ajanyo shatru - 18 in Gujarati Fiction Stories by Divyesh Koriya books and stories PDF | અજાણ્યો શત્રુ - 18

Featured Books
Categories
Share

અજાણ્યો શત્રુ - 18

છેલ્લે આપણે જોયું કે રાઘવ મિલીને વાત કરવા જાય છે એટલી વારમાં મિલીના ફ્લેટના દરવાજા પર કોઈ આવે છે અને વાત અટકી જાય છે.

હવે આગળ.....

*********

રાઘવે એકવાર જુગાર ખેલી લેવાનું નક્કી કરી લીધું. કાં આ પાર કાં પેલે પાર. આમપણ વાત અધવચ્ચે લટકાવી રાખવાનો કોઈ મતલબ નહતો. આજ નહીં તો કાલ મેરીને તેમના કારનામાની જાણ થવાની જ હતી અને એ સમયે કોઈ બબાલ થાય એ કરતાં અત્યારે જ તેને પોતાની સાથે કરી લેવી. એ માટે સામ, દામ, દંડ, ભેદ જે કરવું પડે એ કરવાનું, પણ મેરીને આ મિશનમાં શામેલ કરવી જ રહી.

રાઘવ હજુ પેટછૂટી વાત કરવા નહતો માંગતો. તેને ખબર હતી કે મેરી તો અડધી વાતમાં જ સમજી જશે કે તેઓ અહીં શું કામ આવ્યા હતા? પણ મિલીને વિશ્વાસમાં લેવી જરૂરી હતી. રાઘવને એક વિચાર એવો પણ આવી ગયો કે જો મેરી આ કામ માટે હા, પાડી દે, તો પછી મિલીની કોઈ જરૂર નહતી. આમપણ મિલી કરતાં મેરી રિસર્ચ ક્ષેત્રે અને જાસૂસીમાં પણ બધી રીતે ચડીયાતી હતી. અને કામ પત્યા પછી અહીંથી નીકળવામાં પણ એ મદદ કરી શકે એમ હતી.

"જુઓ મિસ. મિલી, અમારો મકસદ કોઈ ખરાબ નથી. અમે આ કામ આપણા દેશ અને દુનિયાના માણસોના સારા માટે જ કરવા આવ્યા છીએ. અમને એ કામમાં તમારી થોડી મદદ જોઈએ. જો અમારુ કામ અધુરું રહી ગયું તો આપણી આવતી પેઢી આપણે કદી માફ નહીં કરે. "રાઘવ વાતની પૂર્વભૂમિકા બાંધતાં બોલ્યો. આમ તો તે ઓછાબોલો હતો,પણ ડ્યુટી પર તેનું વાકચાતુર્ય ભલભલાને પછાડી દેતું.

"મિ. આરની વાત સાચી છે, મિસ મિલી. અમને બસ તમારી થોડી મદદ જોઈએ છે. એમાં અમારો કોઈ અંગત સ્વાર્થ નથી , પરંતુ સમગ્ર વિશ્વના કલ્યાણ માટે છે. બની શકે તમને અમારી વાત સાંભળી તેના પર વિશ્વાસ ન થાય તમને અમે કોઈ દલાલ કે હરીફ કંપનીના માણસો પણ લાગી શકીએ. પણ મારો વિશ્વાસ કરજો અમે આ કામ ફ્કત અને ફ્કત માણસ જાતની ભલાઈ માટે જ કરવા માંગીએ છે. એટલે જ તો જેક અમને તમારી પાસે લઈ આવ્યો." વિરાજે રાઘવની વાત આગળ વધારતા ક્હ્યું વાતોના વમળમાં સામે વારા વ્યક્તિને કેમ ફસાવી એ વિરાજને સારી રીતે આવડતું હતું.

મિલીને સમજાતું નહતું કે રાઘવ અને વિરાજ શું કહેવા ઈચ્છે છે. એમાં પણ વિરાજે છેલ્લે જે રીતે જેકના નામનો ઉલ્લેખ કર્યો હતો એનો અર્થ શું કરવો? મિલીને સમજાતું નહતું. વિરાજની આ ખાસિયત હતી. માણસની નબળી કડી પકડી બરાબર તેના પર વાર કરવો. જેક સાથેની વાતચીત અને અત્યાર સુધીના મિલીના વ્યવહાર પરથી તેને એટલું સમજાય ગયું હતું કે મિલી જેક માટે ગમે તે કરી શકે છે. એટલે જો મિલી કદાચ સીધી રીતે ન માને તો જેકના નામે તેની પાસેથી કામ કઢાવી શકાય એમાં કોઈ શક નહતો. સામે પક્ષે જેકને પણ મિલી હવે ગમવા માંડી હતી. એ સો ટકા તો નહીં પણ મિલી માટે એકવાર તો જાનનું જોખમ પણ કદાચ લઈ લે.

