ધ્રુવ બહુ ખુશ હતો આજે ઘરમાં ભાભી આવવાના હતા.
ઘરમાં નવા સદસ્ય ને આવકારવા મોટા ભાઈ કેયુર ના લગ્ન ની ધમાલ અને ઉજાગરા નો થાક ધ્રુવ ભૂલી ગયો અને સ્વાગત ની તૈયારી માં લાગી ગયો હતો.
ધ્રુવ નો ઉત્સાહ જોઈ એની મમ્મી નયના બેન બોલ્યા બેટા આ સેની ધમાલ માંડી છે ? વહુ કાંઈ નવીનવાઈ ની નથી કે આટલો ઉછળકુદ કરે છે.
સાંભળી ધ્રુવ ના પપ્પા પ્રફુલ ભાઈ બોલ્યા શું કામ કટકટ કરે છે ? જે કરે છે એ કરવા દે એને.
નયના બેન છણકો કરતા બોલ્યા તમે તો ચૂપ જ રહો, તમને આમાં કાંઈ ખબર ન પડે. અને લગ્ન પછી મારું સ્વાગત કેવુ થયુ હતુ એ યાદ છે ?
પ્રફુલ ભાઈ ને ગૃહપ્રવેશ વખતે નયના નું થયેલ અપમાન યાદ આવી ગયું અને કાંઈ બોલવા જેવું ન રહ્યુ એટલે ચુપચાપ ત્યાંથી રવાના થઈ ગયા.
મમ્મી ની વાત નજરઅંદાજ કરી ધ્રુવ પોતાની મસ્તી માં તૈયારી કરતો હતો.
મંદિર થી દર્શન કરી નવદંપતી કેયુર અને રેવા એ ગૃહપ્રવેશ કર્યો.
ધ્રુવે આગતા સ્વાગતા માં કોઈ કચાશ રહેવા ન દીધી નવદંપતી એ ઘરના વડીલો ને પગે લાગી આશીર્વાદ લીધા, પડોશી અને સગાંસંબંધીઓ થી ઘેરાઈ રેવા શરમ સાથે મીઠા મજાકમસ્તી નો આનંદ લઈ રહી હતી.
રાત પડતા ધ્રુવ બન્ને ને એમનાં વિશેષ રીતે શણગારેલા બેડરૂમ માં લઈ ગયો અને મોટા ભાઈ ને ભેટી અંગૂઠો ઊંચો કરી ઓલ ધ બેસ્ટ વીશ કર્યુ.
વહેલી સવારે નયના બેને કેયુર નો દરવાજો ખટખટાવી રેવા ને ઊઠાડી બોલ્યા ચાલો બહુ આરામ થઈ ગયો હવે કામે લાગી જાવ.
પ્રફુલ ભાઈ બોલ્યા હજી તો કાલે જ આવી છે બીચારી ને ચાર દિવસ નવા ઘરની ટેવ તો પડવા દે.
હજીતો બોલવાનું પુરુ થયુ એ પહેલા ઊંચા અવાજે નયના બેન નો જવાબ આવ્યો આ બધુ હું નવી પરણી ને તમારા ઘરે આવી ત્યારે કેમ ન બોલ્યા ?
ધ્રુવ પોતાના રુમ માંથી ઊઠી ને આવ્યો અને બોલ્યો મમ્મી સવાર સવાર માં આ શું રામાયણ માંડી છે ભાભી સાંભળશે તો કેવુ લાગશે, તારો જમાનો અલગ હતો હવે જમાનો અલગ છે.
પણ નયના બેન સમજવા તૈયાર ન્હોતા, વહુ કાંઈ આરામ કરવા નથી આવી ઘરની જવાબદારીઓ એણેજ સંભાળવી પડશે.
વાત જાણે એમ હતી નયના બેન આંખોમાં રંગીન સપના અને મનમા અનેક અરમાન લઈ લગ્ન કરી સાસરે આવ્યા હતા. એમના સાસુ કડક સ્વભાવ ના હતા, નયના બેન ના બધા સપના અને અરમાન સાસુ ના હૂકમ તળે કચડાવા લાગ્યા પ્રફુલ ભાઈ પણ બા સામે બોલી ન શકે એટલે નવદંપતી ની બેડરૂમ ના એકાંત માં બોલાચાલી થઈ જતી પણ જેમતેમ કરી સેટલ થઈ જાય.
