Lakhnar ne lakh ni vaat in Gujarati Magazine by SUNIL ANJARIA books and stories PDF | લખનારને લાખની વાત

Featured Books
Categories
Share

લખનારને લાખની વાત

નેશનલ બૂકફેર 2018 માં મેં 3 દિવસ બપોરે 12 થી 4.30ની વર્કશોપ એટેન્ડ કરેલી. તેમાંથી કેટલાંક jottings, કઈંક નોટ લીધેલી તેનું સંકલન ટૂંકમાં આપ સહુ સાથે શેર કરીશ.


નાટયલેખન શિબિર : મહેશ ચંપકલાલ


મુખ્ય તફાવત વાર્તા અને નાટકમાં એ છે કે અહીં આસપાસના વાતાવરણનાં વર્ણનો જરૂરી છે જે સ્ટેજ કેવું ડિઝાઇન થશે એ સૂચવે. પાત્રો શું પહેરે છે, કેવડી ઉંમરનાં છે, કેવાં દેખાય છે એ કથાવસ્તુને અનુરૂપ સમજાવવું જરૂરી. પણ વાર્તાના વર્ણનો, શબ્દોની ચમત્કૃતિ અહીં નહીં હોય.


અહીં સંવાદોનો ટોન,હાથપગની હાલચાલ, ચહેરાના હાવભાવ શબ્દોની જગ્યા લઇ લે. એકદમ sensitive પરિસ્થિતિમાં માત્ર પાત્રના મોં પર લાઈટ ઘણું કહી જાય. શબ્દોની જગ્યા લાઈટનું ફોકસ લઈ લે. ક્યારેક અર્ધો ચહેરો જ અર્થ બદલે.


સંગીતનું ખાસ મહત્વ છે. દા.ત. પાંચ મિનિટનું નૃત્ય, પછી ધડાકો અને ઓચિંતાં પાત્રો પાંદડાની જેમ ખરે.


માત્ર સંવાદ એ જ નાટક નથી. એની શૈલી, ભાર મુકાવો, શબ્દો વ. જરૂરી છે પણ સંવાદ વગર પણ નાટક હોઈ શકે અને એ ઘણું કહી શકે. દા. ત. પુષ્પક ફિલ્મ, જૂની યાદે ફિલ્મ કે શોલેમાં જયા ભાદુરીના સીન.


નાટક સફળ થવા સ્ક્રીપ્ટ કોઈ સમયગાળામાં નાની પરંતુ ખાસ ઘટના પર હોઈ શકે. જેમ કે અમિતાભના અકસ્માત બાદ છેલ્લી ઘડીઓ ગણાઇ રહી લાગે છે ને ખુદ વડાપ્રધાન ખબર પૂછતો ફોન કરે છે. કે ભૂકંપમાં તબાહી મચ્યા પછી તુરતનો કોઈનો વિતકનો સીન.


કઈં જ ન બને તેવું પણ નાટક હોય જેમ કે સરનામાં કે નામ વગરનો માણસ જે પોતે કોણ છે તે ભૂલી ગયો છે.


કઈંક ચોક્કસ સંદેશ આપવા આવી ટેકનીક વાપરી શકાય.


કંઈક બનશે, હમણાં જ બનશે.. ક્યારે બનશે તેની ઇંતેજારી અને રાહ જોવડાવતું નાટક. સમયસર આવવાનું એનાઉન્સ થયા બાદ મોડી પડતી, વધુ મોડી પડતી અને કેન્સલ થતી ટ્રેન માટે પેસેન્જરોના પ્રતિભાવો, એ વખતના સ્ટેશનના સીન.


આવું જ એક નાટક waiting for godos સેમ્યુઅલ બ્રેકેટ નું જરૂર વાંચવું. તેનું ભારતીય સંસ્કરણ નસરુદ્દીન શાહે પણ ભજવ્યું છે.


કૌંસમાં લખેલું જે પાત્રોએ બોલવાનું નથી પણ ક્રિયાઓ છે. ક્યારેક કૌંસમાં લખેલું સંવાદથી વધુ મહત્વનું બની જાય છે. જેમ કે પાત્ર સ્ટેજપર બુટ કાઢે, આમતેમ ફેરવે, સુંઘે.. અને..


