ખુલે લોકડાઉન ને થાય બંધ પાછું
સાંજ ગમગીન ને, સવારે અજવાળું આછું
ખૂલતી જેનાં કલરવ થી આંખો
એ પક્ષી થીજી ગયા છે ગરમીમાં!
ને ભલ ભલા માલેતુજારો,
પીગળી ગયાં છે નરમીમાં!!
ના તખ્તા પલટ થાય એ તાજ કેવા,
ને જાત પાત જોવે એ યમરાજ કેવા
ટપોટપ જઈ રહ્યા જીવ આ નગર માં
ને પ્રસરી રહી ગમગીની, ઘરે ઘર માં
ખુલે લોકડાઉન ને થાય બંધ પાછું
સાંજ ગમગીન ને, સવારે અજવાળું આછું
સેનીટાઈઝર
2 ટીપા અમૃત, થાય વાઇરસ મૃત, બચાવે જીવ સેનીટાઈઝર!
શું આજ નીકળ્યું તુ સમુદ્રમંથન માં, સાક્ષાત શિવ સેનીટાઈઝર!!
ખબર ન હતી, થશે અતિ પ્રચલિત સેનીટાઈઝર!
માનવ જાત ને બચાવવાની રીત સેનીટાઈઝર!!
કોવિડ ની સામે જાણે જીત સેનીટાઈઝર!
ના રે મેકઅપ, પ્રથમ પ્રીત સેનીટાઈઝર!!
હતું ડિક્શનરી માં અત્યાર સુધી
હવે મુખે રમે આ નામ સેનીટાઈઝર!!
ડબ્બી નાની, પણ ભારે કામ સેનીટાઈઝર!!
2 ટીપા અમૃત, થાય વાઇરસ મૃત, બચાવે જીવ સેનીટાઈઝર!
શું આજ નીકળ્યું તુ સમુદ્રમંથન માં, સાક્ષાત શિવ સેનીટાઈઝર!!
માસ્ક
હાથા વગરનું હથિયાર હું, સનાતન શકિતશાળી!
ઉત્ક્રાંતિ આમ તો મારી પ્રાચીન, પણ કરામત હવે નિહાળી!!
આદિ અનાદિ કાળથી, જૈન મુનિઓના હું મુખની મુપત્તિ!
ને કરું સામનો બાહ્ય પરિબળો નો, કરું અર્પણ સુમતિ!!
ને સદીઓ બાદ, હું આવ્યો યાદ!
અહીં તો ચહેરા ઢાંકવાની લાગી હરીફાઈ ,
ને થતા ગાયબ પરિવારો જાણે,
જોજનો પથરાયેલી, મૃત્યુ રૂપી ખાઈ!!
સર્જાયેલો કપડાથી, હું કરું કામ લોખંડી,
પ્રવેશવા દઉં પ્રાણવાયુ ને, વિષાણુઓને પાબંદી!!
ને જો કોઈ આવે માલિક સમક્ષ, હોય બાળક કે કોઈ સમકક્ષ,
પ્રથમ મારી જ યાદ આવે, ને પ્રથમ મને જ સાદ આવે!!
જો હટયો તમારા મુખેથી, તો દુર્ઘટના પાક્કી છે,
લટકી રહ્યો ફક્ત જો કાને, દુર્ઘટના પાક્કી છે,
રહ્યો ચોંટી દળદાર દાઢી ને, દુર્ઘટના પાક્કી છે,
અને ધોઈ ધોઈ ફરી જો ધોયો, દુર્ઘટના પાક્કી છે!!
બાકી, ભૂલી જજો સાજ શણગાર ને,
મુખ સજાવવાના સૌ સામાન ને,
બસ, રેલાવી સ્મિત મને અપનાવજો
રહેશો સ્વસ્થ ને બીમારી દૂરથી દફનાવજો!
ડર નહીં
ડર નહી, હાર નહીં , બન શેરદિલ, કોઈ ફિકર નહીં
પગ ભર, ડગ ભર, જીવતા જીવ તું મર નહીં,
માન્યું કે સમય ચાલે છે ખરાબ, ને વિચારો ના તો વમળ અહીં,
તાળાબંધ છે બાગ બગીચા અને, કરમાયેલા કમળ અહીં
જીવ હ્રદય માં હામ ભરી, ફિકર કાલની તું કર નહીં
પગ ભર, ડગ ભર, જીવતા જીવ તું મર નહીં,
રાખ આશાવાદ હૈયામાં, ને ધરતી નો ધબકાર અહીં,
અધ્યાત્મ નો ઓમ અને પુણ્ય નો નવકાર અહીં
ડર નહી, હાર નહીં , બન શેરદિલ, કોઈ ફિકર નહીં
પગ ભર, ડગ ભર, જીવતા જીવ તું મર નહીં,
બેશક,
બન સાવધાન, પણ ડર નહીં
આમ અધ વચ્ચે તું મર નહીં
બેશક,
શરદી અને તાવ પણ આવે
ને મનમાં ગોઝારા ભાવ પણ આવે
રાખ હિંમત હ્રદય માં, ને અડધા શ્વાસ તું ભર નહીં
આમ અધ વચ્ચે તું મર નહીં
બેશક,
રોગ છે કેવો
વેદના ઓછી પણ માનસિક ભય છે
સતત ઘટતી આસ્થા નો ક્ષય છે
મક્કમ બન, કર સામનો,
આ દુનિયા નો કાંઈ અંત નહીં
બન સાવધાન, પણ ડર નહીં
આમ અધ વચ્ચે તું મર નહીં
બદલાયો છું
બદલાયો છું
સૂર્યોદય સાથે ઉઠવા વાળો,
સવાર ની સૌમ્યતા લૂંટવા વાળો,
સૂર્યના કિરણો મસ્તકે પડે છે
ઉઠતા હવે બપોર પડે છે
બદલાયો છું
વસ્ત્રો ના ભંડાર ભરવા વાળો
બિન જરૂરી ખર્ચ કરવા વાળો
સદરા માં સવાર પડે છે ને
સદરા માં સાંજ પડે છે
બદલાયો છું
કુટુંબ થી વિમુખ થવા વાળો
એકલો એકરૂપ થવા વાળો
કુટુંબ ની હૂંફ માં ભીંજાઉ છું
જાણે ભર ઉનાળે સિંચાઉ છું
આત્મનિર્ભર
ક્યાં સુધી રહીશ અટવાયેલો, થઈ જા આત્મનિર્ભર,
મટીને તળાવ, બનીને નદી, વહી જા આત્મનિર્ભર!!
