Pratishodh - 2 - 6 in Gujarati Horror Stories by Jatin.R.patel books and stories PDF | પ્રતિશોધ દ્વિતીય અંક: - 6

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

પ્રતિશોધ દ્વિતીય અંક: - 6

પ્રતિશોધ દ્વિતીય અંક:

ભાગ-6

રાજસ્થાન

સમીરની સાથે માધવપુરના પતન અંગેની વિગતવાર માહિતી મેળવવા હેતુ આધ્યા, જાનકી, રાઘવ, જુનેદ, રેહાના, યુસુફની સાથે મોહનગઢ પોલીસ સ્ટેશનનો મુખ્ય પોલીસ અધિકારી ગુજરાલ અને કોન્સ્ટેબલ ગણપત ભંડારીબાબાને મળવા કાલી સરોવર નજીક આવેલી ગુફાઓમાં આવી પહોંચ્યા હતાં.

ભંડારીબાબાએ આધ્યાને મહારાણી કહીને સંબોધી અને ત્યારબાદ એ લોકોને માધવપુરના ભૂતકાળ અંગે જણાવવાનું શરૂ કર્યું. બસો વર્ષ પહેલા માધવપુરમાં સત્તા પર મોજુદ રાજા વિક્રમસિંહ વિશે માહિતી આપતા ભંડારીબાબાએ વિક્રમસિંહના લગ્નવિષયક પ્રસંગ અંગે જણાવવાનું શરૂ કર્યું.

પોતાની માં ગૌરીદેવીની આજ્ઞાને માન આપી વિક્રમસિંહ છૂપા વેશે પુષ્કરમાં આયોજિત મેળામાં આવી પહોંચ્યા. પાંચ દિવસ ચાલતા મેળાનો એ બીજો દિવસ હતો. મેળાના છેલ્લા દિવસે પુરુષો અને સ્ત્રીઓ માટેની તલવારબાજીની સ્પર્ધાનું આયોજન થતું; જેમાં વિજેતા સ્ત્રી-પુરૂષના બ્રહ્માજીના ભવ્ય મંદિરમાં લગ્ન કરાવવામાં આવતા. ઘણાં વર્ષોથી ચાલતી આ સ્પર્ધમાં ભાગ લેવા ભારતના ઘણાં ક્ષત્રિયો આ મેળામાં આવતાં.

એ વખતે પણ પંજાબ, માળવા, મેવાડ, બૂંદેલખંડ, સતારા, જામનગર સહિત ઘણાં રાજ્યોમાંથી રાજાઓ અને રાજકુમારો આ પ્રતિયોગીતામાં ભાગ લેવા આવ્યાં હતાં.

પોતાના પાણીદાર અશ્વ પર સવાર થઈને વિક્રમસિંહ જ્યારે મેળામાં આવ્યા ત્યારે ત્યાં હાજર હજારોની જનમેદની અને હર્ષોલ્લાસભર્યા વાતાવરણને જોઈ એમને એ વાતની હાશ થઈ કે અંગ્રેજોના સત્તા પર આવવા છતાં એમના વિસ્તારનાં લોકો મોજની જીંદગીનો આંનદ લઈ રહ્યાં હતાં.

અશ્વો માટેની અલાયદી અશ્વશાળામાં ચાર દિવસના રોકાણ માટેની રકમ ચૂકવી પોતાના અશ્વને અશ્વશાળામાં બાંધી વિક્રમસિંહ મેળામાં આંટો મારવા નીકળી પડ્યા.

પોતાની ભાતીગળ કલાઓ અને રંગબેરંગી પહેરવેશ માટે જાણીતા પુષ્કરના મેળામાં વિક્રમસિંહ જુદી-જુદી હાટડીઓને નીરખીને મેળાની રંગતનો આંનદ લઈ રહેલા વિક્રમસિંહનું ધ્યાન થોડે દુર એકઠા થયેલા ટોળા તરફ ગયું.