ડબલ કેરેક્ટર કે વર્ણન દેખાડવા એક પ્રયોગ- પાત્ર એક બાજુ અર્ધા રંગ નું બીજી બાજુ બીજા રંગનું શર્ટ પહેરે. નીચે પેન્ટ સામી બાજુના શર્ટના રંગની એક બાંય જેમ કે ઉપર અર્ધું સફેદ અર્ધું બ્લ્યૂ તો નીચે સફેદ નીચે બ્લ્યુ બાંય, બ્લુ નીચે સફેદ. અર્ધા ભાગ પર જ લાઈટનું ફોકસ જે બેય વ્યક્તિત્વ વારાફરતી બતાવે.


બે મિનિટના મૌન દરમ્યાન કોઈ સાવ સ્ટેચ્યુ નથી. તો એમના ભાવ અને ઉપરથી મૃતાત્મા આ જોઈ વિચારે એ સંવાદ. એક સ્ક્રિપ્ટ.


વેરાન ઝાડ નીચે રાહ જોતો વૃદ્ધ અને પછી ઝાડને બે પાંદડી ફુટેલી બતાવવી.. આશાનો સંચાર. આમ સિમ્બોલ.


કઈંજ બને નહીં સામે બધું ઝડપથી બને જેમ કે ખુન થયા પછીની તુરતની ક્ષણો. લાઈટ રંગોમાં ગોળ ફરે છે.



હીચકોકનાં નાટકોમાં અને રામલીલામાં હવે શું થશે તે પ્રેક્ષકોને ખબર છે પણ પાત્રો પોતાને ખબર ન હોય તેમ વર્તે છે. એના સંવાદો માં જ મઝા છે.


સસ્પેન્સ નાટકોમાં પહેલો સીન અંત જેટલો જ અગત્યનો હોય છે.


નાટક તેમજ વાર્તાને શરૂ, મધ્ય, અંત હોય અને ક્લાઈમેક્સ પણ હોય. મેચની જેમ છેલ્લા બોલે વિકેટ કે સિક્સર બાજી પલટી નાખે તેવી સ્ક્રિપ્ટ સસ્પેન્સ નાટકોમાં હોય છે.


પિરામિડ ની.જેમ સ્ક્રિપ્ટ શરૂ થઈ ધ્યાન ખેંચે, રસ જગાવે વિસ્તાર પામે અને વિરમે.


લેખન અને ત્રીઅંકી નાટ્યલેખાન બંનેમાં દરેક ઘટનાને ડાળી ફૂટે, પાંદડાંઓ ફૂટે એન ઘટના માંથી ઘટના પ્રગટે.



રંગમંચના કાલ્પનિક 9 ભાગ હોય છે. ડાઉન સ્ટેજ, અપ સ્ટેજ, મિડલ સ્ટેજ.સહુથી મહત્વનીવસ્તુ ડાબે આગળ હોય. બળાત્કાર,હિંસક ઘટના કે નેગેટિવ વસ્તુ ડાઉનસ્ટેજમાં જમણે બતાવાય.


સેન્ટર સેન્ટર સ્ટેજ. મીડલનું પણ સેન્ટર એટલે સહુનું ધ્યાન ફોકસ કરતું. જેમ કે શિક્ષક, મેયર. અહીં કઈંક ફોકસ સાથે બોલી કે કરી મુખ્ય પાત્ર આગળ અપ સ્ટેજમાં આવી જાય.


ફ્લેશબેક ઘટનાઓમાં પાછળનું સ્ટેજ ડેકોરેશન, ડાઉન સ્ટેજ નો કરટેઇન બદલાય જે સૂચવે કે આ પહેલાની ઘટના અને આ પછીની. એ સાથે લાઈટ ફેકેડ અને ફરી બ્રાઇટ થાય.


એક જ લોકેશનના દ્રશ્યો એક સાથે જ લખો. પછી જ જોડો.


ભજવી શકાય તેવા દ્રશ્યો જ લખો, સ્ટેજની કલ્પના કરો. જેમ કે વાર્તા કોઈને ગરીબ થી પૈસાદાર કે વૃદ્ધ નો યુવાનીનો ભૂતકાળ બતાવે છે. તુરત મેકઅપ ચેન્જ થઈ શકશે? વચ્ચે બીજું દ્રશ્ય રાખવું પડશેને? 20 વર્ષ પહેલાંનું ઘર અને આજનું ઘર એ બે નો સેટ, ફર્નિચર, પહેરવેશ એક તો ન જ હોઈ શકે ને?


