Let us introduce you to God - 6 in Gujarati Philosophy by પ્રદીપકુમાર રાઓલ books and stories PDF | ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 6

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

ચાલો તમને ભગવાન સાથે મુલાકાત કરાવું - 6

ભગવાન, ઇશ્વર, અલ્લાહ આખરે છે શું?  કોઈ મહાશક્તિ કે કોઈ મહાપુરુષ, પૂર્ણ પુરોષતમ રામ ? 
       હું જ્યારે મારા વતન જાઉં તો રોજ રાતે 2 વાગ્યા સુધી ખૂબ ઊંચા અવાજે લાઉડસ્પીકરમાં ભજન વાગતા હોય છે, ત્રાસ થઈ જાય! ઊંઘવું કેમ એ પ્રશ્ન થઈ પડે છે. વહેલી સવારે આરતી લાઉડસ્પીકરમાં !  એ બધું પતે એટલે મસ્જિદમાંથી ચાલુ થાય. મને લાગે છે આખા ઇન્ડિયામાં આ હાલત હશે! 
 ધર્મ પાલનમાં વિવિધતા તો રહેવાની જ . એના પણ કારણો છે. પણ બીજાએ લીલું કે પીળું ટિ-શર્ટ  કેમ પહેર્યું તે વાંધો લેવો અજ્ઞાન, મુર્ખતા અને કટ્ટરવાદ છે. ભજન જેવી પવિત્ર શાંતિદાયક ક્રિયાને પણ ત્રાસદાયક બનાવે એ ભારત! નવરાત્રીમાં પણ વધારે વોલ્યુમ પર ગરબાની રમઝટ બોલતી હોય છે, કાન ફાડી નાખે....ક્યાંય પ્રમાણભાન જેવું છે જ નહીં, તેમજ બીજા કોઈ, અડોશ પડોશનો ખ્યાલ જ નહીં! 
          આ બ્રહ્માંડ ચોતરફ અને અનંત સુધી ફેલાયેલું છે, તો પછી પવિત્ર જગ્યા કઈ? ક્યાં લીટી દોરશો?  તમે નક્કી કરો એ પવિત્ર કે કોઈપણ ચીજ વસ્તુ, સ્થાન એના ગુણધર્મથી પવિત્ર?? અન્ય ધર્મના લોકો માટે તમારું મંદિર અપવિત્ર બની જાય એમાં કોઈ લોજીક નથી. આવા ભેદ કરવા જરૂરી નથી.  આ બ્રહ્માંડ, આ પૃથ્વી, આ જમીન બધુજ પવિત્ર છે, પહેલા એ જુઓ તમારું મન પવિત્ર છે? તેવીજ રીતે આ સમય પણ અનંત છે, અવિરત છે. શુભ સમય, શુભ મુર્હુત ક્યાંથી હોય!
ચોવીસ કલાક, દરેક ક્ષણ પવિત્ર અને શુભ જ છે. તમે ચોવીસ કલાક પૂજા કરી શકો છો, તમારા અસ્તિત્વ સાથે પૂજા જોડાઈ જવી જોઈએ. બે કલાક મંદિર જઈ આવ્યા કે ઘરમાં એક ખૂણામાં ત્રણ કલાક માળા જપવી એ પૂજા નથી, યંત્રવત કામ છે. એ ધ્યાન પણ નથી. ધ્યાન પણ કરવાની વસ્તુ નથી, એ સતત જાગૃત મનથી સેલ્ફને જોવાની ક્રિયા છે. પૂજા કરવા મંદિર, મસ્જિદ કે ચર્ચમાં જવાની જરૂર નથી, મોટાભાગે એ બધું બાહ્ય દેખાદેખીની ક્રિયાઓ છે. 