આખરે લોકો અચાનક કેમ એકત્રિત થયાં એ જોવા વિક્રમસિંહ ઉતાવળા ડગલે એ ટોળા તરફ અગ્રેસર થયાં. ત્યાં જઈને એમને જોયું કે જમીન પર એક વૃદ્ધા પડ્યા હતાં અને એમના શ્વાસોશ્વાસ અનિયંત્રિત થઈ રહ્યાં હતાં. રણની ગરમી અને લૂની અસરનાં લીધે આવું થયું હોવું જોઈએ એવો અંદાજો મનોમન વિક્રમસિંહ લગાવી રહ્યા હતાં ત્યાં એક સ્ત્રી અવાજ એમનાં કાને પડ્યો.

"એ ખસો બધાં.. અહીં કોઈ જાદુના ખેલ નથી ચાલી રહ્યાં.!" આ સાથે જ એક પચ્ચીસેક વર્ષની કામણગારી યુવતી વીજળીવેગે લોકોને ખસેડીને ટોળામાં ઘૂસી ગઈ.

એ યુવતીનાં એક હાથમાં એક કપડાંનો ભીનો ટુકડો હતો અને બીજા હાથમાં પાણીની મશક. એને ટોળાની મધ્યમાં આવીને વૃદ્ધાનું માથું પોતાના ખોળામાં મૂક્યું અને એમનાં માથે કપડાનો ભીનો ટુકડો રાખી દીધો. સાથે-સાથે એ યુવતીએ વૃદ્ધાના હાથ અને પગને પણ પોતાની ભીની ઓઢણીથી પાંચેક મિનિટ સુધી ઘસ્યા.

આમ કરવાથી વૃદ્ધ મહિલાનાં શ્વાસ થોડાં નિયંત્રણમાં આવ્યાં. શ્વાસ નિયંત્રણમાં આવવાની રાહ જોઈ રહી હોય એમ એ યુવતીએ આમ થતાં તુરંત જ પોતાના હાથમાં રહેલી મશકમાં રહેલુ પાણી ધીમે-ધીમે વૃદ્ધાને પીવડાવવાનું આરંભ્યું.

થોડી વારમાં એ વૃદ્ધ મહિલાને ભાન આવી ગયું અને એમને પોતાનો જીવ બચાવનારી યુવતીના માથે હાથ મૂકીને એનો આભાર માન્યો. એ યુવતીનાં ચહેરા પર એક અજાણી વૃદ્ધ મહિલાને બચાવવાનો સંતોષ અને આનંદ સાફ વર્તાતા હતાં. આટલી મદદ ઓછી હોય એમ એ યુવતીએ વૃદ્ધ મહિલાને ટેકો આપ્યો અને એમની મંદિર સુધી મૂકવા પણ ગઈ.

કોઈ અજાણી ચુંબકીય શક્તિની અસર હેઠળ વિક્રમસિંહ એ યુવતીની પાછળ-પાછળ ખેંચાતા રહ્યાં. ઘઉંવર્ણની ત્વચા, પાણીદાર કાજળ આંજેલી આંખો, સ્વર્ગની કોઈ અપ્સરા સમાન ચહેરો, ચાલમાં એક ગજબની મક્કમતા, ઉન્નત ઉરોજ પ્રદેશ, વળાંક ધરાવતી કમર નીચેનો ઘાટીલો નિતંબ પ્રદેશ ધરાવતી લાલ અને લીલા રંગની ચોલી અને ઉપર ભરત ભરેલી ઓઢણીમાં સજ્જ એ યુવતીને જોતા જ વિક્રમસિંહના હૃદયના ઊંડાણમાંથી એક અંતરનાદ ઉઠ્યો.

"લગ્ન કરીશ તો આની સાથે બાકી આજીવન કુંવારો રહીશ."

સ્ત્રીઓ અંગે ક્યારેય ઝાઝું નહીં વિચારનારા વિક્રમસિંહ માટે કોઈ યુવતીનું પોતાના મન અને હૃદય પર આટલા ટૂંક સમયમાં છવાઈ જવું ખૂબ જ અચંબિત કરી મૂકનારું હતું.

વૃદ્ધ મહિલાને મંદિર સુધી મૂકી એ યુવતી મેળામાં આવેલી લોખંડની વસ્તુઓની હાટડીઓ તરફ અગ્રેસર થઈ. વિક્રમસિંહ એની પાછળ-પાછળ એ જોવા ગયાં કે આખરે એ યુવતી જાય છે ક્યાં?

