" કાગડા-કૂતરાંનાં મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના આ આશ્રમમાં પાછો નહીં ફરું."
આમ સ્વરાજ ન મળે ત્યાં સુધી આશ્રમમાં પાછા નહિ ફરવાની પ્રતિજ્ઞા સાથે ગાંધીજીએ પોતાના 79 સાથીદારો સાથે 12 મી માર્ચ, 1930 ના રોજ અમદાવાદના સાબરમતી આશ્રમમાંથી દાંડી પ્રતિ કૂચ આરંભી. અમદાવાદથી દાંડીનું અંતર આશરે 300 કિ.મી. છે. ગાંધીજી અને તેમના 79 સાથીદારો 24 દિવસની પદયાત્રા બાદ 5 મી એપ્રિલ, 1930 ના રોજ દાંડી પહોંચ્યા. માર્ગમાં આવતા અસલાલી, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, ભરૂચ, સુરત, નવસારી વગેરે ગામોમાં ગાંધીજીએ મોટી સભાઓને સંબોધી. ગાંધીજી અને તેમના સાથીદારોએ 6 ઠ્ઠી એપ્રિલની વહેલી સવારે સમુદ્રસ્નાન બાદ દાંડીના કિનારેથી મુઠ્ઠીભર મીઠું ઉપાડીને સરકારી કાયદાનો રીતસર ભંગ કર્યો અને ગાંધીજીએ હુંકાર કરતા કહ્યું , "બ્રિટિશ સામ્રાજ્યની ઇમારતના પાયામાં આથી હું લૂણો લગાડું છું” આમ સરકાર સામે સત્યાગ્રહ શરૂ કરવાની આખા દેશને લીલીઝંડી મળી ગઈ. દેશભરમાં સરકારના મીઠાના અથવા તો અન્ય કાયદાનો ભંગ કરવાનું આંદોલન લોકોએ ઉપાડી લીધું. આ રીતે થોડા દિવસોમાં જ સત્યાગ્રહનું મોજું આખા દેશમાં ફરી વળ્યું. સરકારે હજારોની ધરપકડ કરીને તેમને જેલવાસ આપ્યો, છતાં લડત વધારે વ્યાપક બનતી ગઈ. આમ દાંડીકૂચે ભારતના સ્વાતંત્ર્યસંગ્રામની દિશા બદલી નાખી અને લડતને મજબૂતાઈ આપી.
આ તો થઈ દાંડીયાત્રાની સંક્ષિપ્ત ઐતિહાસિક કહાની...હાલની વાત કરીએ તો ત્યાં દાંડીમાં 'રાષ્ટ્રીય મીઠા સત્યાગ્રહ સ્મારક' (National Salt Satyagraha Memorial)છે. જેની મેં સહપરિવાર એકદિવસીય મુલાકાત લીધેલી તેનું વર્ણન કરવા માંગુ છું...
દાંડી મેમોરિયલ તથા દાંડીના દરિયાકિનારાની મુલાકાત માટે ઓગસ્ટથી જાન્યુઆરીનો સમયગાળો ઉત્તમ મનાય છે કારણકે ચોમાસાને કારણે દરિયો ચોખ્ખો અને જોવાલાયક હોય છે... માતા-પિતા , બહેન અને હું એમ ચાર વ્યક્તિ મધ્યાહ્ન બાદ લગભગ દોઢ કે બે વાગ્યે સુરતથી દાંડી જવા નીકળ્યા. ચોમાસાની શરૂઆતને હજુ પંદરેક દિવસ વીત્યા હતા એટલે વાતાવરણમાં ભેજ અને ઠંડક પણ હતી, ક્યારેક ક્યારેક સૂરજ દેખાઈ જાય તેવા વાદળો પણ હતા ,સરવાળે વાતાવરણ ખુશનુમા હતું...
રસ્તામાં શેરડીનો રસ પીતા-પીતા 'ને મોજમસ્તી કરતા અમે બે કલાક બાદ દાંડી પહોંચ્યા. પહેલા આ દાંડીને જોડતો મુખ્ય રસ્તો કાચો અને ધુળીયો હતો પરંતુ હવે આને પાકી સડક બનાવાઈ છે જેથી મુસાફરી સરળ અને ઝડપી બની છે...
દાંડી ખરેખર હમણાં સુધી ઉપેક્ષિત સ્થળ હતું. દરિયાકિનારે કીચડ , નાનું એવું ખંડેર લાગતું સ્મારક અને જ્યાંત્યાં કચરો વગેરે હતું. અહીં આવું મેમોરિયલ બનાવવું , સ્વચ્છતા રાખવી એ બધું તાજેતરમાં જ થયું. આ રમણીય , સ્વચ્છ , સુંદર અને સુશોભિત જગ્યા જોતા જ થયું કે ગાંધીજીને સાચી શ્રદ્ધાંજલિ તો હવે અપાઈ છે.