હેલ્મેટને લગતી એક સ્ક્રિપ્ટમાં બાઇક સ્ટેજપર અથડાવાનો સીન કેવી રીતે બતાવી શકાય? અવાજો અને સિમ્બોલ વાપરવા પડે ને?



તમારી વાર્તામાંથી which to suggest, which to screen, which to avoid એ ત્રણેય પરિબળો વિચારી લેવાં.


જેવું બીજ એવું વૃક્ષ. આરંભ એ બીજ, અંત એ ફલારોપણ. તેથી પહેલાં design, paper work, map and flow visualise કરી પછી જ નાટક લખો.


*********************


ફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટિંગ : જુઈ શેખર


કોઈ પણ લેખન પ્રકાર- વાર્તા, નાટક, કાવ્ય, માઇક્રો ફિક્શન.. દરેકને એક premise હોય છે. એટલે કે આ કૃતિ દ્વારા તમે શું કહેવા માંગો છો, તેનું મુખ્ય થીમ (મધ્યવર્તી વિચાર) શો છે, તે શા માટે લખાય છે,તેનો સ્થળ,કાળ અને તેની અસર ,impact.


બીજી અગત્યની વસ્તુ montaj. જેમ એક માણસના અલગ અલગ ઘટનાઓને લગતા ફોટાઓને કોલાજ કહેવાય તેમ અલગ અલગ ઘટનાઓનું એક કરવું montaj. એક છોકરીએ એક છોકરાને થપ્પડ મારી. સ્ટાર્ટ. પછી એક દિવસ પછી, મહિના, વર્ષ પછી, 18 વર્ષ પછી શું થયું? તે ઘટનાક્રમ.


Premise ને ઘણી વખત conflict હોય છે. Conflict with premise એટલે બીજું premise. વાત આગળ ત્યાં સુધી ન વધે જ્યાં સુધી પાત્ર કોઈ સમસ્યામાં ફસાઈને બહાર નીકળવાનો રસ્તો ન શોધે. તેના પ્રયત્નો, એમાંથી ઉત્પન્ન થતી ઘટનાઓ, એમાં આવતી સફલતા નિષ્ફળતાઓ એટલે sub premise, sub conflicts, solutions વાત આગળ વધારતો પ્રવાહ બનાવે.


જ્યાં સુધી કથાનાયક (protagonist)કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં ન જાય ત્યાં સુધી conflict પેદા થતો નથી. આ conflict with premise જ વાર્તા આગળ વધારે છે.


તેનું વધવું, વકરવું, વધુ ને વધુ સમસ્યાઓ સર્જવી, વિઘ્નો આવવાં તેનું નિરાકરણ, તેનું સોલ્યુશન, હવે વધુ મોટું પ્રોબ્લેમ, વધુ અટપટું સોલ્યુશન.. આ ક્રમ વાર્તા કે સ્ક્રિપ્ટને રસપ્રદ બનાવે છે.


પાત્રોની અંગભંગી (body language), ચહેરાના હાવભાવ અને તેની સાથે મેચ થતા દ્રશ્યો યોગ્ય visuals બનાવે છે જે પ્રેક્ષકોને કંટાળીને બહાર ભાગી જતા અટકાવે છે. મનથી પણ કથાવસ્તુ સાથે જોડાયેલા રહે છે.


સ્ક્રિપ્ટમાં પાત્રોનું ફૂટવર્ક એટલે કે ચાલ, શારીરિક વર્તણુક (બોડી લેન્ગવેજ) ખૂબ અગત્યની છે અને એ એકશનો વિગતે લખવાં જ પડે. જેમ કે બારણું ધીમેથી ખોલી પાત્ર ધીમેથી પગ પર પગ ચડાવી બેસે કે બારણું ધમ્મ કરતું પછાડી ખુલે અને દોડીને બેસે.