પડયું દુખ, તો મંદિર ને શરણે, ને સુખમાં મદિરા પાન
તહેવારે તહેવારે સૌ વ્હાલાં, ને વ્યવહારે ભુલાવે ભાન!!
ક્યાં સુધી તું રૂપિયા ને શરણે, થઈ જા આત્મનિર્ભર,
વાપરી દે - બન ભામાશા, તું વહી જા આત્મનિર્ભર!!
ગાંધીએ કીધું, ઓછામાં જીવ, ને વિતાવ મહિના બાર,
કલામ કહે હજાર પુસ્તકો અને કપડાં ની જોડ ચાર,
છતાં તું કાલે ખોલીશ amazon, "કાંઈક મંગાવીયે યાર" ,
જોશે ભારત આખું તારા સ્વદેશી પ્રત્યેનો પ્યાર!!
ક્યાં સુધી રહીશ અટવાયેલો, થઈ જા આત્મનિર્ભર,
મટીને તળાવ, બનીને નદી, વહી જા આત્મનિર્ભર!!
2020
આંખ ના પલકારા માં અડધું પસાર,
છેલ્લા 3 માસ, ના કોઇ સાર,
ના કોઈ વ્યવહાર, ના કોઇ તહેવાર
ના રહે ભાન , કયો છે વાર!
ના જમણવાર, ના મહેમાન,
ના કોઈ લગ્ન, ને નાચી રહેલી જાન
હોય ભલે શ્રીમંત, ને ઊંચી એની શાન,
આવે ફકત વીસ, જ્યારે જતાં પ્રાણ!
ચેહરો છે ભુલાયો
ને ચાટલો ખાતો કાટ,
ને શ્રમિક ઝૂરતો રસ્તે,
જોતા ગામની વાટ!
પડ્યા લૉકર માં ઝવેરાત,
ને FD ખાતી ધૂળ,
પ્રશ્નો સતાવે સૌને અહીં,
કેમનું બચાવું કુળ!!
બેદરકાર બહાદુર
તો હું છું, એ કાંટાળો ગોળો,
કોવિડ નામ છે મારું
રહે જો બેદરકાર કોઈ બહાદુર,
નિર્દયતા પૂર્વક હું મારું!!
રમેશ કાકા બિન્દાસ બહાર છે ટેહલે!
શરીર શેરીમાં, ને બુદ્ધિ છે ડેલે!!
ને પેલો જુઓ ચમન છે આવે,
મોબાઇલ જોડે પણ માસ્ક ના લાવે!!
રમા કાકી તો ના બોલતા અટકે,
નાક ખુલ્લું, માસ્ક ગાળામાં લટકે!!
હજુયે સમય છે, ચેતી જજો વ્હાલાં,
હું હવામાં, બારીક રજો માં વ્હાલાં,
રેહજો ઘર, બહાર જજો માં વ્હાલાં
"બેદરકાર બહાદુર" ના બનજો વ્હાલાં
અડગ અડીખમ
મનના વમળમાં ફસાય શીદને
મક્કમ અડીખમ અડગ બન!
ખારા પાણીની થપાટો ખાતો
બિન્દાસ બેફિકર ખડક બન!!
બેશક, ક્યારેક રડી લેવું,
પથારીમાં દિવસે પડી લેવું
પણ જો થાય ઊભો તો, જકડી લેજે,
મન નાં માંકડ ને પકડી લેજે!!
આધી અને ઉપાધિ આવશે,
ન વિચારેલ વ્યાધિ પણ લાવશે,
કળથી કામ લઈ, કૃષ્ણ બનજે
અને અર્જુન રૂપી તૃષ્ણા બનજે!!
છતાંય જો ફસાય વમળમાં,
હ્રદય માં ઇશ્વર નું ચિત્ર રાખજે!
એનાથીય જો ના રૂઝે ઘાવ દિલના,
હાથવગો એક જીગરજાન મિત્ર રાખજે!!
અસમંજસ
ના શનિવાર નો આનંદ ,
ના રવિવાર નો ઉમળકો!
ના સાપ્તાહિક રમઝટ,
ના સોમવાર ની ઝંઝટ!
જાહેર જીવન ગુપ્ત છે,
સમાજ ની સગવડ લુપ્ત છે
સાતેય દિન સુષુપ્ત છે!
ના અતીત નો આસ્વાદ,
ના રહ્યો એ આશાવાદી,
છતાંયે માનવ, સંઘર્ષ નો આદિ,
ટક્કર બરાબર ઝીલે છે!!
----અતીત મૂકેશ શાહ