Pishachini - 20 in Gujarati Horror Stories by H N Golibar books and stories PDF | પિશાચિની - 20

Featured Books
Categories
Share

પિશાચિની - 20

(20)

‘ગઈકાલ રાતે જે રીતના

ભવાનીશંકરે તેને ખતમ કરવા માટે માહીના રૂપમાં એક બલાને તેની પાસે મોકલી હતી, એવી જ રીતના ભવાનીશંકરે કોઈ ભૂત-પ્રેતને તેના રૂપમાં અહીં માહી પાસે મોકલ્યું હતું અને એ જ તેની માહીને અહીંથી લઈ ગયું હતું,’ એ સમજાતાં જ જિગરને આખોય બંગલો ચકકર-ચકકર ફરતો હોય એવું લાગવા માંડયું હતું.

‘જમાઈરાજ...!’ જિગરના કાને તેના સસરા દેવરાજશેઠના ખાસ નોકર મન્નુકાકાનો અવાજ પડયો, એટલે તેણે આંખો મીંચી ને ચાર-પાંચ પળ પછી પાછી આંખો ખોલી. તેની નજર સામે ચકકર-ચકકર ફરતો બંગલો સ્થિર થયો.

‘...તમારી તબિયત તો સારી છે ને ?’ મન્નુકાકાએ પૂછયું.

‘હા.’ જિગરે મન્નુકાકાની દીકરી રૂકમણી સામે જોયું.

થોડીવાર પહેલાં જિગર આવીને માહીને લઈ ગયો હતો અને એ ફરી પાછો માહીને લેવા આવ્યો હતો, એનું આશ્ચર્ય હજુય રૂકમણીના ચહેરા પર તરવરતું હતું.

‘મન્નુકાકા !’ જિગર બોલ્યો : ‘આટલા દિવસથી માહી અહીં હતી, એમાં મારું મગજ ફરી ગયું છે. હું માહી સાથે અહીંથી નીકળીને રસ્તામાં એક કામ પતાવવા રોકાયો ને મેં માહીને સ્ટેશને મોકલી. પછી હું કામ પતાવીને ધૂનમાં ને ધૂનમાં અહીં આવી ગયો.’ જિગર સોફા પરથી ઊભો થયો : ‘ચાલો, હું નીકળું છું. માહી સ્ટેશન પર મારી વાટ જોતી હશે.’ અને જિગર દરવાજા તરફ વળ્યો અને પાછો રોકાયો : ‘મન્નુકાકા, રૂકમણી ! તમે પપ્પાજીને કહેશો નહિ કે, હું માહીને લઈને ગયો એ પછી આમ પાછો આવ્યો હતો.’

‘જી, જમાઈરાજ !’ રૂકમણીએ કહ્યું અને મન્નુકાકાએ પણ કહ્યું : ‘તમે બેફિકર થઈને જાવ, જમાઈરાજ.’

‘ભલે તો, આવજો !’ અને જિગર બહાર નીકળ્યો.

તે બંગલાથી

થોડેક દૂર આવેલા બસ સ્ટેન્ડ પર પહોંચીને ઊભો રહ્યો. તે બેચેન થઈ ઊઠયો હતો. ‘પંડિત ભવાનીશંકરે તેના રૂપમાં મોકલેલું પ્રેત માહીને કયાં લઈ ગયું હશે ? અને...અને જ્યારે માહીને ખબર પડશે કે, એ જેની સાથે ચાલી નીકળી છે એ હું નહિ પણ કોઈ ભયાનક પ્રેત છે, તો...? !

‘પણ...પણ શું એ પ્રેતે અત્યાર સુધી માહીને જીવતી રાખી હશે ખરી ? ! એ પ્રેતે અત્યાર સુધીમાં માહીને મારી તો નહિ નાંખી હોય ને ? !

‘ના-ના ! ભગવાન ન કરે આવું બન્યું હોય !’ અને જિગર બસ સ્ટેન્ડની પાટલી પર બેસી ગયો. ‘હવે શું કરવું ? ! માહીને કયાં શોધવી ? !’ જિગર થોડીક પળો સુધી કંઈ વિચારી શકયો નહિ, પછી તેને થયું કે, તેણે બનારસીદાસ સાથે આ વિશે વાત કરવી જોઈએ.

અને તેણે બનારસીદાસનો મોબાઈલ ફોન લગાવ્યો. સામેથી ‘નોટ રિચેબલ’નો સંદેશો સંભળાવા માંડયો. તેણે બીજી ચાર-પાંચ વખત બનારસીદાસનો મોબાઈલ લગાવ્યો અને આ સંદેશો જ સાંભળવા મળ્યો, એટલે તેણે દીપંકર સ્વામીનો મોબાઈલ નંબર લગાવ્યો.