કઈ ખાસ પરિસ્થિતિમાં પાત્ર કેવી રીતે વર્તશે એ એકશન અને આસપાસની વસ્તુઓ, પાત્રો, તેના ઉપર અસર.. આ બધું મળી એક દૃશ્યની ફ્રેમ બની કહેવાય અને એ ફ્રેમમાં કરેલું ઍક્શન એટલે જ એક્ટિંગ.


સ્ક્રિપ્ટની દરેક ફ્રેમની પ્રેક્ષકને કેવી અનુભૂતિ થશે એ પ્રેક્ષકના એંડ થી જોઈ વિચારી દ્રશ્ય લખવું. દૃશ્યની લાઈન ખેંચી પ્રેક્ષકના મન સુધીનો નકશો, road map બનાવવો જેને crafting a script કહે છે.


કોઈ પણ વાર્તા, કવિતા, નાટક, ફિલ્મ સ્ક્રિપ્ટ માં મૂળ premise થી ભટકવું ન જોઈએ. મૂળ મુદ્દો હાઇલાઇટ થવો જોઈએ, સમજાવો જોઈએ.


સ્ક્રિપ્ટનો આઈડિયા કે કથાબીજ ગમે તે સ્વરૂપે, ગમે તે સમયે આવી શકે છે અને કાંઇ પણ હોઈ શકે છે. તેને તોડી, કઈંક જોડી, craft કરી વાર્તા કે સ્ક્રિપ્ટ મળે.


આઈડિયા એટલે વાર્તાનો ગર્ભ. શૂન્યમાંથી પેદા થઈ વિશાળ સ્વરૂપ, લખનારને હાથે માવજત લઈ આકાર પામે.


હું શેના વિશે લખું છું? મારે શું કહેવું છે? શા માટે.. ખાલી મનોરંજન, કોઈ ઉદ્દેશ, કોઈ ચેતવણી, શિક્ષણ.. અને એ મુજબ પાત્ર અને સિચ્યુએશન ગોતી build કરવી પડે.


નીચેના અંગ્રેજીમાં લખેલા પ્રશ્નોનું હોમવર્ક કરવું પડે.


Who is he?


What he wants or you want him to do?


How he does it (action)


What are the problems in his way and how he solves




ટ્રાનસ્ફોર્મેશન એટલે એવી ટેકનિક જેમાં પાત્રનું તુરત બીજું રૂપાંતર થાય. જેમ કે દોડતો બાળક બીજી ફ્રેમમાં દોડતો પુખ્ત બને.અથવા સંઘર્ષ કરતો ગરીબ કાર લૂછતો હોય અને બીજી ફ્રેમમાં વૈભવી કારનું બારણું ખોલી સ્ટાઈલથી ઉતરતો વૈભવી બને. ભૂતકાળ અને પછીની ઘટનાઓ જોડવા આ વપરાય છે પરંતુ હવે તેમાં પણ નવી ટેકનિકો આવી ગઈ છે.


સ્ક્રિપ્ટ બનાવ્યા પછી કેવી રીતે અને ક્યાં તેનો અંત લાવવો એ કળા માંગી લે છે. ક્લાઈમેક્સ પછી પ્રેક્ષકોના દિલ દિમાગ પર તે છવાઈ રહેવું જોઈએ.


બહુ સિરિયસ સીન બાદ એક નાનો હળવો સીન મુકવાની પ્રથા છે. શોલે માં ખુન બાદ અસરણીનો અંગ્રેજ કે જમાને કે જેલર વાળો સીન યાદ છે?


કોઈ આઈડિયાને protagonist એટલે કથાનાયક પર થોપતાં પહેલાં તેની સમગ્ર અસર આખી સ્ક્રિપ્ટ પર શું થશે તે ફ્રેમ બાય ફ્રેમ વિચારી લખવું પડે છે.


સીન ને સીન હેડિંગ અને સીન ડિસ્ક્રીપશન હોય છે.


લેખક વાર્તાની જેમ પ્રેક્ષકોની નજરે ચડે એવું શીર્ષક ગોતે છે અને ટૂંક વર્ણન લખે છે. પ્રોડ્યુસર “પ્રોડક્શન નં 21” તેમ જ યાદ રાખે છે.


તે આવી રીતે લખે છે


મનુ


હેલો કેમ છો


કનું


મઝામાં.


