Marriage is Like Diamond in Gujarati Motivational Stories by Ravi bhatt books and stories PDF | લગ્નજીવન : હીરા હૈ સદા કે લિયે

Featured Books
  • सर्द हवाएं

    लेख-सर्द हवाएं*******""       यूं तो सर्दियों के मौसम में जब...

  • इश्क दा मारा - 45

    यूवी गीतिका का हाथ पकड़ कर ले जा रहा होता है तभी गीतिका बोलत...

  • लल्लन जी की अद्भुत नौकरी

    गाँव के एक छोटे से कस्बे में रहते थे लल्लन जी। उनका नाम ही उ...

  • चुप्पी - भाग - 2

    क्रांति की हॉकी खेलने की चाह को महसूस करके और उसकी ज़िद को हद...

  • छिनार

    बसंत बाबू, ये ही बोलते थे लोग, 23 साल का खूबसूरत युवक, 6 फिट...

Categories
Share

લગ્નજીવન : હીરા હૈ સદા કે લિયે

હમણાં એક મિત્ર સાથે લગ્નેતર સંબંધો, એક્સ્ટ્રામેરિટલ રિલેશનશિપ અને મલ્ટિપલ રિલેશનશિપ વિશે ચર્ચા થઈ. ચર્ચાનો સાર કંઈક અલગ હતો અને ચર્ચાનું કેન્દ્ર જુદું હતું પણ ચર્ચા પાછળ રહેલું તથ્ય એક જ હતું કે, લોકો જાણે-અજાણે લગ્નજીવનથી દૂર ભાગી રહ્યા છે અથવા તો તેમને હવે ખાસ રસ રહ્યો નથી. ખાસ કરીને લગ્નેતરની વાત કરીએ તો એવા ઘણા સ્ત્રીઓ અને પુરષો છે જેમને પોતાના લગ્નથી સંતોષ નથી અથવા તો હવે એકાદ-બે દાયકાબાદ કંટાળો આવવા લાગ્યો છે. તેથી તેઓ નવા સંબંધની શોધમાં ફરતા હોય છે અને પોતાના જીવનસાથીને પણ જાણે અજાણે તે તરફ ધકેલતા હોય છે. વાત કરે ત્યારે એવી કરતા હોય છે કે, મારો હસબન્ડ કે મારી વાઈફ એક્સ્ટ્રા રિલેશનશીપમાં હોય તો મને વાંધો નથી. આ ટોપિક જરા અલગ દિશામાં લઈ જનારો છે પણ આજે વાત કરવી છે માત્ર લગ્નજીવનની. લગ્નની વાત આવે એટલે આપણે થોડા વધારે જ સજાગ થઈ જઈએ છીએ, થોડા વધારે જ જુઠ્ઠા થઈ જઈએ છીએ અને થોડા વધારે જ ડિફેન્સિવ પણ થઈ જઈએ છીએ.

ભારતીય સંસ્કૃતિમાં લગ્ન, પરિણય, સપ્તપદી જેવા શબ્દો કે પછી પ્રથાનું ખૂબ જ મહત્વ છે. ભારતમાં લગ્ન કરનારી બે વ્યક્તિઓ એકબીજાને સાત વચનો આપે ન આપે પણ સાથે વૃદ્ધ થવાનું વચન જરૂર આપે છે. આ વચન ક્યારેય સપાટી ઉપર હોતું નથી. લગ્ન કરનારી બંને વ્યક્તિઓ જીવનની છેલ્લી ક્ષણ સુધી એકબીજા સાથે જોડાયેલી હોય છે. આ એક અદભૂત સંસ્કાર છે, જે માત્ર ભારતીય સંસ્કૃતિ આપે છે. આપણે ત્યાં બે વ્યક્તિઓ જોડાય છે તેની સાથે સાથે બે પરિવારો, બે કુટુંબ, બે સમાજ અને બે જુદી વ્યવસ્થાઓ જોડાય છે. આ તમામ લોકો એકબીજા સાથે ક્યાંકને ક્યાંક જોડાવાની, એડજસ્ટ થવાની તૈયારી સાથે નજીક આવતા હોય છે.

