બાવીસ
“આમ ક્યાં ચાલ્યો? આપણી તો બુચ્ચા થઇ ગઈ છે એટલીવારમાં ભૂલી ગયો કે શું?” સોનલબા સમક્ષ સમાધાન કર્યા બાદ જ્યારે વરુણ અને કૃણાલ ઘરે જવા નીકળ્યા ત્યારે કૃણાલ વરુણ સાથે પાર્કિંગ તરફ ચાલવાને બદલે વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યો એટલે વરુણે પૂછ્યું.
“તું જા ઘરે મને વાર લાગશે.” કૃણાલે ટેવ મુજબ ટૂંકાણમાં જ જવાબ આપ્યો.
“વાર લાગશે? આટલા દિવસ મારાથી દૂર રહ્યો તો ક્યાંક ગર્લફ્રેન્ડ બર્લફ્રેન્ડ શોધી લીધી છે કે શું?” વરુણ હસતાં હસતાં બોલ્યો.
“છોકરીઓ સિવાય બીજી કોઈ વાત પર તારું ધ્યાન ક્યારેય જાય છે ખરું?” કૃણાલે ચીડિયું કર્યું.
“સોરી, સોરી, હવે ફરીથી ઝઘડતો નહીં. બોલ, કેમ તને ઘરે પહોંચતા મોડું થશે?” વરુણે હવે શાંતિથી કૃણાલને પૂછ્યું.
“વલ્લભ સદન પાછળ રિવરફ્રન્ટ ગ્રાઉન્ડ પર પુસ્તક મેળો આવ્યો છે. મને થયું કે આપણી રેફરન્સ બુક્સ સસ્તામાં કદાચ મળી જાય તો ટ્રાય કરી લઉં, એટલે હું બસમાં સીધો ત્યાં જ જવાનો છું.” કૃણાલે ઘરે ન જવાનું કારણ જણાવ્યું.
“વાહ બેટા! લાભની વાત આવે એટલે એકલા એકલા?” વરુણે ખોટો ગુસ્સો કર્યો.
“કેમ એમાં લાભની વાત ક્યાં આવી?” કૃણાલ જરા ગૂંચવાયો.
“મને ખબર છે કે પુસ્તક મેળામાં પબ્લીશર્સ પોતેજ સ્ટોલ મુકતા હોય છે એટલે બજાર કરતા ત્યાં રેફરન્સ બુક્સ સસ્તી મળે. તારે એકલા એકલા જઈને સસ્તી બુક્સ લઇ લેવી છે અને મને એ જ બુક્સ પછી બજારમાંથી મોંઘી લેવાની ફરજ પાડીશ અને એની મજા લઈશ.” વરુણે કાયમની જેમ વરુણનો વાંક કાઢ્યો.
“તારે તો કાયમ મારો વાંક જ શોધવાનો હોય બરોબરને?” કૃણાલે પણ ખોટું લગાડ્યું.
“બસ બસ હવે નાટક બંધ કર. ચલ મારી પાછળ બેસી જા, આપણે બંને રિવરફ્રન્ટ જઈએ અને આપણી રેફરન્સ બુક્સ સાથેજ ખરીદીએ.” વરુણે કૃણાલનો હાથ ખેંચતા કહ્યું.
“ચલ ત્યારે, તું મને એકલો તો કશે જવા જ નહીં દે.” કૃણાલે પણ હસીને કહ્યું.
“હા મારી ડાર્લિંગ...ચલ.” આટલું કહીને વરુણ પાર્કિંગમાં પાર્ક કરેલી પોતાની બાઈક તરફ વળ્યો.
==::==
“ત્યાં પેલા બસ્સો પાંચ નંબરના સ્ટોલ પર આપણી બુક્સ મળશે.” પુસ્તક મેળામાં પોતાને મદદરૂપ થાય એવી રેફરન્સ બુક્સ શોધતા શોધતા કૃણાલનું ધ્યાન અચાનક જ દૂર એક પ્રકાશકના સ્ટોલ પર ગયું એટલે એણે વરુણનું ધ્યાન દોર્યું.
કૃણાલને ખબર હતી કે એમના વિષયની મોટાભાગની રેફરન્સ બુક્સ એ જ પ્રકાશક દ્વારા પ્રકાશિત કરવામાં આવતી હોય છે.
વરુણ અને કૃણાલ પેલા સ્ટોલ તરફ ચાલી જ રહ્યા હતા કે...