એ યુવતી લોખંડનાં ઓજારો વેચતી એક હાટડીમાં પ્રવેશી..વિક્રમસિંહ હાટડીની નજીક આવ્યા ત્યાં એમના કાને એક ક્રુદ્ધ સ્વર સંભળાયો.

"ક્યાં ભટકીને આવી..? સાલી કમજાત, આમ પોતાનું આ યૌવન લઈને મેળામાં ફરીશ તો કોઈ અજાણ્યો આવીને ઉઠાવી જશે. મને ખબર હોત કે તારી માં તારા જેવી હરામી ઓલાદને જન્મ આપીને મરી ગઈ છે તો હું તારા બાપ જોડે લગન જ ના કરત."

"પણ માં ત્યાં એક વૃદ્ધ સ્ત્રી બેહોશ થઈને પડી હતી તો હું તો એની મદદ.." એ યુવતી પોતાની વાત પૂરી કરે એ પહેલા તો એની માં ફરી એની પર બરાડી.

"જો અંબિકા, આ બધાં ઉઠા તારા બાપને ભણાવ મને નહીં. હવે ચૂપચાપ તારા બાપે જે સામાન બનાવીને રાખ્યો હોય એને લાવીને દુકાનમાં ગોઠવવાનું કર."

"સારું.." અંબિકાનો રડમસ સ્વર સાંભળી વિક્રમસિંહના હૃદયમાં એક ટીસ ઉઠી.

અંબિકા નામક આ યુવતી એક લુહારની દીકરી છે જેની માં એને જન્મ આપતા મરી ગઈ છે અને એની નવી માં એને ખૂબ રંઝાડે છે એ વાત વિક્રમસિંહને આ વાતચીત પરથી સમજાઈ ગઈ હતી. અંબિકાને પોતાની પત્ની બનાવવાનો નિશ્ચય કરી ચૂકેલા વિક્રમસિંહે આ સાથે જ અંબિકા સમક્ષ કઈ રીતે પોતાના હૃદયની લાગણી વ્યક્ત કરવી એ અંગે વિચારવાનું આરંભી દીધું.

સાંજનો સમય થઈ ગયો હતો પુષ્કર ખાતે આવેલા બ્રહ્માજીના મંદિરમાં આરતીનો સમય નજીક આવતાં લોકોની ભીડ મંદિર તરફ આગળ વધી રહી હતી. આ ભીડમાં અંબિકા પણ હતી, જેની પાછળ વિક્રમસિંહ પણ હતાં. ધીરે-ધીરે સરકીને વિક્રમસિંહ અંબિકાની લગોલગ પહોંચી ગયાં. હજારોની ભીડ વચ્ચે અંબિકાને પોતાની વાત સંભળાય એ હેતુથી વિક્રમસિંહ એની બાજુમાં આવ્યા અને બોલ્યાં.

"તમે આજે બહુ સારું કામ કર્યું.!"

બાજુમાં ચાલી રહેલા અજાણ્યા યુવાને પોતાને જ કહ્યું કે બીજા કોઈને એની ખરાઈ કરવા અંબિકાએ પ્રશ્નસૂચક નજરે વિક્રમસિંહ ભણી જોયું.

"હું તમને જ કહું છું..આજે તમે પેલા વૃદ્ધ મહિલાનો જીવ બચાવીને એ સાબિત કર્યું કે માનવતા હજુ પણ જીવે છે."

"એ તો મારી ફરજ હતી." વિક્રમસિંહ દ્વારા કરવામાં આવેલા વખાણની પોતાની પર કોઈ અસર ના થઇ એમ જતાવતા અંબિકા મોં બીજી દિશામાં ઘુમાવી ચાલવા લાગી.

"હા, એ સાચું પણ અમુક લોકો જ પોતાની ફરજ નિભાવે છે." વિક્રમસિંહનો પહાડી અવાજ અંબિકાના કાને અફડાયો, છતાં એને ખાલી 'હઅ..' સિવાય વધુ કંઈ પ્રતિભાવ ના આપ્યો.

એકાદ મિનિટ બાદ અંબિકાને થયું કે અચાનક પોતાની જોડે પરિચય કેળવવા માંગતા યુવકને સાવ અવગણવો ના જોઈએ. વિક્રમસિંહ જોડે વાત કરવા અંબિકાએ જેવી ગરદન વિક્રમસિંહ ચાલતા હતાં એ તરફ ઘુમાવી તો ત્યાં વિક્રમસિંહ નહોતાં, એ તો જાણીજોઈને હજારોની ભીડમાં ગાયબ થઈ જઈને પોતાને શોધવા ખાંખાખોળા કરતી અંબિકાને હરખભેર જોઈ રહ્યા હતા.

