અમને તેના બોસ વનરાજ સિંઘાનિયા દ્વારા અમેરિકા ડીલ કરવા જવાની વાતને કાવ્યા માટે થઈને નકારી દીધી. તે કાવ્યાના આવા મુશ્કેલ સમયમાં તેની સાથે જ રહેવા માગતો હતો આથી તેણે પોતાના બોસને અમેરિકા જવા માટે ના પાડી દીધી. તે કાવ્યાને આ વિશે જણાવતો પણ નથી નહિતર કાવ્યા તેને જવા માટે મનાવી લેત. પણ તે કાવ્યાને હવે એકલી મૂકવા જ માંગતો ન હતો. આથી આ વાત છૂપાવવી જરૂરી હતી.
બીજા દિવસે સવારે ચા નાસ્તો પતાવીને અમન ઓફિસ ચાલ્યો ગયો અને સીધો જ પોતાની કેબિનમાં જઈ કામ કરવા લાગ્યો. તે પોતાના કામને જ ઈશ્વર માનતો અને પૂજતો. થોડી વાર થઈ ત્યાં સમીર તેની કેબિનમાં ધસી આવ્યો.
"આવ આવ સમીર, તું આટલો અકળાયેલો કેમ લાગે છે?" અમને સમીરને આવકાર્યો.
"આ શું માંડ્યું છે બધું? તને અમેરિકા જવાની તક મળી રહી છે અને તું ના પાડી રહ્યો છે. જ્યાં સુધી મને ખબર છે અમેરિકા જવાનું તારું સપનું છે તો શા માટે તે બોસને ના પાડી દીધી?" સમીર અમનને સમજાવવા માટે બોલ્યો.
"સપનું તો છે જ અને હજુ પણ એ સપનું સાકાર કરવા માટે મહેનત કરું છું."
"તો પછી બોસને શા માટે ના પાડી દીધી?"
"તને યાર ખબર તો છે કે કાવ્યાની હાલત હાલમાં સારી નથી. તેને એકલી છોડીને હું ક્યાંય જવા માંગતો નથી. અમેરિકા જવાનું સપનું પછી ક્યારેક પૂરું કરી લઈશ."
"કાવ્યાભાભીની ચિંતા ના કર, હું અને શબાના ધ્યાન રાખીશું બસ. શબાનાને તારા ઘરે જ રોકાવા મોકલી આપીશ, ત્યાં જન્નત હશે તો ભાભીનું મન પણ જન્નતમાં રહેશે તો તબિયત સારી રહેશે."
"થેંક્યું સમીર તે આટલું વિચાર્યું અમારા માટે પણ હું કાવ્યાની સાથે જ રહેવા માંગું છું." અમને વાતને પતાવવા આખરી નિર્ણય જણાવી દીધો.
"સારું તો તને જેમ ઠીક લાગે એમ." સમીર અમનની સામે સ્માઈલ આપી ત્યાંથી જતો રહ્યો.
સમીરના જતા જ અમન પોતાના અમેરિકા જવાના સપના વિશે વિચારવા લાગ્યો. પોતે પાગલ હતો અમેરિકા જવા માટે અને અત્યારે જ્યારે તેને તક મળી છે ત્યારે તે પોતે નકારી રહ્યો છે. આ પહેલાં પણ પોતે ઘણી વખત ડીલ કરવા માટે બોસની જગ્યાએ ગયો છે પણ એ તો બેંગલોર, હૈદરાબાદ અને વધુ માં તો દુબઈ. અમેરિકા જવાની આ પ્રથમ તક છે અને પોતે નકારી રહ્યો છે. નકારવા પાછળનું કારણ પણ પોતાના જીવથી પણ વધુ વહાલી એવી પત્ની કાવ્યા છે. પોતે કાવ્યાને ખુબ જ પ્રેમ કરે છે અને કાવ્યા માટે પોતાનો જીવ પણ આપી દે તો આ તો બસ એક તુચ્છ સપનું છે. હા કાવ્યાની આગળ તો આ સપનું તુચ્છ જ છે. વિચારતા વિચારતા તેને કાવ્યાનો હસમુખો ચહેરો યાદ આવી ગયો અને અમનના ચહેરા પર મુસ્કાન આવી ગઈ.
સાંજના સાત વાગતાં જ અમન પોતાનું કામ પતાવી ઘરે જવા નીકળી ગયો. હંમેશાની જેમ જ આજે પણ કાવ્યા બગીચામાં બેઠી અમનની રાહ જોઈ રહી હતી. અમન જઈને સીધો જ કાવ્યાને વળગી ગયો. પણ કાવ્યા એ અમનને ધક્કો મારી પોતાનાથી દૂર કરી દીધો.
અમન તો ડઘાઈ જ ગયો, "શું થયું કાવ્યા? તે મને ધક્કો કેમ મારી દીધો?"