“ઓહ ગોડ! ચલ આપણે બીજા સ્ટોલ પર જઈએ.” કૃણાલ અચાનક જ પાછળની તરફ વળી ગયો અને બે ડગલાં ચાલ્યો પણ ખરો.
“અરે કેમ? હમણાં તો કહેતો હતો કે એ જ સ્ટોલ પરથી આપણી રેફરન્સ બુક્સ મળશે અને હવે કેમ બીજા સ્ટોલ પર? અને આમ અચાનક ગોડને કેમ તકલીફ આપવી પડી?” વરુણે સવાલ કર્યો.
“દૂરથી મને જુદું નામ વંચાયું એટલે, પણ આ એ પબ્લીશર નથી.” કૃણાલને ખબર નહીં કેમ પણ હવે વિરુદ્ધ દિશામાં ચાલવાની ઉતાવળ થઇ રહી હતી.
“તું બી યાર છે ને...” વરુણ પણ કૃણાલ તરફ ઊંધું ફરીને વિરુદ્ધ દિશામાં ચાલવા જઈજ રહ્યો હતો કે તેને એક આભાસ થયો.
વરુણને લાગ્યું કે એક મિનીટ પહેલા જે સ્ટોલ તરફ તે અને કૃણાલ ચાલી રહ્યા હતા એ સ્ટોલ પર તેણે સુંદરીને જોઈ... અછડતી...
એટલે વરુણ ફરીથી ઉલટી દિશામાં ફર્યો અને સ્ટોલ તરફ ધ્યાનથી જોયું અને તેને ખરેખર ત્યાં સુંદરી ઉભેલી જોવા મળી. સુંદરી કોઈ એક પુસ્તક તેના ઘાટીલા હાથમાં લઈને પોતાની મરોડદાર આંગળીઓથી તેના પાનાં ફેરવી રહી હતી.
“અચ્છા તો હવે મને ખબર પડી કે તું કેમ મને સ્ટોલથી દૂર લઇ જતો હતો. મને ઉલ્લુ સમજે છે તારી જેમ?” વરુણ થોડો ગુસ્સે થયો.
“જો હું વચ્ચે પડવાનો નથી, મેં સોનલબેનને વચન આપ્યું છે. એએએએટલે મારું મોઢું ખોલાવવાની કોશિશ ન કરીશ.” કૃણાલના ચહેરા પર તેની ચોરી પકડાઈ ગઈ હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.
“તો ન પડને! હું પણ તને કોઈજ ફોર્સ નહીં કરું. તું જા તારે જ્યાં જવું હોય ત્યારે હું ચાલ્યો એની પાસે. જો મન થાય તો મને કોલ કરીને શોધી લેજે નહીં તો પાર્કિંગમાં મારી રાહ જોજે, બાય!” વરુણે આટલું કહીને પેલા સ્ટોલ તરફ ચાલવાનું શરુ કરી દીધું.
અમુક ડગલાં ચાલ્યા બાદ વરુણ પેલા સ્ટોલ પર પહોંચી ગયો જ્યાં સુંદરી ધ્યાનથી કોઈ પુસ્તક જોઈ રહી હતી. વરુણે તો ત્યાં પહોંચીને તરતજ સુંદરી પર ઓળઘોળ થવાનું શરુ કરી દીધું. એ સુંદરીને ટીકીટીકીને જોતો રહ્યો.
પરંતુ એ જ સમયે કોઈને વરુણની પાછળ રહેલું કોઈ પુસ્તક જોવું હશે એટલે એ વ્યક્તિએ તેને જરાક હડસેલો માર્યો.
“એ ભાઈ, જરા ધ્યાનથી...” વરુણના મોઢામાંથી અચાનક જ નીકળી ગયું.
અને સુંદરીનું ધ્યાન વરુણ તરફ ખેંચાયું.
“અરે! તમે? અહીંયા?” વરુણને જોતાંજ સુંદરીનો નમણો ચહેરો આશ્ચર્યમાં ડૂબી ગયો.
“હા, મારે આપણી થોડીક રેફરન્સ બુક્સ લેવી હતી એટલે...” સુંદરી તેની સાથે વાત શરુ કરે એટલે વરુણ થોડો નર્વસ ન થાય તો જ નવાઈ અને એટલેજ તેને પોતાનું વાક્ય અધૂરું છોડવું પડ્યું.
“તો તો તમે એકદમ યોગ્ય સ્ટોલ પર અને યોગ્ય વ્યક્તિ સાથે વાત કરી રહ્યા છો.” સુંદરીએ પોતાના ધનુષ્ય જેવા હોંઠમાંથી સ્મિતનું બાણ છોડ્યું જે સીધુંજ વરુણના હ્રદયની આરપાર નીકળી ગયું.