અમે ટિકિટ લઈ અંદર પ્રવેશ્યા. જમણી બાજુ ઇમારતની મોટી દીવાલ પર ગાંધીજી દ્વારા દાંડીમાં લખાયેલ એક વાક્યને તેમના જ હસ્તાક્ષરોમાં દર્શાવવામાં આવ્યું છે. જે આ મુજબ છે I want world sympathy in this battle of Right against Might. (મારે તાકાત અને સત્યના યુદ્ધમાં વિશ્વની સહાનુભૂતિ જોઈએ છે). અહીંથી જ પંચધાતુમાંથી બનાવેલા શિલ્પોના પ્રદર્શનની શરૂઆત થાય છે. ગાંધીજી અને તેના સાથીઓ જે-તે ગામમાં રોકાયા હોય અને ત્યાં સભા સંબોધી હોય તેવા શિલ્પો બનાવાયા છે જે અત્યંત સુંદર અને બારીકાઈથી બનાવેલા છે. મનમોહક લાગતાં આ શિલ્પો અને તેમાં નિરૂપાયેલ દ્રશ્યો આપણને ભૂતકાળમાં પહોંચાડેે છે અને જાણે આપણે આ કૂચમાં સામેલ હોઈએ તેવો ભાવ અનુભવાય છે.
આ શિલ્પોનું પ્રદર્શન પૂર્ણ થતાં જ મોંમાં આંગળા નાખી જાઓ તેવું દ્રશ્ય સામે દેખાય છે. ગાંધીજી અને તેના અઠ્ઠયોતેર (૭૮) સાથીઓના આબેહૂબ પૂતળા બનાવાયા છે અને તે પણ કાંસા(Bronze)માંથી. અરે તેઓના કદ-કાઠી પણ તે જ માપમાં રખાયા છે. અહીંની નોંધ પ્રમાણે જાપાન ,બલ્ગેરિયા , ઑસ્ટ્રિયા , શ્રીલંકા , તિબેટ , યુકે તથા ભારતનાં મૂર્તિકારોએ આ મૂર્તિઓ બનાવી છે, માત્ર બનાવી જ નથી બલ્કે મૂર્તિકારોએ પોતાનો જીવ તેમાં રેડીને બનાવી હોય તેમ બધી જ મૂર્તિઓ જીવંત લાગે છે. આ મૂર્તિઓના પગ પાસે જે-તે મુર્તિકારનું નામ નોંધેલ છે.
ત્યાંથી જ દેખાય છે અંગ્રેજી "A" આકારની સ્ટીલ ફ્રેમ જે બે હાથનું પ્રતીક છે, તેના પર રાખેલ સમઘન જે મીઠાંનો કણ દર્શાવે છે. આ સમઘન પર રાત્રે પડતી લેસરલાઇટની રોશની ખરેખર સુંદર અને જોવાલાયક છે. જાણે ઝળહળતો પિરામિડ હોય તેવું ભાસે છે. મીઠા પરના કરનો વિરોધ કરવા કરાયેલી દાંડીકૂચનું અને સામાન્ય લાગતું મીઠુ આઝાદીની લડતમાં કેવી રીતે સૌ ભારતવાસીઓને એકતાંતણે બાંધે છે તેનું તે પ્રતિબિંબ છે.
ગાંધીજીએ માત્ર આઝાદી માટે જ લડત નથી ચલાવી. સમાજમાં પ્રવર્તતા કુરિવાજો સામે , સમાજની રહેણીકહેણી વગેરે પર પણ ભાર મુક્યો છે. દાંડી મેમોરિયલ માત્ર ગાંધીજીના નમક સત્યાગ્રહને જ નથી દર્શાવતું પરંતુ તેઓએ અન્ય ચળવળો ચલાવી છે તેને પણ દર્શાવે છે.સ્વતંત્રતા સંગ્રામમાં ગાંધી દ્વારા આત્મનિર્ભરતાના ગુણ પર ભાર મુકાયો હતો તે ગુણને ફરીથી સ્થાપિત કરવા માટે, સ્મારકને તેની ઊર્જા જરૂરિયાતો માટે આત્મનિર્ભર બનાવાયું છે. આ લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે ૪૧ 'સોલારવૃક્ષો' સ્થાપિત કરવામાં આવ્યા છે. આ સોલરવૃક્ષો દ્વારા જ આ મ્યુઝિયમને વીજળી પુરી પાડવામાં આવે છે. આગળ જતાં દાંડી મ્યુઝિયમ છે જેમાં ગાંધીજીની તસવીરો , પેઈન્ટીંગ્સ વગેરે રખાયા છે. આ મ્યુઝિયમમાં ગાંધીના વિચારોને પોસ્ટરસ્વરૂપે રજૂ કરાયા છે.આમ આ મ્યુઝિયમ આખા મેમોરિયલનું હૃદય કહી શકાય કારણકે 'મોહનથી મહાત્મા'ની સફર વિશે આ મ્યુઝિયમ રજુઆત કરે છે.