સાસુ ના સ્વર્ગવાસ ને ધણો સમય થયો પણ નયના બેન ના મનમાં આ વાત ઘર કરી ગઈ હતી કે જેમ રહેવા ઈચ્છતી એમ રહેવા નથી મળ્યુ એના ફળ સ્વરૂપ આજના વર્તન માં એનું પરિણામ દેખાતુ હતું.
પ્રફુલ ભાઈ અને ધ્રુવ ધણું સમજાવતા પણ એની કોઈ અસર નયના બેન પર નહોતી થતી.
સામે પક્ષે રેવા આજના જમાના પ્રમાણે ધણી સમજદાર અને ઠરેલ હતી અને સાસુ ના કહેવા પ્રમાણે બધુ કરતી એને ખબર હતી ખેંચતાણ કરીશ તો તકલીફ કેયુર ને થશે એટલે ચુપચાપ નિભાવે જતી હતી, પણ સહુથી વધુ તકલીફ ધ્રુવ ને થતી હતી કેટલા સપના સજાવ્યા હતા ભાભી ની પજવણી કરીશ, એમને એક બેસ્ટ ફ્રેન્ડ બનાવીશ પણ આ વાતાવરણ માં શક્ય ન્હોતુ.
લગ્ન પછી કેયુર રેવા ને ક્યાંપણ ફરવા ન્હોતો લઈ ગયો એટલે એક રવિવારે પિક્ચર બે ની ટીકીટ લઈ આવ્યો, નયના બેન ને ખબર પડી એટલે ઘર માથે લીધુ આ દિવાળી આવે છે સાફસફાઈ કોણ કરશે તું અને ધ્રુવ પિક્ચર જોઈ આવો વહુ નહીં આવી શકે.
કેયુર તો રડવા જેવો થઈ ગયો પણ ધ્રુવે એને સધિયારો આપી શાંત કર્યો અને મનોમન વિચાર્યુ કે આ સમસ્યા નું કાંઈક સમાધાન કરવું પડશે.
ધ્રુવ નું કોલેજ નું એન્જીનીયરીંગ નું છેલ્લુ વર્ષ હતુ એક્ઝામ થઈ ગઈ કેમ્પસ માં પ્લેસમેન્ટ માટે કંપનીઓ આવી, ધ્રુવ ભણવામાં અવ્વલ હતો એટલે એક સારી કંપની માં એને જોબ લાગી.
ઘરે આવી ધ્રુવે ખુશખબર આપ્યા પણ જોબ માટે પુના ટ્રાન્સફર થવું પડશે અને કંપની રહેવાની અને કાર ની બધી વ્યવસ્થા કરશે એમ જણાવ્યુ.
થોડા દિવસ માં તૈયારી કરી ધ્રુવ પુના જવા રવાનો થયો બધાની આંખ ભીની હતી રેવા ને પણ એક સધીયારો હતો એ હવે નહીં રહે એની ખોટ હતી પણ કંઈ કરી શકે એમ ન્હોતી.
ધ્રુવ પુના પહોંચ્યો કંપની એ રહેવા માટે શહેર થી થોડે દૂર સરસ મજાનો બંગલો આપ્યો ઓફિસ આવવા જવા ગાડી, આમ તો બધુ બરોબર હતુ પણ જમવા અને બીજી સગવડ માટે ધ્રુવ ઓશિયાળો થઈ જતો અઠવાડિયા પછી મુંબઈ મમ્મી પપ્પા ને ફોન કરી ધ્રુવે પોતાની તકલીફ સમજાવી એ બન્ને ને પુના આવી પોતાની સાથે રહેવા સમજાવ્યા, થોડી આનાકાની બાદ પુત્ર ના સુખ માટે બન્ને જણ પુના રોકાવા આવ્યા.
નયના બેન ને નવા શહેર, નવા એરિયા માં ગોઠવાતા સમય લાગ્યો પણ શહેર થી દૂર શાંત વાતાવરણ ધીરે ધીરે ગમવા લાગ્યો અને એ સેટલ થઈ ગયા.
