એક વડીલ મિત્રની વ્યથા સાંભળવા જેવી છે. તેઓ કહે છે કે આજની બધી જ પ્રગતિ ભ્રામક છે. ટેલિફોનથી માંડીને ઈન્ટરનેટ અને ઈમેઈલ જેવા સંચાર સાધનો હોય કે વાહન વ્યવહારના સાધનો હોય, શેરની ઝાકમઝાળ, વાડીઓ, ક્લબો, ફાસ્ટ ફૂડ, મ્યુઝિક-સિસ્ટમ, સીડી પ્લેયર, ટીવી અને હોમ થિયેટર, સ્વિમિંગ-પુલ અને વોટરપાર્ક, આલિશાન સિનેમા હોલ અને એવું બધું પામીને આપણે જાણે ન્યાલ થઈ ગયા હોઈએ એવું ગૌરવ અનુભવીએ છીએ. આપણે એમ માનીએ છીએ કે આપણે જ્યાં હતા ત્યાંથી ઘણા ઊંચે ચડ્યા છીએ. પરંતુ આ બધું જ ભ્રામક છે. એ વડીલ તો કહે છે કે, આને ભલે આપણે પ્રગતિ કહીને ખુશ થતા હોઈએ પરંતુ આ સાચા અર્થમાં પતન અને અધોગતિ જ છે.
આવી સમજ પાછળ એમનો તર્ક પણ સાંભળવા જેવો છે. તેઓ કહે છે કે, આ બધી ભૌતિક સુખ-સુવિધા અને સવલતો પાછળ દોડવામાં આપણે મૂળને, આપણા ઉદ્ગમને અને આપણા ઉત્સવોને વિસરી ગયા છીએ. કહો કે મૂળથી વિખૂટાં પડી ગયા છીએ. એમની નજરે ઉદ્ગમથી દૂર ચાલ્યું જવું એ પતન જ છે. એમની આ વ્યથા બહુ ઘેરી છે. આપણે પ્રકૃતિથી દૂર ચાલ્યા ગયા છીએ. દરિયા કિનારો તો હજુ બચ્યો છે પરંતુ નદીના કિનારા સાવ વિલીન થઈ ગયા છે. આજના સ્નાતક થયેલા યુવાનને પૂછીએ કે તમે જોયેલા અને તમે ઓળખતા હોય એવા દસ ફૂલોના નામ આપો, તો માંડ માંડ ચાર-પાંચ નામ આપી શકે. આજે ભૌતિકતાની એટલી બધી બોલબાલા છે કે, સરેરાશ માણસ પોતાના આડોશપાડોશ અને સમાજથી તો ઠીક પોતાના કુટુંબથી પણ વિખૂટો પડી ગયો છે. કૌટુંબિક આંતરક્રિયા, પરસ્પર પ્રેમ અને કાળજી, લાગણીના આદાન-પ્રદાન વગેરે બધું જ જાણે સૂકાતું ગયું છે. આ પરિસ્થિતિ સતત આગળ વધી રહી છે કારણ કે આ સાચી પ્રગતિ છે એવું મોટા ભાગના લોકો માને છે અને એથી જ સિક્કાની બીજી બાજુ એને ભાગ્યે જ દેખાય છે. માણસને પોતાના મૂળ તરફ પોતાની ભીતર ડોકિયું કરવાની પણ ફુરસદ નથી.
કમનસીબે આધુનિક જીવન પર જેમનો પુષ્કળ પ્રભાવ છે એવા અનેક વિચારો પણ એમ જ માનતા આવ્યા છે કે જગતનો વિકાસ નિમ્ન સ્તરેથી શ્રેષ્ઠ સ્તર તરફ જઈ રહ્યો છે. ચાર્લ્સ ડાર્વિનથી માંડીને કાર્લ માર્કસ તથા બર્ગસન પણ આમ જ કહેતા આવ્યા છે. તેઓ કહે છે કે, જેમ જેમ આપણે ભૂતકાળ તરફ જોઈએ છે તેમ-તેમ અલ્પ વિકાસ જોવા મળે છે અને જેમ જેમ આગળ વધીએ છીએ તેમ તેમ વધુ વિકાસ જોવા મળે છે. એમના મતે ભૂતકાળ પછાત હતો અને વર્તમાન વિકાસશીલ છે તથા ભવિષ્ય વધુ આશાસ્પદ છે. આ વિચારધારા અને સમજ વ્યાપક બની છે. આ વિચારધારા મૂળ અથવા ઉદ્ગમને તુચ્છ માને છે. અને વિકાસના માર્ગ જે અંતિમ શિખરે પહોંચીશું તે શ્રેષ્ઠ હશે એવું માને છે. કદાચ આ વાત દુન્યવી નજરે સાચી લાગે. એક નાનકડા બીજમાંથી વિરાટ વૃક્ષ બને અને મબલખ ફળ-ફૂલ આપે ત્યારે એ નાનકડું બીજ તુચ્છ જ લાગે. પરંતુ આ સમાજમાં ક્યાંક બહુ મોટી કચાશ છે. જો એમ જ હોય તો જીવનનું મૂળ જન્મ છે અને અંત મૃત્યુ છે.