"તારી હિંમત કેમ થઈ આવું કરવાની? તું આટલો બધો પાગલ હોઈશ એની મને ખબર ન હતી." કાવ્યા ગુસ્સા ભર્યા ચહેરે અમનને જોઈ બોલી.
"તું મારી પત્ની છે તો તને હગ કરવામાં કે તને પ્રેમ કરવામાં ખોટું શું છે કે તું આટલી બધી ચિડાઈ રહી છે?"
"હું એની વાત નથી કરી રહી."
"તો???"
"તને અમેરિકા જવાનો મોકો મળી રહ્યો છે અને તું નકારી રહ્યો છે. તારામાં અક્કલ જેવું કાંઈ છે કે નહીં!"
"કાવ્યા, હું અમેરિકા નથી જવાનો ધેટ્સ ઈટ.. અને તને કોણે કહ્યું આના વિશે?"
"જેણે કહ્યું હોય એણે તારે શું લેવાદેવા! તું અમેરિકા જઇ રહ્યો છે બસ."
"કાવ્યા, હું તને એકલી નથી મૂકવા માંગતો. તું કેટલી પરેશાન થઈ જાય છે પેલા પડછાયાના લીધે. હું તારી સાથે હોઉં છું તો પણ તારી આવી હાલત થાય છે તો હું નહીં હોઉં ત્યારે તો તું કેટલી પરેશાન થઈ જઈશ એ તો હું કલ્પના પણ નથી કરી શકતો."
"જાણું છું અમન કે તું મને ખુબ જ પ્રેમ કરે છે પણ તારું સપનું છે અમેરિકા જવાનું અને એ સાકાર કરવાની કેવી સરસ તક મળી છે તને તો પ્લીઝ અમન તું જા મારી ચિંતા ન કર."
"આઈ એમ સોરી કાવ્યા પણ આ વખતે હું તારી વાત માનવાના મૂડમાં જરાય નથી."
"અમન, તું ત્યાં ફરવા કે મોજશોખ માટે થોડો જાય છે, તું તો કામ માટે જઈ રહ્યો છે અને હું જાણું છું કે કામ તારા માટે ભગવાન છે. ઘણી વખત તે કામ માટે થઈને મને નારાજ પણ કરી છે તો આ વખતે કેમ આવું?"
"કાવ્યા, કામ મારા માટે ભગવાન છે અને તું મારા માટે મારો જીવ. જીવ જ નથી તો ભગવાનને કેમ પૂજીશ." અમન થોડી વાર વિચારી પછી બોલ્યો.
"ભગવાન વિના જીવ શું કામનો?" કાવ્યા અમન તરફ જોઈ રહી જાણે અમન તેનો ચહેરો જોઈ જવા માટે તૈયાર થઈ જશે.
"કાવ્યા, હું તારી સાથે તર્કમાં નહીં જીતી શકું પણ અમેરિકા તો હું જવાનો જ નથી." અમન જાણે આખરી નિર્ણય સંભળાવતો હોય એમ બોલ્યો.
"અમન પ્લીઝ!!!" કાવ્યા કરગરવાના સૂર સાથે બોલી.
"કાવ્યા, તું પોતે વિચાર, તું એકલી જ હોઈશ અને એ પડછાયો આવી જશે તો તારી કેવી હાલત થશે.. હું હોઉં છું તોયે તું કેટલી ડરી જાય છે અને તો પણ તું મને અમેરિકા મોકલી રહી છે."
"એવું છે તો હું મમ્મી પપ્પાને બોલાવી લઉં અહીં. અને મારા મમ્મીને પણ બોલાવી લઈશ. બધા સાથે રહીશું તો ડર નહીં લાગે અને એવું પણ બને કે આ દરમિયાન પડછાયો આવે જ નહીં. જો ને કેટલાં દિવસથી દેખાયો જ નથી."
"જો મમ્મી પપ્પા આવતા હોય તો મને વાંધો નથી." અમન કમને બોલ્યો અને હસીને ઉમેર્યું "હવે તો અંદર આવવા દઈશ કે અહીં જ રહું આખી રાત??"
કાવ્યા એ અમનનો હાથ પકડી ઘરમાં લઈ ગઈ અને સીધો જ તેના સાસુ રસીલાબેનને ફોન લગાવ્યો. તેના સાસુ આવવા તૈયાર થયા અને રસીકભાઈને કામ હોવાથી તે નહીં આવી શકે એવું કહ્યું.