લગ્નજીવન સારું છે કે નહીં તે કોઈ એક વ્યક્તિ નહીં પણ બંને પાત્રો ઉપર આધાર રાખે છે. જેમ આપણે જ્વેલરી શોપમાંથી હીરોનો હાર, પેન્ડલ, બુટ્ટી કે વિંટી લઈએ તો બરાબર ચેક કરીએ છીએ. તેના કેરેટ, કલર, કટ કે ક્લેરિટીમાં બાંધછોડ નથી કરતા. તેવી જ રીતે આપણું લગ્નજીવન પણ હીરા જેવું જ છે. ખાણમાંથી મળેલા રફ હીરા જેવું. જ્યારે હીરાના કેરેટ, કટ, કલર અને ક્લેરિટી પરફેક્ટ હોય ત્યારે તેનું મૂલ્ય કરોડોમાં જતું રહે છે. તેવી જ રીતે આપણા લગ્નજીવનના હીરાને બંને ઝવેરીઓએ બરાબર ઘડવાનું હોય છે. તેમાં ક્લેરિટી, કેર, કમ્પેશન અને કોમ્પ્રોમાઈસ જેવી જ ફોર-સીની ફોર્મ્યુલા લાગુ કરવાની હોય છે. હીરો તૈયાર કરવો કે પછી લગ્નજીવન પસાર કરવું બંને પ્રક્રિયાઓ એક સરખી જ છે. તમામને ફોર-સી ફોર્મ્યુલામાંથી પસાર થવું જ પડે છે. એક સમયે હીરો ખરાબ હોય તો તેને ફેંકી દેવાય છે પણ લગ્નજીવનમાં તેવું શક્ય નથી. લગ્નજીવનનો હીરો ઘડવા બેસીએ તે પહેલાં આપણે કેટલીક બાબતોની સ્પષ્ટતા કરવી જોઈએ, ચકાસણી કરવી જોઈએ કે પછી ખુલાસા કરી લેવા જોઈએ. લગ્ન પહેલાં જો આ બધું ન થયું તો બનાવટી હીરા આવી જવાની શક્યતાઓ બેવડાઈ જાય છે.

સામાન્ય વાત કરીએ કે કોઈપણ વ્યક્તિના એરેન્જ મેરેજ થાય છે. એ પહેલાં તેની સગાઈ થાય છે અથવા તો માત્ર સંબંધ નક્કી થાય છે. પારિવારિક રીતે બંધાયેલો આ સંબંધ હજી વૈયક્તિક સ્તરે પહોંચ્યો નથી. લગ્ન પહેલાંના કોર્ટશિપ પિરિયડમાં આ બંને પાત્રો પ્રસંગોપાત એકબીજાને મળતા હોય છે, હરતા-ફરતા હોય છે. આ દરમિયાન સતત તેઓ એકબીજાને ગમતા રહેવાના પ્રયાસ કરતા હોય છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં લગ્ન થાય ત્યાં સુધી બધું ચલાવે જ રાખવાનું હોય છે. સગાઈ કે સંબંધ ફોક થાય તો તરત જ નવું પાત્ર શોધીને તેની સાથે અનુકુળતા સાધવાની પ્રક્રિયા શરૂ.

આ સમયગાળા દરમિયાન આપણે માત્ર ને માત્ર સામેની વ્યક્તિની સામે બેસ્ટ પ્રેઝન્ટેશન આપતા હોઈએ છીએ. વ્યક્તિ સતત એવું જ વિચારતી હોય છે કે, લગ્ન થાય ત્યાં સુધી સામેની વ્યક્તિને ખુશ રાખવી. આમ જોવા જઈએ તો આપણે લગ્ન પહેલાં છેતરપિંડી જ કરતા હોઈએ છીએ. આપણે જે છીએ તેના કરતા સામેની વ્યક્તિને જેવું પાત્ર ગમે છે તે બનવા વધારે પ્રયાસ કરતા હોઈએ છીએ. આ સમય એવો છે જેમાં મોટાભાગે સ્ત્રી પોતાના પહેરવેશ અને છોકરો પોતાની ખાન-પાનની આદતો સામેના પાત્રને ગમતી રાખવા મથામણ કરતા હોય છે. છોકરાઓ કહેતા હોય છે કે, મને તો સ્મોકિંગ પસંદ જ નથી. ડ્રિંકિંગથી તો હું દૂર જ રહું છું. ઈંડા અને નોનવેજ વિશે તો અમારા ઘરમાં વિચારાય એવું પણ નથી. આપણે માની લઈએ કે 80 ટકા કિસ્સામાં કદાચ આ વાત સાચી હોય પણ 20 ટકા તો જુઠ્ઠાણું જ ચલાવતા હોય છે. આવું જ સ્ત્રીઓનું પણ છે. છોકરીને વેસ્ટર્ન કપડાં ગમતા હોય છે, ખુલ્લાવાળ રાખવા ગમતા હોય છે. નવી સ્ટાઈલ અને ફેશનના કપડાં, એસેસરીઝ પસંદ હોય છે. જ્યારે પોતાના ફિયાન્સને મળવાનું હોય ત્યારે ડાહીડમરી થઈને ડ્રેસ પહેરીના જાય છે. ઘરમાં ખુલ્લાવાળ રાખીને ફરતી છોકરી પોતાના ફિયાન્સને મળવા જાય ત્યારે સરસ પોની કરીને કે ચોટલોવાળીને જતી હોય છે.