ઉપર પાત્રનું નામ, નીચે સંવાદ.


1 પાના નો સીન એક મિનિટમાં ભજવાય છે.


વધુ વાંચન માટે mopsight.com જોઈ જવી.


આ સાથે બે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી જેના આધારે ચર્ચા થઈ.


એક મરાઠી ફિલ્મમાં આર્થિક નિસહાય માતા ઘંટી ખરીદે અને ત્રીજે માળે આવેલાં રૂમ રસોડાના ઘરમાં ચડાવી લોટ દળવાનો વ્યવસાય કરે છે. તેનો દસ વર્ષનો પુત્ર ન છૂટકે લોકોને ઘેર ડબ્બા આપવા લેવા અને મા કામ કરતી હોય ત્યારે દળવાનું કામ કરે છે. તેનું રમવાનું તો બંધ થઈ જાય છે, ડબ્બા ઉપાડી ચાલીમાંથી પસાર થાય ત્યારે મશ્કરીઓ થાય છે. અતિ ઘરઘરાટમાં તે સુઈ કે ભણી શકતો નથી. તે સ્કૂલમાં રિસેશમાં સુઈ જાય ત્યારે તેની ચોપડીઓ છોકરાઓ ઊલાળી તેમાંથી ઉડતા લોટ માટે મશ્કરીઓ કરે છે. લેસન અધૂરું લાવવા બાદલ તેને અંગુઠા પકડી બહાર ઉભો રખાય છે.પ્રિન્સિપાલ ખાલી કેમ ઉભો છે એ જ પૂછે છે, એને તેના દુઃખની કાંઇ પડી નથી. આખરે એવું બધું બને છે કે સમજુ છોકરો પણ તેની ઘંટી જેમતેમ ઊંચકી 3જે માળથી નીચે ફેંકી તોડી નાખે છે ત્યાં જ મા અંતિમ હપ્તો ભરી હવે પોતે દેવામુક્ત બની એટલે મીઠાઈ લઈ ઉપર આવે છે, મા દીકરો એક બીજા સામું જોઈ રહે છે.


બીજી 1965 ફિલ્મમાં એક ગોરી સ્ત્રી દોડતી ટ્રેન પકડવા જતાં એક બ્લેક સાથે અથડાય છે. ટ્રેન ચુકી જતાં રેસ્ટોરાંમાં ખાવાનો ઓર્ડર આપી હાથ ધોવા જઈ પાછી આવતાં તેની ડીશ કોઈ બ્લેક ખાતો જુએ છે. તે ડીશ ખેંચે છે પણ કાંઈ વળતું નથી એટલે પેલો ચમચી ઉઠાવે એટલે પોતે ચમચી ભરે. પેલો છેલ્લો કોળિયો જવા દઈ તેને ખાવા દે છે અને બંને માટે કોફી લઈ આવે છે. સ્ત્રી પ્લેટફોર્મપર ટ્રેન પકડવામાં જ હોય છે ત્યાં યાદ આવે છે, ખરીદી તો ભૂલી ગઈ એટલે ફરી રેસ્ટોરાંમાં જાય છે. એ હાથ ધોઈ બીજી સીટ પર જતી રહેલી, તેની ઠંડી પડેલી ડીશ એમ જ હોય છે, ખરીદીઓ પણ. પેલો બ્લેક તો પોતાની જ ડીશ ખાતો હતો જે તેણે ઝુંટવેલી. પેલો દેખાતો નથી. તે ટ્રેનમાં ચડે છે અને પેલો ખાતો બ્લેક હવે ડબ્બો ખખડાવી દાન માંગતો હોય છે. તેણે એક ભિખારીની ડીશ ઝુંટવી તેનામાંથી ખાધેલું.


બંને શોર્ટ ફિલ્મના સંવાદો સિવાયના દ્રશ્યો ઘણું કહી જાય છે.


****************


બ્લોગ રાઇટિંગ: મિતેષ સંઘવી


ઓનલાઈન વર્ડપ્રેસ પર બ્લોગ બનાવતાં શીખવવામાં આવ્યું. બ્લોગની ડિઝાઇન, નામ, ચિત્ર તેના હેતુને અનુરૂપ હોવું જોઈએ. Wordoress.com સાથે સામાન્ય લોકોને કોઈ આર્થિક લાભ વિના શેર કરતા હો તો wordoress.org માં બ્લોગ કરી શકો છો.