ત્યાર બાદ કાવ્યાએ પોતાના મમ્મી કવિતાબેનને ફોન કર્યો અને તેઓ પણ આવવા તૈયાર થયા. કવિતાબેન પોતે એક હાઈસ્કૂલ માં વિજ્ઞાનના શિક્ષક હતા. નાની ઉંમરમાં જ તેઓ વિધવા બની ગયા હતા પરંતુ તે એટલાં હિંમતવાન હતાં કે તેમણે બીજા લગ્ન ન કર્યા અને નાનકડી ત્રણ વર્ષની કાવ્યાને એકલે હાથે મોટી કરી અને પગભર બનાવી. કાવ્યા ના લગ્ન પછી અમનની ઈચ્છા હતી કે કવિતાબેન તેમની સાથે રહે પણ કાવ્યા જાણતી હતી કે એનાં મમ્મી સ્વાભિમાની છે તે ક્યારેય પણ દિકરીના ઘરે નહીં રહે આથી કાવ્યા એ જ અમનને ના પાડી દીધી.
કાવ્યાના અને અમન બંનેના મમ્મી આવવા તૈયાર થયા હોવાથી કાવ્યા રાજી થઈ ગઈ પણ અમન હજુ ખુશ નહોતો દેખાઈ રહ્યો. આમ કરી બંને પોતપોતાની રીતે એકબીજા પ્રત્યેનો પ્રેમ દર્શાવી રહ્યા હતા. અમન કાવ્યાને એકલી મૂકવા નહોતો માંગતો એમ અને કાવ્યા અમનનુ સપનું પૂરું કરવામાં. અમન માટે કાવ્યાને એકલી મૂકવી જેટલું અઘરું હતું એટલું જ અઘરું કાવ્યા માટે અમનને પરાણે અમેરિકા મોકલી અહીં એકલું રહેવું હતું. પણ બંને પોતાના માટે કોમ્પ્રોમાઈઝ કરવા તૈયાર હતા પણ એકબીજા માટે જીવ આપવા પણ તૈયાર હતા.
અમને કાવ્યાને પૂછ્યું, "હવે તો કહે તને અમેરિકા વાળી વાત કોણે કહી?"
"તું જાણીને શું કરીશ?" કાવ્યા એ ઉડાઉ જવાબ આપી દીધો.
"અરે કહે તો ખરાં બસ જાણવું છે મારે.." અમન વિનવણી કરતા બોલ્યો.
"વનરાજ સિંઘાનિયા એ" કાવ્યા એ કહ્યું.
"એમને તો હું કંઈ ના કહી શકું પણ એમણે તને વચ્ચે લેવાની જરૂર ન હતી." અમન હજુ અસ્વસ્થ જ હતો.
"અરે કંઈ વાંધો નહીં, એમણે સારા માટે જ કર્યું ને. ચાલ હવે ફોન કરી દે એમને કે તું જવા તૈયાર છે." કાવ્યા સ્મિત કરતાં બોલી.
"ઓકે!" કાવ્યાના ચહેરા પર સ્મિત જોઈ અમન ખુશ થઈ બોલ્યો અને ફોન કરવા લાગ્યો.
અમન ફોન કરીને આવ્યો એટલે કાવ્યા એ પૂછ્યું, "ક્યારે નીકળવાનું છે તારે અમેરિકા માટે?"
"કાલે એટલે કે બુધવારે સાંજે મુંબઈ નીકળીશ પછી ત્યાંથી સીધો ન્યુયોર્ક." અમને જવાબ આપ્યો.
"બાપ રે.. આપણી પાસે બહું ઓછો સમય છે. ઝડપથી તૈયારી કરવી પડશે."
"હા જો કાલે જ નક્કી કરી લીધું હોત તો આજનો પણ આખો દિવસ મળી જાત."
"તારો જ વાંક હતો ને.. મારાથી છૂપાવ્યુ એટલે ભોગવવું પડે ને!" કાવ્યા હસતાં હસતાં બોલી. અમન પણ હસવા લાગ્યો અને બોલ્યો, "આમ જ હંમેશા હસતી રહેજે મારી વહાલી.." "હા જરૂર મારા વ્હાલાં.." અને બંને ખડખડાટ હસી પડ્યાં. પછી જમીને બેડરૂમમાં ચાલ્યા ગયા અને થોડું ઘણું પેકિંગ કરી લીધું અને સૂઈ ગયા.
બીજા દિવસે સવારે અમન ચા નાસ્તો પતાવીને તેના ઓફિસ ગયો. તેને તેના બોસ વનરાજ સિંઘાનિયા સાથે અમેરિકામાં જે ડીલ કરવા જવાનું હતું તે બાબતે નાની એવી મીટિંગ હતી.
અમનને ઓફિસ મોકલી કાવ્યા ઘરના નાના મોટા કામ પતાવી બગીચામાં ફૂલોને પાણી પાઈ રહી હતી ત્યાં જ તેના બંગલાના મેઇન ગેટ પર કંઇક અવાજ સંભળાયો. કાવ્યા દોડીને ત્યાં ગઈ તો તેની આંખો જ ફાટી ગઇ અને તે એકદમ ડરી ગઈ.
**********
વધુ આવતા અંકે