અહિંયા મુંબઈ રેવા અને કેયુર એકલા પડતા થોડી મોકળાશ મળતા ખુશ હતા સાથે સાથે ધ્રુવ ની ખોટ બન્ને ને સાલતી. વીક એન્ડ માં સવાર ની ડેક્કન ક્વીન ટ્રેન માં બે દિવસ પુના જઈ આવતા તો કોઈક વીક એન્ડ માં ધ્રુવ ને ત્રણે જણ મુંબઈ આંટો મારી જતા.
સમય જતા વાર નથી લાગતી એ વાત કેયુર ની પહેલી મેરેજ એનિવર્સરી એ પુરવાર કર્યુ, આ ખાસ પ્રસંગે ધ્રુવે ભાઈ-ભાભી માટે ગોવા ના એક 5star રિસોર્ટ માં ચાર દિવસ નું હનીમૂન પેકેજ ગીફ્ટ કર્યુ. રેવા અને કેયુર માટે તો એ સ્વપ્ન સમાન હતું. લગ્ન પછી પહેલીવાર આવી રીતે એક વર્ષ પછી હનીમૂન મનાવવા જવાના વાતથી જ રોમાંચિત થઈ જવાતું હતું.
ગોવા પહોંચી રળયીમણાં બીચ,ઐતિહાસિક કિલ્લા, વોટર સ્પોર્ટસ ને ભરપુર માણ્યું અને પહેલીવાર બન્નેએ જીંદગી ખરેખર માણતા શીખી, આવા હનીમૂન માટે બન્ને મનથી ધ્રુવ ને આશીર્વાદ આપતા હતા.
આજે ગોવામાં છેલ્લો દિવસ હતો, બપોરે લંચ માટે એક પ્રખ્યાત ગુજરાતી હોટલ માં ગયા એન્ટ્રી ગેટ પાસે જ ધ્રુવ ના કોલેજ ફ્રેન્ડસ મળ્યા કેયુર ને ઓળખતા હતા એટલે હાય હેલ્લો કરી બધા એકજ ટેબલ પર ગોઠવાયા ઓર્ડર આપી રાહ જોતા વાતો કરતા હતા, ધ્રુવ નો એક ફ્રેન્ડ મનન બોલ્યો માનવુ પડે ધ્રુવ ને મુંબઈ છોડવાની જરાય ઇચ્છા ન્હોતી હંમેશ કહેતો ભલે ઓછી સેલેરી મળે પણ મુંબઈ નહીં છોડુ અને હવે મુંબઈ માં ચાન્સ હતો તો પણ પુના ભાગી ગયો.
રેવા અને કેયુર અચરજ થી એકબીજાને તાકી રહ્યા અને કેયુર બોલ્યો કાંઈ સમજાયુ નહીં.
મનન બોલ્યો ધ્રુવ જે કંપની માં લાગ્યો એની મુંબઈ અને પુના એમ બે બ્રાન્ચ છે, એની પસંદગી થી એ બન્ને માંથી જ્યાં ઈચ્છે ત્યાંની ઓફિસ જોઈન્ટ કરી શકતો હતો પણ શું ખબર એણે મનગમતું મુંબઈ છોડી પુના ની ઓફિસ જોઈન્ટ કરી.
રેવા અને કેયુર તો આ વાત સાંભળી આશ્ચર્ય થી દિગ્મૂઢ થઈ અને સાથેજ ઊભા ગયા, કેયુર બોલ્યો જરા તબિયત ઠીક નથી જવુ પડશે અને મનન ની માફી માંગી બન્ને રિસોર્ટ પાછા આવ્યા.
રુમ માં પ્રવેશી બન્ને ચોધાર આંસુએ રડવા માંડ્યા એમને ખબર પડી ગઈ કે અમારા બન્ને ની ખુશી માટે જ ધ્રુવે પુના ઓફિસ જોઈન્ટ કરી પોતાને અગવડ પડે છે એમ કહી મમ્મી પપ્પા ને ત્યાં બોલાવી લીધા અને અમે બન્ને એકલા ખુશીથી રહી શકીએ એટલે પોતાને મનગમતુ મુંબઈ છોડી પુના સેટ થઈ ગયો અને ચુપચાપ હસતા હસતા કોઈને ખબર ન પડે એવી રીતે પોતાની ખુશી છોડી એક મોટુ બલિદાન આપી દીધુ.