“એએએટલે?” વરુણ સમજ્યો નહીં.
“એટલે એમ કે તમે એકદમ સાચા પબ્લીશરના સ્ટોલ પર ઉભા છો અને હું તમારી પ્રોફેસર છું એટલે તમારે આપણા બંને પેપર્સની કઈ રેફરન્સ બુક્સ લેવી જોઈએ તે હું તમને હમણાંજ કહી દઉં.” આટલું કહીને સુંદરીએ ફરીથી પોતાનું કાતિલ સ્મિત વેર્યું અને વરુણ ફરીથી ઘાયલ થઇ ગયો!
“હહહા..મને ખબર જ હતી કે આ જ પબ્લીશર આપણા પેપર્સ માટે સરસ રેફરન્સ બુક્સ પબ્લીશ કરે છે એટલેજ હું મેઈન ગેઇટમાંથી સીધો અહીં જ આવ્યો.” વરુણ ખોટું બોલ્યો.
ખરેખર તો તેને કૃણાલે કહ્યું હતું કે આ સ્ટોલ પરથી તેને પોતાના વિષયની જરૂરી રેફરન્સ બુક્સ મળી રહેશે, પરંતુ સુંદરીને ઈમ્પ્રેસ કરવાની આ તક વરુણ કેવી રીતે જવા દે?
“હમમ... સરસ તમે ઘણું બધું ધ્યાન રાખો છો. જુઓ ત્યાં પેલા સ્ટેન્ડમાં બીજી રો માં આર કે લાલની મોડર્ન ઇન્ડિયા હિસ્ટ્રી છે ને? એ લઇ લો અને પેલા સ્ટેન્ડમાં સહુથી ઉપરની રો માં કે એમ પટેલ સરની પ્રાચીન ભારતનો ઈતિહાસ એ બુક લઇ લો. બસ આ બંને રેફરન્સ બુક્સ તમે બરોબર રીફર કરશો તો તમને ફર્સ્ટ ક્લાસ લાવતા કોઈજ નહીં રોકી શકે.” સુંદરીએ ફરીથી સ્મિત કર્યું.
વરુણ માંડ માંડ પોતાની જાતને સુંદરીના એક પછી એક છોડવામાં આવેલા સ્મિતના કાતિલ બાણથી ઘાયલ થતાં બચાવી રહ્યો હતો.
“એ તો છે જ પ્લસ તમે પણ અમને ભણાવશો એટલે ફર્સ્ટ ક્લાસ તો પાક્કો જ છે.” વરુણે સુંદરીની ચાપલુસી કરી અને સુંદરી હવે હસી પડી.
વરુણથી હવે સુંદરીનું આ મુક્ત હાસ્ય સહન થાય એમ ન હતું એટલે એ તરતજ સુંદરીએ જ કહેલી બંને બુક્સ લેવા સ્ટોલની અંદર જતો રહ્યો. સુંદરી વરુણના મળ્યા અગાઉ પોતે જે પુસ્તક વાંચી રહી હતી તે જ પુસ્તક લઈને સ્ટોલના એક ખૂણે બીલ બનાવી રહેલા વ્યક્તિ પાસે ગઈ અને એ પુસ્તકની ચુકવણી કરી અને પછી વરુણની રાહ જોતી સ્ટોલની બહાર સહેજ દૂર ઉભી રહી.
સુંદરીએ વ્યક્તિગતરીતે વરુણને બે પુસ્તકોની ભલામણ કરી હતી એટલે વરુણે બીજો કશો વિચાર કરવાનો જ ન હતો એટલે તેણે સુંદરીએ કહેલા બંને પુસ્તકો એક પછી એક લીધા અને પેલા વ્યક્તિ પાસે જઈને એ બંને પુસ્તકોની કિંમત ચૂકવી દીધી.
“સારું ડિસ્કાઉન્ટ આપ્યું.” વરુણે એક વખત પણ પુસ્તકની કિંમત પર ધ્યાન આપ્યું ન હતું. તેણે તો પેલા વ્યક્તિએ કહ્યા એટલા પૈસા ચૂકવી દીધા, પરંતુ ફરીથી તેની પાસે સુંદરી સાથે વાતો કરવાની અને તેને ઈમ્પ્રેસ કરવાની તક હતી એટલે એ તેણે બંને હાથે પકડી લીધી.