આ સુગરકોટેડ સંબંધ લાંબું ટકતો જ નથી. આવા સંબંધો ચોમાસાના જીવડા જેવા ક્ષણજીવી હોય છે. પાંખો આવે ત્યાં સુધી થોડો સમય ઉડાઉડ કરે અને જેવી પાંખો ખરી જાય કે બધું જ પૂરું થઈ જાય છે. આપણે વર્ષોથી અપ્રુવલ ઉપર જીવીએ છીએ. સામેની વ્યક્તિ શું વિચારશે તેની ચિંતા વધારે હોય છે. આપણી સાથે રહેલી વ્યક્તિનું અપ્રુવલ આપણને વધારે અસર કરતું હોય છે. આપણે સતત એવો પ્રયાસ કરીએ છીએ કે સામેની વ્યક્તિનું અપ્રુવલ મળતું રહે. આપણને શું ગમે છે, શું પસંદ છે, શું કરવું છે તે છોડીને આપણી સાથે રહેલી વ્યક્તિને ગમતું કરીએ છીએ.

લગ્ન પછી અહીંયા જ બાબલ શરૂ થાય છે. પહેલાં આપણે સારું સારું બતાવ્યું હોય છે અને પછી સાચું સાચું બહાર આવતું જાય છે. આપણે ધારણાઓના આધારે સંબંધ શરૂ કરીએ છીએ અને તેના આધારે જ તોડીએ પણ છીએ. આપણે ક્યારેય સ્પષ્ટતાનો પ્રયાસ નથી કરતા. છોકરો સ્પષ્ટ રીતે નથી જણાવતો કે મને નોનવેજ પસંદ છે, હું શિયાળા દરમિયાન ઈંડા ખાઉં છું તેને ન પસંદ હોય તો તું સાથે હોઈશ ત્યારે નહીં ખાઉં. મારા મિત્રો સાથે જઈશ ત્યારે નોનવેજ ખાઈશ. સ્મોકિંગ કરું છું પણ તને પસંદ ન હોય તો છોડવાનો પ્રયાસ ચોક્કસ કરીશ. તેવું જ સામે પક્ષે સ્ત્રીઓનું છે. તેમણે પણ કહેવું જોઈએ કે મને વેસ્ટર્ન લૂક પસંદ છે પણ ઘરમાં વડિલોને પસંદ નહીં હોય તો થોડી મર્યાદા રાખીશ. આપણે બંને ક્યાંક ફરવા જઈશું ત્યારે મારી મરજી પ્રમાણે કપડાં પહેરીશ. જ્યારે આવી સ્પષ્ટતા હોય છે ત્યારે સંબંધ વધારે ચાલતા હોય છે. સ્ત્રી અને પુરુષ દ્વારા બાંધી લેવાતી ધારણાઓ અને માન્યતાઓ આખરે તો ધરાશાયી જ થતી હોય છે.

બે વ્યક્તિ લગ્ન કરે છે તો તેમને કોઈએ કહ્યું નથી હોતું કે તમારે સામેની વ્યક્તિને બદલવાની છે. તેનામાં પરિવર્તન લાવવાનું છે કે પછી આની આદતો ખરાબ છે તારે સુધારવાની છે. વિજ્ઞાન પણ કહે છે કે, સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ જ થાય. બંને વ્યક્તિ સરખી જ હોય તો પછી એકબીજાને પસંદ કરવાની જરૂર જ શું છે. હું જેવો છું તેવું જ પાત્ર સામેનું છે તો પછી તફાવત રહેશે જ ક્યાં. ખરેખર તફાવત હશે તો કંઈક નવું ગમશે. લગ્નજીવન કોઈને બદલવાનો કે તેના સ્વભાવમાં સુધારો કરવાનો પ્રયોગ નથી. લગ્નજીવન સાથે જીવવાનો, વૃદ્ધ થવાનો અને જીવનની અંતિમ ક્ષણ સુધી પ્રેમ કરવાનો જીવનનો અનોખો પ્રયોગ છે. આ પ્રયોગ સત્યના પ્રયોગ જેવો કપરો છે પણ પરિણામો ખૂબ જ ઉચ્ચગુણવત્તાવાળા અને કિમતી હીરા જેવા મળે છે. લગ્નજીવન વિશે એટલું જ કહેવાય કે,

લગ્નજીવન ત્યારે શ્રેષ્ઠ નથી બનતા જ્યારે બે શ્રેષ્ઠ અને પરફેક્ટ વ્યક્તિ એકબીજાની નજીક આવે અને ગૃહસ્થી શરૂ કરે. લગ્નજીવન ત્યારે જ શ્રેષ્ઠ બને છે જ્યારે બે સાવ જુદી વ્યક્તિઓ પોતાના તફાવતોને રસપૂર્વક સ્વીકારે અને તેનો આનંદ માણે.