થોડીવાર પછી સ્વસ્થ થઈ કેયુરે ધ્રુવ ને ફોન લગાડી સ્પીકર પર મુક્યો અને બોલ્યો નાનકા અમને બધી ખબર પડી ગઈ છે, હંમેશ મોટા ભાઈ બલિદાન આપતા હોય છે આ વખતે નાના ભાઈ થઈ બલિદાન આપી તે બાજી મારી લીધી, પણ હવે બહુ થયું તું પાછો મુંબઈ આવી જા અને અમને આ બોજા માંથી હલકો કર, રેવા પણ રડતી રડતી આવી જ આજીજી કરતી હતી ધ્રુવ ભાઈ પાછા મુંબઈ આવો અમે એડજસ્ટ કરી લેશું.
સાંભળી ધ્રુવ જોરજોરથી હસવા લાગ્યો, રેવા અને કેયુર ને થયું ધ્રુવ ની છટકી તો નથી ગઈ ને આવી ગંભીર વાત માં પણ હસવું આવે છે.
ધ્રુવ બોલ્યો મારા ભાઈ હવે તો કંપની બોલાવે તો પણ મુંબઈ ન આવું કેમકે ભાભી ના હાથની રસોઈ મને જરાપણ નથી ગમતી એટલે મને માફ કરજો, સાંભળી રેવા તો હજી જોરશોર થી રડવા લાગી, કેયુર બોલ્યો નાનકા એ શું બોલે છે ? મુંબઈ માં તો રેવા ની રસોઈ ના ખૂબ વખાણ કરતો હતો અચાનક તને શું થઈ ગયું ?
અને ધ્રુવ પાછો હસવા લાગ્યો અને બોલ્યો અરે મોટા ભાઈ, મારા લાડલા ભાભી તમે મારી મજાક પણ નથી સમજી શકતા?
મારા ભાભી જેવું તો દુનિયા માં કોઈ નથી એમનો સ્વભાવ, એમની રસોઈ ની તોલે કોઈ ન આવે પણ વાત એમ છે એમની સામે ટક્કર લે એવી કોઈ મારા ધ્યાન માં આવી છે.
હવે કેયુર ગુસ્સે થઈ ગયો બોલ્યો ચીબાવલા સીધી વાત કરને ગોળગોળ કેમ ફેરવે છે ?
ધ્રુવ બોલ્યો અરે મારા ભોળા ભાઈ વાત એમ છે કે અમારી ઓફિસ માં કામ કરતી કામ્યા એક વખત કામ સર ઘરે આવી હતી અને મમ્મી ના મનમાં વસી ગઈ એમણે ઓળખાણ કાઢી તો એ દૂર ના સંબંધી ની છોકરી નીકળી અને આ બંદા ના મનમાં તો ઓફિસ ના પહેલા દિવસ થી કામ્યા એ અડ્ડો જમાવ્યો હતો એટલે મમ્મીએ એના વડીલો થી વાત કરી અમારું ચક્કર ગોઠવી દીધુ હું તમને ખુશખબર આપવા ફોન કરવાનો જ હતો એટલા માં તમારો ફોન આવી ગયો.
આવતા વીક એન્ડ માં તમે બન્ને પુના આવી જાવ એટલે સગાઈ ની વીધી પતાવી હું પણ તમારી જેમ જલસા કરું.
રેવા અને કેયુર ના આંખોમા હજી આંસુ હતા પણ એ ખુશી ના આંસુ હતા.
ધ્રુવે કેટલી સમજદારી થી આખો મામલો હેન્ડલ કરી એક પરિવાર ને તૂટતાં બચાવી લીધું અને એના નિસ્વાર્થ બલિદાન નો ફળ ઊપર વાળા એ કેટલો જલ્દી એના ખાતા માં જમા કરાવી દીધો.
અતુલ ગાલા (AT), કાંદિવલી, મુંબઈ.