એ મૃત્યુ આવકાર્ય અને શ્રેષ્ઠ ગણાવું જોઈએ. બાળપણ અને વૃદ્ધાવસ્થામાં પણ આજ ગણિત કામ કરતું રહેવું જોઈએ. આવી જ રીતે જ્યારે કોઈ વ્યક્તિ ઉંમરના ઢોળાવ પર આવીને અત્યંત શાંત, સરળ અને બાળ સહજ નિર્દોષતા પ્રાપ્ત કરે છે ત્યારે એનું સમગ્ર અસ્તિત્વ આહ્લાદક સ્વરૂપે પ્રગટ થાય છે. એનું ખરું કારણ એ છે કે આવી વ્યક્તિનો ઝુકાવ ઉદ્ગમ તરફ થઈ ગયો હોય છે.
એક વાત એ પણ સમજવા જેવી છે તે જીવનની ગતિ હંમેશા વર્તુળાકાર રહેતી હોય છે. એટલે ગમે એટલી દોડધામ કર્યા પછી પણ પાછા ઉદ્ગમ તરફ જ આવી જવાનું બને છે. આવું બને ત્યારે આપણે જેને અંતિમ શિખર માનીએ છીએ એ જ આરંભબિંદુ હોય છે. મૂળ તરફ પાછા જવું અથવા મૂળ સાથેનું અનુસંધાન જાળવી રાખવું એ જ સાચો અને સાર્થક વિકાસ છે. વૃક્ષની વાત કરીએ તો વૃક્ષ જમીનની ઉપર ગમે એટલું વિક્સે અને વિસ્તરે છતાં એનાં મૂળ તો જમીનમાં જ રહે છે. વૃક્ષ કદી ઊડીને કે કૂદકા મારીને આકાશને અડકતું નથી. મૂળ સાથેનું એનું અનુસંધાન તો અકબંધ રહે છે.
ભારતીય તત્વજ્ઞાન અને દર્શન પણ આવી જ વાત કરે છે. ‘ભગવદ્ ગીતા’માં કૃષ્ણ પણ આ વાતનું પ્રતિવાદન કરે છે. આ જ કારણે વૈજ્ઞાનિક અને ટેક્નોલોજિકલ વિકાસ પાછળ દોટ મૂકનાર પશ્ચિમના જગતે ભારતીય દર્શન વિષે કેટલીક ગેરસમજ કરી છે. તેઓ એમ માને છે કે માત્ર ભારત જ નહીં, સમગ્ર પૂર્વની દુનિયાનું દર્શન અને ચિંતન ત્યાગવાદી છે. ધનવાન વ્યક્તિ વધુ ધન ઈચ્છે છે. એ વધુ ધન કમાય છે ત્યારે એને આપણે વિકાસમાન કહીએ છીએ. બીજી બાજુ ભગવાન બુદ્ધ અને મહાવીર જેવાઓ રાજપાઠ છોડીને વિકાસનો માર્ગ સિદ્ધ કરે છે. પશ્ચિમી જગત સંગ્રહને વિકાસ માને છે અને પૂર્વનું ચિંતન એનાથી વિપરીત જાય છે.
મૂળથી કે ઉદ્ગમથી દૂર જવાને કારણે આપણે ખુદ આપણી ઓળખ ગુમાવી બેસીએ છીએ. વૃક્ષ ગમે એટલું વિશાળ હોય તો પણ એના છેલ્લામાં છેલ્લા પાંદડાને પણ પોષણ અને ભીનાશ તો મૂળ થકી જ મળે છે. કહેવું હોય તો કહી શકાય કે મૂળથી અનંત ઘણા દૂર જતાં રહેવાથી છેવટે આપણે પ્રાણહીન દશા જ પામીએ છીએ. પેલા વડીલની વ્યથા છેવટે તો આ પ્રાણહીન દશાની જ છે.
પ્રસિદ્ધ આધ્યાત્મિક ગુરુ ગુર્જિએફ હંમેશાં કહેતા હતા કે, જે વ્યક્તિ પોતાનાં માતા-પિતાનો સહજ આદર કરી શકે છે એને જ હું માણસ ગણું છું. વાત ગૌણ લાગે એવી છે, છતાં ખૂબ જ મહત્વની છે. આધુનિક મનોવિજ્ઞાન પણ કહે છે કે, સંતાનો પોતાનાં માતાપિતા પ્રત્યે ઘૃણા, ઈર્ષા અને સ્પર્ધાનો ભાવ સેવતા હોય છે. પરંતુ માતાપિતા મૂળ છે અને મૂળથી મોટું વૃક્ષ કદી હોઈ શકે નહીં, એવી સમજ સાથે ગુર્જિએફનો ઈશારો મૂળના માહાત્મ્ય તરફ છે. માતાપિતા પોતાનાં સંતાનોને પ્રેમ આપે તે સહજ છે. પરંતુ સંતાનો પ્રેમ અને આદર આપે તે ઉત્કૃષ્ટ છે. ગુર્જિએફ માતાપિતાને પણ કહેતા કે તમે સંતાનો પાસે આવો અધિકાર માંગવાને બદલે તમે જ સંતાન તરીકે તમારા માતા-પિતાનો આદર કરજો. કારણકે માગવાથી મળતા આદરની કિંમત ફૂટી કોડીથી વધુ નથી હોતી.