સંધ્યા આરતીમાં પણ વિક્રમસિંહનું ધ્યાન અંબિકા પર જ કેન્દ્રિત હતું. આરતી બાદ ભોજનશાળામાં ભોજન કરીને વિક્રમસિંહે મેળામાં આવેલા અન્ય રાજવીઓના ઉતારાની અછડતી મુલાકાત લીધી, જ્યારે મધરાતનો સમય થઈ ગયો.

પોતાને રહેવાનું કોઈ નક્કી સ્થાન નહીં હોવાથી મેળામાં શાંતિ પ્રસરાય ગયાં બાદ વિક્રમસિંહ અંબિકાની હાટડી તરફ ચાલી નીકળ્યા. હાટડીની સામે આવેલા મોટા રેતીનાં ઢૂંવા પર પોતાની પાઘડીનું કપડું પાથરી ખુલ્લા આકાશ નીચે વિક્રમસિંહે સોડ તાણી.

માધવપુરનો રાજા અત્યારે આમ કોઈ આશરા વિના રણની રેતીમાં સુઈ રહ્યો હતો એ નિયતીમાં સામેલ હતું કે બીજું કાંઈ હતું એ તો આવનારો સમય જ બતાવવાનો હતો. હા એક વાત જરૂર બની હતી કે એ રાતે વિક્રમસિંહને પડતા જ ઊંઘ આવી ગઈ.

રાતનાં લગભગ ત્રણ વાગ્યા હતા ત્યાં વિક્રમસિંહના કાને કોઈનાં પગરવનો અવાજ પડ્યો. આમ થતાં જ ભરનિંદ્રામાં સુઈ રહેલા વિક્રમસિંહ સાવધાનીની મુદ્રામાં બેઠાં થયાં. એમને ધ્યાનથી જોયું તો એક સ્ત્રી અંબિકાની હાટડીમાંથી નીકળી થોડે દુર આવેલા સમતલ સ્થાન તરફ આગળ વધી રહી હતી. ચંદ્રની આછી રોશનીમાં વિક્રમસિંહે જોયું કે એ સ્ત્રી અંબિકા હતી, જેના હાથમાં મ્યાનમાં રાખેલી એક તલવાર હતી.

આટલી મોડી રાતે અંબિકા તલવાર લઈને ક્યાં જઈ રહી હતી એ જોવા વિક્રમસિંહ પણ એની પાછળ-પાછળ ચાલી નીકળ્યા.

*********

ક્રમશઃ

આગળ શું થવાનું છે એ જાણવા વાંચતા રહો આ સુપર સસ્પેન્સ હોરર નવલકથા "પ્રતિશોધ". આ નવલકથા દર મંગળવારે અને શુક્રવારે રાતે આઠ વાગે આવશે એની નોંધ લેવી.

આ નવલકથા અંગે તમે તમારાં કિંમતી મંતવ્યો મારાં whatsup નંબર 8733097096 પર કે પછી ફેસબુક આઈડી author jatin patel પર આપી શકો છો.

માતૃભારતી પર મારી નાની બેન દિશા પટેલની નોવેલો દિલ કબુતર, ડણક, રૂહ સાથે ઈશ્ક, અનામિકા, haunted picture, રૂહ સાથે ઈશ્ક રિટર્ન અને સેલ્ફી નામક નવલકથાઓ વાંચી શકો છો.

મારી અન્ય નોવેલો માતૃભારતી પર મોજુદ છે જેનાં નામ છે.

ડેવિલ:એક શૈતાન, ડેવિલ રિટર્ન, બેકફૂટ પંચ, ચેક એન્ડ મેટ

સર્પ પ્રેમ, અધૂરી મુલાકાત, આક્રંદ:એક અભિશાપ.

હવસ, હતી એક પાગલ, પ્રેમ-અગન, રુદ્રની પ્રેમકહાની

અને મર્ડર@રિવરફ્રન્ટ

~જતીન.આર.પટેલ (શિવાય)