લોસ્ટેડ - 22
રિંકલ ચૌહાણ
"મે વાત કરી લીધી છે વકીલ જોડે, કાલ સવારે તારી બેલ થઈ જશે."
"મને ખબર છે કે તું મને અહીંથી લઈ જઈશ, તું જા ઘરે નઈ તો આરાધના માસી રડી રડીને આખા ગામમાં પુર લાવશે." આધ્વીકા હસવા લાગી. જીજ્ઞાસા એ તેને આલિંગન આપ્યું અને ત્યાંથી ઘરે જવા નીકળી. જીજ્ઞાસા પોતાના જ વિચારો માં પાર્કિંગ તરફ આગળ વધી રહી હતી.
"કેમ છો જિજ્ઞાસા જી?" આવતી કાલ ના મહત્વપૂર્ણ કામ પૂરા કરવા માટેની જીજ્ઞાસા ની ગણતરીઓમાં આ અવાજે બ્રેક લગાવ્યો. એ પાછળ ફરી, તેની સામે ઈ. રાહુલ હતા.
"હું ઠીક છું...... અરે હા થેંક્યું, એ દિવસે મારી હેલ્પ કરવા માટે."
"એમાં થેંક્યું શું જનતાની મદદ કરવી એ પોલિસની ફરજ છે."
"પણ તમે તમારી ફરજ પૂરી નથી કરી ઈ. સાહેબ, મારી બેન ને ખોટી રીતે અરેસ્ટ કરી છે. એણે કઈ નથી કર્યું, અને હુ એને નિર્દોષ સાબિત કરી અહીંથી લઈ જઈશ." જિજ્ઞાસા ના અવાજમાં કડવાહટ ભળી હતી.
"મિસ જિજ્ઞાસા, હું તમારી લાગણી સમજી શકું છું. મિસ રાઠોડ નિર્દોષ હશે તો એમને સજા નહીં જ થાય. અને મારી ફરજ હુ બહુ સારી રીતે નિભાવું છું એનું જીવંત ઉદાહરણ જેલમાં બેઠેલી તમારી બેન છે." જિજ્ઞાસા એ ઈ. રાહુલ ના અવાજ માં દુખ અનુભવ્યું, એ જ દુખ જે એના અવાજ માં હતું. એ કઈ જવાબ આપે એ પહેલા ઈ. રાહુલ સડસડાટ પોલિસ સ્ટેશન ના પગથીયા ચડી ગ્યા.
"સર તમારે ઘરે નથી જવાનું?" કોન્સ્ટેબલ ખાન એ ઈ. રાહુલને આટલા મોડાં એમના કેબિનમાં જોઈ આશ્ચર્ય અને ચિંતા સાથે પૂછ્યું.
"નઈ ખાન તમે જાઓ, હુ થોડી વાર પછી જઈશ." ઈ. રાહુલ એ ઉપર જોયા વગર જ જવાબ આપ્યો, કોન્સ્ટેબલ ખાન ઈ. રાહુલ જોડે જઈ એમના ખભા પર હાથ મુક્યો.
"સર ચિંતા ના કરો બધું ઠીક થઈ જશે, હું પિયુષ ને ક' તો જઉ છું કે તમને આજે ચા ની જરૂર પડશે."
***
"એ રાહુલ ચલ જલ્દી આવ, આજે તો યુથ ફેસ્ટિવલનો ફર્સ્ટ ડે છે. નવા નવા ચહેરા જોવા મળશે." એક યુવાન પોતાના યામાહા બાઈક પાર્કિગમાં પાર્ક કરી રાહુલને ખેંચીને કોલેજ પ્રીમાઈસેસ તરફ ભાગે છે.
"અરે યાર તને તો ફર્લ્ટીગ સિવાય કોઈ કામ જ નથી. તું એકલો જા, મારે બીજા જરૂરી કામ છે." રાહુલ પાછો વળી ત્યાંથી નીકળવા આગળ વધ્યો જ હતો કે એની નજર એક ચહેરા પડી, ને એને જોતાં જ રાહુલ નું દિલ એક ધડકન ચૂકી ગયું. હવાની લહેર સાથે ઉડીને એના કાળા વાળ એની ભૂરી આંખો ઉપર છવાઈ ગયા, બન્ને હાથથી મોટું ખાખી બોક્સ પકડીને ઊભેલી એ પોતાનો ચહેરો બન્ને બાજુ હલાવીને વાળ દૂર કરવાના વ્યર્થ પ્રયત્ન કરવા લાગી.
"કોઈ આટલું સુંદર કઈ રીતે હોઈ શકે?" રાહુલ એ મનોમન પોતાને પુછી લીધું.
"રાહુલ અરે ભાઈ શું કરે છે ચાલ જવું નથી?" રાહુલનો દોસ્ત એને લગભગ ખેંચીને લઈ ગયો. રાહુલ એ પોતાનો હાથ છોડાવી પાછળ ફરી એ જ્યાં ઊભી હતી એ બાજું નજર દોડાવી, એ ત્યાં જ ઊભી રહીને કોઈ જોડે વાત કરી રહી હતી.
"ઓ તેરી, ભાઈ તું તો ગ્યો કામથી. પણ બહું ખોટી જગ્યાએ દિલ લગાવ્યું છે તે ભઈ." રાહુલ નો દોસ્ત એને એ છોકરી સામે જોતાં જોઇને બોલ્યો.
"કેમ? તું ઓળખે છે એને?"
"કોણ નથી ઓળખતું એને? એ આધ્વીકા રાઠોડ છે. આ ઈવેન્ટની સ્પોન્સર. બહું ખડુસ છે તારી દાળ નઈ ગળે."
"સર, આ લો ચા." પિયુષ ના અવાજથી ઈ. રાહુલ વર્તમાન માં ફર્યા.
***
"ભાભી તમે કેમ આટલી ચિંતા કરો છો જિજ્ઞા છે ને બધું જોઈ લેશે એ."
"જયશ્રીબેન મને આધ્વીકા કરતા પણ વધારે ચિંતા બીજી વાત ની છે."
"તમે કહેવા શું માંગો છો ભાભી.....?"
"હા જયશ્રી બેન, ઘરમાં બધાને ખબર પડી જશે હવે. અને જયારે બાળકોને ખબર પડશે કે 21 વર્ષ પહેલાં હકીકતમાં શું થયું હતું તો આપણે શું કરીશુ જયશ્રીબેન?"
"ભાભી મહેરબાની કરીને એ વાત ના કાઢો, એ રહસ્ય હું, તમે અને ભાઈ જ જાણે છે. અને આપણા ત્રણ સાથે જ એ રહસ્ય પુરુ પણ થઈ જશે."
"પણ મિતલ? એ બધું જાણે છે. અને એણે બધાને સાચી વાત જણાવી દીધી તો? ના જયશ્રી બેન આ પ્રોબ્લેમ નો ઉકેલ જલ્દી લાવવો પડશે. ઘરમાં કોઈની સામે અને ખાસ કરીને આધ્વીકા અને મીરા ને સાચી વાત ક્યારેય ખબર ન પડવી જોઈએ જયશ્રીબેન."
"કઈ વાત મામી...?" જીજ્ઞાસા દરવાજામાં ઊભી હતી.
ક્રમશઃ