આ બધા સ્થાપત્યોની વચ્ચે એક મધ્યમ કદનું ખારા પાણીનું સરોવર છે જેમાંથી મીઠું પાણી કાઢીને વપરાશમાં લેવાય છે , આમ અહીં પણ પ્રકૃતિને જાળવવાની તથા કુદરતી સ્રોતોનો ભરપૂર ઉપયોગ કરવાની વાત કરાઈ છે અને અમલ પણ કરાયો છે, આમ જે તે જગ્યાએ નજર કરો બધે જ વાતાવરણ ગાંધીમય દેખાય છે.
અહીં મુલાકાતીઓને ચળવળના ઉદ્દેશ્ય સાથે જોડાવવા માટે, સૌર મીઠું બનાવવાની તકતીઓ સ્થાપિત કરવામાં આવી છે. સ્મારક મુલાકાતીઓને પોતાની મુલાકાતના સ્મૃતિચિહ્ન તરીકે, ઘરે એક ચપટી મીઠું લઈ જવાની છૂટ આપે છે. આ પ્રવૃત્તિનો હેતુ મહાત્માની વ્યૂહાત્મક તેજસ્વીતાની ઉજવણી કરવાનો છે, જેમણે સ્વતંત્રતા તરફ દોરી જવા માટે મીઠાના શક્તિશાળી રૂપકનો ઉપયોગ કર્યો અને સફળ પણ રહ્યા.
પદયાત્રા દરમિયાન ગાંધીજીએ ૫ એપ્રિલ ૧૯૩૦ ની એક રાત સૈફી વિલામાં પસાર કરી હતી. તેના માલિક દાઉદી બોહરા સમુદાયના ૫૧ મા ધાર્મિક વડા સૈયદના તાહેર સૈફુદ્દીનની હતા. ૧૯૬૧ માં, તેમણે વડા પ્રધાન જવાહરલાલ નેહરુને આ વિલા રાષ્ટ્રીય વારસાના ભાગ રૂપે રાષ્ટ્રને અર્પણ કરવા વિનંતી કરી. આ મકાનને હવે અત્યંત આકર્ષક રીતે બનાવાયું અને સજાવાયું છે.
ઊંડાણથી વિચારો તો ગાંધીજીએ દાંડીયાત્રા માત્ર નમક સત્યાગ્રહ તરીકે નથી કરી.તેઓ તો હિન્દુ-મુસ્લિમ એક્તા ,સ્વદેશી વસ્તુઓ પર ભાર ,આત્મનિર્ભરતા ,અશ્પૃશ્યતાનિવારણ ,સત્ય સાથે અહિંસા વગેરે જેવી અનેક બાબતોને સાથે લઈ ચાલ્યા છે ત્યારે આપણને આવી ટકાઉ અને મજબૂત આઝાદી તથા લોકશાહી મળી છે.
આગળ વાત કરીએ તો દાંડીના દરિયાકિનારા પરનાં સૂર્યાસ્તદર્શનનાં ખૂબ વખાણ સાંભળ્યા હતાં આથી અમે સૂર્યાસ્ત પછી નીકળવાનું નક્કી કર્યું...અને ખરેખર માનવના અસ્તિત્વને સાવ વામન ઠેરવતો સમુદ્ર અને તેની પાછળ સંતાઈ રહેલો સૂરજ એક અવર્ણનીય આનંદ આપતો હતો. આમ ગાંધીજીનાં વિચારો અને દાંડીની મુલાકાત લઈ અમે સાંજ પડતા ઘર તરફ પાછા ફર્યા. દાંડી મેમોરિયલની આ મુલાકાત યાદગાર રહી.
ખરેખર દાંડી મેમોરિયલ એક મુલાકાતયોગ્ય સ્થળ છે. ગાંધીજીને સમજવા-જાણવાં ઉપરાંત તેમના સત્યનાં પ્રયોગોની પ્રાયોગિકતા જાણવા માટે પણ આનાથી યોગ્ય સ્થળ મળવું મુશ્કેલ છે. હજુ પણ આ સ્થળનો વિકાસ થઈ રહ્યો છે, આ સ્થળને પ્રવાસનઉદ્યોગ માટે બહેતર બનાવાશે જેથી દેશવિદેશના પ્રવાસીઓ આ સ્થળ વિશે જાણી શકે. અહીં આવીને ગાંધીવિચારોને સાથે લઈ જાય અને પ્રચાર કરી શકે... અસ્તુ... જય હિન્દ.🇮🇳