બ્લોગ રસમય બને એટલા માટે કેવું લખાણ, કેવા ચિત્રો અને કેવાં એનિમેશન કે વોઇસ ઉમેરી શકાય તેના લાઈવ દ્રષ્ટાંતો આપ્યાં.


બ્લોગનું મેઈન પેઈજ જેમાં પેઇજ, બ્લોગપોસ્ટ વ. શું છે તે સમજાવ્યું. પેઈજ એટલે સંબંધિત માહિતી, પુસ્તક કહી શકો અને બ્લોગપોસ્ટ ઍટલે એ ચોપડીમાંનું લખાણ.


આ લખાણ આકર્ષક બનાવવા હેડિંગ, તેની સાઈઝ, અલગ અલગ ફોન્ટ, ચિત્રો મુકવાનું બતાવ્યું.


ગુગલ ઈંડિક કીબોર્ડથી જ વોઇસ દ્વારા પણ ટાઈપ થઈ શકે તેનું નિદર્શન કર્યું. મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટમાં કેવા વ્યુ દેખાશે અને એ પ્રિવ્યુ કેવી રીતે જોવાય એ બતાવ્યું.


સર્ચ એન્જીન દ્વારા લોકો તમારો બ્લોગ જુએ તે માટે યોગ્ય કી વર્ડ પસંદ કરવાનું બતાવ્યું.


વિવિધ ક્ષેત્રોના પુરવાર થયેલ કુશળ બ્લોગર્સ ને પણ સ્ટેજ પર બોલાવ્યા.


શ્રી. અધીર અમદાવાદી, પ્રો. દેવાંશુ પંડિતે પોતાનો હાસ્ય બ્લોગ બતાવી પ્રોફાઈલ પિક્ચર ભુંકતું ગધેડું બતાવ્યું. તે સમજાવ્યું કે બ્લોગ ક્યા વર્ગને શું વંચાવવા માટે છે એ બન્ને વસ્તુઓ તેના વિષયો અને લખાણ પર આધાર રાખે છે. હા, વાર્તા કરતાં વેબ રાઇટિંગની સ્ટાઇલ અને કન્ટેન્ટ અલગ પડે. અહીં વાક્ય રચના ટૂંકી ને ટચ વધુ અપીલ કરે. તમારા શબ્દો બ્લોગ ઓડિયન્સને ગમવા જોઈએ.


શ્રી કુણાલ મહેતા એ કોર્પોરેટ બ્લોગ ની ચર્ચા કરી. અહીં ગ્રાફ અને કંપનીની પ્રોડક્ટ, ગ્રાહકોને બીજા કરતાં અહીં શું વધુ મળશે તે હાઇલાઇટ કરવાનું બતાવ્યું.


શ્રી સત્યમ ગઢવીએ biting bowl નામે ફૂડ બ્લોગ બતાવ્યો. ઉપર આકર્ષક વાનગીઓના ફોટા ક્યાં મળે તેની માહિતી અને ખાસ તો આવું નામ ફૂડ બ્લોગ છે એ તુરત ખ્યાલ આવે તેવું છે એ દર્શાવ્યું.


શ્રી પુલકિત ત્રિવેદી એ ઇવેન્ટ બ્લોગ શું છે એ બતાવ્યું. તમારા ઘરનો પ્રસંગ નહીં પણ વિવિધ પ્રસંગે જરૂર પડતી વસ્તુઓની માહિતી. આ પ્રકારના બ્લોગમાં કમાણી પણ સારી એવી થાય છે એ કહ્યું.


જીગ્નેશ ગોહેલએ ટ્રાવેલ બ્લોગની જાણકારી આપી.


બ્લોગ કર્યા પછી તેને સોશીયલ મીડિયા સાથે શેર કરી જોડવો પડે. લોકોના ફીડબેક ખૂબ જરૂરી છે. તે વાંચી અમલ કરવો.


આમ સાહિત્યના વિવિધ લેખન પ્રકારો પર ની શિબિર ગાગરમાં સાગર બની રહી.


-સુનિલ અંજારીયા

Re written

24.12.19