મિલીને વિરાજ અને રાઘવની વાતમાં કંઈ ખબર પડતી નહતી. તેને સમજાતું નહતું કે એવું તે શું કામ હતું? જે તેના સિવાય કોઈ બીજી વ્યક્તિ કરી શકે એમ નહતું,પાછું એ પણ સમગ્ર વિશ્વના માણસોના કલ્યાણ માટે. તે આવી ગોળગોળ વાતોથી કંટાળી હતી. તેને રાઘવને કહ્યું, "આમ ગોળગોળ વાતો કરી તમે શું કહો છો? એ મને સમજાતું નથી. ચોખ્ખી વાત કરો. અને જો મને પસંદ આવશે, તો જ હું તમારું કામ કરીશ."

મિલીની વાત સાંભળી વિરાજને લાગ્યું કે હવે વધારે સમય બગાડવા જેવો નથી , આમપણ તે લોકોને અહીં આવ્યાને ઘણો સમય થયો હતો, અને રાતના અંધકારમાં જ અહીંથી નીકળી જવાય એમાં જ સૌની ભલાઈ હતી.

વિરાજે વાત કરતાં પહેલાં એકવાર રાઘવ સામે જોયું, રાઘવે મૂક સંમતિ આપતા ગરદન હલાવી, તેમના હવે આગળના મિશનનો બધો મદાર મિલી પર હતો. જો મિલી ના કહે અને મેરી પણ તેનો સાથ આપે તો તેમને ફરીથી એકડો ઘુંટવો પડે. "અમારે તમારા રિસર્ચ સેન્ટરમાં એક વાયરસ પર પરીક્ષણ થાય છે, એના નમૂના જોઈએ છે." વિરાજ સ્થિર અવાજે ધીમેથી પણ કમરમાં હાજર દરેક વ્યક્તિને સંભળાય એમ બોલ્યો.

"ક્યો વાયરસ? તમે લોકો શું વાત કરો છો?"મિલીને વિરાજ શું કહેવા માંગે છે, તે સમજાયું નહીં.

"એ જ વાયરસ જેના પર તમે રિસર્ચ કરો છો, મિસ મિલી. "રાઘવે થોડા સખ્ત અવાજે મિલીને કહ્યું. તેને એમ કે મિલી છટકવા માટે પોતે અજાણ હોવાનો ઢોંગ કરે છે.

"પરંતુ, હું કોઈ જાતના વાયરસ પર રિસર્ચ નથી કરતી."
મિલીની વાત સાંભળી રાઘવ, વિરાજ અને જેકને જાણે સાંપ સૂંઘી ગયો. જેકને પોતાના કાન પર વિશ્વાસ નહતો થતો, કેમકે તેણે જાતે મિલીને રિસર્ચ સેન્ટરમાં જતાં જોઈ હતી. રાઘવ અને વિરાજ એકબીજા સામે જોઈ પરિસ્થિતિનો તાગ મેળવવાની કોશિશ કરતાં હતાં. જેકના કહ્યાં મુજબ મિલી રિસર્ચ સેન્ટરમાં કામ કરતી હતી, જ્યારે મિલીએ એ વાત નાકબૂલી હતી. અને તેના હાવભાવ જોતા એ સાચું બોલતી હતી, એવું વિરાજ અને રાઘવને લાગ્યું. તો પછી? અચાનક વિરાજ અને રાઘવ બન્નેના મનમાં એકસાથે વિચાર આવ્યો. આ જેકની કોઈ ચાલ તો નહતી ને? તેમને ફસાવી દેવા માટે. કદાચ અહીંની સરકારને તેમના મિશનની જાણ પહેલાંથી જ હોય અને તેમણે જેકને મોહરો બનાવી મોકલ્યો હોય! જો એમ હોય તો એ ખરેખર ભયંકર હતું.

રાઘવ અને વિરાજે જેક તરફ શંકાભરી નજરે જોયું, જાણે આંખોથી જ કહેવા માંગતા હોય કે જો અમે મરશું! તો તું પણ જીવતો નહીં રહે. વિરાજ અને રાઘવના મનની વાત સાંભળી ગયો હોય તેમ જેક માથાથી પગ સુધી ધ્રુજી ગયો. તે પણ જાસૂસીની દુનિયાનો જ માણસ હતો, પરંતુ એ નાનામોટા કામ જ કરતો, એ મેરી, વિરાજ અને રાઘવ જેટલો ન તો અનુભવી હતો, ન તો ખુંખાર.

જેકનો એક હાથ મિલીના હાથ પર હતો. જેકની ધ્રુજારી મિલીથી છાની ના રહી. તેને વિરાજ સામે જોયું. વિરાજના ચેહરાના ભાવ અને જેકની ધ્રુજારી પરથી મિલી એટલું તો પામી ગઈ કે કોઈ ગરબડ થઈ હતી અને તેના માટે કદાચ જેક કારણભૂત હતો. રાઘવ અને વિરાજથી હવે તેને ડર લાગવા માંડ્યો હતો.

"જેક, તે તો કહ્યું હતું કે મિલી રિસર્ચ સેન્ટરમાં કામ કરે છે, જ્યારે તે તો ના પાડે છે. મામલો શું છે? "રાઘવે ફરીથી સખ્ત અવાજે જેકને કહ્યું.