                તમારું અસ્તિત્વ જ જ્યારે પૂજામય બની જાય છે ત્યારે દરેક જગ્યા મંદિર બની જાય છે. તમે કાયમ પવિત્ર જગ્યામાં જ છો. તમે જે કાર્યો દિલથી કરો તો પવિત્ર બની જાય છે. એ પૂજા બની જાય છે. કોઈ કામ બીજાના કહેવાથી, દેખાદેખીથી, કે મજબૂરીથી કે પરાણે કરવાથી તે બોજ બની જાય છે. "સોનુ સુદ" દ્વારા તકલીફમાં આવી પડેલ લોકો, ગરીબ ભાઈ બહેનોને મદદ કરવામાં આવી એજ સાચી "પૂજા"
       સત્યમેવ જયતે : એટલે સત્યનો હંમેશ જય થાય છે, આમાં મને સત્ય જણાય છે. ભલે વાર લાગે પરંતુ સત્ય બહાર આવ્યા વિના નથી રહેતું, એને છુપાવી શકાતું નથી. ભગવાન વિશે અને એમણે જે સર્જન કર્યું તે વિશે વિવિધ વાતો, કલ્પનાઓ આપને બતાવી, પરંતુ એમાંથી એકેય વૈજ્ઞાનિક રીતે સાચી નથી. સાચા હોવાના પુરાવા પણ નથી મળ્યા, ઉપરથી એવા સત્યો મળ્યા કે માનવોને માનવું જ પડે કે ઈશ્વર એક કોન્સેપ્ટ છે. ચાલો જોઈએ વૈજ્ઞાનિક અભિગમ અને મોર્ડન વિચારસરણી ક્યારે અને કેવી રીતે શરૂ થઈ. 
     " The Grand Design " પુસ્તકમાં સ્ટીફન હોકિંગ જણાવે છે કે "ખૂબ જુના સમયમાં કુદરતના કામ કરવાના નિયમોની અજ્ઞાનતા જ લોકોને એવું માનવા પ્રેર્યા કે ભગવાન જેવું કોઈક આ સૃષ્ટિ ચલાવી રહ્યું છે અને આપણા જીવનની દરેક પ્રવૃત્તિઓ સંભાળી રહ્યો છે" આગળ જણાવે છે કે લોકો એવું પણ માનતા હતા કે ભગવાન નારાજ થાય, ગુસ્સે થાય તો ભયંકર આફતો અને રોગચાળો લાવે છે, અને જો ખુશ થાય તો  સારું વાતાવરણ આપે અને રોગોનું આગમન ન થાય.  
            આમ માનવાનું  કારણ એ હતું કે પરિણામ અને કારણ વચ્ચેનો સંબંધ આપણે સમજી નહોતા શકતા." પરંતુ અંદાજે 2600 વર્ષ પહેલા થેલ્સ ઓફ મિલેટ્સના આવ્યા પછી બધું બદલાવા લાગ્યું. એવા વિચારની શરૂઆત થઈ કે કુદરતમાં ચોક્કસ પ્રકારના નિયમો કામ કરી રહયા છે અને તે નિયમોના રહસ્યો પણ ઉકેલી શકાય છે. ત્યારથી એક લાંબી વિચારવાની પ્રક્રિયા ચાલુ થઈ જેમાં બ્રહ્માંડનું અમુક નિયમો મુજબ સંચાલન થાય છે અને નહીકે કોઈ ભગવાનના ઈશારે! વધુમાં આ બ્લુ પ્રિન્ટ પણ કોઈક દિવસે ઉકેલી શકાશે એવી આશા જાગી. 
          એ થેલ્સનો જ વિચાર હતો કે આપણી આજુબાજુ જે જટિલ બનાવો બનતા રહે છે એનું કારણ અમુક નિયમો છે અને તે સમજાવી શકાય તેમ છે અને તે માટે કોઈ કાલ્પનિક , પૌરાણિક કથા-વાર્તાઓ અને ભગવાનનો સહારો લેવાની જરૂર નથી. આ થેલ્સ એ સમયના મહાન ખગોળવીદ અને ગણીતજ્ઞ હતા અને એમણે જ સૌ પ્રથમ 585 BC માં આવનાર સૂર્યગ્રહણની સચોટ આગાહી  કરી હતી. એમ્પેડોસલે ( c - 490 BC - c  430 BC) પ્રયોગ કરી હવાની શોધ કરી. હા, ભાઈ એની પણ શોધ કરવી પડે!. એજ સમયમાં ડેમોક્રાઇટિસ ( c - 460 BC - c  370 BC) દ્વારા પદાર્થના નાનામાં નાના પાર્ટની એટલે કે એટમની શોધ કરી. ત્યારબાદ એરિસ્ટારક્સ ( c - 310 BC - c . 230 BC) એ ચંદ્રગ્રહણનો  અભ્યાસ કરી તારણ કાઢ્યું કે સૂર્ય પૃથ્વી કરતા અનેકઘણો મોટો હોવો જોઈએ, પૃથ્વી સેન્ટરમાં નથી, પરંતુ પ્રમાણમાં મોટા વિશાળ સૂર્યની આજુબાજુ બીજા નાનકડા ગ્રહો ભ્રમણ કરે છે. 