ત્રીજી પળે મોબાઈલમાં સામેથી દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો, એટલે જિગરે ઉતાવળા અવાજે, ગઈકાલે વહેલી સવારના પંડિત ભવાનીશંકરે માહીના રૂપમાં તેની પાસે એક બલા મોકલી હતી. બનારસીદાસે અણીના સમયે આવીને તેને બચાવ્યો હતો અને એમના કહેવાથી તે માહીને માદળિયું પહેરાવવા માટે અહીં દિલ્હી પહોંચ્યો હતો. પણ તે અહીં પહોંચે એ પહેલાં ભવાનીશંકરે અહીં તેના રૂપમાં મોકલેલું પ્રેત માહીને લઈને નીકળી ચૂકયું હતું, એ આખી વાત કહી સંભળાવી.

‘તો..,’ દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો : ‘...તું બનારસીદાસને મોબાઈલ કરીને આ વાત...’

‘એમનો મોબાઈલ લાગતો નથી, સ્વામીજી !’ જિગરે કહ્યું.

‘ઠીક છે, તો હું એમને ત્યાં જઈને, એમની સાથે વાત કરીને તુરત તને ફોન કરું છું.’ અને સામેથી દીપંકર સ્વામીએ વાત પૂરી કરી દીધી.

જિગર ત્યાં જ બેસી રહ્યો.

પાંત્રીસમી મિનિટે જિગરના મોબાઈલ ફોનની રિંગ વાગી ઉઠી. તેણે મોબાઈલ કાને ધર્યો, ત્યાં જ દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો : ‘જિગર ! બનારસીદાસના ઘરે તાળું છે. પાડોશમાં પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે, તેઓ તંત્ર-મંત્રના કામ અર્થે કયાંક બહારગામ ગયા છે. કયારે પાછા ફરશે એ કંઈ નકકી નથી.’

‘તો હવે શું કરીશું, સ્વામીજી ? !’ જિગર બોલ્યો : ‘ભવાનીશંકર માહીને કયાં લઈ ગયો હશે ? મને તો બીક છે કે, કયાંક એણે મારી માહીને મારી..’ અને જિગર આગળ બોલી શકયો નહિ. અત્યાર સુધી તેણે જાળવી રાખેલી હિંમત વિખરાઈ ગઈ. તે રડી પડયો.

‘...રડવાથી કામ નહિ ચાલે.’ સામેથી દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો : ‘તું અહીં આવી જા. એ દરમિયાન હું જોઉં છું કે, હું આ વિશે શું કરી શકું છું.’

‘ઠીક છે.’ જિગરે કહ્યું ને પાટલી પરથી ઊભો થયો.

દૃ દૃ દૃ

જિગર મુંબઈ દીપંકર સ્વામીના ઘરે પહોંચ્યો, ત્યારે સાંજના સાત વાગ્યા હતા. ‘બેસ !’ દીપંકર સ્વામીએ તેને કહ્યું : ‘હું હમણાં આવું છું.’

‘જી, સ્વામીજી !’ જિગરે કહ્યું ને સોફા પર બેઠો. તે માહીની ફિકર-ચિંતાથી અધમૂઓ થઈ ગયો હતો. ‘તે માહી કયાં હશે ? કેવી હાલતમાં હશે ? ! જીવતી હશે કે, મરી ચૂકી હશે ? !’ જેવા સવાલોમાં ગુંગળાતો બેસી રહ્યો. દસેક મિનિટ વીતી ત્યાં જ દીપંકર સ્વામી આવી પહોંચ્યા. એમની સાથે એક ઊંચો-તગડો માણસ હતો.

‘હું તૈયારી કરી લઉં છું, સ્વામીજી !’ કહેતાં એ માણસ ખૂણામાં પડેલી લાકડાની ખુરશીઓ તરફ આગળ વધી ગયો.

‘જિગર !’ દીપંકર સ્વામીએ જિગરને કહ્યું : ‘આપણે હમણાં શોધી કાઢીએ છીએ કે, માહી કયાં છે ? !’

‘...એમ, સ્વામીજી ? !’ જિગરના મનમાં માહી પાછી મળવાની આશા જાગી ઊઠી : ‘...કેવી રીતના ? !’