“હા, પુસ્તક મેળાનો આ જ ફાયદો છે. આપણા મનગમતા પુસ્તકો પણ મળી જાય અને એ પણ સારાએવા ડિસ્કાઉન્ટ સાથે.” સુંદરીએ પણ જવાબ આપતા કહ્યું.
“તો હવે ઘરે જશો? હું મૂકી જાઉં?” વરુણને ખબર હતી કે કૃણાલ તેના ભરોસે અહીં આવ્યો હતો તો પણ તેણે સુંદરીને ઘરે મૂકી જવાની ઓફર કરી.
“અરે ના ના, હું મારું હોન્ડા લાવી છું ને? બસ મારે એક નોવેલ લેવી છે સૌમિત્ર પંડ્યાની બસ એ મળી જાય એટલે ઘરે જઈશ.” સુંદરીએ મલકાટ કરતા કહ્યું.
“કોઈ નવા લેખક લાગે છે.” વરુણને વાંચનનો જરાય શોખ ન હતો એટલે એણે એમજ ઊડતું તીર છોડ્યું.
“હોય? બહુ મોટા લેખક છે. એક સાથે સાત નોવેલ્સ એમની હીટ ગઈ છે. પણ નસીબ થોડું ખરાબ થયું એટલે પછીની એક નોવેલ સારી ન ગઈ, પણ મારા તો ઓલ ટાઈમ ફેવરીટ છે એટલે એમની આ નવી નોવેલ આવી છે એ મારે ખરીદવી જ છે. સાંભળ્યું છે કે આ વખતે એમના પબ્લીશર પણ નવા જ છે.” સુંદરીએ પોતાના મનપસંદ લેખક વિષે સંપૂર્ણ માહિતી આપી દીધી.
“ઓહ... અચ્છા...” વરુણને આગળ શું બોલવું એનો ખ્યાલ ન આવ્યો.
“તો હું જાઉં? પછી ઘરે જઈને રસોઈ બનાવવાની છે.” સુંદરીએ આટલું કહીને પોતાનો હાથ વરુણ તરફ લંબાવ્યો.
વરુણ તો સુંદરીનો દુગ્ધવર્ણી અને પ્રભુએ આરામથી ઘાટ આપેલો હાથ પોતાના તરફ લંબાયેલો જોઇને પરસેવે રેબઝેબ થવા લાગ્યો. પુસ્તક મેળાનો ટેન્ટ સંપૂર્ણપણે એરકંડિશન્ડ હતો તેમ છતાં વરુણનો વાંસો એકદમ ભીનો થઇ ગયો. પણ તેમ છતાં વરુણે પોતાની જાતને સંભાળી અને સુંદરીએ લંબાવેલ હાથને તેણે પકડી લીધો અને કોઈ પુરુષ જે રીતે પકડ જમાવે એવી પક્કડ વરુણે સુંદરીની હથેળી પર જમાવી.
થોડી સેકન્ડ્સ બંનેએ આ જ રીતે હાથ મેળવ્યા, પછી વરુણેજ સુંદરીનો હાથ છોડ્યો.
“કાલે મળીએ કોલેજમાં... બાય!” સુંદરીએ પોતાની સુંદર આંગળીઓ હલાવીને વરુણને આવજો કહ્યું અને બીજી દિશામાં ફરીને ચાલવા લાગી.
સુંદરી પોતાની નજરથી ઓઝલ ન થઇ ત્યાં સુધી વરુણ તેને જોતો રહ્યો અને પછી પોતાની જમણી હથેળીને નાક પાસે લાવીને સુંદરીની સુવાસ માણી અને તેને હળવેકથી ત્રણ ચુંબનો કર્યા અને જેવો તે પાછળ વળ્યો કે કૃણાલ એની સમક્ષ ઉભો હતો.
“ચલ જઈએ? મેં બુક્સ લઇ લીધી છે. તારે જરૂર હોય ત્યારે મારી પાસેથી લઇ લેજે ને? ખોટા ખર્ચા કરવાની ક્યાં જરૂર છે?” વરુણે કૃણાલને જોતા જ કહ્યું અને ફટાફટ ચાલવા લાગ્યો.
કૃણાલ પોતાનું માથું નકારમાં હલાવતો હલાવતો વરુણની પાછળ પાછળ ચાલવા લાગ્યો.
==::==
ડીયર ડાયરી,
આજે એ ફરીથી મળ્યો, હા એ જ મારો સ્ટુડન્ટ વરુણ.
ખબર નહીં પણ કેમ....
==:: પ્રકરણ ૨૨ સમાપ્ત ::==