     કુદરતના નિયમો વિશે આધુનિક વિચારસરણી તો છેક 17મી સદીમાં આવી. કેપલર એવા પ્રથમ વૈજ્ઞાનિક હતા જે કુદરતી નિયમોને આધુનિક માપદંડથી સમજતા હતાં. ગેલીલીઓ (1564 - 1642) એ કુદરતી સિદ્ધાંતો પર વધુ પ્રકાશ પાડ્યો, ઘણાં નિયમો શોધ્યા. એમ પણ પ્રતિપાદિત કર્યું કે ઓબ્જર્વેશન જ વિજ્ઞાનનો પાયો છે. અને તેનો મકસદ ભૌતિક પ્રક્રિયાઓ શા માટે થાય છે તેમની વચ્ચે શુ સબંધ છે તે શોધવાનો છે. ત્યારબાદ રેને ડિસકાર્ટસ ( 1596 - 1650) સમજતાં હતા કે કુદરતના નિયમો બધે જ અને કોઈપણ સમયે સરખી રીતે વેલીડ છે. પૃથ્વી પરના મહાન જીનિયસ વૈજ્ઞાનિક આઇસેક ન્યુટન (1643 - 1727) દ્વારા પદાર્થની ગતિના નિયમો , laws of motion અને ગુરુત્વાકર્ષણના નિયમ આપવામાં આવ્યા, મતલબ શોધ્યા. તમને જાણીને નવાઈ લાગશે કે કૅપલર, ગેલીલીઓ, અને ન્યુટન પણ એમ માનતા હતા કે કુદરતના નિયમો એ ભગવાન દ્વારા બનેલા છે!!!
જોકે Laplace (1749 - 1827) દ્વારા "સાયન્ટિફિક ડીટરમીનીસમ"ની  થિયરી આપવામાં આવી. જે મુજબ આખા યુનિવર્સમાં એક ચોક્કસ પરિસ્થિતિ એ અને આપેલ નિયમો દ્વારા ભૂતકાળ તેમજ ભવિષ્ય વિસે અનુમાન થઈ શકે છે. આ નિયમથી ભગવાનના હસ્તક્ષેપની બાદબાકી થઈ ગઈ. જેમકે અમુક પ્રેસર ડેવલપ થાય જમીનની અંદર તો જવાળમુખી ફાટી નીકળે, ધરતીકંપ થાય, સૂર્ય કેટલા વાગે આથમસે, ગ્રહણ ક્યારે આવશે... 
               Ptolemy દ્વારા AD 150 માં બ્રહ્માંડ નું મોડલ આપવામાં આવ્યું હતું જેમાં પૃથ્વીને ગોળ , સ્થિર અને બ્રહ્માંડના કેન્દ્રમાં બતાવી અને ગ્રહો તારાઓ જુદી જુદી ભ્રમણકક્ષાઓમાં  પૃથ્વીની આજુબાજુ ફરતા હતા. લોકોને આ મોડેલ સાચું લાગ્યું કેમકે આપણા પગ નીચે ધરતી સરકતી હોય તેમ લાગતું નથી. આ મોડેલ કેથોલિક ચર્ચ દ્વારા સ્વીકારવામાં આવ્યું અને આપને નવાઈ લાગશે કે આ મોડેલને 1400 વર્ષ સુધી ઓફિશિયલી માન્ય ગણવામાં આવ્યું. છેક 1543માં કોપરનીકસ દ્વારા વૈકલ્પિક મોડેલ મુકવામાં આવ્યું. જે પુસ્તકમાં તેના મૃત્યુના વર્ષે જ પ્રકાશિત થયું! આ મોડેલમાં સૂર્ય વચ્ચે સ્થિર હતો અને ગ્રહો તેની પ્રદક્ષિણા કરતા હતા. આ મોડેલનો પ્રચંડ વિરોધ થયો કેમકે બાઇબલની વાત સાથે મેચ નહોતું થતું. કોપરનીકસના આ મોડેલને સપોર્ટ કરનાર ગેલીલીઓ પર 1663 માં કેસ ચલાવી તેને હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યા, કારણ આપ્યું કે તમે પવિત્ર પુસ્તકોમાં લખાયેલ છે તેના વિરોધી વાતને સમર્થન આપો છો.  ખૂબ ખૂબ લાંબા સમય પછી એટલેકે 1992માં રોમન કેથોલિક ચર્ચ દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવી. 