‘માધ્યમ મારફત !’ દીપંકર સ્વામીએ કહ્યું : ‘આ મોહનને હું માધ્યમ બનાવીશ. એનામાં હું આત્માનો પ્રવેશ કરાવીશ અને એની મારફત હું જાણવાનો પ્રયત્ન કરીશ કે, અત્યારે માહી છે કયાં ?’ અને આટલું કહેતાં જ દીપંકર સ્વામી બાજુના રૂમ તરફ આગળ વધી ગયા.

જિગરે જોયું તો મોહને એક તરફ સામ-સામે બે ખુરશી અને વચ્ચે નાનકડું ટેબલ ગોઠવી દીધું હતું અને અત્યારે હવે રસોડા તરફ આગળ વધી ગયો હતો.

થોડીક પળોમાં મોહન એક મોટી થાળી લઈને આવ્યો. એણે એ થાળી ટેબલ પર મૂકી, ત્યાં જ બાજુના રૂમમાં ગયેલા દીપંકર સ્વામી આ રૂમમાં આવ્યા. એમના હાથમાં એક મોટો કાચનો બાટલો હતો. એમાં કંઈક પ્રવાહી ભરાયેલું હતું.

દીપંકર સ્વામી મોહને ગોઠવેલી બે ખુરશીમાંથી એક પર બેઠા અને મોહનને કહ્યું : ‘બેસ, મોહન !’

મોહન એમની સામેની ખુરશી પર બેઠો.

દીપંકર સ્વામીએ બાટલાનું ઢાંકણું ખોલ્યું ને બાટલો મોહન તરફ ધર્યો. મોહને બાટલો મોઢે માંડયો અને એમાંનું થોડુંક પ્રવાહી પીધું અને પછી બાકીનું પ્રવાહી એણે વચ્ચે ટેબલ પર પડેલી થાળીમાં ઠાલવી દીધું.

જિગર એકધ્યાનથી દીપંકર સ્વામી અને મોહન જે કંઈ કરી રહ્યા હતા, એ જોઈ રહ્યો હતો.

દીપંકર સ્વામીએ જાણે કંઈક મંત્રો ભણતા હોય એમ હોઠ ફફડાવ્યા અને પછી મોહનને થાળીના પ્રવાહીમાં જોવાનો હુકમ આપ્યો.

મોહને થાળીના પ્રવાહીમાં નજર નાંખી અને એકીટશે તે એ પ્રવાહીને જોઈ રહ્યો.

જિગરે મોહનની આંખો તરફ જોયું. જિગરને એવું લાગ્યું કે, જાણે થાળીમાંના પ્રવાહીને એકીટશે તાકી રહેલો મોહન એમાં ખોવાતો જઈ રહ્યો છે.

અને ખરેખર એવું જ હતું. ધીરે-ધીરે મોહન એ પ્રવાહીમાં, એ વસ્તુમાં ખોવાતો જતો હતો-લિપ્ત થતો જતો હતો. થોડીક પળોમાં જ મોહનને એ પ્રવાહીમાં ચિત્ર-વિચિત્ર આકૃતિઓ હરતી-ફરતી દેખાઈ.

-એ આકૃતિઓ..., મૃત આત્માઓ હતી !

‘મોહન !’ જાણે મોહનના ચહેરા પરથી દીપંકર સ્વામીને એ ખ્યાલ આવી ગયો હોય કે મોહનને આત્માઓ દેખાવા માંડી છે, એમ એમણે પૂછયું : ‘મારે એ જાણવું છે કે, આ જિગરની પત્ની માહી અત્યારે કયાં છે ?’

‘મને એ શોધી આપો કે..,’ જાણે પાણીમાંની મૃત આત્માઓ મોહનના હુકમની વાટ જોતી હોય એમ મોહને કહ્યુંઃ ‘...આ જિગરની પત્ની માહી કયાં છે ?’ અને મોહન એ પ્રવાહીને એ રીતના જ તાકી રહ્યો.

જિગર ઊંચા જીવે મોહન સામે જોઈ રહ્યો. ‘મોહનને મૃત આત્માઓ પાસેથી જવાબ જાણવા મળશે ? ! આખરે અત્યારે તેની માહી કયાં છે ? એની તેને ખબર પડશે ?’ જિગરના મગજમાંનો આ વિચાર પૂરો થયો, ત્યાં જ મોહને થાળીમાંના પ્રવાહી તરફ જોઈ રહેતાં કહ્યું : ‘...માહી અત્યારે બંગાળમાં છે !’

‘બંગાળમાં કયાં છે ? !’ દીપંકર સ્વામીએ પૂછયું.

