કહ્યું.


"અને એમનો સરદાર સિમાન્ધુ પણ હવે ઘરડો થઈ ગયો છે.. પણ સાંભળ્યું છે કે એનો કોઈ પુત્ર છે જે ઇજિપ્તના કેરો શહેરમાં રહે છે એ બહુજ બળશાળી છે..' પિતા પુત્રીને વાત કરતા જોઈને કમ્બુલાની પત્ની જેસ્વી બોલી.


"પણ માં એનો પુત્ર એના કબીલાને છોડીને કેરોમાં કેમ રહે છે..? શાર્વીએ એની માં તરફ જોઈને પ્રશ્ન કર્યો.


"એ તો ખબર નહીં.. પણ એ વર્ષમાં એકવાર એના પિતાને મળવા માટે આવે છે..' જેસ્વીએ એની પુત્રીને કહ્યું.


આમ વાતચીત ચાલુ હતી ત્યાં અમ્બુરા વેલ્જીરિયા પ્રદેશના સેનાપતિનો તાઝ પહેરવા માટે કમ્બુલા પાસે આવી પહોંચ્યો.


આખલા સામે દ્વંદ્વયુદ્ધમાં વિજયી બનતો એને એક તલવાર , એક ખંજર આપી અને તાઝ પહેરાવીને એનું સન્માન કરવામાં આવતું.


"વાહ..! અમ્બુરા મને ખુશી થઈ તારા જેવો બળશાળી યોદ્ધો વેલ્જીરિયાનો સેનાપતિ બની રહ્યો છે એ જોઈને..' વેલ્જીરિયા નો મુખીયા કમ્બુલા અમ્બુરા તરફ જોતાં બોલ્યો.


"જેનામાં બળ હોય એ ગમે તે કરી શકે નમાલાઓનું આમાં કામ નથી..' અમ્બુરા પોતાની ખરાબ દ્રષ્ટિ વડે શાર્વી તરફ જોતાં બોલ્યો.


અમ્બુરાને પોતાની તરફ આવી રીતે જોતાં જોઈને શાર્વીએ પોતાનું મોઢું ફેરવી લીધું. એ જોઈને અમ્બુરા શેતાની રીતે હસ્યો. આ જોઈને શાર્વીને એવો ગુસ્સો આવ્યો કે આને અહીંયા જ મારી નાખું પણ એણે પોતાના ગુસ્સા ઉપર કાબુ મેળવી લીધો અને એમની એમ બેસી રહી.


શાર્વી વેલ્જીરિયા પ્રાંતની સૌથી સૌંદર્યવાન યુવતી હતી. એની પાછળ વેલ્જીરિયા પ્રાંત સિવાયના અન્ય કબીલાના સરદારો પણ પાગલ હતા. પણ શાર્વીને આ બધામાં કોઈ જ રસ નહોંતો. કારણ કે આ બધા ફક્ત હવસભૂખ્યા કુતરાઓ સમાન હતા. કોઈનામાં પણ પ્રેમ કે લાગણી નામની કોઈ ચીજ જ નહોતી.


"એ.. મુખિયા આજે હું આ પ્રાંતનો સેનાપતિ બની રહ્યો છું.. હવે તો તું તારી આ પુત્રી શાર્વીને મારી સાથે પરણાવી દે..' અમ્બુરા વેલ્જીરિયાના મુખિયા કમ્બુલા તરફ જોતાં બોલ્યો.


"ખબરદાર.. જો તે તારી આ ગંદી જુબાન ઉપર શાર્વીનું નામ પણ લીધું છે તો..' કમ્બુલા ગુસ્સાથી ધખધખી ઉઠતાં બોલ્યો.


"એ મુખિયા.. વધારે ચિલ્લાઇશ નહી..આ પ્રાંતનો સેનાપતિ હવે હું છું.. તું તો ફક્ત મુખીયો છે.. માની જા નહિતર તારે ઘણુંબધું સહન કરવું પડશે..' અમ્બુરા પોતાના મોંઢા ઉપર આંગળી મૂકીને કમ્બુલાને ચૂપ રહેવાનો ઇસારો કરતા બોલ્યો.


"તારી આ ઈચ્છા હું કોઈ પણ સંજોગોમાં પુરી થશે નહી.. તારાથી જે થાય એ કરી લેજે..' કમ્બુલા ઉભો થતાં બોલ્યો.


કમ્બુલાની વાત સાંભળીને અમ્બુરા માથાની ચોટીથી માંડીને પગના અંગુઠા સુધી ગુસ્સાથી લાલપીળો થઈ ગયો. એણે આવેશમાં આવીને પાસે ઉભેલા એક સૈનિકની તલવાર ખેંચી કાઢી. ચારેયબાજુ ઉભેલી જનમેદનની શ્વાસ અધ્ધર થઈ ગયા. શાર્વી તો ભયની મારી ચીસ પાડી ઉઠી.


અમ્બુરાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. એણે કમ્બુલાને મારવા માટે બળપૂર્વક તલવાર ઉગામી આ જોઈને કમ્બુલાના તો શ્વાસ અધ્ધર થઈ ગયા. અમ્બુરાએ કમ્બુલાને મારવા માટે તલવાર ઊંચી કરી કે એનો હાથ અધ્ધર જ રહી ગયો. કારણ કે એણે જેવી તલવાર ઊંચી કરી કે પાછળથી કોઈકે તલવાર પકડી લીધી. અને અમ્બુરાના હાથમાંથી તલવાર પાછળ ખેંચાઈ ગઈ.

આમ થવાથી અમ્બુરાનો ગુસ્સો વધી ગયો એ ઝડપથી પાછળ ફર્યો. અને એની તલવાર પકડીને ઉભેલા માણસ તરફ જોયું.
સુવ્યવસ્થિત બાંધો ધરાવતો , પચ્ચીસ વર્ષની ઉંમર ધરાવતો , જોનારની આંખો અંજાઈ જાય એવી આંખોમાં રોશની ધરાવતો યુવાને અમ્બુરાની તલવાર ઝૂંટવી લીધી હતી. શાર્વી પણ એ યુવાનના અદ્ભૂત રૂપને તાકી રહી..

"કોણ છે તું..' ગુસ્સે ભરાયેલા કર્કશ અવાજે અમ્બુરાએ પેલા યુવાનને પૂછ્યું.

"રેમન્ડો..' પેલો યુવાન ગંભીર અવાજે બોલ્યો.

ત્યાં તો આજુબાજુની જનમેદનીમાંથી રેમન્ડો.. રેમન્ડોના અવાજો આવવા લાગ્યા.

(ક્રમશ)