       એક સમય હતો જ્યારે લોકો એમ માનતા હતા કે પૃથ્વી સપાટ છે. છેડે જઈએ તો પડી જવાય! દરિયો છેડેથી ઢોળાઈ જાય! એ પ્રશ્નો હલ થઈ ગયા જ્યારે ખબર પડી કે પૃથ્વી ગોળ છે. બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એનો ઉકેલ શોધવો ન પડે તે માટે સેંકડો વર્ષથી એરિસ્ટોટલ સહિત ઘણા લોકો માનતા હતા કે બ્રહ્માંડ પહેલેથી જ અસ્તિત્વ માં હતું. અમુક લોકો એમ માનતા હતા કે બ્રહ્માંડ બનવાની શરૂઆત થઈ હતી અને તે ભગવાન દ્વારા કરાઈ અને ભગવાન છે તે સાબિત કરવાની મહત્વની દલીલ તરીકે ઉપયોગ થતો. જોકે આધુનિક  વિજ્ઞાન મત મુજબ "સમય" પણ "સ્પેશ" ની માફક વર્તણુક કરે છે, તેણે એક નવો જ વિકલ્પ આપ્યો કે યુનિવર્સની શરૂઆત વિજ્ઞાનના નિયમોને આધીન થઈ અને તેને કોઈ "God" દ્વારા બનાવવામાં આવે એવી જરૂર નહોતી. 
      હજારો વર્ષ પહેલાં લોકો માનતા હતા કે પૃથ્વી એક સ્પેશિયલ ગ્રહ છે, અને બ્રહ્માંડની મધ્યમાં સ્થિર છે. પહેલા આફ્રિકામાં ગોરા લોકોને ભગવાન માનતા હતા, પછી ખબર પડી કે આ તો બધું લૂંટવા આવ્યા છે. માનવોને પણ ખાસ ભગવાનના  પ્યારા માનવામાં આવે છે, પરંતુ એ બીજા જીવો જેવો જીવ જ છે. આજે ડેમોક્રેસીમાં જ્યોર્જ ફ્લોઇડની મોતને લઈને "બ્લેક લાઈફ મેટર્સ" આંદોલનો ચાલે છે. આજે આપણે જાણીએ છીએ કે ફક્ત આપણી ગેલેક્સીમાં  જ અબજો તારાઓ છે, જેમાંથી ઘણાને પોતાની ગ્રહમાળાઓ છે. અને વિજીબલ યુનિવર્સ માં અંદાજે 140 અબજ ગેલેક્ષીઓ છે. 
            સમયની ગતિ આગળની તરફ છે, જો પાછળ ગતિ હોય તો આપણે વૃધ્ધમાંથી યુવાન અને પછી કિશોર, બાળક બની જાઈએ! વિજ્ઞાન અને ધર્મની લડાઈ પણ ચાલુ રહેવાની. બન્નેના ફિલ્ડ અલગ જણાય છે પણ આત્મા એક જ છે. વિજ્ઞાન કુદરતી કરિશ્માને જોવાની આંખ છે. તેમ છતાં જાણીજોઈને લેભાગુ તત્વો દ્વારા પોતાના પ્રચાર માટે વૈજ્ઞાનિક આધાર લઈ જુઠ ફેલાવે છે. જ્યાં સુધી વિજ્ઞાન દ્વારા બ્રહ્માંડના તમામ જવાબ નહીં મેળવી શકાય ત્યાં સુધી ભગવાનનું અસ્તિત્વ રહેશે. જ્યા સુધી લોકોમાં અગમ્ય, ભવિષ્યનો ડર મનમાં રહેશે ત્યાં સુધી મનમાં ભગવાનનો સહારો રહેશે. જ્યાં સુધી ઓછી મહેનતે વધુ મેળવી લેવાની લાલશા રહેશે દિલોમાં ત્યાં સુધી ભગવાનની જરૂર પડશે. જ્યાં સુધી ભક્તિભાવ , આસ્થા, શ્રધા, અંધશ્રદ્ધા દિલોદીમાંગમાં ડોકિયાં કરતી રહેશે ત્યાં સુધી ભગવાન રહેશે. આશારામો અને નિત્યાનંદોને અંધ ભક્તો ન મળી રહે તો એમનું કોઈ વજૂદ નથી.
To be continued...(વધુ આવતા અંકે ભાગ - 7માં)
 
નોંધ : તમામ ભાગમાં આવેલ વાચકો, જ્ઞાનીઓની નોંધપાત્ર કોમેન્ટસનો એક અલગ વિશિષ્ટ ભાગ મુકવામાં આવશે તેમાં જરૂરી વિવેચન કરવામાં આવશે, કોઈ પ્રશ્ન, પૂરક માહિતી કૉમેન્ટમાં જણાવશો.