પરંતુ આપણે જોઈએ છીએ કે, આધુનિક પરિવેશમાં મોટા ભાગના લોકો કાં તો મૂળ અથવા ઉદ્ગમ પ્રત્યે ઘૃણા દાખવતા હોય છે અથવા એને છુપાવવાનો પ્રયત્ન કરતા હોય છે. આગળ વધીને કહીએ તો જાતીયતા માણસની મૂળભૂત વૃત્તિમાંની એક છે. આખા અસ્તિત્વનું રહસ્ય ત્યાં જ પડેલું છે. પરંતુ સમાજમાં જાતીયતાને ગોપનીય રાખવાનું વલણ વધારે છે. આપણો જન્મ જાતીયતાને કારણે જ થયો છે. બે વ્યક્તિઓની તીવ્ર વાસનામાંથી આપણે પેદા થયા છીએ. આ જ કામવાસનાના સ્રોત થકી બુદ્ધ અને મહાવીર જન્મ્યા છે. આઈન્સ્ટાઈન અને ફ્રોઈડ તથા માર્કસ પણ જન્મ્યા છે. એનો અર્થ એવો પણ કરી શકાય કે જાતીયતામાં બુદ્ધ અને આઈન્સ્ટાઈન પેદા કરવાની ક્ષમતા છે. જો કોઈ વ્યક્તિ બુદ્ધ કે આઈન્સ્ટાઈનના કક્ષાની જ ન બની શકે તો એમાં મૂળ પ્રક્રિયાનો દોષ કાઢવો ખોટો છે. કદાચ મૂળ પ્રત્યેની અભાનતાનું પરિણામ હોઈ શકે.
પૃથ્વીના ગુરૂત્વાકર્ષણ નિયમ તો જાણીતો છે. હવામાં ફંગોળેલી ચીજ ગુરૂત્વાકર્ષણથી જમીન પર પાછી આવીને પડે છે. મૂળમાં પણ ગુરૂત્વાકર્ષણ જેવું જ બળ છે. એ આપણને ખેંચે છે. છતાં આપણે એનાથી દૂર જવાની અને ક્યારેક તો એના અસ્તિત્વને નકારવાની કે છુપાવવાની ચેષ્ટા કરીએ છીએ. પરિણામે આપણે આપણી શક્તિ અને ઊર્જાનો નાહક વ્યય કરીએ છીએ.
આ જ સંદર્ભમાં અમેરિકન મનોવૈજ્ઞાની જેનોવે વિકસાવેલી ‘પ્રાઈમલ થેરાપી’ની વાત કરવા જેવી છે. મનોવિજ્ઞાનના કહેવા મુજબ કોઈ પણ વ્યક્તિને સંમોહન હેઠળ અથવા અન્ય રીતે ભૂતકાળમાં પાછી લઈ જવામાં આવે તો એ ઝડપથી સ્વસ્થ થવા લાગે છે. આ થેરાપીમાં એક તબક્કે વ્યક્તિને જન્મની ક્ષણ અને પ્રથમ રૂદન સુધી લઈ જવામાં આવે છ, એને એ ‘પ્રાઈમલ સ્ક્રીમ’ કહે છે.
વ્યક્તિ અહીં સુધી પહોંચે ત્યારે એના મન પરથી પછીનો બધો જ બોજ હટી જાય છે. એ હળવોફૂલ અને નિર્દોષ બની જાય છે. અહીં પણ છેવટે તો મૂળ સુધી પહોંચવાની જ વાત છે.
આપણે જેને પ્રગતિ કહીએ છીએ એ ભલે એની રીતે ચાલતી. પરંતુ મૂળથી દૂર થઈ જવાનું કે મૂળથી ઉખડી જવાનું આપણને પોસાવાનું નથી. માતા-પિતા, કુટુંબ, વતન પ્રકૃતિમાં આપણા મૂળ પડેલાં છે. મૂળથી ઉખડી જનારને પોષણ મળતું નથી અને છેવટે એણે કરમાઈ જવું પડે છે. વૃક્ષની જેમ મૂળમાં પગ જમાવીને જે પ્રગતિ કરીશું એ જ કામ લાગશે. બાકી તો અધૂરપ અને અજંપાની ધૂળ જ હાથમાં આવશે.