મોહને એ જ રીતના થાળીના પ્રવાહીમાં તાકી રહેતાં પૂછયું : ‘મારે એ જાણવું છે કે, બંગાળમાં એ કયાં છે !’ અને મોહન એ રીતના જ થાળીના પ્રવાહીમાં તાકી રહ્યો ને પછી એને થાળીમાં દેખાતી મૃત આત્માઓ પાસેથી જાણે જવાબ મળ્યો હોય એમ બોલ્યો : ‘માહી કલકત્તા શહેરની આસપાસમાં જ છે ? !’

‘આસપાસમાં એટલે..? !’ દીપંકર સ્વામીએ ઉતાવળા અવાજે પૂછયું : ‘...એટલે ચોકકસ કયાં ? !’

મોહને થાળીમાંના પ્રવાહીને તાકી રહેતાં ‘...માહી ચોકકસ કયાં છે ?’ એ પૂછયું. એને તુરત જ જવાબ મળ્યો. એણે કહ્યું : ‘...માહી એક ટેકરી પર છે !’

સાંભળીને જિગર કંપી ઊઠયો. ‘ભવાનીશંકર માહીને એક ટેકરી પર લઈ ગયો છે ? !’

‘એ કઈ ટેકરી છે ? !’ દીપંકર સ્વામીએ મોહનને પૂછયું : ‘એ ટેકરી ચોકકસ કઈ જગ્યાએ છે ? !’

મોહને થાળીમાંના પ્રવાહીને તાકી રહેતાં પૂછયું.

જિગરનું હૃદય વધુ ઝડપે ધબકવા માંડયું. ‘હવે આ મોહન એ ટેકરી વિશે કહેશે, એટલે તે તુરત જ ત્યાં પહોંચી જશે અને જીવ-જાન પર ખેલીને પણ ભવાનીશંકરની ચુંગાલમાંથી માહીને બચાવી લાવશે.’

થોડી પળો વીતી છતાં મોહને જવાબ આપ્યો નહિ.

દીપંકર સ્વામીએ મોહનના માધ્યમ મારફત આત્માઓની મદદથી ‘માહી અત્યારે કલકત્તાની આસપાસની કઈ ટેકરી પર, ચોકકસ કઈ જગ્યાએ છે,’ એ જાણવાનો પૂરો પ્રયત્ન કર્યો, પણ બીજી થોડીક મિનિટોની મહેનત પછી પણ જવાબ મળ્યો નહિ, એટલે છેવટે દીપંકર સ્વામીએ આ વિધિ આટોપી લીધી.

દીપંકર સ્વામીએ મોહનને રવાના કર્યોે અને જિગર સામે જોયું, એટલે જિગરે પૂછયું : ‘હવે શું કરીશું ?’

‘તું એક કામ કર.’ દીપંકર સ્વામીએ કહ્યું : ‘તું કલકત્તા જા. ત્યાં બંગાલીબાબાને મળ. મને વિશ્વાસ છે કે, એ ચોકકસ તને માહી કયાં છે એ શોધી બતાવશે.’

‘ઠીક છે.’ જિગર બોલ્યો.

દીપંકર સ્વામીએ તેને કલકત્તામાં બંગાલીબાબા ચોકકસ કઈ જગ્યાએ મળશે એ સમજાવ્યું : ‘કંઈ તકલીફ પડે તો મને મોબાઈલ કરજે.’

‘ઠીક છે.’ જિગરે કહ્યું અને થોડીક વાર પછી તે ત્યાંથી બહાર નીકળ્યો.

દૃ દૃ દૃ

જિગર કલકત્તા પહોંચ્યો અને બંગાલીબાબા સામે પહોંચીને ઊભો રહ્યો, ત્યારે બીજા દિવસની સવારના નવ વાગ્યા હતા.

બંગાલીબાબા પચાસેક વરસના લાગતા હતા.

જિગરે બંગાલીબાબાને કહ્યું કે, તેને મુંબઈથી દીપંકર સ્વામીએ મોકલ્યા છે અને પછી તેણે તેના અહીં આવવા માટેનું કારણ જણાવ્યું.

‘હં !’ બંગાલીબાબાએ કહ્યું : ‘ચાલ ! તું મારી જેમ પલાંઠી મારીને બેસી જા.’

જિગરે બંગાલીબાબાના હુકમનો અમલ કર્યો. તેણે પલાંઠી વાળી.

‘હવે આંખો મીંચી લે.’

જિગરે આંખો મીંચી.