મેરી એક તરફ બેઠા બેઠા અહીં શું બની રહ્યું હતું, તે સમજવાની કોશિશ કરતી હતી. વાયરસ વાળી વાત સાંભળી તેને લાગ્યું નક્કી અહીં કોઈ મોટો ખેલ થઈ રહ્યો હતો. પણ તેનું સુત્રધાર કોણ છે? અને આખો મામલો શું છે? એ જાણવા અત્યારે તેણે ચુપ રહેવું મુનાસિબ માન્યું.

મિલીને થયું નક્કી જેક અને તેના આ સાથીઓ વચ્ચે કોઈ ગેરસમજ થઈ છે. અને જો અત્યારે તે વચ્ચે નહીં બોલે તો કદાચ ન બનવાનું બની શકે. "એ વાત સાચી છે કે હું રિસર્ચ સેન્ટરમાં કામ કરું છું, પણ મારો વિભાગ વાયરસનો નહીં પરંતુ બેક્ટેરિયાનો છે." મિલી રાઘવ તરફ ફરતા બોલી.

હવે, ઝટકો ખાવાનો વારો જેકનો હતો, કેમકે મિલી તેને પહેલી વખત મળી ત્યારે તેણે પોતે વાયરસ રિસર્ચ સેન્ટરમાં કામ કરવા આવી હતી એમ કહ્યું હતું, પણ અહીં બેક્ટેરિયા પર પણ રિસર્ચ થાય છે, એની જેકને જાણ જ નહતી.

"પરંતુ તું તો વાયરસ પર રિસર્ચ કરવા આવી હતી ને?"જેક ભાંગેલા સ્વરે બોલ્યો. કેમકે તે જાણતો હતો, તેની એક ખોટી માહિતીનું પરિણામ શું આવી શકે. એ સારું થયું અત્યારે જ આ વાતની ચોખવટથઈ ગઈ. નહીંતર એનો અંજામ કેવો ભયંકર આવત, તેની કલ્પના કરવી મુશ્કેલ હતી.

"હા, એ વાત સાચી કે હું વાયરસ પર જ રિસર્ચ કરવા માટે આવી હતી, પરંતુ અહીં એક રસી પર પરીક્ષણ થાય છે, જેમાં બેક્ટેરિયાનો ઉપયોગ કરાયો છે. માટે રસીના પરીક્ષણ માટે મને હાલ થોડા દિવસો પૂરતી એ વિભાગમાં ટ્રાન્સફર કરવામાં આવી છે. "મિલીએ જેકને જવાબ આપતા કહ્યું.

" પરંતુ મે પોતે તને વાયરસ વાળા વિભાગમાં જતાં જોય છે? "જેકે ફરીથી મિલીને પ્રશ્ન કર્યો. તેને વિશ્વાસ જ નહતો આવતો કે તેનાથી એટલી મોટી ભૂલ થઈ હતી.

મિલી :-"તો તું મારી પર નજર રાખે છે એમ? અને મારો મુખ્ય વિભાગ તો વાયરસ વાળો જ છે, તો મારે હાજરી આપવા ફરજિયાત ત્યાં જવું રહ્યું."

મિલીના સ્વરમાં રહેલી કડવાહટ સૌ પામી ગયા. તેને હતું કે જેક તેને પ્રેમ કરે છે, પણ અહીં તો તેનો ઉપયોગ થઈ રહ્યો હતો. જેની તેના દિરને ઠેસ પહોંચી હતી. રાઘવને પણ ઘડીક થયું કે આ વાક્ય મિલી ન નહીં, પરંતુ તેના સ્વરમાં ત્રિષા બોલી રહી હતી. શબ્દો ભલે અલગ હતા, સંજોગો પણ અલગ હતા, પણ ભાવ એજ હતો, લાગણી એજ હતી. ફર્ક બસ એટલો હતો કે મિલીએ તેના મનની લાગણીને વાચા આપી હતી, જ્યારે ત્રિષા મોઢેથી કદી બોલી નહતી, પણ તેની આંખો એ જ કહેતી, એજ ભાવ દર્શાવતી, જે અત્યારે મિલીની આંખોમાં હતા.

જેક કંઈક કહેવા જતો હતો ત્યાં રાઘવે તેને અધવચ્ચે જ રોકતા કહ્યું, "વિરાજ, તું અને જેક અત્યારે બંગલા પર જાઓ. ત્યાં કોઈ આપણી વાટ જોવે છે. હું પછીથી આવીશ." ત્રિષાના નામનો ઉલ્લેખ કર્યો વગર રાઘવે વિરાજને તેનું ધ્યાન રાખવા માટે જવાનું કહ્યું.

જેક અહીં રાઘવ સાથે રોકાવા માંગતો હતો, પરંતુ રાઘવે તેને સ્પષ્ટ ના કહી. ઉદાસ મને તેણે મિલીની વિદાય લીધી.

*******
રાઘવ મિલીના ફ્લેટ પર કેમ રોકાયો હશે? તેણે જેકને રોકાવાની ના કે પાડી? જો મિલી તેમનું કામ નહીં કરી આપે તો કોણ કરશે? જાણવા માટે વાંચતા રહો 'અજાણ્યો શત્રુ'.

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિંદ.