"મને તો હમણાં ઘરે જતાં જ બીક લાગે છે" પોતાના ઘરે જવા માટે ઉઠતાં રાધિકાબેને કહ્યું.
" કેમ ઘરમાં દીકરાની વહુ તાંડવ કરે છે કે શું ?" પ્રતિમાબેને કહ્યું.
"અરે, ના રે બહેન મારી વહુ ઋતુતો સમજુ છે અને બધી રીતે વિવેકી હો, પણ ઇ તો હમણાં એની મમ્મીની તબિયત ખરાબ છે એટલે પિયર ગઈ છે. આ તો મારી મોટી દીકરીને મારા જમાઈ થોડાક દિવસ માટે પાર્સલ કરી ગયા છે, અને આ બેનબા તો આખું ઘર માથે ઉપાડયું છે." રાધિકાબેન ખુરશી પરથી ઊભા થતાં બોલ્યાં.
રાધિકાબેન અને પ્રતિમાબેન બનેનાં સારાં બહેનપણાં, બને પોતપોતાના ઘરની વાત પેટ છૂટી કરતાં, અને એકબીજાની વાત પેટમાં પચાવી પણ રાખતાં. રોજ સાંજે બને સાથે બેસીને ગપસપ કરતાં.
"અરે, બેસીને સરખી વાત કરીને જા, આમ અડધી વાત ન સમજાય" પ્રતીમાબેને કહ્યું
"વાત એમ છે કે, જમાઈ પોતાના કામ માટે બે મહિના માટે વિદેશ ગયા છે એટલે ગીરાને અહી મૂકતા ગયા, હું પણ એકલી હતી એટલે મને પણ સારું લાગ્યું એ આવી. પણ એનું વર્તન ખૂબ વિચિત્ર થઇ ગયું છે. એને મગજમાં કંઇક તકલીફ થઇ ગઇ હોય એવું લાગે છે"
આખો દિવસ કંઇક વિચારે ચડી જાય છે,
આપણે વાત કરીએ તો ચિડાઈ જાય છે.અને જમવાના સમયે તો રડારોળ કે જગડો કરે જ, કોઈને પણ શાંતિથી ન જમવાદે. એને પોતે તો બાફેલું જ ખાય છે. ક્યારેક તો એને ખૂબ ચકર આવે છે અને ડોક્ટરને બતાવવા માટે કહીએ તો રિસાઈને બેસી જાય છે. કોઈ બેચાર વાત એની સાથે કરવાનો પ્રયત્ન કરે તો વડચકાં ભરી લે છે. કામવાળા પણ એનાથી દૂર ભાગે છે. હવે તું જ કે મારે શું કરવું?. રાધિકાબેન વાત પૂરી કરતાં ઉઠતાં ઉઠતાં કહ્યું. "પ્રતિમાં તારી પાસે કોઈ રસ્તો હોય તો કહે."
વાતો ચાલતી હતી ત્યાંજ પ્રતિમાબેનની દીકરી કાવ્યા આવી હતી, તેણે પણ વાતો સાંભળી તેણે ગીરાને મળવાનું નક્કી કરી લીધું. "માસી તમે ચિંતા ન કરો હું કંઇક રસ્તો જરૂર કાઢીશ."
"સારું દિકરી કોઈ રસ્તો નીકળે તો સારું નહીતો જમાઈને બોલાવવા પડશે, ચલ હું જાઉં નહિ તો ઘરમાં રાડો પડી જશે." રાધિકાબેન પોતાનું ચિંતાનું પોટલું લઇ ઘરે ગયાં.
બીજે દિવસે કાવ્યા રાધિકાબેનના ઘરે ગીરાને મળવા આવી. ગીરાને જોઈને જ કાવ્યને અચકો લાગ્યો. ગીરા જે એંસી કિલો વજન ધરાવતી 45 વર્ષની સ્ત્રી હતી તેને બદલે એક સુસ્ત પચાસ કિલોની કરમાયેલી સ્ત્રીને જોતી હતી.
"અરે, દીદી કેમ છો ?. બહુ સરસ લાગો છો." કાવ્યાએ ગીરાને ખોટું ન લાગે એ રીતે કહ્યું
ગીરાના ચહેરા પર ખુશી છલકાઈ ગઈ, "લાગુ છું ને સરસ?.
"હા, ગીરાદીદી પણ તમે આ ચમત્કાર કર્યો કઈ રીતે." કાવ્યા એ નવાઈ પામતાં કહ્યું.
"કાવ્યા, મારું વજન ઉતારવામાં મને એક વરસથી પણ વધારે સમય લાગ્યો. હું જ્યારે પણ નવી ફેશનનાં કુર્તી પહેરતી તો ખૂબ વિચિત્ર લાગતી, એટલે મેં વજન ઓછું કરવાનું શરૂ કર્યું. એને એનું પરિણામ તારી સામે છે." ગીરાએ કહ્યું.
"પણ દીદી આ તમે કર્યું કેવી રીતે?" કવ્યાએ પૂછ્યું.
શરૂઆતમાં you tube માંથી ઘરગથ્થુ ઉપાયો શોધીને ચાર મહિનામાં એક જ વસ્તુનો ખોરાક લઈને મે વીસ કિલો વજન ઉતાર્યું. પણ જેવો બધો ખોરાક નિયમિત લેવાનો શરૂ કર્યો એટલે વજન પાછું વધવા લાગ્યું, એટલે મે વજન ઉતારવાની દવાઓ લીધી અને એક મહિનામાં જ સતર કિલો વજન ઉતાર્યું." થાકેલા અવાજમાં બોલતા ગીરાએ થોડો વિરામ લીધો.
ગીરાની વાત સાંભળીને કાવ્યા વિચારમાં પડી ગઈ એના મનમાં અનેક સવાલો રાસ રમવા લાગ્યા. તેણે ગીરાને સવાલ કર્યો "દીદી તમને આ દવાઓ કોઈ ડોક્ટરે આપી હતી.?"
"નાના એમાં ડોક્ટરની શું જરૂર બજારમાં કે મોલમાં આવી દવાઓ કે ફેટ ફ્રી થવાના કેટલાય પાઉડર મળે જ છે, બસ એજ લઈને મે ફેટ ફ્રી થવાનો પ્રયત્ન કર્યો પણ જેવી દવાઓ મૂકી એટલે પાછું વજન વધવા લાગે. એટલે છેલા પાચ છ મહિનાથી મે એક વજન ઉતારવા માટે એક જીમ જોઈન કર્યું છે. એના ડાયેટ ચાર્ટ પ્રમાણે કરવાથી અત્યારે મારું વજન પંચાવન કિલો છે. એને હજી બે મહિનાની ટ્રીટમેન્ટ બાકી છે. એ બેનનું કહેવું છે કે પછી મારું વજન નહિ વધે." ગીરાએ પોતાની વાત પૂરી કરતાં સુધીતો થાકને કારણે સોફા પર બેસી ગઈ.
"દીદી તમે આરામ કરો હું પછી આવીશ"
કહી કાવ્યા રાધિકાબેન પાસે આવી.
"આવ કાવ્યા જો આ અમારો નોકર અને કામવાળી ગીરાની કચકચથી કંટાળીને રાજા પર જવા માંગે છે, બોલ હવે મારે કેટલી મુશ્કેલી સહન કરવી." રાધિકાબેન કંટાળીને બોલ્યાં.
"માસી ચિંતા ન કરો બધું સારું થઈ જાશે, ભૂખ્યાં રહેવાને કારણે આ બધી તકલીફ થઈ છે. માસી તમે થોડીવાર રહીને મારા ઘરે આવો મને એક આઈડિયા છે આપણે એ પ્રમાણે કરશું તો બધી મુશ્કેલીઓ પૂરી થઈ જાશે ચાલો માસી હવે હું જાઉં છું" કાવ્યાએ કહ્યું.
રાધિકાબેને માથું હલાવીને હા માં જવાબ આપ્યો. પણ ધીરજ ન રહેતાં પોતે પણ કાવ્યા ની પાછળ પાછળ તેના ઘરે પહોંચી ગયાં.
રાધિકાબેન થી પુછાઈ ગયું "બોલ જલ્દી બોલ કાવ્યા શું આઈડિયા આવ્યો છે."
"મારી બેનપણી ના પપ્પા ડોક્ટર છે આપણે ગીરાદિદીને એમની પાસે લઈ જાશું, હું હમણાં જ એમને ફોન કરું છું." કહી કાવ્યાએ ડોક્ટરને ફોન કરી બધી વાત કરી અને આખો પ્લાન તૈયાર કર્યો.
માસી ડોક્ટર સાથે બધી વાત થઇ ગઇ છે. દીદીને હોસ્પિટલમાં થોડા દિવસ દાખલ કરવાં પડશે, અને હોસ્પિટલ લઈ જવા માટે એમને ઉઘની ગોળી દઈ દેશું એટલે ચકરના બહાને એમને હોસ્પિટલ લઈ જવાય. કાવ્યાએ વાતને સમજાવતાં કહ્યું.
રાધિકાબેને કહ્યું, "કાવ્યા તે મારા બધા પ્રશ્નોનો નિકાલ કરી દિધો. ઉધની દવા હું એને કોઈ પણ રીતે આપી દઈશ."
રાધિકાબેને ઘરે પહોંચીને બધું પ્લાન મુજબ ગીરાને દવા દઈ અર્ધબેભાન અવસ્થામાં જ હોસ્પિટલે પહોંચાડી તેની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી.
ગીરાને બે દિવસ હોસ્પિટલમાં રાખવામાં આવી રાજા આપતી વખતે ડોક્ટરે કહ્યું. "ગીરાબેન લબા સમયથી તમે પૂરતો ખોરાક ન લેતાં તમારા શરીરમાં પોષક તત્વોની મોટા પ્રમાણમાં ખામી ઊભી થઈ હતી. એને વારંવાર બીપી પણ લો થઈ જતું હતું જે ઘણું જ જોખમી છે. દરેક વ્યક્તિએ પોતાનું વજન કંટ્રોલમાં લેવું જોઈએ પણ સાચી રીતે અને યોગ્ય માર્ગદર્શન હેઠળ. હવે આવું જોખમ ન લેતાં."
ગીરાને પોતાની ભૂલ સમજાણી હતી ઘરે આવીને એણે કાવ્યનો અને પ્રતિમાબેનનો આભાર માન્યો. ઘરના દરેક વ્યક્તિનો ઉપકાર માન્યો નોકર અને કામવાળીની માફી પણ માંગી.
સાથે સાથે ગીરાએ એક મોટું કામ પણ કર્યું
YouTube અને tiktok અને ફેસબુક જેવા માધ્યમથી પોતાનો અનુભવ લોકો સામે મૂક્યો, જેથી કોઇક્તો તેના જેવી ભૂલ કરતાં બચી શકે.
સમાપ્ત
story by _- shesha Rana (Mankad)