‘હવે હું તને જે મંત્રનો જાપ કહું એ જાપ તારે એક હાજર એકસો અગિયાર વખત કરવાનો છે.’ બંગાલીબાબાએ કહ્યું : ‘અને જ્યાં સુધી આ જાપ પૂરો ન થાય ત્યાં સુધી તારે આંખો ખોલવાની નથી.’

‘ભલે.’ જિગરે કહ્યું.

બંગાલીબાબા મંત્ર બોલ્યા.

જિગરને મંત્ર યાદ થઈ ગયો એટલે બંગાલીબાબાએ કહ્યું : ‘હવે આંખો બંધ કર અને મંત્રનો જાપ શરૂ કરી દે. યાદ રહે, તારે આ મંત્રનો જાપ એક હજાર એકસો અગિયાર વખત કરવાનો છે.’

‘ઠીક છે.’ જિગરે કહ્યું.

‘...તો શરૂ કર.’ બંગાલીબાબાએ કહ્યું.

જિગરે આંખો મીંચી અને મંત્રનો જાપ શરૂ કર્યો.

દૃ દૃ દૃ

જિગરે ૧૧૧૧ વખત મંત્રનો જાપ પૂરો કર્યો અને આંખો ખોલી તો તેને આશ્ચર્યનો આંચકો લાગ્યો.

-સામે બંગાલીબાબા નહોતા. તેણે આસપાસમાં જોયું. બંગાલીબાબા ચાલ્યા ગયા હતા.

તે ઊભો થયો. ‘બંગાલીબાબાના કહેવા પ્રમાણે તેણે મંત્રનો જાપ કર્યો હતો, પણ તેને ખબર પડી નહોતી કે, આખરે માહી અત્યારે કયાં છે ? !’ તે આના ટૅન્શનમાં જ સામેની હોટલમાં પહોંચ્યો.

તે માહીની શોધ માટેની એકધારી દોડભાગ કરીને થાકયો-હાર્યો હતો. તેણે એક રૂમ લીધો અને રૂમમાં પહોંચ્યો. તે પલંગ પર લેટયો અને થોડીક પળોમાં જ ઊંઘમાં સરી ગયો.

થોડી વાર થઈ અને તેને સપનું આવ્યું. સપનામાં તેને બંગાલીબાબાનો ચહેરો દેખાયો. પછી એક ગુફા દેખાઈ. તે એ ગુફામાં દાખલ થયો તો તેને અંદર માહી દેખાઈ અને એ સાથે જ તેનું સપનું તૂટી ગયું ને તે ઊંઘમાંથી ઝબકીને બેઠો થઈ ગયો.

તે થોડીવાર બેસી રહ્યો, પછી તેણે દીપંકર સ્વામીનો મોબાઈલ નંબર લગાવ્યો. સામેથી દીપંકર સ્વામીએ મોબાઈલ લીધો અને એમનો સવાલ સંભળાયો : ‘શું થયું, જિગર ? ! બંગાલીબાબા સાથે મુલાકાત થઈ ? !’

‘હા !’ જિગરે કહ્યું : ‘એમણે કહેવા પ્રમાણેનો મેં મંત્રનો જાપ પૂરો કર્યો અને મેં જોયું તો તેઓ ગાયબ થઈ ચૂકયા હતા. ત્યાંથી હું અહીં હોટલમાં આવ્યો અને મારી આંખ લાગી ગઈ, ત્યાં જ મને એક સપનું આવ્યું. સપનામાં પહેલાં મને બંગાલીબાબા દેખાયા, પછી મને એક ગુફા દેખાઈ અને એ ગુફામાં માહી બેઠેલી દેખાઈ.’

‘તો આનો મતલબ એ કે, માહી જીવતી છે અને અત્યારે તે એ ગુફામાં છે.’ મોબાઈલમાં સામેથી દીપંકર સ્વામીનો રાહતભર્યો અવાજ સંભળાયો.

‘પણ...’ જિગરે પૂછયું : ‘...એ ગુફા છે કયાં ? !’

‘એ હું કેવી રીતના કહી શકું ? !’ દીપંકર સ્વામીનો જવાબ સંભળાયો, એટલે જિગરની હાલત કફોડી થઈ ગઈ. ‘હવે...? !’ તેના મન-મગજ પર હથોડાની જેમ સવાલો ઝીંકાયા, ‘...હવે એ ગુફાને શોધવી કયાં ? ! માહી પાસે પહોંચવું કેવી રીતના ? !’

( વધુ આવતા અંકે )